કર્નાલ (Karnal) : હરિયાણા રાજ્યમાં આવેલો જિલ્લો, તાલુકો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક-તાલુકામથક. ભૌગોલિક સ્થાન : તે 29o 09′ 50”થી 29o 59′ ઉ. અ. અને 76o 31′ 15”થી 77o 12′ 45” પૂ. રે. વચ્ચેનો 2,538 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે અને વાયવ્યમાં કુરુક્ષેત્ર જિલ્લો, પશ્ચિમ તરફ કૈથલ જિલ્લો, દક્ષિણે પાણીપત જિલ્લો, પૂર્વ તરફ જિલ્લા સરહદ રચતી યમુના નદી અને તેની પેલી પાર ઉત્તરપ્રદેશના સહરાનપુર, મુઝફ્ફરનગર અને મેરઠ જિલ્લા આવેલા છે. જિલ્લામથક જિલ્લાની લગભગ મધ્યમાં આવેલું છે.
ભૂપૃષ્ઠજળપરિવાહ : જિલ્લાનું ભૂપૃષ્ઠ ઈશાન તરફથી દક્ષિણ અને નૈર્ઋત્ય તરફ ઢળતા સમતળ મેદાની પ્રદેશથી બનેલું છે; યમુનાના નવા કાંપથી બનેલા, પૂરનાં મેદાનથી છવાયેલા ખદર પ્રદેશનો તથા જૂના કાંપના ભાંગર પ્રદેશનો પણ મુખ્ય મેદાની પ્રદેશમાં સમાવેશ થઈ જાય છે. ભાંગરથી બનેલા કાંપમાં ઊંડાઈએ કંકર-રચના રહેલી છે.
જિલ્લાની પૂર્વ સરહદ રચતી યમુના નદી અહીંની મુખ્ય નદી છે. જિલ્લામાં નહેરોની ઘણી સારી ગૂંથણી છે.
ખેતી-પશુપાલન : જિલ્લાનું અર્થતંત્ર મુખ્યત્વે ખેતી અને ખેતીની પેદાશો પર આધારિત છે. ઘઉં, ડાંગર અને શેરડી અહીંના મુખ્ય કૃષિપાકો છે. મોટાભાગની સિંચાઈ નળકૂપ(ટ્યૂબવેલ)થી થાય છે. ગાય, ભેંસ, ઘેટાં, બકરાં અને ડુક્કર અહીંનાં મુખ્ય પશુઓ છે.
ઉદ્યોગ–વેપાર : જિલ્લાના ઉદ્યોગો અને એકમો ખેતી અને ખેતીની પેદાશો પર આધારિત છે. જિલ્લામાં વિવિધ પ્રકારના ઘણા ઔદ્યોગિક એકમો આવેલા છે; તેમાં રાસાયણિક ખાતરો, ખાંડ, સ્પિરિટ, દેશી દારૂ, સુકવણી કરેલાં શાકભાજી, લોખંડની પાઇપો અને ટ્યૂબો, કાર્ડ-બૉર્ડ વગેરેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ધાતુસામગ્રી, ખાદ્યસામગ્રી, કાપડ, રસાયણો અને રાસાયણિક પેદાશો, રબર, પ્લાસ્ટિક, પેટ્રોલિયમ-પેદાશો, કોલસાની પેદાશો, કપડાં, ચામડાં, રુવાંટી, કાગળ અને તેની પેદાશો પણ અહીં તૈયાર થાય છે.
આ જિલ્લામાંથી ડાંગર અને ચોખાની નિકાસ તથા ઘી, વનસ્પતિ-ઘી, કાપડ, પતરાં વગેરેની આયાત થાય છે.
પરિવહન–પ્રવાસન : કર્નાલ રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. 1 પર આવેલું છે તેમજ માર્ગ-વાહનવ્યવહારથી સારી રીતે જોડાયેલું છે. ઉત્તરમાંથી અંબાલાથી આવતો અને દક્ષિણ તરફ જતો રેલમાર્ગ કર્નાલમાંથી પસાર થાય છે.
અમીન (કર્નાલ તાલુકો) : કર્નાલથી ઉત્તરમાં ગ્રાન્ડ ટ્રંક રોડ પર આશરે 29 કિમી. અંતરે આવેલું ગામ. મહાભારતના યુદ્ધમાં કૌરવોએ રચેલા ચક્રવ્યૂહમાં, જે સ્થળે અભિમન્યુ જયદ્રથ દ્વારા હણાયેલો તે સ્થળ આ અમીન હોવાનું કહેવાય છે; તેથી અમીન અભિમન્યુ-ક્ષેત્ર તરીકે જાણીતું બનેલું છે. અહીંના સૂરજકુંડના પશ્ચિમ કાંઠા પરના મંદિરમાં લંબચોરસ આકારના બે સ્તંભ મળી આવેલા તે રાખેલા છે. તેના પર ચારે બાજુ કોતરણી છે તેમજ બ્રાહ્મી લિપિમાં દાતાઓનાં નામ કોતરેલાં છે. આ સ્તંભો કુશાણ સમયના અથવા શુંગ કાળના હોવાનું કહેવાય છે.
ઘારોન્ડા (કર્નાલ તાલુકો) : કર્નાલથી દક્ષિણમાં 18 કિમી. અંતરે ગ્રાન્ડ ટ્રંક રોડ પર આવેલું સ્થળ. પ્રાચીન સમયમાં તે ધોરી માર્ગ પર આવેલું મહત્વનું સ્થળ ગણાતું હતું. મુઘલ શહેનશાહ શાહજહાંના શાસનકાળ દરમિયાન ખાન ફિરૂઝે ધર્મશાળા બંધાવેલી, જે શરૂઆતના મુઘલ સ્થાપત્યના નમૂનારૂપ હતી, આજે તે ખંડિયેર હાલતમાં હોવા છતાં તેના બે દરવાજા અકબંધ રહેલા જોવા મળે છે; કહેવાય છે આ બે દરવાજા મામા અને ભાણેજે એકબીજાથી સ્વતંત્ર રીતે બાંધ્યા હોવા છતાં તે બાંધણીમાં લગભગ સરખા છે.
તળાવડી (કર્નાલ તાલુકો) : કર્નાલની ઉત્તરે 16 કિમી. દૂર આવેલું નગર. આ એ સ્થળ છે, જ્યાં 1191માં પૃથ્વીરાજ ચાહમાને (ચૌહાણ) મુહમ્મદ ઘોરીને હરાવેલો; પરંતુ બીજે જ વર્ષે મુહમ્મદ ઘોરીએ પૃથ્વીરાજને હરાવેલો. ઔરંગઝેબનો શાહજાદો આઝમ અહીં જન્મેલો, તેના નામ પરથી આ સ્થળને ‘આઝમાબાદ’ નામ અપાયેલું. આ શહેરની આજુબાજુની દીવાલ આજે ખંડિયેર હાલતમાં જોવા મળે છે. એ વખતનાં ઔરંગઝેબે બનાવરાવેલાં તળાવ અને મસ્જિદ બંને હજી હયાત છે. અહીંની શાહી ધર્મશાળા શીખોએ કિલ્લા તરીકે ઉપયોગમાં લીધેલી.
બાસ્થલી (કર્નાલ તાલુકો) : કર્નાલથી આશરે 26 કિમી.ને અંતરે કર્નાલકૈથલ માર્ગ પર આવેલું સ્થળ. કહેવાય છે કે મહાભારતના રચયિતા મહામુનિ વ્યાસ અહીં રહેલા; તેથી આ સ્થળનું નામ વ્યાસસ્થલી (બાસ્થલી અથવા બાસ્તલી) પડ્યું હશે. એક એવી કિંવદન્તી પણ ચાલે છે કે તેઓ જ્યાં રહેતા હતા ત્યાંના આઠેય કૂવાઓના પેટાળમાં થઈને ગંગા વહેતી હતી, તેના પુરાવારૂપ તેઓ ગંગાકાંઠે લોટો અને પંચિયું ભૂલી ગયેલા તે પણ તે કૂવાઓમાંથી મળેલા.
બાહલોપુર (કર્નાલ તાલુકો) : કર્નાલથી આશરે 10 કિમી. પશ્ચિમ તરફ આવેલું સ્થળ. મહાભારતનું યુદ્ધ હારી ગયા પછી દુર્યોધન અહીંના પરાશર તળાવમાં સંતાયેલો. શ્રીકૃષ્ણે ઉપહાસ કર્યા પછી તે અનિચ્છાએ બહાર નીકળ્યો અને તેને ભીમ સાથે ગદાયુદ્ધમાં ઉતાર્યો, છેવટે તે આજના પેહોવા નજીક ગુમલા ખેરી ખાતે હણાયો.
આ જિલ્લામાં કર્નાલ ખાતે આવેલાં અન્ય પ્રાચીન ઐતિહાસિક સ્થળોમાં કર્ણ તળાવ, જૂનો કિલ્લો, બુઆલી શાહ કલંદરની કબર, મિરાન સાહિબની કબર, સેન્ટ જેમ્સ ચર્ચ, ભારમલની ધર્મશાળા, મકબરા નવગજા તેમજ ગુરુદ્વારા મનજીસાહિબનો સમાવેશ થાય છે.
હરિયાણા સરકારે જિલ્લાના માર્ગો પર પ્રવાસીઓની સુવિધા માટે મૉટેલો, રેસ્ટોરાં તેમજ વિહારધામ ધરાવતાં સંકુલો વિકસાવ્યાં છે. આ ઉપરાંત જિલ્લામાં વારતહેવારે ઉત્સવો અને મેળા પણ યોજાતા રહે છે.
વસ્તી : 2011 મુજબ આ જિલ્લાની વસ્તી 15,06,323 જેટલી છે. પુરુષો અને સ્ત્રીઓનું સંખ્યા-પ્રમાણ આશરે 57% અને 43% જેટલું છે; ગ્રામીણ અને શહેરી વસ્તીનું પ્રમાણ અનુક્રમે 75% અને 25 % જેટલું છે. જિલ્લામાં આશરે 90% વસ્તી હિન્દુઓની છે, જ્યારે બાકીના 10 % વસ્તીમાં ઊતરતા ક્રમમાં શીખ, મુસ્લિમ, જૈન અને બૌદ્ધ લોકોનો સમાવેશ થાય છે. જિલ્લામાં બોલાતી મુખ્ય ભાષા હિન્દી છે. જિલ્લાની આશરે 56% વસ્તી શિક્ષિત છે. દસ હજાર કે તેથી વધુ વસ્તીવાળાં નગરોમાં માધ્યમિક શાળાઓની સગવડ છે. જિલ્લામાં ઉચ્ચશિક્ષણની આઠ સંસ્થાઓ કાર્યરત છે. જિલ્લાનાં આશરે 50% ગામોમાં તબીબી સેવાની સુવિધાઓ ઉપલબ્ધ છે. વહીવટી સરળતા માટે જિલ્લાને એક તાલુકામાં અને 5 સમાજવિકાસ-ઘટકોમાં વહેંચેલો છે.
ઇતિહાસ : આ જિલ્લાનું નામ કર્નાલ તેમાં આવેલા કર્નાલ શહેર પરથી અપાયેલું છે. દંતકથા મુજબ કર્નાલ નામ મહાભારતના કર્ણ પરથી પડેલું હોવાનું મનાય છે. અહીંનું એક તળાવ અને દરવાજો પણ ‘કર્ણ તળાવ’ અને ‘કર્ણ દરવાજો’ જેવાં નામ ધરાવે છે. કર્ણ દરવાજો ભૂતકાળમાં ક્યારેક યમુનાના કાંઠા નજીક હતો, પરંતુ નદી પછીથી આશરે 11 કિમી. જેટલી પૂર્વ તરફ ખસી છે. આ આખુંય નગર કોટથી રક્ષિત હતું, જે આજે તો ખંડિયેર હાલતમાં છે. આ કોટને વાસ્તવમાં દસ જેટલા દરવાજા હતા, જે પૈકી નવાબ દરવાજો, કલંદર દરવાજો અને ગઝની દરવાજો પૂર્વ તરફ, જ્યારે જુંડલા દરવાજો પશ્ચિમ તરફ હતો. આ ચાર દરવાજા મુખ્ય હતા. આ પૈકીના અમુક દરવાજા હજી આજે પણ હયાત છે, જૂના નગરમાંથી બહાર જવાના માર્ગ તરીકે તેમનો ઉપયોગ થાય છે.
ઇતિહાસના મધ્યકાળ દરમિયાન આ સ્થળનું મહત્વ ઘટી ગયું હોવાનું જણાય છે. પઠાણ-સમય દરમિયાન ફરીથી તેનો ઉલ્લેખ મળે છે. 1573માં અકબર સામે કરેલા બળવા નિમિત્તે ઇબ્રાહિમ હુસૈન મિરઝાએ કર્નાલ લૂટેલું. 1709માં બંદા બૈરાગીએ તેની નજીકમાં જ તેની સ્થાપના કરી હતી. 1739માં નાદિરશાહ દ્વારા મુહમ્મદ શાહની હાર જ્યાં થયેલી તેનું આ સ્થળ સાક્ષી હતું. આવી ઘણી લડાઈઓ આ સ્થળે થયા કરેલી; તે પછીથી રાજા ગજપત સિંહે 1763માં તેનો કબજો મેળવ્યો; તેની આજુબાજુ દીવાલ બંધાવી, કિલ્લાનું નિર્માણ કર્યું તથા તેના શાસનકાળ દરમિયાન આ સ્થળનો વિકાસ થયો. પરંતુ તેના પુત્ર ભાગસિંહના સમયમાં તે 1787માં અને બીજી વાર 1795માં મરાઠાઓ સામે શિકસ્ત પામ્યો, તે પછી ફરીથી કર્નાલનું મહત્વ ઘટી ગયેલું.
1805માં તે બ્રિટિશ પ્રદેશમાં ભળ્યું, તેથી દિલ્હી વિસ્તારનો પ્રદેશ ગણાતું થયું. ત્યારે (1824માં) તેનો પાણીપત જિલ્લામાં સમાવેશ કરવામાં આવેલો. 1851માં તેને પાણીપત જિલ્લાનો તાલુકો બનાવાયો ત્યારે તાલુકામથક ઘારોન્ડા ખાતે હતું. 1854માં કર્નાલનો જિલ્લો બનાવ્યો અને કર્નાલને તેનું જિલ્લામથક બનાવ્યું. 1868માં તેને તાલુકાનું મથક પણ બનાવાયું.
ગિરીશભાઈ પંડ્યા