કણાદ (ઈ. પૂ. આ. છઠ્ઠી સદી) : વૈશેષિક દર્શનની વિચારધારાને સૌપ્રથમ સૂત્રબદ્ધ કરનાર મહર્ષિ. તેમને કણભુક કે કણભક્ષ પણ કહેવામાં આવ્યા છે. ખેતરમાં લણ્યા પછી પડી રહેલા અનાજના કણનું જ તે ભોજન કરતા હતા તેથી અથવા પરમાણુ(કણ)નું અદન (એટલે કે નિરૂપણ) કરતા હતા તેથી તેમને કણાદ કહેવામાં આવ્યા હશે. શિવે ઉલૂક(ઘુવડ)નું રૂપ લઈ તેમને વૈશેષિક દર્શનનું જ્ઞાન આપ્યું તેથી તે દર્શનનું નામ ઔલુક્યદર્શન પડ્યું એવી કથા પણ જાણીતી છે. તેમનું બીજું નામ કાશ્યપ પણ હતું. વાયુપુરાણ તેમને ગૌતમના સમકાલીન અને પ્રભાસપાટણના નિવાસી જણાવે છે. કણાદ વિશે ઐતિહાસિક માહિતી ઉપલબ્ધ નથી. તેમના ‘વૈશેષિક-સૂત્ર’ ગ્રંથમાં દશ અધ્યાય અને પ્રત્યેકમાં બે-બે આહનિક છે. તેમાં દ્રવ્ય, ગુણ, કર્મ, સમવાય, સામાન્ય તથા વિશેષ એ છ પદાર્થોનું તથા ધર્મનું તેમજ પરમાણુવાદનું નિરૂપણ થયું છે. પરમાણુની સર્વપ્રથમ વ્યાખ્યા તેમણે આપી છે તથા ભૌતિક રૂપે જગતનું વિભાજન તેમણે કર્યું છે.
વસંત પરીખ