કરવેરા-સત્યાગ્રહ (સુરત), 1860 : નવા આવકવેરા સામે સૂરતના વેપારીઓએ કરેલો સત્યાગ્રહ. 29 નવેમ્બર 1860ના રોજ સૂરતના વેપારીઓએ સરકાર દ્વારા નવા દાખલ કરવામાં આવેલા આવક-વેરાનો વિરોધ કર્યો. એ દિવસે લગભગ 3,000થી 4,000 જેટલા લોકોએ બુરહાનપુર ભાગોળ પાસે ભેગા મળીને જાહેર કર્યું કે તેઓ આવકવેરાનાં પત્રકો નહિ ભરે અને જ્યાં સુધી આવકવેરો દૂર કરવામાં નહિ આવે ત્યાં સુધી દુકાનો બંધ રાખશે. પરિણામે જિલ્લામૅજિસ્ટ્રેટ સ્વેનસ્કોફર્ટ અને પોલીસ-સુપરિન્ટેન્ડેન્ટ કૅપ્ટન હૉગ્સન ઘોડેસવાર પોલીસ સાથે ત્યાં આવી પહોંચ્યા. તેથી ટોળું વીખરાઈ ગયું અને કોઈ પણ જાતનું બળ વાપરવું ન પડ્યું. આ ટોળામાંથી 30 જેટલા આગેવાનોને પકડી લેવામાં આવ્યા. તેમાંથી પાંચને પુરાવાના અભાવે નિર્દોષ ઠરાવી છોડી મૂક્યા અને બાકીના પચીસને ગુનેગાર ઠરાવી, સખત મજૂરી સાથે છ મહિનાની કેદની સજા કરવામાં આવી. તે સમયે આ બનાવ ‘જાહેર બળવા’ તરીકે ઓળખાયો, પરંતુ બનાવનું સ્વરૂપ જોતાં તેને કરવેરા કે આવકવેરા-સત્યાગ્રહ તરીકે ઓળખાવાય છે.
યતીન્દ્ર દીક્ષિત