કયર : મલયાળમ નવલકથા. તફઝી શિવશંકર પિલ્લૈ(જ. 1912)ની આ છેલ્લી અને બૃહદ નવલકથા છે. આ નવલકથાએ લેખકને આંતરરાષ્ટ્રીય કીર્તિ અને ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કારનું સન્માન અપાવ્યાં છે. આ કથામાં કેરળના આલપ્પી જિલ્લાના કાથી-વણકરો તથા કારીગરોના જીવનની ત્રણ પેઢીની વિશાળ ભૂમિકા છે. એક કલાકૃતિ તરીકે ભલે તે લેખકની શ્રેષ્ઠ નવલકથા ન ગણાય, છતાં તે અજોડ છે. લેખકે આ નવલકથા વિશે કહ્યું છે કે તે પશ્ચિમની નવલકથાના આદર્શને ધ્યાનમાં રાખી લખાઈ નથી, પરંતુ ભારતની તળપદી વૃત્તાંતકથનની પરંપરાને તે અનુસરે છે. તેમાં સરળ શૈલીમાં નીચલા મધ્યમ વર્ગના જીવનનું સૂક્ષ્મ અને વાસ્તવિક નિરૂપણ ઝીણવટથી કરેલું છે. લેખકની અન્ય કૃતિઓ કરતાં આ કૃતિ વધુ પ્રૌઢતા અને ગાંભીર્ય દર્શાવે છે.
અક્કવુર નારાયણન્