કનિંગહૅમ, મર્સી (જ. 16 એપ્રિલ 1919, સેન્ટ્રાલિયા, વૉશિંગ્ટન, અમેરિકા; અ. 26 જુલાઈ 2009, ન્યૂયૉર્ક સીટી, યુ. એસ.) : અમેરિકન આધુનિક નર્તક તથા કોરિયોગ્રાફર તથા અમૂર્ત નૃત્યની નવી શૈલીઓના પ્રણેતા. તેમણે બાર વર્ષની ઉંમરથી જ નૃત્ય શીખવું શરૂ કરેલું. હાઈસ્કૂલનો અભ્યાસ પૂરો કર્યા બાદ તેમણે સિયેટલ ખાતેની કૉર્નિશ સ્કૂલ ઑવ્ ફાઇન ઍન્ડ ઍપ્લાઇડ આર્ટ્સમાં બે વરસ અભ્યાસ કર્યો. ત્યાર બાદ મિલ્સ કૉલેજ ખાતે લેસ્ટર હોટૉર્ન હેઠળ નૃત્યનો અભ્યાસ કર્યો. એ પછી તેઓ બેનિગ્ટન કૉલેજ ખાતે નૃત્યના વધુ અભ્યાસ માટે વિદ્યાર્થી તરીકે જોડાયા. 1939માં વિશ્વવિખ્યાત નર્તકી તથા આધુનિક નૃત્યનાં પ્રણેતા માર્થા ગ્રેહામે પોતાના નૃત્યમંડળમાં જોડાવા માટે કનિંગહૅમને આમંત્રણ આપ્યું. માર્થા ગ્રેહામના નૃત્યમંડળમાં તેમણે સોલો (એકલ) નર્તનની ઘણી રચનાઓ કરી તથા તેમાં પોતે જ નૃત્ય કર્યું. માર્થા ગ્રેહામના પ્રોત્સાહનને પરિણામે કનિંગહૅમે એકાધિક વ્યક્તિઓનાં સમૂહનૃત્યોની રચનાઓ (કોરિયોગ્રાફી) કરી. ‘રૂટ ઑવ્ એન અનફોકસ’ (1944) તથા ‘મિસ્ટિરિયસ એડ્વેન્ચર’ (1945) તેમની પ્રારંભકાળની આવી રચનાઓ છે. 1945માં તેઓ ગ્રેહામની નૃત્યમંડળીમાંથી છૂટા થઈ ગયા તથા વિખ્યાત સ્વરનિયોજક જૉન કેઇજ સાથે સંકળાયા. વર્ષો સુધી એ બંને ન્યૂયૉર્ક નગરમાં ઘણી રચનાઓ રજૂ કરતા રહ્યા; જેમાં સંગીત કેઇજનું તથા કોરિયોગ્રાફી કનિંગહૅમની રહેતી. તેમાંથી ‘ધ સિઝન્સ’ (1947) અને ‘ઇનલેટ્સ’ (1978) શ્રેષ્ઠ કૃતિઓ ગણાઈ છે.

1952માં કનિંગહૅમે પોતાની અલગ નૃત્યમંડળીની સ્થાપના કરી. કોઈ પણ લાગણી કે ભાવનાથી મુક્ત એવી શુદ્ધ મુદ્રાઓ તથા હલનચલનની શોધમાં ‘કોરિયોગ્રાફી બાય ચાન્સ’ નામે ઓળખાતી પદ્ધતિ તેમણે વિકસાવી. આ પદ્ધતિમાં હલનચલન ઉપરાંત મુદ્રાઓની પસંદગી અને ક્રમવારી સિક્કા ઉછાળવા જેવી યાદૃચ્છિક (random) પદ્ધતિઓ વડે કરવામાં આવે છે.

આ પદ્ધતિ વડે 1951માં તેમણે પ્રથમ નૃત્યરચના કરી : ‘સિક્સ્ટિન ડાન્સિસ ફૉર સૉલોઇસ્ટ્સ ઍન્ડ કમ્પની ઑવ્ થ્રી’. ત્યારબાદ 1952માં તેમણે આ રીતે બીજી રચના કરી ‘સ્વીટ (Suite) બાય ચાન્સ’. ‘સ્વીટ બાય ચાન્સ’નું સ્વરનિયોજન ક્રિશ્ચિયન વૉટફે કરેલું. ઇલેક્ટ્રૉનિક સંગીત ધરાવતું આ વિશ્વનું પ્રથમ નૃત્ય છે. ત્યારબાદ કનિંગહૅમે ‘કૉલાજ સિમ્ફની’ નામે નૃત્યની રચના કરી. તેનું સ્વરનિયોજન પિયરે શાફરે તથા પિયેરે હેન્રીએ કરેલું. તેમાં પૂર્વ ધ્વનિમુદ્રિત ઘોંઘાટના ટુકડાઓને જોડીને કૉલાજ-પ્રકારે સંગીતની રચના કરવામાં આવી છે. ‘કૉન્ક્રિટ’ સંગીત નામે ઓળખાતા આવા સંગીતનો નૃત્યમાં પ્રયોગ અમેરિકામાં પહેલવહેલો કરનાર કનિંગહૅમ હતા.

કનિંગહૅમનાં અમૂર્ત નૃત્યોમાં મુદ્રાઓ અને હલનચલનમાં ત્વરિત અને તીવ્ર ફેરફારો થતા જોવા મળે છે. દાદા, પરાવાસ્તવવાદી અને અભિવ્યક્તિવાદી આકૃતિઓનો (ઢાળાઓનો-motifs) તેમણે તેમાં ઉપયોગ કર્યો છે. 1974માં તેમણે પોતાની નૃત્યમંડળી વિખેરી નાંખી. તેમણે વીડિયોટેપ માટે કોરિયોગ્રાફી કરવી શરૂ કરી; જેનું એક ઉદાહરણ છે ‘બ્લૂ સ્ટુડિયો : ફાઇવ સૅગ્મેન્ટ્સ’ (1976). તેમણે  ફિલ્મોનું દિગ્દર્શન તથા નિર્માણ પણ શરૂ કર્યું; જેમાં નોંધપાત્ર છે : ‘મર્સી કનિંગહૅમ’ (1975), ‘એડિટર જેમ્સ કોસ્ટી’; અને ‘લોકાલ’ (1979). તેમણે નૃત્યરચનાઓ  પણ કરી હતી. અંતિમ તબક્કાની શ્રેષ્ઠ નૃત્યરચનાઓ છે : ‘ડ્યુએટ્સ’ (1980), ‘ફિલ્ડિંગ સિક્સીઝ’ (1980), ‘ચૅનલ્સ/ઇનસટર્સ’ (1981) તથા ‘ક્વાર્ટેટ્સ’ (1983).

અમિતાભ મડિયા