કલાકેન્દ્ર, સૂરત (સ્થાપના 1955) : નાટ્ય, નૃત્ય, સંગીત, સાહિત્ય અને ચિત્રકલાના ક્ષેત્રે નવતર વૈવિધ્યભર્યું કામ કરતી સૂરતની સંસ્થા. તેની સાથે જાણીતા નાટ્યકાર અને અનુવાદક વજુભાઈ ટાંક, જાણીતા પત્રકાર ચન્દ્રકાન્ત પુરોહિત અને પોપટલાલ વ્યાસ સંકળાયેલા રહ્યા છે. આ સંસ્થા દ્વારા થયેલા મહત્વના નાટ્યપ્રયોગોમાં ‘ભાભી’, ‘બ્રહ્મા – વિષ્ણુ – મહેશ’, ‘વળામણાં’, ‘કંથારનાં છોરું’, ‘રક્તરંગી સૂર્યાસ્ત’ અને ‘નગરનંદિની’ વગેરે મહત્વના છે. વજુભાઈ ટાંક, ભગવતીકુમાર શર્મા વગેરે લેખકોનાં મૌલિક તેમજ અનૂદિત નાટકોની રજૂઆત કલાકેન્દ્રે કરી છે. યુવાન દિગ્દર્શક કપિલદેવ શુક્લે પણ અનેક નાટકો આ સંસ્થા માટે તૈયાર કર્યાં છે. વ્યાખ્યાનો, પરિસંવાદો અને કવિ-સંમેલનો વગેરે યોજીને પણ સૂરતના સાંસ્કૃતિક જીવનમાં કલાકેન્દ્રે ફાળો આપ્યો છે.
હસમુખ બારાડી