કયાલ : નાનાં ખાડીસરોવરો. ભારતનો પશ્ચિમ દરિયાકિનારો પ્રમાણમાં એકધારો વ્યવસ્થિત છે અને તેમાં થોડીક જ ગણીગાંઠી ખાડીઓ, ખાંચાખૂંચી અને ભૂશિર જોવા મળે છે. ફક્ત મલબાર કિનારા પર જ નાનાંમોટાં અસંખ્ય સરોવરો અને ખાડીસરોવરો નજરે પડે છે, જે આ કિનારાનું નોંધપાત્ર લક્ષણ બની રહે છે. અહીં કિનારાને સમાંતર, ખાસ કરીને કેરળને કિનારે, પાછાં હઠતાં પાણી (backwaters) દ્વારા સમુદ્રનાં છીછરાં ખાડીસરોવરો તૈયાર થયેલાં છે, જેને કયાલ (અથવા કાયલ) તરીકે ઓળખવામાં આવે છે. આ કયાલ મલબાર કિનારાનું મહત્વનું પ્રાકૃતિક તેમજ આર્થિક લક્ષણ બની રહે છે. તેની દ્વારા આંતરિક જળવાહનવ્યવહારની સુવિધા મળી રહે છે. અહીં પ્રવાસીના કુદરતી સૌંદર્યના આકર્ષણને લીધે પ્રવાસનઉદ્યોગ વધ્યો છે.
વ્રિજવિહારી દીનાનાથ દવે
ગિરીશભાઈ પંડ્યા