કરીમગંજ : અસમ રાજ્યનો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 24o 50′ ઉ. અ. અને 92o 50′ પૂ. રે.ની આજુબાજુનો 1,839 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે બાંગ્લાદેશની સીમા તથા કચાર જિલ્લાનો કેટલોક ભાગ, પૂર્વ તરફ હૈલાકાંડી જિલ્લો, દક્ષિણ તરફ મિઝોરમ રાજ્યની સીમા, નૈર્ઋત્યમાં ત્રિપુરા રાજ્યની સીમા તથા પશ્ચિમ તરફ બાંગ્લાદેશનો સિલ્હટ જિલ્લો આવેલા છે. જિલ્લામથક કરીમગંજ જિલ્લાની ઉત્તર સીમા નજીક આવેલું છે. કરીમગંજ શહેર ભારત-બાંગ્લાદેશ સરહદને અલગ પાડતી કુશિયારી નદીને દક્ષિણ કાંઠે વસેલું છે, તે સિલ્ચરથી પશ્ચિમે 49 કિમી.ને અંતરે આવેલું છે. જિલ્લાનું નામ જિલ્લામથક પરથી પડેલું છે. જિલ્લામથક જિલ્લાની ઉત્તરમાં આવેલું છે.
ભૂપૃષ્ઠ : જિલ્લાનું ભૂપૃષ્ઠ ઊંચી ટેકરીઓ, નીચાણવાળી ભૂમિ તેમજ સમતળ મેદાનોથી બનેલું છે. હૈલાકાંડી ખીણની પશ્ચિમે આવેલી ટેકરીઓ સળંગ ચાલી જાય છે. કુશિયારી નદી અહીંની મુખ્ય નદી છે.
ખેતી : ડાંગર અહીંનો મુખ્ય કૃષિપાક છે, વર્ષમાં ત્રણ વાર તેનો પાક લેવાય છે. આ ઉપરાંત અહીં મકાઈ, ઘઉં, ઝીણી બાજરી, કઠોળ, તેલીબિયાં તેમજ બીજા કેટલાક ધાન્યપાકો પણ થાય છે. વીસમી સદીના છેલ્લા દાયકામાં જિલ્લામાં ઉપલબ્ધ સિંચાઈક્ષમતા સરેરાશ 10,000 હેક્ટરથી વધુ રહેલી.
જિલ્લાના પશુધનમાં ગાયો, ભેંસ, બળદ, ઘેટાં-બકરાં, ઘોડા, વછેરા, ટટ્ટુ, ડુક્કર અને બતકાંનો સમાવેશ થાય છે. પશુઓ માટે પશુદવાખાનાં, પશુચિકિત્સાલયો, કૃત્રિમ ગર્ભાધાન-કેન્દ્રોની સુવિધા ઊભી કરાયેલી છે. મત્સ્યઉછેર-કેન્દ્રો તથા રેશમના કીડાનાં ઉછેર-કેન્દ્રો પણ છે.
ઉદ્યોગ–વેપાર : જિલ્લામથક કરીમગંજ ઉદ્યોગો માટેનું મહત્વ ધરાવતું મથક બની રહેલું છે. અહીંથી ઉપભોગ માટેની ઘણી ચીજવસ્તુઓ ત્રિપુરા ખાતે મોકલાય છે. ચાના બગીચાઓમાંથી ચાનું ઉત્પાદન લેવાય છે. કુદરતી વાયુ તેમજ ખનિજતેલ સારા પ્રમાણમાં મળે છે. બદરપુર ખાતે આશરે 30 જેટલા ઔદ્યોગિક શેડ કાર્યરત છે. હાથસાળનો ઉદ્યોગ અહીં વિકસેલો છે. ખાદ્ય-પેદાશો, સુતરાઉ કાપડ, ઊની-રેશમી-કૃત્રિમ રેસાઓનું ઉત્પાદન લેવાય છે. કાષ્ઠ અને તેની પેદાશો, બિસ્કિટ, સાબુ, ફાડેલા વાંસ, રબર, પ્લાસ્ટિક, ખનિજતેલ અને કોલસાની પેદાશોનું ઉત્પાદન પણ થાય છે.
પરિવહન : આ જિલ્લો સડકમાર્ગો અને રેલમાર્ગોથી સારી રીતે સંકળાયેલો છે. બદરપુર અહીંનું સૌથી મોટું રેલજંક્શન છે. સિલ્ચર નજીક આવેલું કુફહીગ્રામ નજીકમાં નજીકનું હવાઈમથક છે. સડકમાર્ગોની કુલ લંબાઈ આશરે 1100 કિમી. જેટલી છે, તે પૈકી માત્ર 11 કિમી.ની લંબાઈનો રાજ્ય ધોરી માર્ગ આ જિલ્લામાંથી પસાર થાય છે, બાકીના માર્ગો જાહેર માર્ગબાંધકામ હસ્તકના છે.
પ્રવાસન : જિલ્લાના બદરપુર નગર નજીક સિદ્ધેશ્વર શિવમંદિર, પીરશાહ જલાલના સાથીદાર ખાખી પીર અદોમની કબર, ઇમામ મોહદી મોહમની કબર તથા શાહ અર્પિન મોકમની કબર આવેલાં છે. વારતહેવારે હિન્દુ-મુસ્લિમોના મેળા ભરાય છે તથા ઉત્સવો યોજાય છે.
વસ્તી : 2011 મુજબ આ જિલ્લાની વસ્તી 12,17,002 જેટલી છે. સ્ત્રી-પુરુષોની વસ્તીનું સંખ્યાપ્રમાણ લગભગ સમાન છે. ગ્રામીણ અને શહેરી વસ્તીનું પ્રમાણ અનુક્રમે 92% અને 8% જેટલું છે. આ જિલ્લામાં બોલાતી મુખ્ય ભાષા આસામી છે. અહીં હિન્દુ (40%), મુસ્લિમ (40%), તથા બૌદ્ધ, જૈન, ખ્રિસ્તી અને શીખ (20%) વસે છે. શિક્ષિતોની સંખ્યા 55% જેટલી છે. જિલ્લાનાં શહેરો અને નગરો ઉપરાંત 90% ગામડાંઓમાં શિક્ષણની સુવિધા છે. તેમાં પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓનો સમાવેશ થાય છે. જિલ્લામાં હૉસ્પિટલો, પ્રાથમિક સ્વાસ્થ્યકેન્દ્રો, ચિકિત્સાલયો, ગ્રામીણ કુટુંબ કલ્યાણકેન્દ્રોની સગવડો પણ ઉપલબ્ધ છે. વહીવટી સરળતા માટે જિલ્લાને એક ઉપવિભાગ (કરીમગંજ) અને પાંચ મંડળોમાં વિભાજિત કરેલો છે.
ઇતિહાસ : મણિપુર અને કચારી સામ્રાજ્યના ઇતિહાસમાં કચાર જિલ્લાનું ખૂબ મહત્વ હતું. આજનો કરીમગંજ જિલ્લો એ વખતે કચાર જિલ્લાનો એક ભાગ હતો. કામરૂપના રાજકુમારને દેશનિકાલ કરેલો, તેણે આ પ્રદેશમાં આવીને કચારી રાજવંશ ચાલુ કરેલો. કચારનો સમગ્ર પ્રદેશ 13મી સદી સુધી કચારી રાજવંશને હસ્તક રહેલો. ત્યાર પછી અહોમ જાતિના લોકોની રંજાડથી કચારી રાજવી દીમાપુર છોડીને નૈર્ઋત્ય તરફ મહુર નદી પર આવેલા જંગલ આચ્છાદિત ટેકરીઓવાળા મૈબાંગ ખાતે ગયો અને ત્યાં રાજધાની સ્થાપી. ત્યાં રાજા મેઘ નારાયણે પ્રવેશદ્વારો સહિત મહેલ અને મંદિર બાંધ્યાં. 1706માં અહોમના રુદ્રસિંહે કચારી રાજા પર હુમલો કરીને મૈબાંગ હસ્તગત કરી લીધું અને કચારી રાજા તામ્રધ્વજ વધુ દક્ષિણે ખાસપુર તરફ નાસી ગયો. 1708માં તામ્રધ્વજ મૃત્યુ પામ્યા પછી કચારી રાજા સુરદર્પ નારાયણે આસામના બધા જ કચારી લોકોને ભેગા કરીને ખાસપુરના આ રાજા પ્રત્યે પોતાની નૈતિક વફાદારી જાહેર કરી, હિંમત આપી. 1854માં આ પ્રદેશ બ્રિટિશ હકૂમત હેઠળ ગયો. કચારી શાસન વખતે ભીમેનસિંગ, રંગપુર અને સિલ્હટથી બંગાળીઓ આવીને વસેલા. બ્રિટિશ શાસન અહીં સ્થિર થયા પછી અહીં ઘણા સ્થળાંતરવાસીઓ પણ આવીને વસેલા છે.
ગિરીશભાઈ પંડ્યા