કપિલર : ઈ. પૂ. બીજી સદીથી ઈસવી સનની બીજી સદીની વચ્ચેના તમિળ સાહિત્યના સંગમકાળના પ્રસિદ્ધ કવિ. કુશાગ્ર બુદ્ધિને કારણે નાની વયમાં જ તેમણે તમિળ સાહિત્ય તથા વ્યાકરણ વિશે સારું જ્ઞાન મેળવ્યું હતું. ત્રીજા સંઘના સભ્ય તરીકે એમને અવ્વેયાર અને ભરણર જેવા મહાન કવિઓ સાથે ઘનિષ્ઠ પરિચય થયો. એમના સમયના કેટલાક રાજાઓ તથા આશ્રયદાતાઓનાં યશોગાન ગાઈને તેમણે આજીવિકા મેળવેલી. તેમનાં પદો સંગમકાલીન ‘એટ્ટુત્તોગૈ’ (અષ્ટપદ સંગ્રહ), ‘પત્તુપ્પાટ્ટુ’ (દશ દીર્ઘ કાવ્યો) તથા ‘પદિનેણકીળ કણક્કુ’(અઢાર ગૌણ કાવ્યો)માં સંગૃહીત છે. તેમણે 204 કાવ્યોની રચના કરેલી. પદોમાં તેમની ઉચ્ચ પ્રકારની કાવ્યપ્રતિભાનાં દર્શન થાય છે. કપિલર લાંબા સમય સુધી વિદ્યાપ્રેમી સમ્રાટ પારિના દરબારમાં રહ્યા હતા. તે પછી તે કલનાડુ ગયા. ત્યાંનો રાજા વેલપેગન પોતાની રાણીને છોડીને એક વેશ્યાના પ્રેમના નશામાં ચકચૂર રહેતો હતો. કપિલરનાં પદો સાંભળીને એની સાન ઠેકાણે આવી અને એ રાણી પાસે પાછો ફર્યો એમ કહેવાય છે. એવી પણ લોકવાયકા છે કે પારિ રાજાના મૃત્યુ પછી એની બે દીકરીઓનાં લગ્ન કપિલરે જ કરાવ્યાં હતાં. કપિલર એમના યુગમાં અત્યંત લોકપ્રિય કવિ હતા. નક્કીરર જેવો અત્યંત અભિમાની કવિ પણ એમની વિદ્વત્તા તથા કવિત્વશક્તિની પ્રશંસા કરે છે. એ જાણીતું છે કે એમણે ‘કુરિંજિપાટ્ટુ’ નામની કૃતિની રચના આર્ય રાજા પ્રહત્તનને તમિળ સંસ્કૃતિ તથા સભ્યતાનો પરિચય આપવા માટે કરી હતી. આ કૃતિમાં 99 પ્રકારનાં પુષ્પોની તેમણે સુંદર રીતે ગૂંથણી કરી છે. તે બ્રાહ્મણ જ્ઞાતિના અને પાંડિયન રાજ્યના વતની હોવાનું કહેવાય છે. તિરુવટવુરનના સંઘકાલીન તમિળ કવિઓમાં કપિલરનું એ રીતે વિશિષ્ટ સ્થાન છે.
કે. એ. જમના