કહાન, લુઇ (જ. 20 ફેબ્રુઆરી 1901, ઑસેલ ટાપુ, ઇસ્ટોનિયા, રશિયા; અ. 17 માર્ચ 1974, ન્યૂયૉર્ક સીટી) : જગવિખ્યાત વાસ્તુશાસ્ત્રી. તે 1920થી 1924 દરમિયાન અમેરિકાની પેન્સિલવૅનિયા યુનિવર્સિટીમાં વાસ્તુવિદ્યા ભણ્યા. ત્યારબાદ યુરોપના ઘણા દેશોમાં પ્રવાસ કરી તેમણે સ્થાપત્યનો પ્રત્યક્ષ અનુભવ અને અભ્યાસ કર્યો. 1937માં તેમણે ફિલાડેલ્ફિયામાં પોતાની ઑફિસ શરૂ કરી ત્યારે જ્યૉર્જ હો તથા ઑસ્કર સ્ટૉનોરૉવ તેમના ભાગીદાર હતા.
તે સમર્થ અધ્યાપક પણ હતા. તેમણે એમ.આઇ.ટી., યેલ તથા પેન્સિલવૅનિયા યુનિવર્સિટીમાં લાંબો વખત સુધી અધ્યાપક તરીકે સેવા આપી હતી. એમના ઘણા વિદ્યાર્થીઓ પ્રખર વાસ્તુશાસ્ત્રીઓ બન્યા છે.
શરૂઆતમાં તેમણે કરેલી મકાનોની ડિઝાઇનમાં બકમિન્સ્ટર ફુલરની શૈલીનો આભાસ થાય છે. ફિલાડેલ્ફિયાના સિટી સેન્ટરની રચના આ શૈલીમાં થયેલી છે. 1951માં કરેલી યેલ આર્ટ ગૅલરીમાંની છતની રચના ખાસ નોંધપાત્ર છે. તેમાં મજબૂતી માટે ત્રિકોણની ભૌમિતિકતાનો ઉપયોગ કરાયો છે. અહીંથી એમનો ભૂમિતિ માટેનો રસ દૃષ્ટિગોચર થાય છે. ફિલાડેલ્ફિયા(1957-61)માં થયેલા રિચાર્ડ મેડિકલ સેન્ટરની રચનામાં તેમણે મુખ્ય સ્પેસ અને સર્વિસ સ્પેસને જુદી પાડવાનો વિચાર પ્રગટ કર્યો; એમાં વૈજ્ઞાનિકોને કામ કરવાની જગ્યાને કાચ વડે અલગ પાડવામાં આવી હતી. અવરજવર તથા પાઇપ મૂકવાની જગ્યાને ત્યાં ચણી દેવાઈ છે. એ જ સિદ્ધાંત ઉપર કૅલિફૉર્નિયામાં સૉક ઇન્સ્ટિટ્યૂટ સ્થાપ્યું. તેમણે તૈયાર કરેલી મુખ્ય ઇમારતો બિનમોર હૉસ્ટેલ, કિમ્બેલ આર્ટ મ્યુઝિયમ, ઍકસીટ લાઇબ્રેરી, જ્યૂસ મેમૉરિયલ વગેરે છે.
અમદાવાદમાં થયેલું ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ મૅનેજમેન્ટ તથા ઢાકાનું ગવર્નમેન્ટ સેન્ટર તેમની કલાના રમણીય નમૂના છે. તેમાં મકાનો વચ્ચેની સુસંગતતા, મોહકતા તથા મકાનોના ખાસ વ્યક્તિત્વનો સમાવેશ થાય છે.
લુઇ કહાને પોતાના કામની સાથે સાથે સ્થાપત્યની શૈલી તથા દિશા બદલી છે. આંતરરાષ્ટ્રીય શૈલી બાદ ઘણી જગ્યાઓએ ‘કહાનિયન’ શૈલીનો પણ પ્રચાર થયો હતો. 1960 પછીના ચાર દાયકામાં અમેરિકા તથા યુરોપમાં તેમણે સમર્થ સ્થપતિ તરીકે વિશિષ્ટ સ્થાન જાળવ્યું હતું. મકાનોની રચનામાં પ્રકાશનો ખાસ ફાળો છે તેમ તે માનતા. મકાનની અંદર તેને કેવી રીતે અને કેટલા પ્રમાણમાં લાવવો તે માટેનું ઊંડું અધ્યયન તેમણે કર્યું હતું. ઇમારતનું આયોજન કરતી વખતે તે તેના દરેક અંગમાં એક પ્રકારની કવિતા ભરી દેતા. તેને કારણે તેમનાં બધાં મકાનો ફક્ત બાંધકામ જ નહિ, પરંતુ સ્થાપત્યની કલાસ્મૃતિરૂપ બની ગયેલ છે. તેમની દરેક સ્થાપત્યરચના અલાયદું વ્યક્તિત્વ ધરાવે છે.
તે એક ઉચ્ચકક્ષાના તત્વજ્ઞ અને ચિંતનશીલ લેખક હતા. તેમની સ્થાપત્યરચનાઓ શિસ્તમાંથી જન્મેલી સાદાઈ તથા ઉમદા વિચારો અંતર્ગત લાગણીના પ્રેરક ગણાય.
મીનાક્ષી જૈન