કર્પૂરરસ : આયુર્વેદિક રસૌષધિ. (ભૈષજ્ય રત્નાવલિ; ર. તં. સા. અને સિ. પ્ર. સં.) કપૂર, શુદ્ધ હિંગળોક, શુદ્ધ અફીણ, નાગરમોથ, ઇંદ્રજવ અને જાયફળને સરખે ભાગે લઈ, તેનું ચૂર્ણ કરી, ખરલમાં નાંખી, તેના આદુંનો રસ નાંખી, 3 કલાક ખરલ કરીને, તેની 1-1 રતી(121 મિગ્રા.)ની ગોળીઓ વાળી લેવામાં આવે છે. નાનાં બાળકોને અર્ધીથી 1, મોટાંને 1થી 2 ગોળી પાણી કે છાશ સાથે અપાય છે. ઝાડા, મરડો, સંગ્રહણી અને જ્વરાતિસારની આ રસ-ઔષધિ આયુર્વેદની ખૂબ જ અકસીર અને વૈદ્યોની પસંદગીની ઔષધિ છે. જ્યારે અન્ય ઔષધિઓથી લાભ નથી થતો, ત્યારે છેવટની ઉત્તમ ઔષધિ રૂપે આનો પ્રયોગ થાય છે. આ રસૌષધિ તાવ સાથેના ઝાડા, સાદા કે ગરમીના ઝાડા, છ પ્રકારની સંગ્રહણી અને બળવાન રક્તાતિસાર રોગમાં દોષાનુસાર યોગ્ય અનુપાનથી આ દવા આપવાથી તે રોગો જલદી મટે છે. કૉલેરામાં દૂષિત મળ નીકળી ગયા પછી દર બે કલાકે આ દવા આપવાથી ઝાડા અને ઊલટી બંને મટે છે.
પિત્તાતિસારમાં જ્યારે ઝાડા સાથે તાવ, દાહ, તૃષા, ચક્કર જેવાં લક્ષણો હોય અને મળ પીળો, લીલો કે ગુલાબી રંગનો હોય, ત્યારે આ રસ સારો લાભ કરે છે. બીજા અતિસારમાં આ રસ વધુ લાભપ્રદ નથી. કફજન્ય સિવાયની વાતજન્ય કે પિત્તજન્ય સંગ્રહણીમાં આ રસ વધુ લાભપ્રદ છે. રક્તાતિસારમાં આ ઔષધિ ન અપાય.
પિત્તપ્રધાન સંગ્રહણીમાં – ઝાડો જ્યારે પીળો, ગંધાતો કે લોહીવાળો થતો હોય, દર્દ વધુ ન થતું હોય કે દર્દીને કરાંઝવું ન પડતું હોય પણ પેટમાં દાહ, શૌચ વખતે કે શૌચ પછી ગુદામાં દાહ, ગુદ પાક, આખા શરીરમાં દાહ, અરુચિ, તૃષા જેવાં લક્ષણો હોય ત્યારે કર્પૂરરસ વધુ સારો લાભપ્રદ બને છે.
આ દવામાં અફીણ અને જાયફળ બહુ સ્તંભન કરે છે. તેથી આ દવા ઝાડા અને સંગ્રહણીની આમ (કાચી) અવસ્થામાં ન વાપરતાં, માત્ર પક્વ કે જીર્ણ સ્થિતિમાં વાપરવી ઇષ્ટ. એ જ રીતે નવા રક્તાતિસારમાં પણ શરૂઆતમાં આ દવા ન અપાય એ ઇષ્ટ છે.
બળદેવપ્રસાદ પનારા