કર્ખનર, અર્ન્સ્ટ લુડવિગ (Kirchner, Ernst Ludwig) (જ. 6 મે 1880, આશાફેન્બર્ગ, (Aschaffenberg) બૅવેરિયા; અ. 15 જૂન 1938, ડાવોસ નજીક, સ્વિટ્ઝર્લૅન્ડ) : અભિવ્યક્તિવાદી શૈલીમાં કામ કરનાર આધુનિક જર્મન ચિત્રકાર તથા ‘ડી બ્રૂક’ (Die Bru..cke) નામના ચિત્રકાર જૂથના સ્થાપક નેતાઓમાંના એક. તેમનાં ચિત્રો, તેમાં રજૂ થયેલ માનવોના મુખો પરના મનોવૈજ્ઞાનિક તણાવ અને રતિભાવ માટે જાણીતાં છે.
ગૉથિક યુગના છેલ્લા તબક્કાના છાપચિત્રકારો તેમજ ખાસ તો ડ્યૂરર(Du..rer)નાં છાપચિત્રોનો પ્રભાવ કર્ખનર પર ઘણો વહેલો છેક 1898થી જ પડવો શરૂ થયેલો; આ પ્રભાવ આજીવન ટક્યો. એમણે સ્વીકારેલો બીજો અગત્યનો પ્રભાવ હતો નૉર્વેના અભિવ્યક્તિવાદી ચિત્રકાર એડ્વર્ડ મુંખ(Munch)નો. મુંખના પ્રભાવ તળે તેમણે ચિત્રોમાં આકારોને સરળ અને રંગોને હળવા તથા તેજસ્વી બનાવ્યા. 1901થી 1905 સુધી તેમણે ડ્રેસ્ડન ખાતે સ્થાપત્યનો વૈધિક અભ્યાસ કર્યો; પરંતુ ચિત્રકલા પરત્વેની તેમની મોહિની કેમે કરી ન છૂટી. 1904થી તેમની ઉપર આફ્રિકા તથા પૅસિફિક મહાસાગરના ટાપુઓની મૂળ પ્રજાઓની લોકકલાઓનો પ્રભાવ પડવો પણ શરૂ થયો. અન્ય બે જર્મન અભિવ્યક્તિવાદી ચિત્રકારો એરિખ હેકલ તથા કાર્લ શ્મિટ્-રૉટ્લુફ સાથે તેમણે 1905માં ‘ડી બ્રૂક’ (‘ધ બ્રિજ સેતુ’) નામના ચિત્રકારજૂથની સ્થાપના કરી. પછીથી આ જૂથમાં એમિલ નોલ્ડે અને બીજા ચિત્રકારો પણ જોડાયા. ધીમે ધીમે કર્ખનર વાન ગોઘની અસર હેઠળ પણ આવ્યા અને ચિત્રોમાં રંગો તથા પીંછીના લસરકા વડે પોતાની માનસિક પરિસ્થિતિની સીધી અભિવ્યક્તિ કરવી શરૂ કરી. એ પછી એમની ઉપર પ્રભાવ પડ્યો ફૉવવાદી ફ્રેંચ ચિત્રકાર હેન્રી માતિસ(Henry Matisse)નો. પરિણામે, ધીમે ધીમે તેમનાં ચિત્રોના રંગો વધુ પડતા ભડક બન્યા. છતાં ચિત્રિત પુરુષોના મુખભાવ તો અગાઉની જેમ થાકેલા અને હતાશ રહ્યા અને ચિત્રિત બધી જ આકૃતિઓ જીવંત કે નિર્જીવને કાળી, જાડી ખચકાતી બહિર્રેખાથી બાંધવાની તેમની આદત જેમની તેમ જ રહી. ફરના ભવ્ય ઓવરકોટથી આચ્છાદિત તેમણે ચીતરેલી મહિલાઓ પુરુષોને આકર્ષવાનું કામ કરતી હોય તેવી દેખાય છે. તેમનાં કેટલાંક ચિત્રો અતૃપ્ત કામેચ્છાઓના સ્વપ્નિલ સ્વૈરવિહાર સમા છે; છતાં તેમાં દુ:સ્વપ્નનો ઓથાર પણ ભારોભાર જોવા મળે છે. 1911માં ‘ડી બ્રૂક’ જૂથના બધા સભ્યો સાથે કર્ખનર પણ બર્લિન ચાલ્યા ગયા; પરંતુ જૂથના અન્ય સભ્યો કર્ખનરથી નારાજ હતા. એમણે કર્ખનર વિરુદ્ધ ઘણા આક્ષેપો કર્યા. આ જૂથ હવે વિખેરાઈ ગયું. ‘ડેર સ્ટ્રુમ’ નામના જર્મન સામયિક માટે કર્ખનરે બર્લિનમાં કાષ્ઠછાપ પદ્ધતિ વડે પ્રસંગચિત્રો ચીતર્યાં. આ છાપચિત્રોની ગુણવત્તા ખૂબ જ વખણાઈ. એ પછી એમણે એડલ્બર્ટ ફૉન ચેમિસોની એક નવલકથા માટે તથા અભિવ્યક્તિવાદી કવિ જ્યૉર્જ હીમના એક કાવ્ય માટે એન્ગ્રેવિન્ગ પદ્ધતિ વડે પ્રસંગચિત્રો કર્યાં.
1930 પછી નાત્ઝી હકૂમતે તેમને સડેલા (decadent) જાહેર કર્યાં. પછી તે ગંભીર માંદગીમાં પટકાયા અને તેમણે માનસિક સંતુલન પણ ખોઈ નાખ્યું. નાત્ઝી હકૂમતે તેમની ઉપર આચરેલા ત્રાસના પરિણામે આખરે આત્મહત્યા વડે તેમણે જીવનનો અંત આણ્યો. છેલ્લા તબક્કાના તેમનાં ચિત્રોમાં માનવીને સાંસ્કૃતિક અને સાંસ્કારિક પરિવેશથી મુક્ત એવા શુદ્ધ નિસર્ગની પશ્ચાદભૂમાં એની સાથેની સુમેળની સ્થિતિમાં ચીતર્યો છે. તેમનાં શ્રેષ્ઠ ચિત્રોમાં નીચેનાંનો સમાવેશ થાય છે : 1. ‘ગર્લ અન્ડર જાપાનિઝ અમ્બ્રેલા’ (1906), 2. ‘આર્ટિસ્ટ ઍન્ડ હિઝ મૉડલ’ (1907), 3. ‘સ્ટ્રીટ, બર્લિન’ (1907), 4. ‘સ્ટ્રીટ, બર્લિન’ (1913), 5. ‘બાધર્સ ઍટ મોરિટ્ઝબર્ગ’ (1908), 6. ‘હેડ ઑવ્ એ મૅન વિથ એ ન્યૂડ’ (1908).
અમિતાભ મડિયા