કડમ્બી, નીલમ્મા (જ. 1910, મૈસૂર; અ. 1994, બૅંગલોર) : કર્ણાટક-સંગીતનાં મહાન ગાન-કલાધરિત્રી. તેમના પિતા વ્યંકટાચારી નિષ્ણાત વીણાવાદક હતા. માતા સંગીતકારોના પરિવારમાંથી આવેલાં. તેમની 6 વર્ષની વયે તેમના પિતાનો દેહાંત થતાં માતા પાસે પૂર્વજોની 100 વર્ષ પુરાણી ‘સરસ્વતી વીણા’ પર સૂરોની સંગીત-સાધના અને આરાધના કરી.
લગ્ન બાદ સંગીતપ્રેમી પતિ કડમ્બીએ મૈસૂર રાજ્યના દરબારી વૈણિક લક્ષ્મીનારાયણાપ્પા પાસે નીલમ્માને વીણાની શાસ્ત્રશુદ્ધ તાલીમ અપાવી. મૈસૂરના વિખ્યાત બેલાવાદક ચોડૈય્યા પાસે કન્નડ શૈલીના દક્ષિણી કંઠ્યસંગીતની તાલીમ મેળવી. હિંદી ગાયકોના સંપર્કથી તેઓ હિંદુસ્તાની ખયાલ-સંગીત અને રાગોથી પણ પરિચિત થયાં.
તાલીમનાં વર્ષો દરમિયાન મૈસૂર તથા મદ્રાસ(ચેન્નાઈ)માં યોજાતા સંગીતોત્સવમાં મુસરી સુબ્રહ્મણ્યમ્ આયર, અરિયકુડિ રામાનુજમ્ આયંગર, ચેમ્બાઈ વૈદ્યનાથ ભાગવતર, શેમંગુડી શ્રીનિવાસ આયર જેવા કર્ણાટક સંગીતના લબ્ધપ્રતિષ્ઠ ગાયકોને સાંભળવાની તેમને તક મળી. વૈણિક કારયકુડિ બંધુઓ તથા વ્યંકટગિરિઅપ્પા પાસેથી વીણાવાદનની વિશિષ્ટ તાલીમ મેળવી. તેમની કંઠ, આભિજાત્ય અને ભાવ પ્રગટ કરવાની ક્ષમતા પારખીને પટ્ટણમ્ સુબ્રહ્મણ્યમ આયરના શિષ્ય વાગ્ગેયકાર મૈસૂર વાસુદેવાચાર્યે તેમને ભાવભંગિમા પ્રગટીકરણની વિશેષ તાલીમ આપી. તેમણે કર્ણાટક સંગીતની પ્રચલિત ભારેખમ ધડધડાટી બોલાવતી ગમકોનો પ્રયોગ અલ્પ માત્રામાં કરવા બંદિશો બેસાડી આપી.
ત્યારબાદ તેમણે પોતાની પ્રકૃતિ, અભિરુચિ અને કંઠની વિશિષ્ટતા અનુસાર ગાયનની નિજી શૈલીનું સર્જન કર્યું. તેમનો ઝોક શાંત-રસલક્ષી, માર્દવપૂર્ણ પ્રદાન કરવા તરફ રહ્યો. તેમણે લયતત્વ અવિચળ રાખીને સ્વરસૌંદર્યને પૂર્ણ રૂપે ખીલવ્યું અને સાહિત્ય ભાવ, રસ તથા કાકુને ઉદયમાન કર્યાં. તેમણે કર્ણાટકી સંગીતના રાગના સાચા સ્વરૂપ, સ્વરોનો ઠહેરાવ, મીંડ સાથેની ખિલાવટ તથા સાહિત્યના સ્પષ્ટ ઉચ્ચારણ પર ભાર મૂક્યો. આ ઉપરાંત, કર્ણાટકી હોવા છતાં તેમણે ગાયનમુદ્રા, વર્ણ, ઢંગ અને નાદાત્મકતામાં હિંદુસ્તાની સંગીતની મીઠાશ ભેળવવાથી તેમના સંગીતે મધુરતા સાથે આગવી વૈશિષ્ટ્યપૂર્ણ ગાયકી જન્માવી.
1935ના બિહાર ધરતીકંપમાં ભોગ બનેલાઓને ધન અને વસ્ત્રાદિની રાહત માટે તેમણે પતિની અનુમતિથી પોતાની સંગીતકલાના અનેક જાહેર કાર્યક્રમો આપ્યા. ત્યારથી તેમની સ્વરસિદ્ધિ પ્રકાશમાં આવી અને તેમના કંઠની ખ્યાતિ ચારે દિશામાં પ્રસરી. મદ્રાસ (ચેન્નાઈ) રેડિયો પર કાર્યક્રમ આપવા નિમંત્રણ મળ્યું. 1939-46 સુધી તેમણે મદ્રાસ, તિરુચી, વિજયવાડા, હૈદરાબાદ અને મૈસૂર જેવાં રેડિયો-સ્ટેશનો પરથી સંગીત પીરસ્યું. 1946-57 દરમિયાન આંધ્ર પ્રદેશ અને પશ્ચિમ કર્ણાટકમાં તેમના સંગીત-કાર્યક્રમો વિશેષ લોકપ્રિય બન્યા. 1955માં દિલ્હીમાં ‘કર્ણાટક કલ્ચરલ ફેર’ના મિલનમાં તેમનો કાર્યક્રમ અતિ પ્રશંસાપાત્ર નીવડ્યો. બૅંગલોર રેડિયો-સ્ટેશનનું ઉદઘાટન તેમના સંગીતના મંગલધ્વનિથી થયું. એમ. એસ. સુબુલક્ષ્મીના સૂચનથી વિજયવાડા રેડિયો પર તેમનો કાર્યક્રમ સંપન્ન થયો. પરિણામે તેમની નામના શ્રીલંકા, બ્રહ્મદેશ (મ્યાનમાર) અને મલેશિયા સુધી પ્રસરી. મુંબઈ, પુણેમાં પણ તેમના જાહેર કાર્યક્રમો થયા.
‘કુન્તલ વારાટી’ રાગમાં લયનિબદ્ધ સંસ્કૃતકીર્તન ‘ભૌગિન્દ્રશાયિનમ્’; ‘યમુના કલ્યાણી’ રાગમાં કન્નડ પદ ‘કૃષ્ણાનિ બેગનિ બારો’; ‘હંસધ્વનિ’ રાગમાં સંસ્કૃત કૃતિ ‘વાતાપિ ગણપતિં ભજેહમ્’ અને કૃષ્ણભક્તિના સંસ્કૃત શ્લોકોની રાગમાલિકા રૂપમાં રસાનુભૂતિ કરાવતું, દિવ્ય મનાતું તેમનું ઉદાત્ત, ભાવપૂર્ણ સંગીત લોકોત્તર શૈલીમાં તેમના મધુર કંઠે સાંભળવું તે એક અનેરો લ્હાવો ગણાતો. આવાં સુષમ સ્વરનાં અજોડ સ્વામિની નીલમ્મા કડમ્બી કર્ણાટક અને હિંદુસ્તાની સંગીત સંપ્રદાય વચ્ચે સેતુ બની રહ્યાં હતાં.
બળદેવભાઈ કનીજિયા