કરવેરા

વ્યક્તિ, વ્યક્તિઓના સમૂહ અથવા સંસ્થા દ્વારા નાણાં અને કોઈવાર માલસામાન તથા સેવાનું રાજ્યને ફરજિયાત પ્રદાન. કરની વસૂલાતને અનુરૂપ સરકાર તરફથી કરદાતાને બદલો ન મળે છતાં પણ તેણે કર ભરવો પડે છે. ચોક્કસ અને પ્રત્યક્ષ સમમૂલ્ય વસ્તુના આદાનપ્રદાન(quid pro quo)નો સિદ્ધાંત કરને લાગુ પડતો નથી. સામાન્ય રીતે કરદાતાને જાનમાલનું રક્ષણ ઇત્યાદિ ઘણા લાભ રાજ્ય તરફથી મળે છે. પરન્તુ પોતે કર ભરે છે તેવી દલીલના આધારે જાહેર ખર્ચમાંથી કોઈ ચોક્કસ પ્રકારનો લાભ મેળવવાનો તેને કોઈ અધિકાર નથી. અલબત્ત જાહેર ખર્ચનો લાભ સમાજની અન્ય વ્યક્તિઓની માફક કરદાતાને પણ મળે તેમ બને. વ્યક્તિ, વ્યક્તિઓના સમૂહ અથવા સંસ્થાને કરપાત્ર સ્રોતમાંથી આવક થતી હોય અથવા તેની પાસે મૂર્ત કે અમૂર્ત (tangible and intangible) કરપાત્ર મિલકત હોય અથવા તેની દ્વારા કરપાત્ર આર્થિક પ્રવૃત્તિ થતી હોય તો રાજ્ય તેને કર ભરવા ફરજ પાડે છે.

જાહેર સંસ્થાઓ દ્વારા પૂરી પાડવામાં આવતી સેવાઓ પર થતા ખર્ચને પહોંચી વળવા અને આવી સંસ્થાઓનાં કાર્યો માટે નાણાકીય સાધનો ઊભાં કરવા માટે જાહેર સંસ્થાઓ દ્વારા કરવેરા ઉઘરાવવામાં આવે છે. જાહેર સંસ્થાઓ અને નાગરિકો વચ્ચે ખરીદશક્તિનું હસ્તાંતરણ કરવા માટે કરવેરા અસરકારક સાધન ગણાય છે એટલું જ નહિ, પરંતુ જાહેર સંસ્થાઓ માટે આવક ઊભી કરવાનું તે મુખ્ય અને સુગમ સાધન ગણાય છે. ફરજિયાત ચુકવણી ઉપરાંત તેનું બીજું અગત્યનું લક્ષણ એ છે કે કરવેરાની ઉઘરાણી કરનાર જાહેર સંસ્થા દ્વારા કરની ચુકવણી કરનાર નાગરિક કે સંસ્થાને તાત્કાલિક પ્રત્યક્ષ કોઈ બદલો આપવામાં આવતો નથી તથા ભવિષ્યમાં બદલાની તેમને બાંયધરી પણ આપવામાં આવતી નથી. કલ્યાણલક્ષી રાજ્યોમાં તો કરનું નાણાકીય ભારણ સહન કરનાર વ્યક્તિ કે વર્ગ કરતાં જાહેર ખર્ચના લાભ મેળવનાર વર્ગ તદ્દન જુદા પણ હોઈ શકે છે. આધુનિક જમાનામાં રાજ્યની કુલ આવકમાં કરવેરા દ્વારા ઊભી કરવામાં આવતી આવકનું પ્રમાણ સામાન્ય રીતે 65થી 70 ટકા જેટલું હોય છે જે રાષ્ટ્રીય આવકના 30થી 40 ટકા જેટલો હિસ્સો દર્શાવે છે.

કરવેરાના હેતુઓ વિશે મુખ્યત્વે ત્રણ મંતવ્યો પ્રચલિત હતાં : (1) જાહેર સંસ્થાઓનાં ફરજિયાત અને મરજિયાત કાર્યોને પહોંચી વળવા માટે નાણાપ્રાપ્તિનું તે સાધન છે. (2) રાષ્ટ્રીય આવકની પુન: વહેંચણી દ્વારા આર્થિક અને સામાજિક ન્યાય પ્રસ્થાપિત કરવાનું અથવા આવક તથા સંપત્તિની અસમાનતાઓ ઘટાડવાનું તે સાધન છે અને આ અર્થમાં તે દેશનું આર્થિક તથા સામાજિક વિચારસરણીનું પ્રતિબિંબ હોય છે. (3) વ્યાપારચક્રની ઊથલપાથલમાંથી અર્થતંત્રને બચાવવા અને તે દ્વારા આર્થિક સ્થિરતા હાંસલ કરવા માટેનું સાધન છે. અલ્પવિકસિત તથા વિકાસશીલ દેશોના સંદર્ભમાં વિચારીએ તો કરવેરા ઝડપી આર્થિક વિકાસ માટે નાણાકીય સાધનો ઊભાં કરવાનું અગત્યનું સાધન છે. આમ કરવેરા દ્વારા નાગરિકો આર્થિક વર્ગો તથા સંસ્થાઓ પાસેની વિનિમયક્ષમ/વાપરી શકાય તેવી (disposable) આવકની સપાટીમાં ફેરફાર કરી સમાજની કુલ અસરકારક માગ, અર્થતંત્રમાં થતું મૂડીરોકાણ, રોજગારીની તકો, રાષ્ટ્રીય આવકનું કદ અને પ્રવર્તમાન ભાવસપાટી પર અસર કરી શકાય અને તેના દ્વારા દેશના આર્થિક તથા સામાજિક ઉદ્દેશો સિદ્ધ કરી શકાય છે.

આવક, સંપત્તિ, નફો, મૂડીલાભ વગેરે પરના કરવેરા પ્રત્યક્ષ કરવેરા તરીકે ઓળખાય છે, જ્યારે ખરીદવેચાણ થતી વસ્તુ પરના કરવેરાને પરોક્ષ કરવેરા કહેવામાં આવે છે.

રાજ્યની આવકના અનેક સ્રોત છે; પરન્તુ બધા સ્રોત કર કહેવાતા નથી. ઉદાહરણ તરીકે દંડ (fine), સમુન્નતિ લાગત (betterment charges), ચલણી સિક્કા અને નોટો બનાવવામાં થતો નફો, ખાધપૂરક નાણાવ્યવસ્થા (deficit financing) વગેરે કર કહેવાતાં નથી. દંડ ફરજિયાત વસૂલ કરવામાં આવે છે. વળી તેને ચોક્કસ અને પ્રત્યક્ષ સમમૂલ્ય વસ્તુના આદાનપ્રદાનનો સિદ્ધાંત લાગુ પડતો નથી. આમ, દંડ અને કરમાં સામ્ય જણાય છતાં તે કર નથી; કારણ કે દંડ કરવામાં રાજ્યનો હેતુ આવક ઊભી કરવાનો નથી, પરન્તુ અપરાધ અટકાવવાનો છે. રાજ્ય દ્વારા કરવામાં આવેલા સિંચાઈ, માર્ગવ્યવહારવ્યવસ્થા વગેરે જેવા જાહેર ખર્ચને લીધે જમીનની કિંમતમાં વધારો થાય છે તેથી આવી જમીનના માલિક પાસેથી રાજ્ય સમુન્નતિ લાગો ફરજિયાત વસૂલ કરે છે, પરંતુ તે કર કહેવાતો નથી, કારણ કે જમીનની કિંમતમાં થયેલો વધારો ચોક્કસ અને પ્રત્યક્ષ સમમૂલ્ય વસ્તુના આદાનપ્રદાનના સિદ્ધાંતનું આંશિક પાલન કરે છે. સરકાર પોતાની ટંકશાળમાં જુદા જુદા મૂલ્યના ધાતુના સિક્કા બનાવે છે. આ સિક્કાની પડતર કિંમત તેના નાણામૂલ્ય કરતાં સામાન્ય રીતે ઓછી હોવાથી સિક્કા પાડવાની પ્રવૃત્તિમાં રાજ્યને થોડોઘણો નફો થાય છે. વળી આ નાણું સ્વીકારવું જનતા માટે ફરજિયાત છે, છતાં આવો નફો કર કહેવાતો નથી. રાજ્યની આવક કરતાં ખર્ચ વધારે થાય તો રાજ્ય આંતરિક અને આંતરરાષ્ટ્રીય સ્તરે ધિરાણ લેતું હોય છે; પરંતુ કેટલીક વાર ખાધપૂરક નાણાવ્યવસ્થાનો આશ્રય લઈને ચલણી નોટો છાપીને પોતાના હાથમાં નાણાકીય ખરીદશક્તિ ઊભી કરે છે. આમ ખાધપૂરક નાણાવ્યવસ્થા વાસ્તવમાં છૂપો કર છે છતાં રૂઢપ્રયોગમાં તે કર નથી.

ઓગણીસમી શતાબ્દી સુધી અર્થશાસ્ત્રીઓ આગ્રહપૂર્વક જણાવતા હતા કે રાજ્યનું કર્તવ્ય ફક્ત આંતરિક અવ્યવસ્થા અને બાહ્ય આક્રમણ સામે નાગરિકનું રક્ષણ કરવું તેટલું જ છે. તેથી રાજ્યે પોતાનાં પોલીસકર્તવ્યો પૂરતો કર ઉઘરાવવો જોઈએ અને પ્રજાની આવકનો પ્રચુર હિસ્સો રાજ્યના હાથમાં એકત્રિત થવા દેવો જોઈએ નહિ. વધુ પડતા કરવેરાથી નાણાંનો પ્રવાહ રાજ્ય દ્વારા થતા બિન-ઉત્પાદક ઉપયોગ માટે ખેંચાઈ જાય છે અને પ્રજા દ્વારા થતી ઉત્પાદક પ્રવૃત્તિઓ માટે ઉપલબ્ધ રહેતો નથી. ધીમે ધીમે પ્રગતિશીલ વિચારસરણીના પ્રભાવમાં આવવાથી રાજ્ય પોલીસ-રાજ્યમાંથી કલ્યાણ-રાજ્યમાં પરિવર્તિત થવા માંડ્યું અને આવકની પુનર્વહેંચણી અને આર્થિક ર્દઢીકરણનું કાર્ય કરપદ્ધતિ દ્વારા થવા માંડ્યું. અર્વાચીન વિચારશૈલી અનુસાર બેકારીનિવારણ, પ્રાદેશિક વિકાસમાં થતી અસમાનતાનું નિવારણ, પ્રજાનાં વિવિધ જૂથો વચ્ચે આવકની ન્યાયી ધોરણે પુનર્વહેંચણી વગેરે કાર્ય કરમાળખા દ્વારા કરવાનું રાજ્ય માટે આવશ્યક ગણાયું છે.

જેને કર લાગુ પાડવામાં આવે તે લક્ષ્યનું કાયદેસરનું વર્ણન, કરનો આધાર (base of tax) કહેવાય છે. પ્રત્યક્ષ કરના કાયદામાં વૈધિક નિયમો દ્વારા નિયત કરેલ કરપાત્ર આવક, મૂડીલાભ, સંપત્તિ અથવા બક્ષિસ અને પરોક્ષ કરના કાયદાઓમાં નિયત કરેલ કરપાત્ર માલઉત્પાદન-પ્રક્રિયા, પૅકિંગ, આયાત, નિકાસ અથવા વેચાણ જે તે સંબંધિત કરનો આધાર કહેવાય છે. કરનો આધાર સમયપરિમાણને પણ અધીન છે. ઉદાહરણ તરીકે, આવકવેરો આખા વર્ષની આવક ઉપર લેવાય છે, પરન્તુ સંપત્તિકર નાણાકીય વર્ષની ફક્ત એક જ નિર્દિષ્ટ તારીખે જે સંપત્તિ હોય તેની ઉપર લેવાય છે. કર-વસૂલાતનો ખર્ચ, કરની સંભવિત અસર વગેરે વિવિધ પરિબળોનો સમન્વય કરીને સત્તાવાળાઓ કરના આધારનો વ્યાપ નક્કી કરતા હોય છે. સમય જતાં આવક, ઉત્પાદન વગેરેની વધઘટથી કરનો આધાર આપોઆપ વિસ્તરે છે કે સંકોચાય છે. નિયમોમાં ફેરફાર કરીને આવક, ઉત્પાદન વગેરેને કરપાત્ર મર્યાદામાં લાવીને અથવા મર્યાદામાંથી દૂર કરીને પણ સત્તાવાળાઓ કરનો પાયો વિસ્તારે કે સંકોચે છે.

કરનું વર્ધમાન (progressive), હ્રીયમાણ (regressive), પ્રમાણસર (proportionate), પ્રત્યક્ષ (direct) અને પરોક્ષ (indirect) કર એવું વર્ગીકરણ કરવામાં આવે છે. આવક અને/અથવા સંપત્તિ વધે તેમ તેમ તેના ઉચ્ચતર સ્તર ઉપર માત્ર કરની રકમ જ નહિ પરન્તુ કરનો દર પણ વધે તો તેને વર્ધમાન કર, કરની રકમ વધે છતાં કરનો દર ઘટે તો તેને હ્રીયમાણ કર અને કરનો દર સમાન રહે તો તેને પ્રમાણસર કર કહેવાય છે. પ્રત્યક્ષ કર અને પરોક્ષ કર વચ્ચે ભેદરેખા દોરવી સહેલી નથી, કારણ કે તે અંગે અર્થશાસ્ત્રીઓમાં વિવિધ મત પ્રવર્તે છે. આ વર્ગીકરણ બહુધા કરનિર્ધારણના પાયા ઉપર આધાર રાખે છે. તદનુસાર આવક-કર, મૂડીલાભ-કર, સંપત્તિ-કર, બક્ષિસ-કર વગેરે પ્રત્યક્ષ કર છે અને આબકારી શુલ્ક, સીમાશુલ્ક, સેવાવેરો, વેચાણવેરો, સ્થાનિક જકાત, નાકાવેરો વગેરે પરોક્ષ કર છે. પ્રત્યેક કરના આગવા ગુણદોષ છે. વર્ધમાન કર સમર્થે નબળાને અને શ્રીમંતે અકિંચનને મદદરૂપ થવું જોઈએ તેવા સામાજિક સૂત્રનો અમલ કરે છે. વધુ આવકવાળાએ ઓછી આવકવાળાની સરખામણીમાં ઊંચા દરે કર ભરવો જોઈએ તેવું ર્દષ્ટિબિંદુ હવે તો શ્રીમંતોએ પણ સામાન્ય રીતે સ્વીકારી લીધું છે, તેથી જીવનનિર્વાહ માટે જરૂરી લઘુતમ આવકથી વધારાની આવક ઉપર વર્ધમાન દરે લગાડાતો આવક-કર લગભગ બધાં વિકસિત રાષ્ટ્રોની કરપદ્ધતિની કરોડરજ્જુ બની ગયો છે. વર્ધમાન કરના દોષ પણ છે. તે બચતમાં અને મૂડીસર્જનમાં વિઘ્નરૂપ છે અને પ્રગતિશીલ અથવા સમાજવાદની વિચારસરણીને વરેલી સરકારોના હાથમાં શ્રીમંતોની સંપત્તિ અને ઉચ્ચતર સ્તરની આવક ક્યારેક સંપૂર્ણપણે છીનવી લેવાનું શસ્ત્ર બની જાય છે. હ્રીયમાણ કરનો મુખ્ય દોષ તે અકિંચનોનું શોષણ છે. પ્રમાણસર કર સમજવામાં સરળ અને એકસૂત્રીય છે. પ્રમાણસર દરે કર ભર્યા અગાઉ કરદાતાઓની આવકો વચ્ચે જે ગુણોત્તર પ્રવર્તતો હોય છે તે પ્રમાણસર દરે કર ભર્યા પછી પણ બદલાતો નથી, તેથી કરદાતાઓની આર્થિક ક્ષમતા અન્યોન્યની સરખામણીમાં બદલાતી નથી. વળી આ પદ્ધતિ અનુસાર દરેક સ્તરની સંપત્તિ કે આવક ઉપર લાગુ પાડવામાં આવતો દર એકસરખો રહેતો હોવાથી શ્રીમંતોની ઉચ્ચ સ્તરની સંપત્તિ કે આવક રાજ્ય લઈ લેતું નથી. પ્રત્યક્ષ કરમાં ચોકસાઈનું તત્વ રહેલું છે. આવક અને સંપત્તિની વધઘટને અનુરૂપ પ્રત્યક્ષ કરની પ્રાપ્તિમાં વધઘટ થાય છે તે તેની આવકાર્ય પરિવર્તનક્ષમતા (flexibility) છે. પ્રત્યક્ષ કર કરદાતામાં હક અને ફરજ વિશે નાગરિક જાગૃતિ જન્માવે છે. પરન્તુ તેમાં કેટલાક દોષ પણ છે. પ્રત્યક્ષ કર ખરેખર તો નાગરિકની પ્રામાણિકતા ઉપર અવલંબિત છે, કારણ કે અપ્રામાણિક નાગરિક સામાન્ય રીતે પોતાની આવક અને સંપત્તિ આંશિક અથવા સંપૂર્ણ રીતે છુપાવવાનું વલણ ધરાવે છે. આ પ્રકારની કરચોરી અટકાવવા રાજ્ય આવક અને સંપત્તિનાં અતિ ઝીણવટ અને ગૂંચવણભર્યાં પત્રકો દાખલ કરીને સામાન્ય નાગરિકો માટે જંજાળ ઊભી કરે છે. વળી પ્રત્યક્ષ કરની વસૂલાત માટે વિશાળ વહીવટી તંત્ર ઊભું કરવું પડતું હોવાથી રાજ્યને તેની વસૂલાત મોંઘી પડે છે. પરોક્ષ કરનો પાયો અતિ બહોળો છે. જુદી જુદી વસ્તુઓ ઉપરનો પરોક્ષ કર આબાલવૃદ્ધ, શ્રીમંત-અકિંચન એમ દરેક વય અને વર્ગના સર્વે નાગરિકોને પોતાના વ્યાપમાં લઈ લે છે તેથી રાજ્ય આસાનીથી અધિક કર વસૂલ કરી શકે છે. પરન્તુ પરોક્ષ કર અકિંચનો ઉપરનો વાસ્તવિક કરબોજ વધારી દે છે અને તેથી તે હ્રીયમાણ કર ગણાય છે.

રાજ્યની પ્રવૃત્તિ માટે પ્રજા તરફથી જાહેર સત્તાધીશોના હાથમાં કર દ્વારા નાણાંનું હસ્તાંતરણ થાય છે તે એક અર્થમાં નાણાકીય કરબોજ (burden of taxation) કહેવાય છે. તેથી કરદાતાનાં ઉપભોગ-ધોરણ, બચત અને રોકાણ ઘટે છે.

પ્રત્યેક કરદાતા વ્યક્તિગત રીતે કરબોજ સહે છે તે અર્થમાં નાણાંનું હસ્તાંતરણ વાસ્તવિક કરબોજમાં પરિણમે છે. ઊંચી આવકવાળો અને નીચી આવકવાળો જીવનવપરાશની કરપાત્ર થયેલી વસ્તુ એકસરખા પ્રમાણમાં ખરીદે ત્યારે બંનેને એકસરખો કર લાગુ પડતો હોવાથી નીચી આવકવાળાનો વાસ્તવિક કરબોજ વધારે થાય છે. તેવી રીતે એક બાજુએ અનુપાર્જિત (unearned) આવકવાળા, વારસામાં મળેલી મિલકતવાળા તથા અણધાર્યાં નાણાં (windfall gain) મેળવનારા અને બીજી બાજુએ ઉપાર્જિત (earned) આવકવાળાને એકસરખો કર ભરવાનો થાય તો ઉપાર્જિત આવકવાળાનો વાસ્તવિક કરબોજ વધારે થાય છે. વાસ્તવિક કરબોજની આ વિભાવના અપૂર્ણ છે, કારણ કે જાહેર આવકમાંથી રાજ્ય પ્રજાકલ્યાણનાં કેટલાંય કાર્યો કરે છે તેનો લાભ પ્રજા મેળવે છે. તેથી વાસ્તવિક કરબોજની ગણતરીમાં આ લાભ પણ ધ્યાનમાં લેવો જોઈએ. કરપદ્ધતિથી નાણાકીય કરબોજ પડે છે તે તેની સીધી અસર છે; પરંતુ તે ઉપરાંત ભાવમાળખામાં, આવકની વહેંચણીમાં, રોજગારીના કદમાં અને વસ્તુ તથા સેવાના ઉત્પાદનમાં કરપદ્ધતિને લીધે ફેરફાર થાય છે તે તેની પરોક્ષ અસર છે.

કરવેરાના માળખામાં આવક કરનું વિશિષ્ટ મહત્વ છે. કોઈ પણ વ્યક્તિને નિશ્ચિત સમયમાં જે આર્થિક લાભ મળે તે વિશાળ અર્થમાં તેની આવક કહેવાય છે. આવકના સામાન્ય રીતે ત્રણ મુખ્ય ભાગ પાડી શકાય : (1) અન્ય વ્યક્તિઓ પાસેથી વ્યક્તિને મળેલી કુલ આવકમાંથી તે આવક કમાવા માટે તેણે કરેલા જીવનનિર્વાહના ખર્ચ સિવાય અન્ય ખર્ચ બાદ કરતાં રહેતી રકમ, (2) પોતાની માલિકીની વસ્તુઓનું નિશ્ચિત સમયમાં કરેલા ભોગવટાનું આર્થિક મૂલ્યાંકન અને (3) વ્યક્તિની મિલકતમાં નિશ્ચિત સમયમાં થયેલી વૃદ્ધિનું આર્થિક મૂલ્યાંકન. જોકે અર્થશાસ્ત્રીઓ આવકના ત્રણ મુખ્ય ભાગ નીચે પ્રમાણે પાડે છે : (1) સવલતોરૂપે મળતી આવક, (2) અવિરત પ્રાપ્ત થતી આવક અને (3) વ્યક્તિની આર્થિક શક્તિમાં થયેલી વૃદ્ધિરૂપ આવક. કુલ આવક અને ચોખ્ખી આવક વચ્ચેનો ભેદ કરપાત્ર આવક નક્કી કરવામાં મહત્વનો છે. ઉદાહરણ તરીકે, ધંધામાંથી મળેલો બધો વકરો કરપાત્ર ગણી શકાય નહિ, પરંતુ કુલ વકરામાંથી કાચા માલની કિંમત, મજૂરી અને આનુષંગિક ખર્ચા બાદ કર્યા પછી રહેતો ચોખ્ખો ધંધાકીય નફો કરપાત્ર ગણી શકાય. પ્રાપ્ત કરેલા શિક્ષણનો પણ આવકની કમાણીમાં ગણનાપાત્ર ફાળો હોય છે. તેથી ન્યાય અને પ્રોત્સાહન ખાતર કુલ આવકમાંથી શિક્ષણપ્રાપ્તિનો ખર્ચ બાદ આપવો જોઈએ પરંતુ આવો ખર્ચ કેટલો અને ક્યારે બાદ આપવો તે નક્કી કરવામાં મુશ્કેલી પડે છે. અનુપાર્જિત આવકની તુલનામાં ઉપાર્જિત આવક માનસિક અને શારીરિક શ્રમથી થતી હોવાથી અને મૂડીલાભ, બક્ષિસ તથા વારસાગત આવક અનિયમિત અને આકસ્મિક હોવાથી ઓછા દરે કરપાત્ર ગણાય છે.

મૂળ કરદાતા પોતાના ઉપર લાદવામાં આવેલો કરબોજ અન્ય વ્યક્તિ/એકમ ઉપર ખસેડી દઈ શકે તો આવી પ્રક્રિયાને કરવિવર્તન (shifting of tax) કહેવાય છે. આવાં વ્યક્તિ/એકમ પોતાના ઉપર આવી પડેલો કરબોજ વળી અન્ય વ્યક્તિ કે એકમ ઉપર ખેસવવાનો પ્રયત્ન કરે છે. પરંતુ જો કોઈ વ્યક્તિ કે એકમ આવી પ્રક્રિયા દરમિયાન અન્ય વ્યક્તિ કે એકમ ઉપર કરબોજ ખેસવી શકે નહિ તો તેણે તે કરબોજ વેઠવો પડે છે. આમ કરબોજ ખેસવાતાં ખેસવાતાં અંતિમ સ્વરૂપે જે બિંદુ ઉપર વિરમે તે અવસ્થાને કરસંપાત (incidence of tax) કહેવાય છે. જો કરદાતા ઉત્પાદક કે વેપારી હોય તો વેચાણકિંમત વધારીને અથવા ખરીદકિંમત ઘટાડીને કરબોજ અન્ય વ્યક્તિ કે એકમ ઉપર સંપૂર્ણ અથવા આંશિક રીતે ખેસવી શકે છે. ઉદાહરણ તરીકે ઉત્પાદક ઉપર આબકારી શુલ્ક અને વેપારી ઉપર વેચાણકર નાખવામાં આવે તો વેચાણકિંમતમાં વધારો કરીને ઉત્પાદક આબકારી શુલ્ક ખરીદનાર ઉપર અને વેપારી વેચાણ કર ઉપભોક્તા ઉપર ખેસવી દે છે. આ પ્રક્રિયાને અગ્રવર્તી કરવિવર્તન (forward shifting of tax) કહેવાય છે. ઉત્પાદક પોતાના ઉત્પાદન માટે જરૂરી કાચા માલની ખરીદકિંમતમાં અથવા શ્રમિકોને અપાતાં વેતનમાં ઘટાડો કરીને, પુરવઠો પૂરો પાડનાર ઉપર અથવા શ્રમિકો ઉપર જો આબકારી શુલ્ક ખેસવી દે તો તે પ્રક્રિયાને પશ્ચાદવર્તી કરવિવર્તન (backward shifting of tax) કહેવાય છે. પશ્ચાદવર્તી કરવિવર્તન અગ્રવર્તી કરવિવર્તન જેવું સર્વસામાન્ય નથી. વસ્તુની કિંમત કર નાખવામાં આવ્યા પછી પણ જો યથાવત્ રહે તો કરસંપાત સંપૂર્ણપણે વિક્રેતા ઉપર થાય છે, કિંમત કરબોજના પ્રમાણમાં વધે તો કરસંપાત સંપૂર્ણપણે ઉપભોક્તા ઉપર થાય છે અને કિંમત કરબોજના કરતાં ઓછી વધે તો કરસંપાત વિક્રેતા અને ઉપભોક્તા વચ્ચે માગ અને પુરવઠાની મૂલ્યસાપેક્ષતા અનુસાર વહેંચાઈ જાય છે. મોજશોખ અને સુખસગવડને લગતી કર નંખાયેલી વસ્તુઓની માગ બહુધા મૂલ્યસાપેક્ષ (elastic) હોવાથી કરસંપાત વિક્રેતા ઉપર થાય છે. મીઠું, ખાંડ, તમાકુ, ચા, પેટ્રોલ વગેરે કર નંખાયેલી વસ્તુઓની માગ બહુધા મૂલ્યનિરપેક્ષ (inelastic) હોવાથી કરસંપાત ઉપભોક્તા ઉપર થાય છે. તેથી ઊલટું, કર નંખાયેલી વસ્તુનો પુરવઠો જો મૂલ્યસાપેક્ષ હોય તો કરસંપાત બહુધા ઉપભોક્તા ઉપર થાય છે અને કર નંખાયેલી વસ્તુનો પુરવઠો જો મૂલ્યનિરપેક્ષ હોય તો કરસંપાત બહુધા વિક્રેતા ઉપર થાય છે.

કરના સિદ્ધાંત અંગે ઍડમ સ્મિથે ચાર સિદ્ધાંતો (canons) પ્રતિપાદિત કર્યા છે : (1) કરભાર વહન કરવાની શક્તિનો સિદ્ધાંત : દરેક નાગરિકે પોતાની આર્થિક શક્તિના પ્રમાણમાં રાજ્યને કર આપવો જોઈએ. (2) અસંદિગ્ધતાનો સિદ્ધાંત : કર ભરવાની રકમ, કર ભરવાનો સમય અને કરવસૂલાતની પદ્ધતિ સ્પષ્ટ અને અસંદિગ્ધ હોવાં જોઈએ જેથી કરદાતા પોતાનાં આવક અને ખર્ચનો મેળ બેસાડી શકે અને રાજ્ય કે કરવસૂલાત અધિકારી દ્વારા થતા અન્યાય સામે રક્ષણ મેળવી શકે. (3) સુગમતા(convenience)નો સિદ્ધાંત : કર એવા સમયે અને એવી રીતે વસૂલ કરવો જોઈએ કે તે ભરવામાં કરદાતાને સુગમતા રહે અને ઓછામાં ઓછી મુશ્કેલી પડે અને (4) કરકસર(economy)નો સિદ્ધાંત : કરવસૂલાતનો ખર્ચ અપેક્ષિત મહેસૂલી આવકની સરખામણીમાં ઓછામાં ઓછો હોવો જોઈએ અને મહેસૂલની આવક અપેક્ષિત વસૂલાતખર્ચ કરતાં ઘણી વધારે હોવી જોઈએ. ઍડમ સ્મિથના અનુગામીઓએ આ સિદ્ધાંતોમાં અન્ય વધારાના સિદ્ધાંતો જેવા કે સરળતા, મૂલ્યસાપેક્ષતા, પરિવર્તનક્ષમતા, વિવિધતા, ઉત્પાદકતા વગેરે ઉમેર્યા છે. અંતે તો આ બધા સિદ્ધાંતો કરસત્તાધીશોને માર્ગદર્શન પૂરું પાડવા માટે છે તેથી ધીમે ધીમે કરતાં નીચેના ચાર સિદ્ધાંતો વિશાળ અર્થમાં વિકસ્યા છે : (1) ન્યાયી સમાનતાનો સિદ્ધાંત, (2) ત્યાગની ભાવનાનો સિદ્ધાંત, (3) લાભનો સિદ્ધાંત અને (4) કરદાતાની ક્ષમતાનો સિદ્ધાંત.

ન્યાયી સમાનતાના સિદ્ધાંત અંગે લાંબા સમયથી સર્વસ્વીકૃત મત છે કે કર ન્યાયી અને વાજબી હોવો જોઈએ, સમાન સંજોગોમાં સમાન વ્યક્તિઓ તરફ કરભારની બાબતમાં સમાન વર્તન હોવું જોઈએ, સમાન સંજોગોમાં પ્રત્યેક કરદાતા ઉપર સમાન કરબોજ હોવો જોઈએ અને અર્થસંપન્ન લોકોએ વધારે કરબોજ સહન કરવો જોઈએ. સિદ્ધાંતોમાં તો આ પ્રમાણે સર્વસામાન્ય સંમતિ પ્રવર્તે છે, પરંતુ વ્યવહારમાં ઘણા મતભેદ ઊભા થાય છે; દા.ત., ન્યાયી અને વાજબી કરધોરણ ખરેખર શું છે ? આવું ધોરણ રાજ્ય તરફથી મળતા લાભના પ્રમાણમાં કર નાખીને પ્રાપ્ત કરી શકાય કે કરદાતાની ક્ષમતાના પ્રમાણમાં કર નાખીને પ્રાપ્ત કરી શકાય ?

ત્યાગની ભાવનાનો સિદ્ધાંત ન્યાયી સમાનતાના સિદ્ધાંતના ફલસ્વરૂપે વિકસ્યો છે. દરેક કરદાતાએ સમાન અને એકસરખો ત્યાગ કરવો એ ત્યાગની ભાવનાના સિદ્ધાંતનો પાયો છે. આ સિદ્ધાંતનાં ત્રણ અર્થઘટન કરવામાં આવ્યાં છે : (ક) ત્યાગનું એકસરખું ઉચ્ચક (absolute) ધોરણ, (ખ) ત્યાગનું એકસરખું પ્રમાણસર (proportionate) ધોરણ અને (ગ) ત્યાગનું એકસરખું સીમાવર્તી (marginal) ધોરણ અથવા ત્યાગનું લઘુતમ એકંદર (minimum aggregate sacrifice) ધોરણ. આ ત્રણ અર્થઘટનમાં પ્રો. હ્યુ ડાલ્ટને આવકોની સતત અસમાનતાનું ધોરણ એવું ચોથું અર્થઘટન ઉમેર્યું છે. ચારે ધોરણમાંથી કયું ધોરણ પસંદગીપાત્ર છે તે નક્કી કરવા માટે કરદાતાની બદલાતી જતી આવકમાં સીમાવર્તી આવકનો તુષ્ટિગુણ (marginal utility) કેટલો છે તે જાણવું જરૂરી છે. આ કાર્ય અત્યંત કઠિન છે અને તેમાં એક પ્રકારની આત્મવંચના છે, કારણ કે તુષ્ટિગુણ આત્મલક્ષી હોવાથી નિરપેક્ષ રીતે માપી શકાતો નથી. આ સંદર્ભમાં ડાલ્ટન કહે છે કે આપણામાંના ઘણાખરા જરૂરિયાતો, મનોભાવ અને પ્રત્યાઘાતો અંગે આવકના સમસ્તરે એકસરખા હોય છે. આમ દરેક વ્યક્તિને મળતા તુષ્ટિગુણમાં સામ્ય છે તેમ સામાન્ય બુદ્ધિથી સ્વીકારીને આવકના તુષ્ટિગુણનાં કોષ્ટકો તૈયાર થાય છે. ત્યાગના એકસરખા ઉચ્ચક ધોરણ અનુસાર કરચુકવણી પૂર્વેની આવકનો તુષ્ટિગુણ અને કરચુકવણી પછી બાકી રહેલી આવકનો તુષ્ટિગુણ તે બંને વચ્ચેનો તફાવત દરેક કરદાતાના કિસ્સામાં સમાન રહેવો જોઈએ. જો તુષ્ટિગુણ U હોય, કરચુકવણી પૂર્વેની આવક Y હોય અને કરચુકવણી પછી બાકી રહેલી આવક Y – T હોય તો તુષ્ટિગુણનો તફાવત U(Y) – U (Y-T) પ્રત્યેક કરદાતાના કિસ્સામાં સમાન રહેવો જોઈએ. ત્યાગના એકસરખા પ્રમાણસર ધોરણ અનુસાર કરચુકવણીરૂપે ગુમાવેલો તુષ્ટિગુણ અને કરચુકવણી પૂર્વેની આવકનો તુષ્ટિગુણ તે બંને વચ્ચેનું પ્રમાણ  દરેક કરદાતાના કિસ્સામાં સમાન રહેવું જોઈએ. ત્યાગના એકસરખા સીમાવર્તી ધોરણ અથવા ત્યાગના લઘુતમ એકંદર ધોરણ અનુસાર કરચુકવણી પછી બાકી રહેલી આવકનો તુષ્ટિગુણ U(Y-T) દરેક કરદાતાના કિસ્સામાં સમાન રહેવો જોઈએ. ત્રીજા અર્થઘટનના પરિપાકરૂપ ત્યાગના આ ધોરણ અનુસાર આવકના પ્રત્યેક ઉચ્ચ સ્તર ઉપર કરનો દર વધારે ને વધારે રાખવામાં આવે છે. તેથી કરચુકવણી પછી બાકી રહેલી આવક દરેક કરદાતાના કિસ્સામાં લગભગ સરખી થઈ જાય છે. પીગુ અને મસ્ગ્રેવ જેવા અર્થશાસ્ત્રીઓ માને છે કે કરમાળખાનું અંતિમ ધ્યેય આ સિદ્ધાંત હોવો જોઈએ, કારણ કે તેના અમલથી સમગ્ર લોકસમાજને મહત્તમ તુષ્ટિગુણ મળે છે અને લોકસમાજનો એકંદર ત્યાગ લઘુતમ સ્તરે પહોંચે છે. ડાલ્ટને સૂચવેલા આવકોની સતત અસમાનતાના સિદ્ધાંત અનુસાર જુદા જુદા કરદાતાઓની કરચુકવણી પૂર્વેની આવકોની અસમાનતા અને કરચુકવણી પછી બાકી રહેલી આવકોની અસમાનતા તે બંને સમાન રહેવી જોઈએ.

લાભનો સિદ્ધાંત રાજ્ય અને કરદાતા વચ્ચે વિનિમય અને/અથવા કરારનો સંબંધ છે તેવા પાયા ઉપર આધારિત છે. રાજ્ય પ્રજાજનોને ભિન્ન ભિન્ન પ્રકારની સેવા પૂરી પાડે છે, તેમાંની કેટલીક સેવાનો લાભ બધા પ્રજાજનોને અનાયાસે મળે છે; માટે પ્રાપ્ત કરેલા લાભના પ્રમાણમાં કર તરીકે સેવાની કિંમત ચૂકવવાની પ્રત્યેક કરદાતાની ફરજ છે. રાજ્યની અન્ય કેટલીક સેવાના સ્વીકાર કે અસ્વીકાર માટે પ્રજાજન પાસે વિકલ્પ રહે છે તેથી આવી વૈકલ્પિક સેવા માટે ચૂકવવી પડતી કિંમતને કર કહી શકાય નહિ. સર્વસુલભ સેવામાંથી અનાયાસે પ્રાપ્ત થતો લાભ સાપેક્ષ હોવાથી તેની માપણી માટે કોઈ વૈજ્ઞાનિક પદ્ધતિ નથી, પરંતુ રાજ્યના અસ્તિત્વ વિના અર્થવ્યવસ્થા સંભવી શકે નહિ. તેથી કરદાતાને તેની આવકના પ્રમાણમાં રાજ્ય પાસેથી લાભ પ્રાપ્ત થાય છે તેવું અનુમાન કરીને પ્રમાણસર પદ્ધતિ મુજબનો કર નાખવામાં આવે છે. ધીમે ધીમે આ વિચારસરણીમાં ફેરફાર થયો. રાજ્ય તરફથી ‘લાભપ્રાપ્તિ’ના બદલે રાજ્ય તરફથી ‘રક્ષણ’ એ વિચારે મૂળ નાખ્યાં અને કર એટલે રાજ્ય તરફથી ‘રક્ષણ’ એ વિચારે મૂળ નાખ્યાં અને કર એટલે રાજ્ય તરફથી મળતા રક્ષણ માટે ચૂકવવી પડતી ફરજિયાત કિંમત એવો સંકુચિત સિદ્ધાંત ર્દઢીભૂત થયો. આ સિદ્ધાંતમાંથી ઉગ્ર વાદવિવાદ શરૂ થયો. રાજ્યના રક્ષણની વધુ જરૂર શ્રીમંતોને છે તેવી દલીલ કરીને રૂસોએ વર્ધમાન કરની હિમાયત કરી. તેથી ઊલટું શ્રીમંતોના શોષણમાંથી બચવા માટે રાજ્યના રક્ષણની વધુ જરૂર અકિંચનોને છે તેવી દલીલ કરીને જ્હૉન સ્ટુઅર્ટ મિલે હ્રીયમાણ કરની હિમાયત કરી. આમ આ સિદ્ધાંત વર્ધમાન અને હ્રીયમાણ કર નાખવા માટે વારંવાર રજૂ થતો રહ્યો. ક્રમશ: લાભના સિદ્ધાંતની શાખા તરીકે રાજ્ય તરફથી પ્રાપ્ત થયેલી સેવાની કિંમતનો સિદ્ધાંત વિકસ્યો કે પ્રજાજન રાજ્ય પાસેથી કોઈ પણ લાભ મેળવે તો તેની કિંમત તેણે ચૂકવવી પડે. અકિંચનોમાં સેવાની કિંમત ચૂકવવાની આર્થિક ક્ષમતા નગણ્ય છે તેથી આ સિદ્ધાંત અનુસાર કલ્યાણકાર્યો અને રાહતકાર્યો કરવાની રાજ્યની ફરજનો છેદ ઊડી જાય છે. અર્વાચીન સમયમાં જૂજ રાજ્યો આવા સંકુચિત સિદ્ધાંતોનો અમલ કરે છે.

કરદાતાની કરબોજ ઉઠાવવાની ક્ષમતાનો સિદ્ધાંત કરની જવાબદારીને સાચા રૂપમાં રજૂ કરે છે. તેમાં કરદાતા અને રાજ્ય વચ્ચેના વ્યાપારી કે અર્ધવ્યાપારી સંબંધોનું કોઈ અનુમાન નથી. કરદાતા અને રાજ્ય વચ્ચે ચોક્કસ અને પ્રત્યક્ષ સમમૂલ્ય વસ્તુના આદાનપ્રદાનનો અભાવ હોય તોપણ કરદાતા માટે કર ભરવો ફરજિયાત છે. આર્થિક ક્ષમતાવાળા પ્રજાજને કર ભરવો જોઈએ, કારણ કે કરબોજ ઉઠાવવાની તેની શક્તિ છે. કુલ કરબોજમાં તેનો તુલનાત્મક ફાળો તેની કર ભરવાની સાપેક્ષ ક્ષમતા ઉપરથી નક્કી કરવામાં આવે છે. ન્યાય અને વાજબીપણાનો વ્યવહારમાં અમલ ઇચ્છતા સમાજવાદી ચિંતકો તરફથી આ સિદ્ધાંતને ખૂબ અનુમોદન મળ્યું છે. સમાજવાદી ચિંતકો સિવાયના અન્ય ચિંતકોએ પણ આ સિદ્ધાંતને પુષ્ટિ આપી છે. સરખા સીમાવર્તી ત્યાગ અને લઘુતમ એકંદર ત્યાગની પરિસ્થિતિ સર્જવામાં આ સિદ્ધાંત અત્યંત ફળદાયી છે. તેથી આર્થિક કલ્યાણના હિમાયતી અર્થશાસ્ત્રીઓની વિચારણા માટે તે પાયારૂપ બની ગયો છે. આધુનિક સરકારો સમાજના નબળા વર્ગો માટે સામાજિક સુરક્ષાનાં પગલાં ભરવા આતુર હોય છે તેથી તબીબી અને શિક્ષણ જેવી જાહેર ઉપયોગિતા ધરાવતી સેવા મફત અથવા રાહતના ભાવે પૂરી પાડે છે. આ પ્રકારનાં પગલાંથી અંદાજપત્રમાં ખાધ ઊભી થશે કે પુરાંત રહેશે તેવા પૂર્વવિચારથી દોરવાયા વિના સરકાર રાજકોષીય નીતિઓ નક્કી કરે છે અને તેમાંથી ઊભા થતા ખર્ચને પહોંચી વળવા માટે કરદાતાની ક્ષમતાના સિદ્ધાંતનો આશ્રય લઈને કર નાખે છે. કરદાતાની આવક, તેની મિલકત અને સંપત્તિ અથવા તેણે ઉપભોગ માટે ખર્ચેલી રકમ ઉપરથી કરદાતાની ક્ષમતાનો સૂચક આંક (index of ability) નક્કી કરવામાં આવે છે અને વર્ધમાન કર નાખવામાં આવે છે.

કરની ચુકવણીમાંથી ગેરકાયદેસર રીતે છટકી જવાની પ્રવૃત્તિને કરચોરી કહેવાય છે. કરચોરી દ્વારા સંચિત થયેલું બિનહિસાબી નાણું સામાન્ય પરિભાષામાં કાળું નાણું કહેવાય છે. કાળું નાણું ઉત્પાદનના ક્ષેત્રમાં વપરાવાને બદલે મહદ્અંશે વૈભવી જીવનશૈલીમાં વપરાઈ જાય છે અથવા બિનઉત્પાદક સંપત્તિ સ્વરૂપે સંગૃહીત થઈ જાય તેવી સંભાવના હોય છે. જ્યારે કરચોરી વ્યાપક બને છે ત્યારે તે અર્થતંત્રને કનડતી રહે છે અને વખત જતાં તે સમાન્તર અર્થતંત્રમાં પરિણમે છે. કરની ચુકવણી કરવી તે પ્રત્યેક નાગરિકની કાયદેસર ફરજ છે, પરંતુ કરની આવક રાજ્ય પ્રામાણિકપણે અને જવાબદારીપૂર્વક વાપરશે કે કેમ તેવી શંકા કરદાતાને થાય ત્યારે પ્રામાણિક કરદાતા પણ કરચોરી કરવા પ્રેરાય છે. ઉપરાંત, કરદાતાની માનવસહજ અંગત સ્વાર્થની નબળાઈ પણ ઘણી વાર તેને કરચોરી તરફ દોરે છે. વિશ્વના વિવિધ અર્થશાસ્ત્રીઓએ તારવ્યું છે કે કર લાદવાની બાબતમાં રાજ્ય જેટલી આક્રમકતાથી વર્તે છે તેટલી કરચોરી કરવાની સ્વભાવગત નબળાઈ વધુ સક્રિય બને છે. વળી રાજ્યના કર્મચારીઓનાં નીચાં પગારધોરણો, રાજકીય પક્ષોને આપવો પડતો ફંડફાળો, ધંધાકીય ભ્રષ્ટાચાર (જેવા કે દાણચોરી, વિદેશી હૂંડિયામણની ગેરરીતિઓ, આયાત-નિકાસનાં ભરતિયાંમાં વત્તીઓછી કિંમત ભરવી, વગર પરવાને ઉત્પાદન, શ્રમિકોને નિર્ધારિત કે ન્યાયી કરતાં ઓછા પગારની ચુકવણી, બાંધેલા ભાવ કરતાં ઊંચા ભાવે વેચાણ, મેટ્રોપૉલિટન વિસ્તારોમાં ચૂકવાતી ગુડવિલ વગેરે), ધંધાકીય ખર્ચા ઉપર આવકવેરા વડે મુકાતી મર્યાદાઓ, કાયદાનો બિનઅસરકારક અમલ અને સમાજનું નૈતિક અધ:પતન જેવાં પરિબળો પણ કરચોરી માટે કારણભૂત ગણાય છે. કરચોરી (evasion of tax) અને કરનિવારણ(avoidance of tax)માં મૂળભૂત તફાવત રહેલો છે. કરચોરી એ ગેરરીતિઓ દ્વારા કરચુકવણીમાંથી ગેરકાયદેસર રીતે છટકી જવાની પ્રવૃત્તિ છે અને તે દંડ અને કેદની શિક્ષાને પાત્ર છે, પરંતુ કરનિવારણ એ આવકપત્રક તથા અન્ય કરપત્રકોમાં જરા પણ વિગત છુપાવ્યા વિના કરધારામાં આપેલી છૂટછાટોનો વધુમાં વધુ શક્ય લાભ ઉઠાવીને કરચુકવણીમાંથી કાયદેસર મુક્તિ મેળવવાની પ્રવૃત્તિ છે.

ભારતમાં બીજા વિશ્વયુદ્ધની શરૂઆત (1939) સુધી કાળું નાળું લગભગ નહિવત્ હતું, પરંતુ બીજું વિશ્વયુદ્ધ શરૂ થયા પછી જેમ જેમ સરકારી કરનું માળખું આકરું બનતું ગયું તેમ તેમ સીધી કે આડકતરી રીતે કરચોરીનું પ્રમાણ વધવા માંડ્યું હતું. 1972-73 સુધીમાં આવક-વેરાનો મહત્તમ સીમાંત દર રૂપિયા બે લાખ કરતાં વધુ આવક ઉપર 97.75 % જેટલો થઈ ગયો હતો અને કરચોરી વધી રહી હતી તેથી ભારત સરકારે નીમેલી વાંચ્છુ સમિતિએ કરચોરીનો અભ્યાસ કરી અભિપ્રાય આપ્યો કે કરચોરી અને કાળાં નાણાં માટે કરવેરાના ઊંચા દર એ સૌથી વિશેષ જવાબદાર પરિબળ છે. તેથી કરના દર ઘટાડવા જોઈએ. વાંચ્છુ સમિતિના સૂચન બાદ આવકવેરાનો સીમાન્ત દર 97.75 %થી ઘટાડીને ક્રમશ: 50 % સુધી કરવામાં આવ્યો, પરંતુ તેની ધારી અસર પડી નહિ. 1971-72માં કરચોરીનું પ્રમાણ આવકવેરાની સંભવિત આવકના 78 % જેટલું હતું તે આવકવેરાના દર ઘટાડવા છતાં 1978-79માં વધીને આવકના 82 % થયું હતું. વચમાં 1974-75 અને 1975-76માં કરની વસૂલાતમાં નાટ્યાત્મક વધારો થયો હતો, પરંતુ કરવસૂલાત વધવાનાં કારણો તો કટોકટી દરમિયાન કડક બનાવાયેલું. કરવેરાવ્યવસ્થાનું તંત્ર અને કાળાં નાણાં સામેનાં કડક પગલાં હતાં. આનો અર્થ એમ થયો કે કરચોરી કરવામાં રહેલું જોખમ જો કાળાં નાણાંમાં રૂપાંતરિત કરાતી આવકની સરખામણીમાં ઓછું હોય તો કરના ઘટાડાથી કરચોરીનું પ્રમાણ ઘટાડી શકાતું નથી. અર્થાત્ ઢીલી પદ્ધતિથી કરચોરી ઘટાડી શકાતી નથી અને સરકારે કરચોરો સામે કડક પદ્ધતિ અપનાવવી પડે છે. ભારતમાં કાળાં નાણાંનું સર્જન પ્રચંડ વેગે વધતું જાય છે.

તજજ્ઞોના અંદાજો પ્રમાણે 1983-84માં રૂ. 36,800 કરોડ; 1987-88માં રૂ. 50,400 કરોડ અને 1990-91માં રૂ. 70,000 કરોડની બે નંબરની (છૂપી) આવક સર્જાઈ હતી તથા કાળાં નાણાંનું પ્રમાણ ભારતની કુલ રાષ્ટ્રીય પેદાશના 21 % જેટલું થયું હતું.

કાળું નાણું બહાર લાવવાના ઉપાયોમાં નાણાંનું વિમુદ્રીકરણ, સ્વૈચ્છિક જાહેરાતની યોજનાઓ, સ્પેશિયલ બૅરર બૉન્ડ, તપાસ અને જપ્તી (scarch and seizure), ઓછું મૂલ્ય દર્શાવેલી સ્થાવર મિલકત સામેનાં પગલાં અને કડક વ્યવસ્થાતંત્રનો સમાવેશ થાય છે. ભારત સરકારે છેલ્લા સિવાયના દરેક ઉપાયો અજમાવ્યા છે. 1946 અને 1978માં વિમુદ્રીકરણથી કુલ રૂ. 29 કરોડની નોટો વિમુદ્રિત થવા પામી હતી. સ્વૈચ્છિક જાહેરાત યોજનાઓ દ્વારા રૂ. 1847 કરોડનું કાળું નાણું બહાર લાવી શકાયું હતું. 1981માં અમલમાં મૂકેલી સ્પેશિયલ બૅરર બૉન્ડ યોજના દ્વારા રૂ. 875 કરોડ તથા તપાસ અને જપ્તી યોજના દ્વારા સરકારને રૂ. 100 કરોડ પ્રાપ્ત થયા હતા. 1991-92ના કેન્દ્ર સરકારના અંદાજપત્રમાં દેશમાંનું કાળું નાણું બહાર કાઢવા માટે આવાસ યોજના જાહેર થયેલી હતી. આ બધા ઉપાયોમાં કયો ઉપાય શ્રેષ્ઠ છે તે અંગે અર્થશાસ્ત્રીઓમાં મતભેદ પ્રવર્તે છે.

કરવેરા (કાયદાશાસ્ત્ર) : જાહેર સત્તાવાળાઓ દ્વારા લાદવામાં આવતી અને જાહેર જનતાએ જાહેર હેતુ માટે ફરજિયાત ચૂકવવી પડતી રકમ. કરવેરાનો કાયદો બનાવવાની પ્રક્રિયાથી શરૂ કરીને નાગરિકના ખિસ્સામાંથી નાણાં વસૂલ કરવાની પ્રક્રિયા સુધીની સમગ્ર પ્રક્રિયા સંક્ષેપમાં કરવેરાની લાગત અને વસૂલાત કહેવાય છે. આ પ્રક્રિયાનું પ્રત્યેક સોપાન કાયદા દ્વારા અધિકૃત હોવું જોઈએ. સમવાયતંત્રના માળખામાં મુખ્ય સરકાર અને પ્રાદેશિક સરકારો વચ્ચે યોગ્ય અને પર્યાપ્ત પ્રમાણમાં નાણાકીય સ્રોતોની જોગવાઈ કરવી તે ખરેખર દુષ્કર કાર્ય છે. સમવાયતંત્રના માળખામાં સમવાય સરકાર ઉપર સંરક્ષણ અને અન્ય ભારે જવાબદારીઓ હોવા છતાં તેમની નાણાકીય સ્થિતિ મજબૂત હોય છે, પરંતુ તેના ઘટક એકમોની સરકારોની નાણાકીય સ્થિતિ પોતપોતાની જવાબદારીઓ અદા કરવા જેવી સંગીન હોતી નથી. આ વિધાન અમેરિકા, કૅનેડા અને ઑસ્ટ્રેલિયા જેવાં પ્રશિષ્ટ સમવાયતંત્રોને લાગુ પડે છે તેટલું ભારતીય સંઘને પણ લાગુ પડે છે.

કર (tax), અધિકભાર (surcharge), સીમાશુલ્ક (custom duty), ઉત્પાદશુલ્ક (excise duty), ફ્રી, નાકાવેરો (octroi) માર્ગકર (toll), ઉપકર (cess) અને મિલકતવેરો (rate) એમ કરવેરાનાં વિવિધ સ્વરૂપો હોય છે. તેમાંથી મૂળભૂત અને સામાન્ય સ્વરૂપ કર છે. વસૂલાતને અનુરૂપ સેવા કે માલના ચોક્કસ અને પ્રત્યક્ષ સમમૂલ્ય આદાનપ્રદાનના અભાવમાં પણ ફરજિયાત ભરવી પડતી રકમ કર કહેવાય છે.

કોઈ પણ કરની રકમ ઉપર ઠરાવેલા દરે કરેલો વધારો અધિકભાર કહેવાય છે. અધિકભાર પોતે સ્વતંત્ર કર નથી, પરંતુ અન્ય કર ઉપર કરેલો વધારો છે. ભારતના બંધારણ મુજબ અધિકભારની આવક પૂરેપૂરી કેન્દ્ર સરકાર પાસે રહે છે અને તેમાંથી રાજ્ય સરકારોને કોઈ હિસ્સો મળતો નથી.

સીમાશુલ્ક દેશની આયાત અને નિકાસ ઉપર લેવામાં આવે છે. આયાત સીમાશુલ્ક (import duty) પરદેશી માલની તીવ્ર હરીફાઈ સામે સ્વદેશી ઉદ્યોગોને રક્ષણ આપે છે, મોજશોખની વસ્તુઓ ઉપર સામાન્ય રીતે ગુરુતમ દરે આયાત સીમાશુલ્ક લેવાતું હોય છે. નિકાસ સીમાશુલ્ક (export duty) સરકારી મહેસૂલનું અગત્યનું સાધન છે. તાર્કિક સીમાશુલ્ક નીતિ વડે એક તરફ પરદેશી માલ ઉપરનું અવલંબન ઘટાડી શકાય છે અને બીજી તરફ સ્વદેશી માલ પરદેશનાં બજારોમાં સફળતાપૂર્વક હરીફાઈ કરી શકે છે. ભારતમાં સીમાશુલ્ક કસ્ટમ અધિનિયમ 1962 અને કસ્ટમ ટેરિફ અધિનિયમ 1975 હેઠળ વસૂલ કરવામાં આવે છે.

ઉત્પાદશુલ્ક ઉત્પાદન ઉપર ઉત્પાદક પાસેથી વસૂલ કરવામાં આવે છે. તે વેચાણ ઉપરનો નહિ, પરંતુ માલ ઉપરનો કર છે. વળી, તે પરદેશમાં ઉત્પન્ન થઈને આયાત થતા માલ ઉપર નહિ પરંતુ દેશમાં ઉત્પન્ન થતા માલ ઉપર લેવામાં આવે છે. ઉત્પાદશુલ્કનો દર માલના જથ્થા અથવા માલની કિંમત ઉપર નક્કી કરવામાં આવે છે.

ફી લાભાન્વિત પ્રજાજન પાસેથી સેવા કે કામના બદલાના મહેનતાણા તરીકે લેવામાં આવે છે. ફી તરીકે વસૂલ કરેલી રકમ કરવેરાની અન્ય રકમો સાથે ભેળવી દેવામાં આવતી નથી, પરંતુ જુદા ફંડ તરીકે રાખવામાં આવે છે અને સેવા કે કામના ખર્ચ માટે વપરાય છે. લાભાન્વિત પ્રજાજન પાસેથી સરકારી ખર્ચ પેટે ફી લેવી કે તે ખર્ચની રકમ સમગ્ર પ્રજા પાસેથી કોઈ ભેદભાવ રાખ્યા સિવાય કરસ્વરૂપે વસૂલ કરવી તે સરકારની મુનસફી ઉપર અવલંબે છે.

નાકાવેરો અમુક વિસ્તારમાં વપરાશ, ઉપયોગ કે વેચાણ માટે નાગરિકો જે માલ લાવે તેના ઉપર સ્થાનિક સત્તાવાળાઓ દ્વારા વસૂલ કરવામાં આવે છે. નાકાવેરો શહેરમાં ઉત્પન્ન થયેલા માલ ઉપર નહિ, પરંતુ બહાર ઉત્પન્ન થઈને શહેરમાં પ્રવેશતા માલ ઉપર લેવાય છે. માર્ગકર કોઈ પણ રસ્તા, પુલ કે નહેરના ઉપયોગ માટે ઉપયોગ કરનાર પાસેથી લેવાય છે. રસ્તા, પુલ કે નહેરનું બાંધકામ અને જાળવણી કરવા માટે માર્ગકર વસૂલ કરવામાં આવે છે. ઉપકર કોઈ ચોક્કસ ધ્યેયપ્રાપ્તિ કે પ્રયોજન માટે નાખવામાં આવે છે; દા.ત., શિક્ષણ ઉપકર. આ ઉપકરનો લાભ કરદાતાને મળે અથવા ન મળે તોપણ તેણે ભરવો પડે છે. મિલકતવેરો સ્થાનિક વિસ્તારમાં આવેલી ધંધા કે રહેઠાણની મિલકતનું ખુલ્લા બજારમાં કેટલું વાર્ષિક ભાડું મળે તેના આધારે મિલકતનું મૂલ્યાંકન કરીને તેવા મૂલ્ય ઉપર સ્થાનિક સત્તાવાળાઓ દ્વારા નક્કી કરેલા દરે વસૂલ કરવામાં આવે છે. તેનો ઉપયોગ કચરાનો નિકાલ, બાગબગીચાની જાળવણી જેવાં પ્રજાહિતનાં કાર્યોના ખર્ચને પહોંચી વળવા માટે કરવામાં આવે છે.

ભારતના બંધારણમાં કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે નાણા-સ્રોતની વહેંચણી માટે અપનાવેલી વિચારસરણી મુજબ (1) સંરક્ષણ ખર્ચને પહોંચી વળવા માટે કેન્દ્ર સરકાર પાસે પર્યાપ્ત સ્રોત રાખવામાં આવ્યા છે, (2) કરસંપાતની એકસૂત્રતા જળવાય તે માટે એકથી વધારે રાજ્યો ઉપર જેમનું ફલક વિસ્તરતું હોય તેવા અને રાષ્ટ્રના આર્થિક માળખા સાથે ગાઢ રીતે સંકળાયેલા હોય તેવા કરવેરા નાખવાની સત્તા કેન્દ્ર સરકાર પાસે છે અને (3) જેમનું ફલક સ્થાનિક પ્રદેશો પૂરતું મર્યાદિત હોય તેવા કરવેરા નાખવાની સત્તા રાજ્ય સરકારો પાસે છે. ભારતના બંધારણના અનુચ્છેદ (article) 246 અને પરિશિષ્ટ 7 હેઠળની સૂચિ (list) 1માં જણાવેલી બાબતો (entries) અનુસાર ખેતીની આવક સિવાયની આવક ઉપર કર, કૉર્પોરેશન ટૅક્સ, સરચાર્જ, કસ્ટમ ડ્યૂટી, સેન્ટ્રલ એક્સાઇઝ ડ્યૂટી વગેરે કરવેરાના કાયદાઓ બનાવવાની સત્તા કેન્દ્ર સરકારની છે. સૂચિ 2માં જણાવેલી બાબતો અનુસાર જમીનમહેસૂલ, જમીન અને મિલકત ઉપર કર, ખનિજ કર, વેચાણવેરો, ટોલ, વ્યવસાયવેરો, મનોરંજન કર વગેરે કરવેરાના કાયદાઓ બનાવવાની સત્તા રાજ્ય સરકારોની છે અને સૂચિ 3માં જણાવેલી બાબતો અનુસાર વાહનવેરો, કોર્ટ ફી સિવાયની સ્ટેમ્પ ડ્યૂટી વગેરે કરવેરાના કાયદાઓ બનાવવાની સત્તા કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકારોની છે. સૂચિ 3 નિર્દિષ્ટ કરવેરા અંગે રાજ્ય સરકારે જો કોઈ કાયદો બનાવ્યો હોય ત્યાર પછી તેવા કરવેરા અંગે કેન્દ્ર સરકાર કાયદો બનાવે તો રાજ્ય સરકારનો કાયદો આપોઆપ રદ થઈ જાય છે.

કરવેરાતંત્ર અને કરદાતા વચ્ચે કરલાગત અને વસૂલાત અંગે ઉપસ્થિત થતા વિવાદોમાં ન્યાયતંત્રે આપેલા ચુકાદાઓ અનુસાર કરવેરા કાયદાઓના અર્થઘટન અંગે કેટલાક સિદ્ધાંતો પ્રતિપાદિત થયેલા છે. કોઈ પ્રજાજન કાયદાની શબ્દશ: મર્યાદામાં આવતો ન હોય તો તેના ઉપર કર લાદી શકાય નહિ. કર અને ન્યાયસંગતતા (equity) એકબીજાથી તદ્દન ભિન્ન છે તેથી કરવેરા-કાયદાઓનું ન્યાયોચિત (equitable) અર્થઘટન થઈ શકે નહિ. કાયદાના અર્થઘટનમાં અભિપ્રાયો ધ્યાનમાં લેવા માટે કોઈ અવકાશ નથી અને કાયદામાં જે સ્પષ્ટ કહેવામાં આવ્યું હોય, તેટલું જ લક્ષમાં લઈ શકાય. કાયદાના મૂળપાઠ(text)માં કશું વિશેષ વાંચી શકાય નહિ અને કશું વિશેષ આરોપી શકાય નહિ. કાયદાના અર્થઘટનમાં શંકા ઊભી થવાથી મહેસૂલને નુકસાન થતું હોય છતાં પણ કરદાતાને વધુમાં વધુ લાભ થાય તેવું અર્થઘટન કરવામાં આવે છે. માફી કે છૂટછાટ અંગે જો જોગવાઈ કરવામાં આવી હોય તો તેનું અર્થઘટન કરદાતાના પક્ષમાં ઉદાર રીતે કરવું અભિપ્રેત છે. કાયદો ઘડનારાઓની માન્યતાઓ કે ધારણાઓ વડે કાયદો બનતો નથી, પરંતુ સંસદ દ્વારા કાયદો બને છે. કરવેરાતંત્રે કોઈ શબ્દસમૂહનો વર્ષોવર્ષ અમુક ચોક્કસ અર્થ કર્યો તેથી વૈધાનિક સત્તાધિકારીઓએ પણ મૂંગેમૂંગો તેવો અર્થ સ્વીકારી લીધો છે, તેવું ન્યાયતંત્ર અનુમાન કરતું નથી. જે કલમો વડે કરની જવાબદારી લાદવામાં આવી હોય તેવી કલમોનું અર્થઘટન ચુસ્ત રીતે કરવું જોઈએ, પરંતુ જે કલમો ફક્ત કરનિર્ધારણ અને વસૂલાતની કાર્યવાહી અંગેની હોય તેનું સરળ અર્થઘટન કરે છે, જેથી કરવેરાતંત્ર ખોટકાઈ જાય નહિ અને કાર્યરત રહી શકે.

સરકારી નિયમપુસ્તક(manual)માં અધિકારીઓને આપેલું માર્ગદર્શન જરા પણ ધ્યાનમાં લીધા વગર ન્યાયતંત્ર કાયદાનું અર્થઘટન કરે છે. આમ છતાં, પ્રત્યક્ષ કરવેરા કેન્દ્રીય બૉર્ડે બહાર પાડેલા પરિપત્રોમાં કરદાતા માટે લાભદાયી થાય તેવી સામાન્ય સૂચનાઓ આપી હોય તે કરવેરાતંત્રના બધા અધિકારીઓ માટે બંધનકર્તા છે. સરકારે બહાર પાડેલી અખબારી યાદીને કોઈ કાનૂની પીઠબળ હોતું નથી. કાયદાના ખરડાના મુસદ્દા અથવા આયોગના અહેવાલને કાયદાના અર્થઘટન માટે મદદરૂપ ગણી શકાય નહિ, પરંતુ જે તે સમયે કેવી પરિસ્થિતિ પ્રવર્તતી હતી તે જાણવાના મર્યાદિત હેતુ માટે તેમનો સંદર્ભ આપી શકાય. કાયદામાં જે શબ્દની વિશિષ્ટ વ્યાખ્યા કરવામાં આવી ન હોય તેવા શબ્દોને તેમના વૈધિક અર્થમાં અથવા શબ્દકોશમાં આપેલા અર્થમાં મૂલવવાનું અભિપ્રેત હોય છે. કાયદાના અર્થઘટનમાં કોઈ કલમની બાજુમાં, હાંસિયામાં નોંધ આપી હોય તેનું કલમ ઉપર કોઈ પ્રભુત્વ સ્વીકારી શકાય નહિ. કલમની સાથે પરંતુક (proviso) મૂકવામાં આવ્યો હોય તો તે કલમના સારતત્વને નિયંત્રિત કરી શકે નહિ તથા કોઈ ગર્ભિતાર્થથી સારતત્વને પાછું ખેંચી શકે નહિ. ઉચ્ચ ન્યાયાલયનો નિર્ણય તેના ક્ષેત્રાધિકારમાં આવેલી કરવેરાતંત્રની કચેરીઓના અધિકારીઓને બંધનકર્તા હોય છે પરંતુ અન્ય રાજ્યોમાં આવેલી કચેરીઓના અધિકારીઓને બંધનકર્તા હોતો નથી. કલમનો જેટલો પ્રભાવ હોય છે તેટલો પ્રભાવ કાયદા હેઠળ બનાવેલા નિયમો(rules)નો પણ હોય છે, પરંતુ જો કોઈ નિયમ કાયદાના અનુચ્છેદ(section)ની જોગવાઈના ક્રિયાત્મક ભાગ (operative part) ઉપર નિયંત્રણ મૂકે કે તેની અવગણના કરે તો તે નિયમ અધિકારાતીત (ultra vires) હોઈ રદ જાહેર થવાને પાત્ર છે.

જયન્તિલાલ પો. જાની

બાળકૃષ્ણ માધવરાવ મૂળે