કરવેરા-આયોજન : કાયદામાં આપવામાં આવેલી કરમુક્તિઓ તથા રાહતો અને કાયદા હેઠળ ઉપલબ્ધ છૂટછાટોનો લાભદાયી ઉપયોગ કરદાતા દ્વારા કરવાનું આયોજન. કરનિર્ધારણના પાયા ઉપર કરવેરાનું પ્રત્યક્ષ કર અને પરોક્ષ કર એમ બે ભાગમાં વર્ગીકરણ કરવામાં આવે છે. તદનુસાર આવક કર, સંપત્તિ કર, બક્ષિસ કર વગેરે પ્રત્યક્ષ કર કહેવાય છે અને આબકારી શુલ્ક, સીમાશુલ્ક, વેચાણવેરો, સ્થાનિક જકાત વગેરે પરોક્ષ કર કહેવાય છે. આવક કર, સંપત્તિ કર અને બક્ષિસ કર જેવા કરો નાગરિકની પ્રામાણિકતા ઉપર અવલંબિત છે, કારણ કે તે અન્ય વ્યક્તિ ઉપર ખેસવી શકાતા નથી અને નાગરિકે પોતે વેઠવા પડે છે. તે પાર્શ્વભૂમિકામાં કરવેરા આયોજનના સહારે કાયદાના માળખામાં રહીને ઓછામાં ઓછો પણ સાચો કરવેરો ભરીને વધુમાં વધુ બચત કરવાનો પ્રત્યેક વ્યક્તિનો અધિકાર છે. કર-આયોજન કરવું તે કોઈ પણ સંજોગોમાં કરચોરી નથી. વ્યક્તિની આવી કાયદેસરની બચત અંતે તો રાષ્ટ્રના સર્વાંગી આર્થિક વિકાસમાં તેમજ લોકોપયોગી સેવાનાં કાર્યોમાં મહત્વનો ફાળો આપે છે. કરચોરી પ્રત્યેનું આકર્ષણ દૂર કરીને કરદાતાને તંદુરસ્ત બચત અને રોકાણ તરફ પ્રેરતું કરવેરા-આયોજન વાસ્તવમાં વ્યક્તિ, સમાજ તેમજ રાષ્ટ્રના હિતનું સંરક્ષણ કરે છે તેમ કેટલાક અર્થશાસ્ત્રીઓનું માનવું છે.
કરવેરા-આયોજન માટે આવકવેરા અને સંપત્તિવેરાને લગતી વિવિધ છૂટછાટોની જોગવાઈઓનો લાભ ઉપલબ્ધ છે. જેમ કે આવક-વેરા કાયદા હેઠળ સંપૂર્ણ કરમુક્ત ગણાતી આવકો, મોટા હિંદુ અવિભક્ત કુટુંબના વિભાજન દ્વારા નાના હિન્દુ અવિભક્ત કુટુંબની રચના, પેઢીમાં ભાગીદાર તરીકે હિન્દુ અભિવ્યક્ત કુટુંબના સમાવેશ નિયત રોકાણમાંથી મળતા વ્યાજ અને ભારતીય કંપનીઓના શૅરના ડિવિડન્ડ સંબંધી કપાત, દાન સંબંધી કપાત, આવકવેરામાંથી (જીવનવીમાનું પ્રીમિયમ, પ્રૉવિડન્ટ ફંડમાં ફાળો, નૅશનલ સેવિંગ સર્ટિફિકેટમાં રોકાણ તથા રહેઠાણ માટેના નવા મકાનમાં રોકાણની રકમ ઉપર 20 %ના દરે) મળતું રિબેટ, પગારદારને મળતી કરમુક્ત આવકો, અંગત રહેઠાણ માટેની મકાન-મિલકતનું વાર્ષિક મૂલ્યાંકન અને તેમાંથી બાદ મળતી કપાતો, ધંધાવ્યવસાયના નફામાંથી બાદ મળતા ખર્ચા, મૂડીનફા અંગે કરમુક્તિની જોગવાઈઓ એમ અનેક જોગવાઈઓનો લાભ લઈને આવકવેરા સંબંધી આયોજન થઈ શકે છે અને સંપત્તિવેરા હેઠળ સંપૂર્ણ કરમુક્ત મિલકતોની જોગવાઈઓનો લાભ લઈને સંપત્તિવેરા સંબંધી આયોજન થઈ શકે છે.
આબકારી શુલ્ક, સીમાશુલ્ક, વેચાણવેરો, ઑક્ટ્રોય વગેરે કર અંગે પણ કાયદાઓ કરવામાં આવેલા છે. તેના ઉપલક્ષ્યમાં કરવેરાનિષ્ણાતના માર્ગદર્શન હેઠળ કરવેરાનું આયોજન થઈ શકે છે.
દીપક શાહ