કસાત, મૅરી (જ. 22 મે 1844, એલેઘેની, પેન્સિલવૅનિયા, અમેરિકા; અ. 14 જૂન 1926, ફ્રાન્સ) : અમેરિકન ચિત્રકાર અને પ્રિન્ટમેકર. પિતા રૉબર્ટ ધનિક બૅન્કર, માતા કેથરાઇન. મૅરી સાત વર્ષની હતી ત્યારે તેનું કુટુંબ બાળકોને યુરોપિયન શિક્ષણ આપવા પૅરિસમાં રહેવા આવ્યું. લગભગ વીસ વર્ષની વયે મૅરીએ ચિત્રકારની કારકિર્દી અપનાવવાનો નિશ્ર્ચય જાહેર કર્યો ત્યારે પિતાને આઘાત પહોંચ્યો; પરંતુ ર્દઢ મનોબળવાળી મૅરીએ પિતાને સમજાવી અમેરિકામાં પેન્સિલવૅનિયા એકૅડેમી ઑવ્ ફાઇન આર્ટ્સમાં પ્રવેશ મેળવ્યો. આ શાળામાં તેને યોગ્ય શિક્ષણ મળશે નહિ એવું લાગતાં તે 1896માં તેની માતા સાથે પૅરિસ ગઈ. પછી ઇટાલીમાં પાર્મા શહેરમાં ચિત્રકાર ફોરેજિયો અને તે પછી સ્પેનમાં વેલાઝકેઝ અને રુબેન્સ જેવા ચિત્રકારોની કૃતિઓની પ્રેરણા ઝીલી. તેણે 1872માં ‘ઑન ધ બાલ્કની’ નામનું ચિત્ર પૅરિસના એક સૅલાંમાં પ્રદર્શિત કરવા મોકલ્યું અને તે સ્વીકારાયું. તે પછી એ સૅલાંમાં તેનાં ચિત્રો બે વર્ષ સુધી પ્રદર્શિત થયાં. 1874માં પૅરિસમાં ફ્રેંચ ઇમ્પ્રેશનિસ્ટ ચિત્રકારોની કૃતિઓનું પ્રદર્શન યોજાયું અને મૅરીને તે ખૂબ પસંદ પડ્યું. તેણે એડગર દેગાસનાં ચિત્રો જોયાં અને ખરીદ્યાં. 33 વર્ષની વયે તે દેગાસને રૂબરૂ મળી અને તેની સાથે મિત્ર તરીકે કામ કરવા લાગી. દેગાસને તેનું ચિત્ર ‘બ્લૂ સોફા’ ખૂબ ગમ્યું. પોતાનું એક ચિત્ર તેણે મૅરીને ભેટ આપ્યું. 1879માં મૅરીનાં ચિત્રો ઇમ્પ્રેશનવાદીઓનાં ચિત્રો સાથે પ્રદર્શિત થયાં. ‘એ કપ ઑવ્ ટી’ અને ‘લા લૉજ’ જેવાં તેનાં ચિત્રો તાજગીભર્યાં અને જીવંત હતાં. મહાન લેખક એમિલ ઝોલાએ તેની પ્રશંસા કરી. હવે તેની ગણના મહાન ઇમ્પ્રેશનિસ્ટ કલાકારોની હરોળમાં થવા લાગી. ‘માતા અને બાળક’નાં ચિત્રો આલેખવાનું તેને ખૂબ ગમતું. તે પછી તેણે જાપાની રંગીન એચિંગ કરવા માંડ્યાં અને તેમાં પ્રાવીણ્ય મેળવ્યું. 1881માં તેનાં ચાર તૈલચિત્રો અને ‘માતા અને બાળક’નાં દસ રંગીન એચિંગનું પ્રદર્શન યોજાયું અને તે ફ્રાંસનાં સ્ત્રી-કલાકારોમાં અગ્રગણ્ય સ્થાન પામી. 1904માં ‘આર્ટ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ શિકાગો’એ તેને આમંત્રણ આપ્યું અને 1914માં પેન્સિલવૅનિયા એકૅડેમી ઑવ્ ફાઇન આર્ટ્સે તેને પારિતોષિક અર્પ્યું. હવે તેને અમેરિકામાં પ્રસિદ્ધિ સાંપડી. લગભગ અંધાવસ્થામાં તે અવસાન પામી.
કૃષ્ણવદન જેટલી