કઠોળ પાકો : પ્રચુર પ્રમાણમાં પ્રોટીન ધરાવતા મુખ્યત્વે લેગ્યુમિનેસી કુળના પેપેલિયોનસી ઉપકુળના સામાન્યત: ખાદ્ય પાકોનો સમૂહ. કઠોળને અંગ્રેજીમાં પલ્સીસ અથવા ગ્રેઇન લેગ્યુમ કહેવામાં આવે છે. અન્ય પાકોની સરખામણીમાં કઠોળના પાકોની બે વિશિષ્ટ ખાસિયતો છે :
(1) કઠોળના દાણામાં પ્રોટીનનું પ્રમાણ વધુ હોવાથી શાકાહારી લોકોના ખોરાકમાં તેનું ખૂબ મહત્ત્વ છે.
(2) કઠોળના છોડની મૂળ ગંડિકાઓમાં સહજીવન જીવતા રાયઝોબિયમ નામના સૂક્ષ્મ જીવાણુઓ હવામાં રહેલ નત્રવાયુનું છોડના ખોરાક માટે લભ્ય નત્રવાયુ યુક્ત પદાર્થ રૂપે સ્થાયીકરણ કરીને જમીનની ફળદ્રૂપતાની જાળવણીમાં ખૂબ જ અગત્યનું યોગદાન આપે છે.
તે આવૃત બીજધારી એક અથવા બહુવર્ષીય વનસ્પતિ છે. છોડ 20 સેન્ટિમિટરથી 2 મીટર ઊંચા હોય છે. જમીનમાં ઊંડે જતા મુખ્ય સોટીમૂળ પર ઘણી શાખાઓ અને ઉપશાખાઓ હોય છે. પર્ણો સામાન્યત: સંયુક્ત, ત્રણ પાંખડીયુક્ત, ઉપપર્ણોવાળાં અને વૃત્તગ્રંથિ પીનાધારવાળાં હોય છે. ફૂલ નાનાં છૂટક કે નાના સમૂહોમાં આવતાં પતંગિયાકારનાં હોય છે. તેમાં 10 પુંકેસર અને 1 સ્ત્રીકેસર હોય છે. ફળ શિંગ પ્રકારનું હોય છે. શિંગ સૂકી થતાં પૃષ્ઠ અને વક્ષ એમ બંને ધારથી ફાટે છે અને બીજ ખુલ્લાં થઈ વેરાય છે.
વિવિધ વપરાશયોગ્ય દ્વિદળ પાકોનું 14 જાતિ અને 38 પ્રજાતિઓમાં વર્ગીકરણ થઈ શકે. તેમની અસંખ્ય જાતો છે. આ પૈકી મર્યાદિત જાતિઓ જ કઠોળ પાકો તરીકે ઉપયોગમાં લેવાય છે.
ભારતમાં લગભગ 230 લાખ હેક્ટર જમીનમાં વિવિધ કઠોળ પાકો વવાય છે. એમાં ચણા, તુવેર, મગ, અડદ, મઠ, વટાણા, લાંગ, વાલ, કળથી, મસૂર, ચોળા, ગુવાર, સોયાબીન વગેરે મુખ્ય છે. તેમાંથી 120 લાખ ટન પેદાશ થાય છે. આમ હેક્ટરે સરેરાશ લગભગ 500 કિલોગ્રામ બીજનું ઉત્પાદન મળે છે. વસ્તીના પ્રમાણમાં ભારતમાં કઠોળની ઉપલબ્ધિ ઘણી ઓછી છે. અન્ન અને કૃષિસંગઠન (FAO) તથા વિશ્વ આરોગ્ય સંગઠન(WHO)ની ભલામણ મુજબ માથાદીઠ દૈનિક ન્યૂનતમ 80 ગ્રામ કઠોળની વપરાશની સામે ભારતમાં તેની ઉપલબ્ધિ 40 ગ્રામ કરતાં પણ ઓછી છે.
ભારતમાં મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર, ઓરિસા, બિહાર, ઝારખંડ, આંધ્રપ્રદેશ, હરિયાણા અને તમિલનાડુ કઠોળ પકવતાં મુખ્ય રાજ્યો છે. ગુજરાતમાં કઠોળ પાકો અન્ય રાજ્યો તેમજ અન્ય પાકોની સરખામણીમાં ઓછા પ્રમાણમાં વવાય છે. તે લગભગ 9 લાખ હેક્ટર વિસ્તાર આવરે છે. હેક્ટરે સરેરાશ લગભગ 688 કિલોગ્રામ બીજ પાકે છે અને કુલ 6.2 લાખ ટન પેદાશ થાય છે. ગુજરાતમાં મુખ્ય કઠોળ પાકોના વિસ્તારની માહિતી સારણી1 મુજબ છે :
આ ઉપરાંત વાલ, વટાણા, સોયાબીન, લાંગ, કળથી, ફણસી (શાકભાજી), પાપડી (શાકભાજી) વગેરે ગુજરાતમાં ગૌણ કઠોળ પાકો છે.
કઠોળ ખોરાકમાં મુખ્યત્વે પ્રોટીન પૂરું પાડે છે. જોકે તેમાંથી ધાન્યમાં હોય તેવા અન્ય પદાર્થો પણ વિવિધ અંશે મળે છે. પ્રોટીન ઉપરાંત તેમાંથી શક્તિ, ખનિજદ્રવ્યો (minerals) (સારણી2) અને જીવનતત્વો (vitamins) પણ મળે છે. ધાન્ય અને કઠોળ એકબીજાનાં પૂરક બનવાથી વધુ આદર્શ અને કાંઈક અંશે સમતોલ ખોરાક બને છે. વિવિધ કઠોળમાં પ્રોટીનનું પ્રમાણ નીચે દર્શાવ્યા મુજબ હોય છે :
તુવેર 22 %, ચણા 17 %થી 18 %, મગ 25 %, અડદ 23 %, મઠ 23 %થી 24 %, ચોળા 24 %, વટાણા 22 %, વાલ 20 %થી 22 %, ગુવાર (ઢોરખાણ) 29 %થી 30 %.
પ્રોટીનના અણુભાર (molecular weight) પ્રમાણે તેનો વિવિધ ચયાપચયિક આંક (metabolic index) હોય છે. મગમાંના પ્રોટીનનો અણુભાર સૌથી ઓછો છે અને તે પચવામાં હલકા છે. વાલનો અણુભાર ઘણો ઊંચો છે. કઠોળની ફોતરીમાં પ્રોટીન ગ્લોબ્યુલિન અને ટ્રિપ્સિન ઇનહિબિટરો નામનાં પોષણ-અવરોધક (antinutrient) તત્વ રહેલ હોય છે, જે તેની પાચકતામાં અવરોધ કરે છે. કઠોળનો ઉપયોગ કરતા પહેલાં એક રાત્રિ પાણીમાં પલાળી રાખવાથી મોટા ભાગનું આ તત્વ ઓગળીને બહાર નીકળી જાય છે. ફણગાવેલ કઠોળના દાણા વધુ સુપાચ્ય બને છે અને તેની પોષણક્ષમતા વધે છે. વિવિધ કઠોળના પ્રોટીનમાંના ઍમિનોઍસિડના પ્રકાર અને પ્રમાણમાં પણ તફાવતો હોય છે.
કઠોળ મુખ્યત્વે દાળ કે આખાં બાફીને, તળીને કે શેકીને માનવ-ખોરાકમાં વપરાય છે. ઉપરાંત તેનો લોટ બનાવી તેમાંથી વિવિધ વાનગી બનાવાય છે. ગુવાર-બીજ ઢોર-ખાણ માટે તેમજ ગુંદર બનાવવા માટેના કાચા માલ તરીકે વપરાય છે. મોટાભાગનાં કઠોળની કાચી શિંગ તથા અધકચરા દાણા શાકભાજી તેમજ વિવિધ વાનગીઓ બનાવવા માટે વપરાય છે, જે સૂકાં કઠોળ કરતાં વધુ સુપાચ્ય હોય છે. દાણા ઉપરાંત કઠોળમાંથી ગોતર, છોડાં, ભરડો, ચૂની વગેરે આડપેદાશો મળે છે, જે ઢોરો માટે ઉત્તમ ચારો તથા ખાણ તરીકે વપરાય છે.
રાયઝોબિયમ જીવાણુઓ હવામાંનો મુક્ત નત્રવાયુ વાપરતા હોવાથી તે વાયુયુક્ત ખાતરનો સ્વીકાર છોડને માટે સુલભ બનાવે છે. કઠોળ પાકને શરૂઆતની વૃદ્ધિ માટે મર્યાદિત નત્રવાયુયુક્ત ખાતરો જરૂરી બને છે. મૂળ પરની મૂળ ગંડિકાઓના વિકાસ અને જીવાણુની પૂરતી વૃદ્ધિ બાદ, છોડની નત્રવાયુની જરૂરિયાત ઉપરાંત હેક્ટરે 50થી 100 કિલોગ્રામ જેટલો વધારાનો નત્રવાયુ છોડને લભ્ય સ્વરૂપમાં જમીનમાં ઉમેરાય છે. કઠોળ પાકોની આ વિશિષ્ટતાને કારણે તે જમીનની ફળદ્રૂપતા વધારનાર બને છે. આ વૈજ્ઞાનિક જ્ઞાનનો ઉપયોગ કરી, રાયઝોબિયમ જીવાણુઓનું પ્રયોગશાળામાં વૃદ્ધિકરણ કરી તેમાંથી જૈવિક ખાતર (bio-fertilizer) તૈયાર કરવામાં આવે છે. આ જૈવિક ખાતરનો કઠોળના બીજને પટ આપી વાવવાથી તેનાં વૃદ્ધિ અને વિકાસ સારાં થાય છે. જૈવિક ખાતર, રાસાયણિક ખાતર કરતાં વધુ લાંબા સમય સુધી અસરકારક અને સસ્તાં હોય છે. કઠોળ વર્ગના લીલા પાકને જમીનમાં દાટીને લીલા પડવાસથી જમીનમાં સેન્દ્રિય તત્વો અને નત્રવાયુનું પ્રમાણ વધારીને તેને વધુ ઉપજાઉ બનાવી શકાય છે.
કઠોળનું વધુ સારું ઉત્પાદન મેળવવા માટે કેટલીક સર્વસામાન્ય ખેતીપદ્ધતિના ઘટકો નીચે મુજબ છે (સારણી 3).
ગુજરાતમાં તુવેરની ટી-15-15, બીડીએન-2, જીટી-100, જીટી-101, આઈસીપીએલ-87 અને ગુજરાત તુવેર હાઈબ્રીડ-1, ચણાની દાહોદ યલો, આઈસીસીસી-4, ગુજરાત ચણા-1 અને ગુજરાત ચણા-2, મગની ગુજરાત મગ-3, ગુજરાત મગ-4 અને કે-851, અડદની ટી-9 અને ગુજરાત અડદ-1 તેમજ ચોળાની પુસા ફાલ્ગુની, ગુજરાત ચોળા-1, ગુજરાત ચોળા-2, ગુજરાત ચોળા-3 અને ગુજરાત ચોળા-4, મઠની ગુજરાત મઠ–1 અને ગુજરાત મઠ–2 વગેરે સુધારેલ જાતો ઉપલબ્ધ છે.
વાવેતર પહેલાં બિયારણને એગ્રોસાન, કૅપ્ટાન, થાયરમ જેવી કોઈ પણ પારાયુક્ત ફૂગનાશક દવાનો પટ અપાય છે. આ માટે દર કિલોગ્રામ બીજદીઠ 2થી 3 ગ્રામ દવા વાપરવી પડે છે. તે ઉપરાંત દર 8થી 10 કિલોગ્રામ બીજદીઠ 500 ગ્રામ રાયઝોબિયમ કલ્ચરનો પટ આપવામાં આવે છે.
સામાન્ય રીતે વહેલા પાકતા કઠોળ પાકોને શરૂઆતના 30થી 40 દિવસ અને મોડા પાકતા કઠોળ પાકોને 50થી 60 દિવસ સુધી નીંદણો બહોળા પ્રમાણમાં નુકસાનકારક બને છે. આથી તે દરમિયાન બેએક આંતરખેડ અને નીંદામણ કરી ખેતર નીંદણમુક્ત રખાય છે.
મોટે ભાગે ખરીફ અને રવી કઠોળ પાકો બિનપિયત લેવાતા હોય છે. આમ છતાં, જ્યાં સગવડ હોય ત્યાં અને ભેજની ખેંચ વર્તાતી હોય તો ફૂલ આવવાના અને શિંગો બેસવાના સમયે એકાદ-બે પિયત આપવાથી ઉત્પાદન ઘણું વધારી શકાય છે. ઉનાળુ કઠોળ પાકને 10થી 15 દિવસના અંતરે 4થી 6 પિયતની જરૂર પડે છે.
કઠોળ પાક ઉત્પાદન માટે વધુ સારી અને અર્થપૂર્ણ રીત આંતર-પાક પદ્ધતિની છે. અન્ય યોગ્ય પાકોની હારોની વચ્ચે કઠોળ પાકોની હાર વાવવાથી મુખ્ય પાકને ખાસ માઠી અસર કર્યા વિના કઠોળનું વધારાનું ઉત્પાદન, મુખ્ય પાક કરતાં વહેલી થોડીક આવક, જમીનમાં કેટલાક પ્રમાણમાં નત્રવાયુ ઉમેરાવો તથા જમીનસુધારણા જેવા ફાયદા મળે છે. વિવિધ પ્રમાણમાં બાજરી અને તુવેર, બાજરી અને મગ કે મઠ, કપાસ અને મગ કે મઠ, જુવાર અને તુવેર, તુવેર અને મગ કે અડદ, મકાઈ અને અડદ, મગફળી અને તુવેર, શેરડી અને ફળ-ઝાડ વચ્ચે કઠોળનો આંતરપાક લેવાય છે. સારણીમાં જે વાવેતર-અંતર તથા બિયારણનો દર દર્શાવેલ છે તે સળંગ પાક માટે છે. આંતરપાક માટે વાવેતર-અંતર વધે અને બિયારણ-દર લગભગ અડધો થાય.
કઠોળ પાકની જીવાત, રોગ અને તેનું નિયંત્રણ : ચણા, તુવેર, મગ, મઠ, અડદ, વાલ, વટાણા, ચોળી, મસૂર અને કળથી જેવા અગત્યના કઠોળસમૂહના પાકોને હાનિકારક જીવાતથી ઘણું જ નુકસાન થાય છે. આ પાકોનું ભારતના લગભગ બધા જ પ્રદેશોમાં વાવેતર કરવામાં આવે છે; પરંતુ જીવાતના ઉપદ્રવને લીધે ઉતાર ઓછો મળે છે. એક સર્વેક્ષણ પ્રમાણે આ જીવાતોને લીધે મગને 53 %, ચણાને 29 %, વટાણાને 35 %, અડદને 71 % અને તુવેરને 46 % જેટલું નુકસાન પહોંચે છે. કઠોળ પાકને આશરે 160 જેટલી જીવાતનો સામનો કરવો પડે છે. ગુજરાતમાં તડતડિયાં, મોલો, સફેદ માખી, તુવેરનાં ચૂસિયાં અને પાનકથીરી જેવી જીવાતો છોડના કુમળા ભાગમાંથી રસ ચૂસીને નુકસાન કરે છે. સફેદ માખી પંચરંગિયો અને કોકડવા જેવા વિષાણુ રોગોનો ફેલાવો કરે છે. ચણાના પોપટા કોરી ખાનાર લીલી ઇયળ, તુવેરનું પીંછિયું ફૂદું, તુવેરની શિંગમાખી, ગુલાબી ઇયળ, ટપકાંવાળી ઇયળ અને ભૂરાં પતંગિયાં ખાસ કરીને ફૂલ અને શિંગ કે પોપટાને નુકસાન કરે છે. રેતાળ જમીનમાં વાવેતર કર્યું હોય ત્યાં ઊધઈના ઉપદ્રવથી પણ છોડનો નાશ થતો હોય છે.
50 ટકા ફૂલ આવે તે સમયે એન્ડોસલ્ફાન 0.07 ટકાનું દ્રાવણ તથા ત્યારબાદ પંદર દિવસે મૉનૉક્રોટોફોસ 0.04થી 0.05 ટકાનું દ્રાવણ હેક્ટરે 500થી 600 લિટર છાંટવાથી ઇયળ અને માખીનું સારું નિયંત્રણ થાય છે. આ સમયે 2 ટકા મિથાઇલ પેરાથિયોન ભૂકી હેક્ટરે 25 કિલોગ્રામ લેખે છાંટવાથી પણ સારું પરિણામ મળે છે. એન. પી. વી. 250 લાર્વલ યુનિટનું દ્રાવણ 600 લિટર પાણીમાં દર હેક્ટરે, દર અઠવાડિયે છાંટવાથી ચણાની લીલી ઇયળ ઉપર સારું જૈવિક નિયંત્રણ મેળવી શકાય છે. તુવેર તથા ચણામાં શિંગ કોરી ખાનાર લીલી ઇયળના નિયંત્રણ માટે લીંબોળીના મીંજનું દ્રાવણ 5 %ના 2થી 3 છંટકાવ કરવાથી સારું નિયંત્રણ મેળવી શકાય છે. મધ્યમ મોડી પાકતી તુવેરમાં ફૂલ આવવાની શરૂઆત વખતે, 50 % ફૂલ આવતાં અને 50 ટકા શિંગો બંધાતાં એમ ત્રણ સમયે ફેન્થોએટ 2 ટકા, અથવા ફોઝેલોન 4 ટકા અથવા ક્વિનાલફોસ 1.5 ટકા ભૂકી હેક્ટરે 25 કિલોગ્રામ લેખે છાંટવાથી સારું કીટક નિયંત્રણ મળી શકે છે.
બૅક્ટેરિયાથી થતા રોગના નિયંત્રણ માટે પૌસામાઇસિન અસરકારક છે. બે ગ્રામ કૅપ્ટાફોલ કે મિનેબ, 1 લિટર પાણીમાં મેળવી તેનું દ્રાવણ હેક્ટરે 1,000 લિટર છાંટવાથી પાંદડાંનાં ટપકાં તથા સરકોસ્પોરાથી થતા રોગનું નિયંત્રણ થાય છે. વિષાણુથી થતો યલો મોઝેક જેવો રોગ, તે ફેલાવનાર સફેદ માખી જેવી જીવાતોનું કીટકનાશકોના વપરાશથી નિયંત્રણ કરી શકાય. તુવેર અને ચણાનો અગત્યનો રોગ મુઝારો (wilt) છે. તેના અંકુશ માટે પ્રતિકારક જાતો વાપરવી જોઈએ. તુવેરની બીડીએન-2 જાત મુઝારા-પ્રતિકારક જાત છે.
સામાન્ય રીતે કઠોળ પાકોની ઉત્પાદકતા ઓછી છે. તેનાં ઘણાં કારણો છે. તદ્દન હલકી જમીનોમાં મુખ્યત્વે બિનપિયત ખેતી, ઓછા અને અચોક્કસ વરસાદના પરિણામે ભેજની ખેંચ, સારી જાતો અને ઉચ્ચ ગુણવત્તાવાળા બીજની અલ્પ ઉપલબ્ધિ, નહિવત્ ખાતરવપરાશ, પાકસંરક્ષણનો અભાવ, રાયઝોબિયમનું અપૂરતું સંવર્ધન આદિ મુખ્ય કારણો છે. માનવઆહારમાં કઠોળની ખાસ જરૂરિયાત હોવા છતાં તેની ઉપલબ્ધિની તીવ્ર ખેંચ છે તેને અનુલક્ષીને તાજેતરમાં ભારત સરકારે કઠોળના વધુ ઉત્પાદન માટે ખાસ રાષ્ટ્રીય કઠોળ વિકાસ કાર્યક્રમ હાથ ધરેલ છે. વધુ સારી જાતોના ઉચ્ચ કક્ષાના બીજની ઉપલબ્ધિ, આંતરપાક તરીકે તેમજ વહેલા પાકતાં કઠોળની જાતોનું બે મુખ્ય પાકની વચ્ચેના સમયગાળામાં વાવેતર વગેરે અનેક રીતે કઠોળ પાકોનો વાવેતરવિસ્તાર વધારીને, જૈવિક નિયંત્રણ, પ્રતિકારક જાતોનો ઉપયોગ, બીજને ફૂગનાશક દવાઓનો પટ આપવો, જરૂરિયાત મુજબ કીટક રોગનાશક દવાઓનો વપરાશ કરવો વગેરે સહિત સુયોજિત પાકસંરક્ષણની વ્યવસ્થા, રાયઝોબિયમનું સંવર્ધન તેમજ સેંદ્રિય તથા રાસાયણિક ખાતરોનો યોગ્ય ઉપયોગ, સારી ખેત-પદ્ધતિઓનો વિકાસ અને તેનો બહોળો વપરાશ, ખેડૂતોને પોષણક્ષમ ભાવો આપવા તથા પાક વીમા જેવી રક્ષણાત્મક પદ્ધતિઓથી કઠોળ-ઉત્પાદન ઘણું વધી શકે તેમ છે.
કઠોળ સંશોધન કેન્દ્ર : ગુજરાત રાજ્યનું ગુજરાત કૃષિ યુનિવર્સિટી હસ્તકનું મુખ્ય કઠોળ સંશોધન કેન્દ્ર, બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકાના સરદાર કૃષિનગર ખાતે આવેલું છે. આ કેન્દ્ર નીચે જૂનાગઢ, વડોદરા, નવસારી, દાહોદ, અરણેજ અને તણછા ખાતે આવેલાં કઠોળ પેટા સંશોધન કેન્દ્રો કામગીરી કરી રહેલ છે. મુખ્ય કેન્દ્રની કામગીરી ગુજરાત રાજ્યમાં વિવિધ કઠોળ પાકોના સંશોધન અને પાયાના બીજ ઉત્પાદન અંગે આયોજન, સંકલન તથા અમલને લગતી છે. આ કેન્દ્ર ખાતે ભારત સરકારની ત્રણ કઠોળ સંશોધન યોજનાઓ એટલે કે અખિલ ભારતીય સંકલિત કઠોળ-સુધારણા યોજના, અખિલ ભારતીય સંકલિત એરિડ લેગ્યુમ સુધારણા યોજના અને સંકર તુવેર યોજનાઓ અમલમાં મુકાઈ છે. આ ઉપરાંત રાજ્ય સરકારની ત્રણ યોજનાઓ એટલે કે, કઠોળ-સંશોધન યોજના, કઠોળ-સંશોધન વિસ્તૃતીકરણ યોજના અને રાષ્ટ્રીય કઠોળ-સંશોધન યોજનાનું કાર્ય ચાલે છે.
રાજ્યમાં વિવિધ કઠોળ પાકોની વધુ ઉત્પાદન આપતી રોગપ્રતિકારક અને દાણાની ઉત્તમ ગુણવત્તા ધરાવતી નવી જાતો તૈયાર કરવી તેમજ આ જાતો માટેની વૈજ્ઞાનિક ખેતીપદ્ધતિ તૈયાર કરવા માટેના મુખ્ય ઉદ્દેશોને લક્ષમાં રાખીને જુદા જુદા સાત વિષયમાં સંશોધન-કામગીરી કરવામાં આવે છે. એ પૈકી પાકસંવર્ધન વિભાગમાં નવી જાતો અને તેના પાયાના બીજ-ઉત્પાદનની સંશોધન-કામગીરી, શસ્યવિજ્ઞાન વિષયમાં વાવણીસમય, અંતર, બીજનું પ્રમાણ, ખાતરની જરૂરિયાત, પિયતની જરૂરિયાત, કાપણીનો સમય અને રીત વગેરે જેવી ખેતીપદ્ધતિ વિશે સંશોધન-કામગીરી કરવામાં આવે છે. કીટકશાસ્ત્ર વિભાગમાં જીવાતના નિયંત્રણની કામગીરી અને રોગશાસ્ત્ર-વિભાગમાં રોગના નિયંત્રણ અંગેની સંશોધન-કામગીરી ચાલે છે. સૂક્ષ્મ જીવાણુશાસ્ત્રમાં રાયઝોબિયમ જીવાણુની વધુ અસરકારક જાતો તૈયાર કરી તેની ચકાસણી કરી જૈવિક ખાતર તરીકે ભલામણ કરવામાં આવે છે. દેહધર્મવિદ્યા વિષયમાં દાણાનું વધુ ઉત્પાદન અને પાણીની ખેંચ સામે ટકી શકે તેવી જાતોની ચકાસણી કરવામાં આવે છે. જીવરસાયણશાસ્ત્ર વિષયમાં કઠોળના દાણામાં રહેલ પ્રોટીન તેમજ ગુવારના પાકમાં ગુંદર અને પ્રોટીનનું પ્રમાણ વગેરેનું જીવરાસાયણિક પૃથક્કરણ કરવાની કામગીરી કરવામાં આવે છે.
આ સંશોધનના પરિણામે વિકસાવવામાં આવેલ વિવિધ કઠોળ પાકો જેવા કે, તુવેર, ચણા, મગ, અડદ, ચોળા, મઠ અને ગુવારની જાતો અને તેની ખેતી-પદ્ધતિની ખેડૂતો માટે ભલામણ કરવામાં આવેલ છે.
ઈ. સ. 2004થી ગુજરાત કૃષિ યુનિવર્સિટીનું ચાર અલગ કૃષિ યુનિવર્સિટીઓમાં વિભાગીકરણ થવાથી કઠોળ સહિત વિવિધ પાકોનાં સંશોધનકેન્દ્રોમાં ઘણી ફેર વ્યવસ્થાઓ ગોઠવાશે.
સારણી 1 : ગુજરાતમાં કઠોળના વિવિધ પાકોનો વિસ્તાર
અનુ. નં. |
પાક | વિસ્તાર લાખ-હેક્ટર |
ઋતુ | વાવેતરના મુખ્ય વિસ્તાર |
1. | તુવેર | 3.50 | ખરીફ | ભરૂચ, નર્મદા, વડોદરા, સુરત, અમદાવાદ, સાબરકાંઠા, બનાસકાંઠા, જૂનાગઢ, ગોધરા, દાહોદ |
2. | ચણા | 2.50 | રવી | ગોધરા, દાહોદ, જામનગર, જૂનાગઢ, અમદાવાદ, બનાસકાંઠા, સુરેન્દ્રનગર |
3. | મગ | 2.00 | ખરીફ ઉનાળુ |
કચ્છ, બનાસકાંઠા, ગોધરા, દાહોદ, સાબરકાંઠા, ખેડા, વલસાડ, સુરત, નવસારી |
4. | અડદ | 1.00 | ખરીફ ઉનાળુ |
ગોધરા, દાહોદ, વડોદરા, બનાસકાંઠા |
5. | મઠ | 0.75 | ખરીફ | ઉત્તર ગુજરાત, કચ્છ |
6. | ચોળા | 0.50 | ખરીફ ઉનાળુ |
ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત |
7. | ગુવાર | 2.00 | ખરીફ | કચ્છ, બનાસકાંઠા |
સારણી 2 : વિવિધ કઠોળમાં ખનિજતત્વોનું પ્રમાણ (દસ લાખ ભાગમાં)
અ. નં. | પાક | ખનિજતત્વો | |||||||
મોલિબ્ડેનમ | સીલીનિયમ | મૅન્ગેનીઝ | કોબાલ્ટ | તાંબું | લોહ | આયોડિન | જસત | ||
1. | તુવેર | 2.6 | – | 20.3 | 0.4 | 17.4 | 52.2 | – | 36.6 |
2. | ચણા | 1.0 | – | 50.1 | 0.3 | 13.0 | 78.2 | – | – |
3. | અડદ (ચૂની) | 34.0 | – | – | 15.1 | – | 112.1 | 2.1 | |
4. | મઠ | – | 0.1 | – | – | – | – | – | – |
5. | ચોળા | – | 0.8 | – | – | – | – | 0.15 | – |
6. | ગુવાર | 6.2 | – | 18.9 | 0.5 | 16.2 | 94.3 | – | 31.2 |
સારણી 3 : અગત્યના કઠોળ પાકો અને તેની ખેતીપદ્ધતિની કેટલીક માહિતી
અ. નં. |
વિગત |
તુવેર |
ચણા |
મગ |
અડદ |
મઠ |
ચોળા |
વાલ |
વટાણા |
લાંગ |
કળથી |
ગુવાર |
1 |
2 |
3 |
4 |
5 |
6 |
7 |
8 |
9 |
10 |
11 |
12 |
13 |
1. |
અંગ્રેજી નામ |
Pigeon-pea |
Chick-pea |
Green-gram |
Black-gram |
Kidney-bean |
Cow-pea |
Indian-bean |
Peas |
Lathyrus |
Horsegram |
Cluster-bean |
2. |
વૈજ્ઞાનિક નામ |
Cajanuscajan |
Cicerarienti-num |
Vignaradiate |
Vignamungo |
Phaseolusaconti -folius |
Vignaunguicu-lata |
Lablabpurpu-reus |
Pisumarvense |
Lathyrussativa |
Macroty-loma u-niflorumragona- |
Cymop-sis tet-loba |
1 |
2 |
3 |
4 |
5 |
6 |
7 |
8 |
9 |
10 |
11 |
12 |
13 |
3. |
રંગસૂત્રોની સંખ્યા (2n) |
22 |
16 |
22 |
22 |
22 |
22 |
22 |
14 |
14 |
24 |
14 |
4. |
છોડની ઊંચાઈમીટર |
0.50થી 2.00 |
0.25થી 0.75 |
0.45થી 1.25 |
0.30થી1.00 |
0.15થી0.30 |
0.40થી0.90 |
વેલાજમીન પરપથરાય છે. |
0.30થી0.90 |
0.30થી0.50 |
0.50થી0.60 |
0.30થી1.00 |
5. |
પાનનું વર્ણન |
લીલાં લંબગોળ |
લીલાશ પડતાં ઝીણાં ખાંચાવાળાં |
લીલાંલંબગોળ અણિયાળાંત્રિ પાંખિયાં |
લીલાંલંબગોળઅણિયાળાં |
લીલાંત્રિપાંખિયાંખાંચાવાળાં |
લીલાંલંબગોળ અણિયાળાંત્રિપાંખિયાં |
લીલાંપહોળાંઅણિયાળાંત્રિપાંખિયાં |
લીલાંનાનાંલંબગોળ |
લીલાંમોટાં |
લીલાંત્રિકોણિયાં |
લીલાંમોટાં |
6. |
ફૂલનો રંગ |
પીળોલાલછાંટવાળો |
દેશી-ગુલાબી કાબુલી-સફેદ |
આછોપીળો |
આછોપીળો |
સફેદઅથવાજાંબલી |
સફેદગુલાબીજાંબલી |
સફેદગુલાબીજાંબલી |
જાંબલી |
આછોપીળો |
જાંબલી |
|
7. |
પરાગનયનપ્રકાર |
મુખ્યત્વે સ્વપરાગ- નયન છતાં 5થી 40 %પર-પરાગ-નયન |
મુખ્યત્વે સ્વપરાગ-નયનકેટલું કપર-પરાગ-નયન |
સ્વપરાગ-નયન |
સ્વપરાગ-નયન |
સ્વપરાગ-નયન |
મુખ્યત્વે સ્વપરાગ-નયન 2 %જેટલું પર-પરાગનયન |
સ્વપરાગ- નયન |
મુખ્યત્વે સ્વપરાગ-નયનકેટલુંક પર-પરાગનયન |
સ્વપરાગ-નયન |
સ્વપરાગ-નયન |
મુખ્યત્વે સ્વપરાગ-નયન |
8. |
શિંગનો રંગ |
લીલોકાળીપટ્ટીઓ |
લીલો |
લીલો |
લીલો |
લીલો |
લીલો કે આછોલીલો |
લીલોજાંબલી ભૂખરોસફેદ |
લીલો |
લીલો |
લીલો |
લીલો |
9. |
શિંગની લંબાઈ સેમી. |
1થી 7 |
2થી 3 |
8થી 10 |
4થી 6 |
3થી 5 |
20થી 30 |
10થી 15 |
10થી 15 |
2થી 4 |
3થી 4 |
2થી 15 |
10. |
શિંગમાં દાણાની સંખ્યા |
3થી 9 |
1થી 3 |
10થી 15 |
6થી 10 |
4થી 9 |
8થી 20 |
5થી 15 |
4થી 10 |
4થી 5 |
5થી 7 |
5થી 15 |
11. |
દાણાનો રંગ |
સફેદબદામી લાલ |
દેશી લાલા શપડતા પીળાકાબુલી-સફેદ |
લીલો |
કાળો |
આછોપીળોબદામી |
સફેદલાલ વિવિધ |
વિવિધપ્રકારનો સફેદ |
લીલોઆછો લીલોસફેદ |
આછો ભૂખરોસફેદ |
આછોલાલ બદામીકાળો |
ભૂખરોકાળાશ પડતો |
12. |
પાકવામાંલેવા તોસમય(મહિના) |
5થી 7 |
3થી 3.5 |
2થી 2.5 |
2.5થી3.5 |
3.5થી 4 |
3થી 3.5 |
4થી 5 |
3થી 3.5 |
3થી 4 |
4થી 5 |
2.5 |
13. |
ખાસિયત |
શિંગોગૂંચળામાં આવે છે. |
શિંગો ગૂંચળામાંઆવે છે. |
ડાળીઓ વેલાવાળીપથરાય છે. |
ડાળીઓ - વેલાવાળીપથરાય છે. |
છોડ હવા-મૂળનાટેકાથી ઊભોરહે છે. |
લેથીરસનામનું ઝેર હોયછે, જેથીપંગુપણાનો રોગ થાય છે. |
વૈદકીયમહત્વપણ છે. |
લીલીશિંગશાકભાજીમાટે, બીજઢોરખાણમાટે તથા ગુંદરબનાવવામાટે. |
|||
14. |
જમીનપ્રકાર |
ગોરાડુરેતાળ, મધ્યમકાળી,ભારે |
મધ્યમભારે, કાળી,બેસર |
રેતાળ,ગોરાડુ, મધ્યમકાળી |
બેસર,કાળી |
હલકી,રેતાળ, ગોરાડુ |
રેતાળ,ગોરાડુ, મધ્યમકાળી |
મધ્યમકાળી, ભારેકાળી |
કાળી,ક્યારીની ગોરાડુ |
કાળી,ભારેકાળી |
હલકી |
બેસરગોરાડુ, ભાઠાનીમધ્યમકાળી |
15. |
વાવણી-સમય |
જૂન-જુલાઈ |
ઑકટો.-નવે. |
જૂન-જુલાઈ,માર્ચ |
જૂન-જુલાઈ |
જૂન-જુલાઈ |
જૂન-જુલાઈફેબ્રુ. -માર્ચ |
ઑક્ટો.-નવે. |
ઓકટો.-નવે. |
ઑકટો.-નવે. |
જૂન-જુલાઈ |
જૂન-જુલાઈ, ફેબ્રુ.-માર્ચ |
16. |
વાવણી-અંતર બેહાર વચ્ચેસેમી. |
60થી120 |
22થી30 |
30 |
30 |
45 |
30થી45 |
40થી50 |
30થી45 |
45થી60 |
30થી45 |
30થી45 |
17. |
બિયારણદર હેક્ટરેકિલોગ્રામ |
12થી15 |
50થી60 |
20થી25 |
20થી25 |
20થી25 |
20થી25 |
50થી60 |
35થી50 |
15થી20 |
10થી15 |
12થી15 |
18. |
રાસાયણિકખાતર હે/કિ.ના+ફો+પો |
25+50+0 |
25+50+0 |
20+40+0 |
20+40+0 |
20+40+0 |
20+40+0 |
25+50+0 |
25+75+35 |
20+40+0 |
20+40+0 |
25+50+0 |
19. |
ઉત્પાદનદાણા હે/કિ. |
1000થી1200 |
બિનપિયત 800થી1000, પિયત1500થી2000 |
800થી1000 |
600થી700 |
600થી650 |
દાણા 800-થી 1000; લીલી શિંગો 7,000થી8000 |
1000થી1200 10,000થી15000 |
લીલીશિંગો |
1200થી1500 |
400થી500 6000થી7000 |
લીલીશિંગો |
સોઢી ભૂપેન્દ્રસિંહ ટિક્કા
રવીન્દ્રસિંહ મંગળસિંહ ચૌહાણ
દિલીપસિંહ અમરસિંહ ડોડિયા