કબડ્ડી : ભારતનાં તમામ રાજ્યોમાં પ્રચલિત રાષ્ટ્રીય લોકરમત. સામા હરીફને ચપળતાથી પકડી લેવાના અને તેવી પકડમાંથી છટકી જવાના મુખ્ય કૌશલ્ય પર રચાયેલી આ રમતમાં શ્વાસ ઘૂંટવો એ પાયાની બાબત છે. બ્રિટિશ શાસનકાળથી ઉત્તર ભારતમાં તે ‘કબડ્ડી’ના નામથી, ચેન્નાઈ તરફ ‘ચેડુગુડુ’ના નામથી, બંગાળમાં ‘દોદો’ના નામથી તથા ગુજરાત-મહારાષ્ટ્રમાં ‘હુતુતુતુ’ના નામથી પ્રખ્યાત છે; તે રમવાની ત્રણ પદ્ધતિઓ તે (1) ગનિમી, (2) અમર અને (3) સંજીવની. ગનિમી પદ્ધતિમાં માર થયેલ ખેલાડી રમતમાંથી બાકાત થતો; અમર પદ્ધતિમાં તે રમતમાં ચાલુ રહે, પણ સામા પક્ષને ગુણ મળે; સંજીવની પદ્ધતિમાં માર થયેલ ખેલાડી સામા પક્ષનો ખેલાડી માર થતાં સજીવન થઈ રમતમાં દાખલ થાય.
આ રમતના ગનિમી અને સંજીવની પ્રકારોને નિયમબદ્ધ કરી તેની વ્યવસ્થિત સ્પર્ધાઓ યોજવાનો સૌપ્રથમ પ્રયાસ સાતારા અને પુણેના રમતવીરોએ 1921માં કર્યો. તે પછી હિન્દવિજય જિમખાના, વડોદરાએ 1923માં તથા મહારાષ્ટ્ર શારીરિક શિક્ષણ મંડળ, પુણેએ 1934માં સુધારેલા નિયમો સાથે વ્યવસ્થિત સ્પર્ધાઓનું આયોજન કર્યું; પરિણામે 1938માં સંજીવની પદ્ધતિ અપનાવી ઇન્ડિયન ઑલિમ્પિક ગેઇમ્સ(નૅશનલ ગેઇમ્સ)માં આ રમતનો સમાવેશ થયો અને 1952માં નૅશનલ કબડ્ડી ફેડરેશન ઑવ્ ઇન્ડિયાની સ્થાપના થઈ. 1956માં સ્ત્રીઓ માટે કબડ્ડી સ્પર્ધાઓનો પ્રારંભ થયો તથા 1961માં આંતર યુનિવર્સિટી રમતોમાં તેને સ્થાન મળ્યું. હવે બળ, ચપળતા અને સંઘકાર્યના ખમીરની કસોટી કરતી આ બિનખર્ચાળ રમતની જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રકક્ષાએ તથા આંતરશાળા, આંતર કૉલેજ અને આંતર યુનિવર્સિટી કક્ષાએ વ્યવસ્થિત સ્પર્ધાઓ પુરુષો, સ્ત્રીઓ અને કિશોરો માટે યોજાય છે.
12.5 × 10 મી. માપના મેદાનની અંદર બંને બાજુએ 1 મી. પહોળી ટક્કરપટ્ટી દોરી, મેદાનને મધ્યરેખાથી બે આંગણમાં વિભાજિત કરી, દરેક આંગણમાં મધ્યરેખાથી 3 મી. દૂર લંઘનરેખા દોરવામાં આવે છે. ઉપરાંત મેદાનની બહાર બંને છેડે માર ખેલાડીઓને બેસવા માટે પ્રતીક્ષા-પ્રદેશ હોય છે.
દરેક પક્ષે 7 ખેલાડીઓ હોય એવા બે પક્ષોથી આ રમત રમાય છે. બંને પક્ષો પોતપોતાના આંગણમાં ગોઠવાઈ ગયા પછી એક ખેલાડી ચાલુ શ્વાસે ‘કબડ્ડી…..કબડ્ડી’ બોલતો મધ્યરેખા ઓળંગી સામા પક્ષના આંગણમાં પ્રવેશ કરી તે પક્ષના કોઈ હરીફને અડકીને અથવા લંઘનરેખા ઓળંગીને અતૂટ શ્વાસે પોતાના આંગણમાં પાછો ફરે છે; તે દરમિયાન આ ચઢાઈ કરનાર કોઈ એક કે વધારે હરીફોને અડકી જાય તો તે માર ગણાય છે. હવે જો સામો પક્ષ તે ખેલાડીનો શ્વાસ તૂટે ત્યાં સુધી તેને પકડી રાખે અને મધ્યરેખા ઓળંગવા ના દે તો તે માર ગણાય છે. માર થયેલાઓ મેદાનની બહાર નીકળી પોતાના પ્રતીક્ષા-પ્રદેશમાં બેસે છે અને સામા પક્ષમાંથી કોઈ માર થાય એટલે અનુક્રમે સજીવન થઈ રમતમાં દાખલ થાય છે. 15થી 20 મિનિટનો એક એવા બે દાવ રમાય છે તથા સામા પક્ષના જેટલા ખેલાડીઓ માર કર્યા હોય તેટલા ગુણ જે તે પક્ષને મળે છે. કોઈ પક્ષના બધા જ ખેલાડીઓ માર થાય ત્યારે સામા પક્ષને લૂણ મળી ગણાય છે અને વધારાના 4 ગુણ મળે છે. બે દાવમાં સૌથી વધુ ગુણ મેળવનાર પક્ષ વિજયી ગણાય છે. આ રમત હવે આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં દાખલ કરવામાં આવી છે.
ચિનુભાઈ શાહ