કરીમનગર : તેલંગાણા રાજ્યનો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : આ જિલ્લો 18oથી 19o ઉ. અ. અને 78o 30’થી 80o 31′ પૂ. રે. વચ્ચેનો 11,823 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે આદિલાબાદ, પૂર્વ તરફ ગોદાવરી, દક્ષિણ તરફ વારંગલ, પશ્ચિમ તરફ મેડક તથા વાયવ્ય તરફ નિઝામાબાદ જિલ્લા આવેલા છે. જિલ્લામથક કરીમનગર જિલ્લાની મધ્યમાં આવેલું છે. જિલ્લાનું નામ કરીમનગર જિલ્લામથક પરથી અપાયેલું છે.
ભૂપૃષ્ઠ : આ જિલ્લામાં ટેકરીઓની ત્રણ હારમાળાઓ આવેલી છે. એક હારમાળા ગુળાપલ્લીથી શરૂ થઈને ઈશાન તરફ જગતિયાલ તરફ જાય છે, ત્યાંથી આગળ વધીને ગોદાવરી નજીક વિમલકુર્થી તરફ જાય છે. સનીગરામ નામથી ઓળખાતી બીજી હારમાળા સનીગરામ અને માલ્લાંગુરથી આગળ વધે છે, તે પ્રથમ હારમાળાને સમાંતર, આશરે 51 કિમી.ને અંતરે આવેલી છે. ત્રીજી હારમાળા જિલ્લાના નૈર્ઋત્યભાગમાં મન્નીર નદીખીણથી શરૂ થઈને ઈશાન તરફ જાય છે. તે સનીગરામ હારમાળાને ભેદીને રામગીરથી પણ આગળ વધે છે. રામગીર નજીક તેની ઊંચાઈ સમુદ્ર-સપાટીથી 480 મીટર જેટલી છે. આ હારમાળા ગોદાવરી નદી નજીક પૂરી થાય છે.
જમીનો : આ જિલ્લામાં સામાન્ય રીતે ‘ચળકા’ જમીનને નામે ઓળખાતી રાતી રેતાળ-ગોરાડુ જમીન વિશેષ પ્રમાણમાં જોવા મળે છે; તેમ છતાં, જગતિયાલ, સુલતાનાબાદ અને મંથની તાલુકાઓમાં છૂટાછવાયા વિભાગોમાં કાળા રંગની માટીવાળી ગોરાડુ જમીનો પણ જોવા મળે છે.
જળપરિવાહ : ગોદાવરી અહીંની મુખ્ય નદી છે, તે જિલ્લાની ઉત્તર અને પૂર્વ સરહદ રચે છે તથા ઉત્તરમાં આવેલા આદિલાબાદ જિલ્લાને અલગ પાડે છે. ગોદાવરી આ જિલ્લાની મહત્વની નદી હોવા છતાં સિંચાઈ માટે ઉપયોગી નથી; પરંતુ જિલ્લાને પશ્ચિમથી પૂર્વ તરફ વીંધતી, ગોદાવરીની સહાયક નદી મન્નીર સિંચાઈનો સ્રોત બની રહેલી છે. પેડ્ડા વેગુ અને ચિન્ના વેગુ આ જિલ્લામાં વહેતી નાની નદીઓ છે, તે બંને ગોદાવરીને મળે છે.
જંગલો : જિલ્લાનો આશરે 25% ભાગ જંગલ-આચ્છાદિત છે. આંબા, આમલી, સીતાફળી, સાગ, એબોની, બ્લૅકવુડ, તરવડ (cassia auriculata), બાવળ, વિપ્પા (અથવા ઇપ્પા-Hardwickia binata) અને નલ્લામડ્ડી (Terminalia tomentosa) અહીંનાં મુખ્ય વૃક્ષો છે. મંથની, જગતિયાલ અને સિરસિલ્લા તાલુકાઓનો ઘણોખરો ભાગ જંગલવિસ્તારથી છવાયેલો છે, આ તાલુકાઓમાંથી મૂલ્યવાન સાગ તેમજ અન્ય લાકડાં મળે છે.
ખેતી–પશુપાલન : જિલ્લાના લોકોનો મુખ્ય વ્યવસાય ધાન્ય પાકોની ખેતી છે. અહીંના મુખ્ય કૃષિપાકોમાં ડાંગર, જુવાર, મકાઈ, કઠોળ, તેલીબિયાં અને મરચાંનો સમાવેશ થાય છે. ડાંગરનું ઉત્પાદન વધારવા અહીં જાપાની ખેતી-પદ્ધતિ અપનાવવામાં આવે છે. મન્નીર, સનીગરામ, ચેગાંવ, બંદલાવેગુ અને રેલ્લાવેગુ પ્રકલ્પોનાં જળાશયો સિંચાઈનાં સ્રોત બની રહેલાં છે. આ ઉપરાંત, તળાવો અને કૂવા દ્વારા પણ સિંચાઈ ઉપલબ્ધ થાય છે.
ગાય, ભેંસ, બળદ, ઘેટાં-બકરાં, ઘોડા અને ટટ્ટુ અહીંનાં મુખ્ય પાલતુ પશુઓ છે. અહીં કૃષિ-અર્થતંત્રમાં પશુઓનો ફાળો મહત્ત્વનો છે. તેમનો ઉપયોગ ખેતીમાં કરવામાં આવે છે. જિલ્લામાં કરીમનગર ખાતે સરકાર તરફથી પશુરોગ-નિવારણ વિભાગ ઊભો કરાયેલો છે, જિલ્લાનાં લગભગ બધાં જ વિકાસ-ઘટકોમાં પશુચિકિત્સાલયની શાખાઓ ચાલે છે. અહીંની ગાયો અગાઉના વખતમાં ઓછા પ્રમાણમાં દૂધ આપતી હોવાથી 1950–51માં કરીમનગર નજીક ઢોર-ઉછેર-ક્ષેત્ર વિકસાવવામાં આવેલું છે ત્યાં આખલાઓની ઓલાદ-સુધારણા પર ધ્યાન અપાય છે. આ ઉપરાંત મરઘાં-બતકાંનો ઉછેર પણ થાય છે. ઊન માટે ઘેટાંઉછેર-કેન્દ્રો તથા માછલીઓ માટે મત્સ્ય-ઉછેર-કેન્દ્રો પણ વિકસાવાયાં છે. જિલ્લાની પૂર્વ સરહદે વહેતી ગોદાવરી નદીમાં તેમજ જિલ્લાનાં ઘણાં સ્થળોમાં તળાવોમાં માછલીઓ ઉછેરવામાં આવે છે.
ઉદ્યોગો : જિલ્લા ખાતે અંદાજે 1,260 જેટલા નાના પાયા પરના ઔદ્યોગિક એકમો કાર્યરત છે. તે પૈકીના મોટાભાગના એકમો કૃષિ ચીજવસ્તુઓ તેમજ ઇજનેરી ચીજવસ્તુઓ પર આધારિત છે. તેમાં ચોખા છડવાની, દાળની, આટાની અને તેલની મિલો; ઇજનેરી એકમો; રેણ કરવાના એકમો અને ઑટોમોબાઇલ સમારકામના એકમો મુખ્ય છે. નાના પાયા પરના ઔદ્યોગિક કાર્યરત એકમોમાં સિમેન્ટની પાઇપો, કીટકનાશકો, બાંધકામ-સામગ્રી, લોખંડનાં ઓજારો તેમજ અન્ય સંબંધિત સામગ્રી, મરઘાં-બતકાંની ખાદ્યસામગ્રી, રદ્દી કાગળોમાંથી બનાવાતાં કાર્ડબૉર્ડ, મૅંગલોરી નળિયાં, પથ્થરો કચરવાનાં યાંત્રિક સાધનો, પાવરલૂમના પુરજા, પ્લાસ્ટિકની બંગડીઓ, સિગાર, ટેલિપ્રિન્ટ-રોલ, સાદાં પીણાં અને ઍલ્યુમિનિયમનાં વાસણોના એકમોનો સમાવેશ થાય છે. અન્ય મહત્વના ઉદ્યોગોમાં સુથારીકામ, લુહારીકામ, પિત્તળનાં વાસણો અને સામગ્રી, દીવાસળી, પગરખાં, ઈંટો, લખવાના ચૉક, મીણબત્તી, અગરબત્તી, મુસાફરીયોગ્ય સામગ્રી, પાપડ, જુદી જુદી સિંગોનાં ચૂર્ણ તથા બિસ્કિટ બનાવવાના એકમોનો અને ચૂનાની ભઠ્ઠીઓનો સમાવેશ થાય છે. ગ્રામીણ ક્ષેત્રમાં આંધ્રપ્રદેશનો ખાદી-ઉદ્યોગ વિકસાવવામાં આવ્યો છે.
મોટા પાયા પરના ઉદ્યોગોમાં કેસોરામ સિમેન્ટ ફૅક્ટરી, બસંતનગર; સિંગારેણી કોલિયરી કંપની લિ.; કોઑપરેટિવ સ્પિનિંગ ઍન્ડ વિવિંગ મિલ, અંતરગાંવ; માર્કફેડ વનસ્પતિ કૉમ્પ્લેક્સ, કરીમનગર; ફર્ટિલાઇઝર કૉર્પોરેશન ઑવ્ ઇન્ડિયા લિ., રામગુંડમ્; ઑરિયેન્ટલ શેલ ફૂડ્ઝ પ્રાઇવેટ લિ., કરીમનગર; નિઝામ સુગર ફૅક્ટરી, મુથિયમપેટ; પોચાંપડ સૉલ્વન્ટ ઑઇલ્સ પ્રાઇવેટ લિ., પેડ્ડાપલ્લી મુખ્ય છે.
જિલ્લામાં ચોખા, મરચાં, બીડી, લાકડાની ચીજવસ્તુઓ તથા સિંગતેલનું ઉત્પાદન લેવાય છે. અહીંથી ડાંગર, ચોખા, કોલસો, મકાઈ, બીડી અને સૂકાં મરચાંની નિકાસ થાય છે તથા ખાંડ, ઘઉં, ચોખા, કાપડ, રેસા, કેરોસીન, તમાકુ અને રાસાયણિક ખાતરની આયાત કરવામાં આવે છે.
પરિવહન : જિલ્લામાં સડકમાર્ગોની ગૂંથણી સારી રીતે વિકસેલી છે. રાજ્યનો ધોરી માર્ગ કરીમનગરથી પસાર થાય છે. કરીમનગર જિલ્લામથક જિલ્લામાર્ગોથી તેમજ વારંગલ અને નિઝામાબાદ જિલ્લાઓના માર્ગોથી જોડાયેલું છે. સેન્ટ્રલ રેલવિભાગનો કાઝીપેટવર્ધા બ્રૉડગેજ રેલમાર્ગ હુઝુરાબાદ અને સુલતાનાબાદ તાલુકાઓમાંથી પસાર થાય છે.
પ્રવાસન : (1) કોઠકોંડા (ભીમદેવડાપલ્લી તાલુકો) : હુઝુરાબાદથી 35 કિમી. અંતરે આવેલું ગામ. તે ટેકરીઓથી ઘેરાયેલું છે. અહીંના એક ટેકરા પર સુંદર સ્થાપત્ય ધરાવતા, વિશાળ દરવાજાઓવાળા કિલ્લાનાં ખંડિયેરો આવેલાં છે. ટેકરી પર આવેલાં પાંચ તળાવો પૈકી બે તળાવો દુકાળની પરિસ્થિતિ ટાણે પણ પાણીથી ભરેલાં રહે છે. આ ટેકરીની તળેટીમાં વીરભદ્રસ્વામીનું મંદિર છે, ત્યાં દર વર્ષે પુષ્ય બહુલા પંચમીથી દસ દિવસ માટે કલ્યાણોત્સવ યોજાય છે; જેમાં આશરે 50,000 યાત્રિકોની અવરજવર રહે છે.
(2) માલંગુડ (ભીમ દેવડાપલ્લી તાલુકો) : હુઝુરાબાદથી 13 કિમી. અંતરે આવેલું ગામ. અહીં ગ્રૅનાઇટની એક છૂટીછવાઈ ટેકરી પર ઓરાગિરિ મોગ્ગારાજુએ બંધાવેલો એક કિલ્લો આવેલો છે. ટેકરીની ઉપર જવાના રસ્તામાં એક મોટા પથ્થર પર ‘‘ટેકરી પર જવા માટે બે માર્ગ છે.’’ – એવું પાલીમાં કોતરેલું લખાણ છે. અહીંની મલંગશાહ વલી દરગાહમાં હિન્દુ-મુસ્લિમો બંને દર્શન-દીદાર અર્થે આવે છે.
(3) વેગુરુપલ્લી (ભીમ દેવડાપલ્લી તાલુકો) : આ સુલતાનાબાદથી છ કિમી.ને અંતરે મન્નીર નદીપટમાં આવેલું રંગસ્વામીનું મંદિર ધરાવતું સ્થળ છે. અહીં દર વર્ષે ચૈત્ર સુદ નોમથી 16 દિવસ માટે ઉત્સવ થાય છે; જેમાં આશરે 10,000 ભક્તોની અવરજવર રહે છે.
(4) બીરપુર (જગતિયાલ તાલુકો) : જગતિયાલથી 45 કિમી.ને અંતરે આવેલું બીરપુર નરસિંહસ્વામીની જાત્રા માટે જાણીતું છે. અહીં દર વર્ષે 10 દિવસનો ઉત્સવ યોજાય છે; જેમાં આશરે 20,000 યાત્રિકો હાજરી આપે છે.
(5) ધર્મપુરી (જગતિયાલ તાલુકો) : જગતિયાલથી આશરે 48 કિમી. તેમજ દક્ષિણ-મધ્ય રેલમાર્ગના કાઝીપેટ-બલ્હરશાહ વિભાગ પરના પેડ્ડાપલ્લી રેલમથકથી 51 કિમી.ને અંતરે આવેલું સ્થળ. તે ભગવાન વિષ્ણુના અવતાર નૃસિંહસ્વામીના મંદિર માટે જાણીતું છે. આ ઉપરાંત અહીં પાષાણના એક જ પાટડા પર કંડારેલા દક્ષિણામૂર્તિ, વિનાયક, સપ્તમાતૃકા સહિત ભગવાન શિવ; સાઠ સ્તંભવાળું મંદિર, મહાલક્ષ્મી મંદિર તથા અક્કાપલ્લી રાજન્ના મંદિર પણ છે; જે હિન્દુઓ માટેના એક પવિત્ર સ્થાનક તરીકે ધર્મપુરી નામને સાર્થક બનાવે છે. આંધ્રપ્રદેશમાં તે પ્રવાસન-મથક તરીકે મહત્વનું છે. અહીં દર વર્ષે ફેબ્રુઆરી-માર્ચ દરમિયાન લક્ષ્મી-નરસિંહસ્વામીનો કલ્યાણોત્સવ ઊજવાય છે; જેમાં અંદાજે એક લાખ જેટલા યાત્રાળુઓ ભાગ લે છે.
(6) જગતિયાલ : કરીમનગરથી 51 કિમી. અંતરે આવેલું તાલુકામથક તેમજ મહેસૂલ વિભાગનું મથક. મિલોના કાપડની સ્પર્ધા સામે અહીંનો હાથસાળનો ઉદ્યોગ ટક્યો છે તેમજ વિકસ્યો છે. ઝફર-ઉદ્-દૌલાના રક્ષણ માટે કરેલી કિલ્લેબંધી જેવો એક કિલ્લો 1747માં ફ્રેન્ચ ઇજનેરોએ બનાવેલો; જોકે આજે તે ખંડિયેર સ્થિતિમાં છે.
(7) રાઇકલ (જગતિયાલ તાલુકો) : આ ગામમાં 11મી સદીમાં કાકતિયાઓ દ્વારા બંધાયેલું કેશવનાથસ્વામીનું પ્રાચીન મંદિર આવેલું છે. તેનું પૂજા-સ્થાનક તરીકે ખૂબ જ મહત્વ અંકાય છે. આ મંદિરમાં જોવા મળતું સ્થાપત્ય વારંગલના હનુમાનકોંડા ખાતેના સહસ્રસ્તંભધારક મંદિરના સ્થાપત્યને મળતું આવે છે. ભારતમાં જોવા મળતાં માત્ર બે પંચમુખીલિંગ (પંચમુખી શિવ) ધરાવતાં મંદિરો પૈકીનું એક અહીં આવેલું છે, બીજું કાશી ખાતે છે. આ ઉપરાંત અહીંના ભીમન્ના મંદિર ખાતે દર વર્ષે જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં ત્રણ દિવસનો યાત્રા-ઉત્સવ યોજાય છે, તેમાં આશરે 5,000 યાત્રિકો આવે છે.
(8) બેજજંકી (કરીમનગર તાલુકો) : કરીમનગરથી 35 કિમી.ને અંતરે આવેલું ગામ. જૂની કિલ્લેબંધીના શેષભાગો, ખંડિયેર હાલતમાં જોવા મળતી કોટની દીવાલો તથા ભગ્ન બુરજો અહીં નજરે પડે છે, તે સૂચવે છે કે આ સ્થળે કિલ્લેબંધીવાળું મોટું શહેર હોવું જોઈએ. આ ગામમાં લક્ષ્મી-નરસિંહસ્વામી, વેણુગોપાલસ્વામી અને આંજનેયનાં મંદિરો પણ છે. અહીં લક્ષ્મી-નરસિંહસ્વામીના આંદલ-કલ્યાણમનો ઉત્સવ અને વાહન-ઉત્સવ દર વર્ષે ચૈત્ર સુદ સપ્તમી(માર્ચ-એપ્રિલ)થી બાર દિવસ માટે ઊજવાય છે. આ ઉત્સવોમાં જિલ્લા બહારથી આશરે 25,000 શ્રદ્ધાળુઓની અવરજવર રહે છે.
(9) ચોપ્પનદંડી (ગંગાધર તાલુકો) : ગંગાધર તાલુકાનું વધુ વસ્તી ધરાવતું ગામ. અહીં શંભુ સ્વામીનું મંદિર લશ્કરના કોઈક વડાએ બંધાવ્યું હોવાનો કાકતિયા રાજવી પ્રોલના સમયના શિલાલેખમાંથી જાણવા મળે છે, આ કારણે તેનું ઐતિહાસિક મહત્ત્વ અંકાય છે.
(10) ઇલગંડલ (ગંગાધર તાલુકો) : કરીમનગરથી 10 કિમી.ને અંતરે, કરીમનગર-કામરેડ્ડી માર્ગ પર, તાડનાં વૃક્ષોના ઝુંડ વચ્ચે, મન્નીર નદીના કાંઠે આ સ્થળ આવેલું છે. આ સ્થળ પર પાંચ જેટલા રાજવંશોએ શાસન કરેલું હોવાથી તેનું ઐતિહાસિક મહત્વ અંકાય છે. આ સ્થળ પ્રાચીન હોવા માટેના ટેકરી પરનો કિલ્લો; 1754માં ઝફર-ઉદ્-દૌલાએ બંધાવેલો, ઝૂલતા મિનારા સાથેનો કિલ્લાનો પૂર્વ દરવાજો અને તેની બહારના ભાગમાં આવેલું વૃંદાવન તળાવ, તથા સૈયદ મુનાવર કાદરી સાહેબ, અલી મોઈનુદ્દીન સાહેબ, સૈયદ માસ્ટર શાહ સાહેબ, દૂલા શાહ સાહેબ, સૈયદ મારુફ સાહેબ, સૈયદ મૂર્તઝા સાહેબ, સાહેબાજ સાહેબ, શાહ તાલિબ બિસ્મિલ્લા સાહેબ અને વલી હૈદર સાહેબ જેવા મુસ્લિમ સંતોની કબરો જેવા ઘણા પુરાવા મળે છે. મોહરમના અગિયારમા અને બારમા દિવસોએ આ બધા સંતોની યાદગીરી રૂપે અહીં વાર્ષિક મેળો ભરાય છે, તેમાં મુસ્લિમો તેમજ હિન્દુઓ ખૂબ જ આદરપૂર્વક ભાગ લે છે અને દૂર દૂરનાં સ્થળોએથી ઘણા લોકો મેળો માણવા આવે છે. આ ઉપરાંત અહીં નીલકંઠસ્વામી અને નરસિંહસ્વામીનાં મંદિરો પણ આવેલાં છે.
(11) કાલેશ્વર (મહાદેવપુર તાલુકો) : આ ગામ મહાદેવપુરમ્થી 16 કિમી. તથા મંથનીથી 32 કિમી.ને અંતરે ગાઢ જંગલ વચ્ચે આવેલું છે. તે ગોદાવરી અને પ્રાણહિતા નદીઓના સંગમ-સ્થળ ખાતે વસેલું છે. આ સ્થળ સંગમ તેમજ પ્રાચીન મંદિરોને કારણે પવિત્ર ગણાય છે. અહીંનાં મંદિરો પૈકી મુક્તેશ્વરસ્વામીનું મંદિર તેનાં બે શિવલિંગોને લીધે ઘણું મહત્વનું છે. આંધ્રપ્રદેશના ત્રણ ખૂણે આવેલાં જ્યોતિર્લિંગો પૈકીનું તે એક હોવાનું મનાય છે. ભારતમાં ભાગ્યે જ જોવા મળતાં બ્રહ્માનાં મંદિરો પૈકીનું એક મંદિર અહીં પણ આવેલું છે. દર વર્ષે મહાશિવરાત્રિ ટાણે અહીં બે દિવસ માટે ઉત્સવ યોજાય છે, જેમાં ઘણા ભક્તોની ભીડ જામે છે.
(12) મહાદેવપુરમ્ (મહાદેવપુર તાલુકો) : આ ગામમાં વારંગલના રુદ્રપ્રતાપે બંધાવેલો પ્રતાપગિરિ નામનો એક પ્રાચીન કિલ્લો આવેલો છે, માત્ર આ કિલ્લાને લીધે તેનું ઐતિહાસિક મહત્વ છે.
(13) મંથની (મંથની તાલુકો) : ગોદાવરીકાંઠે વસેલું આ તાલુકામથક કરીમનગરથી આશરે 72 કિમી.ને અંતરે આવેલું છે. વેદોના અભ્યાસ માટે ક્યારેક તે એક મહત્વનું કેન્દ્ર ગણાતું હતું; જોકે આજે પણ અહીં વેદોના અને શાસ્ત્રોના ઘણા જ્ઞાતાઓ જોવા મળે છે. અહીં આવેલાં ઘણાં મંદિરો પૈકી શૈલેશ્વરનું મંદિર મોટામાં મોટું છે. આ મંદિરમાંના એક સ્તંભ પર કાકતિયા રાજા ગણપતિદેવનો એક શિલાલેખ નજરે પડે છે. લક્ષ્મીનારાયણ, ઓમકારેશ્વર અને મહાલક્ષ્મીનાં મંદિરો પણ અહીં આવેલાં છે.
(14) મેતપલ્લી (મેતપલ્લી તાલુકો) : કરીમનગરથી વાયવ્યમાં આશરે 88 કિમી. અંતરે આવેલું સ્થળ. તે તાલુકાનું ઉપમથક હોવાથી તેમજ ખાદીનું ઉત્પાદન લેવાતું હોવાથી જાણીતું બન્યું છે.
(15) નીરકુલ્લા (સુલતાનાબાદ) : સુલતાનાબાદથી ઉત્તરે ત્રણ કિમી. અંતરે આવેલું સ્થળ. આ સ્થળે ભૂતકાળમાં એકસો જેટલાં મંદિરો હતાં, તેથી એ નુરુગુલ્લુ (નુરુ-એકસો, ગુલ્લુ-મંદિરો) નામે ઓળખાતું હતું. ‘નુરુગુલ્લુ’માંથી ‘નીરુકલ્લા’ શબ્દ ઊતરી આવ્યો છે. અહીં મન્નીર નદીપટમાં વિશાળ ખડકભાગ પર એકથી દોઢ કિમીની પહોળાઈના વિસ્તારમાં, ઊંચાં તાડવૃક્ષોના સુંદર ર્દશ્ય વચ્ચે, રંગનાયકસ્વામીનું મંદિર આવેલું છે. દર વર્ષે માર્ચ-એપ્રિલમાં અહીં કલ્યાણોત્સવ યોજાય છે.
(16) પેડ્ડા બોંકુરુ (પેડ્ડાપલ્લી તાલુકો) : કરીમનગર–પેડ્ડાપલ્લી બસમાર્ગ પર પેડ્ડાપલ્લીથી 8 કિમી. અંતરે આવેલું સ્થળ. આ ગામ સાતવાહન રાજવીઓનું પ્રાચીન સ્થળ ગણાય છે. રાજ્યના પુરાતત્વ વિભાગે 1967થી અહીં ઉત્ખનનો કરેલાં, જેમાંથી જૂના સાતવાહન રાજવીઓના શાસનના પુરાવા મળ્યા છે. વધુ ઉપલબ્ધિ માટે ક્રમશ: ઉત્ખનનો ચાલુ રાખેલાં છે.
(17) પેડ્ડાપલ્લી (પેડ્ડાપલ્લી તાલુકો) : કરીમનગરથી આશરે 32 કિમી. અંતરે આવેલું નગર. કરીમનગરથી તે નજીકમાં નજીકનું રેલમથક છે; એટલું જ નહિ, અહીં રેલમાર્ગ અને સડકમાર્ગનું જંક્શન પણ છે. આ કારણે વેપાર-વાણિજ્ય માટે સરળતા ઊભી થઈ છે. અહીં હનુમાનજીનું મંદિર આવેલું છે.
(18) રામગુંડમ્ (પેડ્ડાપલ્લી તાલુકો) : કરીમનગરથી ઈશાનમાં આશરે 64 કિમી. અંતરે આવેલું, ગોદાવરીના કાંઠા પરનું ગીચ વસ્તીવાળું ગામ. આ સ્થળે આવેલું તાપ-વિદ્યુતમથક રાજ્યમાં મોટામાં મોટું ગણાય છે. અહીંથી હૈદરાબાદ, કરીમનગર, વારંગલ તેમજ મંચેરિયલ સિમેન્ટ ફૅક્ટરીને વીજળી પૂરી પડાય છે.
(19) સિરસિલ્લા (સિરસિલ્લા તાલુકો) : કરીમનગરથી પશ્ચિમે આશરે 40 કિમીને અંતરે આવેલું તાલુકામથક. તે કામરેડ્ડીકરીમનગર જિલ્લામાર્ગ પર આવેલું છે. હાથસાળનું વણાટકામ અહીંનો મુખ્ય કુટિરઉદ્યોગ છે. અહીંના સ્થાનિક લોકો ખૂબ જ ભવ્યતા અને દબદબાથી વેંકટેશ્વરસ્વામીનો જાત્રા-ઉત્સવ ઊજવે છે.
(20) વિમલાવડા (વિમલાવડા તાલુકો) : સિરસિલ્લાથી ઈશાનમાં આશરે 11 કિમી. અને કરીમનગરથી 35 કિમી.ને અંતરે કરીમનગર કામરેડ્ડી બસમાર્ગ પર તે આવેલું છે. આ સ્થળ કરીમનગર, કામરેડ્ડી અને હૈદરાબાદ સાથે બસમાર્ગોથી જોડાયેલું છે. ભગવાન શિવના અવતાર સ્વરૂપ શ્રી રાજરાજેશ્વરનું પવિત્ર અને જાણીતું મંદિર આવેલું છે. અહીં કોનેરુ નામનો ધર્મકુંડ છે, જેનાં પાણી ઔષધીય ગુણ ધરાવે છે. આ મંદિરે મહાશિવરાત્રિ તથા કલ્યાણોત્સવ ટાણે રાજ્યના જુદા જુદા ભાગોમાંથી હજારો યાત્રિકો આવે છે. આ મંદિરની વાર્ષિક આવક ચારથી પાંચ લાખ રૂપિયા જેટલી થાય છે, તે પૈકીની મોટાભાગની આવક આ બે ઉત્સવો વખતે થાય છે. અન્ય મંદિરોમાં અનન્ત પદ્મનાભ સ્વામી, ભીમેશ્વર સ્વામી, કોદંડા રામસ્વામી, કાશી વિશ્વેશ્વર અને રાજ-રાજેશ્વરીનાં મંદિરોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત મુસ્લિમ સંતની કબર પણ છે.
વાર-તહેવારે, ઉત્સવો ટાણે જુદા જુદા મેળા યોજાતા રહે છે.
વસ્તી : 2011 મુજબ કરીમનગર જિલ્લાની વસ્તી 38,11,738 છે. સ્ત્રી-પુરુષોની સંખ્યા લગભગ સરખી છે. ગ્રામીણ અને શહેરી વસ્તીનું પ્રમાણ અનુક્રમે 80% અને 20% જેટલું છે. જિલ્લામાં તેલુગુ, ઉર્દૂ, હિન્દી અને અંગ્રેજી ભાષાઓ બોલાય છે. જિલ્લામાં આશરે 75% હિન્દુ, બાકીના 25%માં મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ તેમજ જૈનોનો સમાવેશ થાય છે. જિલ્લાની વસ્તીના આશરે 35% લોકો શિક્ષિત છે. કરીમનગર ખાતે સંસ્કૃત શિક્ષણ સહિત આશરે વીસ જેટલી ઉચ્ચશિક્ષણની કૉલેજો/સંસ્થાઓ છે. જિલ્લાનાં આશરે 50% જેટલાં ગામોમાં તબીબી સેવાની સુવિધાઓ ઉપલબ્ધ છે. અહીંથી તેલુગુ ભાષામાં એક વર્તમાનપત્ર તથા સામયિકો બહાર પડે છે. વહીવટી સરળતા માટે જિલ્લાને 56 મંડળોમાં વહેંચેલો છે, જિલ્લામાં 10 નગરો તથા કુલ 1,087 ગામડાં (41 વસ્તીવિહીન) આવેલાં છે.
ઇતિહાસ : આ જિલ્લો પ્રાચીન સમયથી જાણીતા બનેલા તેલંગાણાનો એક ભાગ છે. કરીમનગરનાં જુદાં જુદાં ઘટકોમાં સમયભેદે સાતવાહનો, પૂર્વના ચાલુક્યો, રાષ્ટ્રકૂટો, કલ્યાણીના પશ્ચિમના ચાલુક્યો, કાકતિયા, મુસનુરીઓ, રેચર્લાઓ, બહ્મનીઓ, કુત્બશાહીઓ, મુઘલો અને અસફજહીઓએ શાસન કરેલાં. પહેલાં આ જિલ્લો ‘સરકાર એલ્ગંડલ’ નામથી ઓળખાતો હતો. 1897માં તે નવ (ચિન્નુર, જગતિયાલ, જામીકુંટા, કરીમનગર, લક્ષેત્તિપેટ, મહાદેવપુરમ્, સિદ્દીપેટ, સિરસિલ્લા અને સુલતાનાબાદ) તાલુકાઓથી બનેલો હતો. 1905માં હૈદરાબાદ રાજ્યની પુનર્રચના થતાં આ જિલ્લાનું નામ ‘કરીમનગર’ રાખવામાં આવ્યું, તે વખતે તેમાંથી ચિન્નુર અને લક્ષેત્તિપેટને આદિલાબાદમાં અને સિદ્દિપેટને મેડક જિલ્લામાં ફેરવવામાં આવ્યા, પરંતુ વારંગલના પારકલ તાલુકાને કરીમનગરમાં મૂકવામાં આવ્યો. 1950ની પુનર્રચનામાં આઠ તાલુકા થયા. 1953માં પારકલ તાલુકાને ફરીથી વારંગલમાં ફેરવાતાં હવે આ જિલ્લો સાત તાલુકાઓનો બનેલો છે.
ગિરીશભાઈ પંડ્યા