કઝાન, ઇલિયા (જ. 7 સપ્ટેમ્બર 1909, ઇસ્તંબુલ, તૂર્કી; અ. 28 સપ્ટેમ્બર 2003, ન્યૂયૉર્ક સીટી, યુએસ.) : અમેરિકાના સુવિખ્યાત સિને-દિગ્દર્શક, કારકિર્દીના પૂર્વકાળમાં નાટ્યઅભિનેતા અને નાટ્ય-દિગ્દર્શક. પિતા જ્યૉર્જ અને માતા એથેના સાથે તેમનું બાળપણ ઇસ્તંબુલ અને બર્લિનમાં વીત્યું. 1913માં પિતાએ ન્યૂયૉર્કમાં ગાલીચા વેચવાનો ધંધો શરૂ કરતાં કુટુંબ અમેરિકામાં સ્થાયી થયું. 1929ના મહામંદીના મોજામાં પિતાનો ધંધો પણ સપડાતાં કઝાને અભ્યાસની સાથે રેસ્ટોરાંમાં પ્યાલારકાબી ધોવાનું કામ કરી કમાણી કરવાનું શરૂ કર્યું. અંગ્રેજીના પ્રાધ્યાપક દ્વારા પરિચય કરાવાતાં ટી. એસ. એલિયટની કૃતિ ‘વેસ્ટ લૅન્ડ’ તેમજ ફ્રેન્ક મોરિસની કેટલીક નવલકથાઓ તેમના વાંચવામાં આવી. વિખ્યાત રશિયન સિને દિગ્દર્શક સેરેજી આઇઝન્સ્ટાઇનની જાણીતી સિનેકૃતિ ‘બૅટલશિપ પોટેમકીન’ નિહાળી તે સિનેમાધ્યમ પ્રતિ આકર્ષાયા અને અભિનેતા થવા વિચાર્યું. લઘુમતી કોમની ગ્રંથિ અને આર્થિક સંકડામણોને કઝાનને સામ્યવાદી વિચારધારા પ્રતિ દોર્યા. 1932માં થોડો વખત માટે યેલ યુનિવર્સિટીના નાટ્ય વિભાગમાં જોડાયા. આ વિભાગના એક શિક્ષકના સૂચનથી લી સ્ટ્રોસબર્ગ અને હૅરોલ્ડ કલુરમાન દ્વારા સંચાલિત ‘ગ્રૂપ થિયેટર’ સંસ્થામાં તેઓ તાલીમાર્થી અભિનેતા તરીકે જોડાયા. આ સંસ્થાના પોણા ભાગના સભ્યો ડાબેરી વિચારસરણી ધરાવતા હતા. તેથી તેમની સંગતમાં કઝાનનું સામ્યવાદી વલણ વધુ દૃઢ બન્યું. અહીં જ્હૉન હાવર્ડ લોસન દિગ્દર્શિત નાટક ‘પ્યોર ઇન હાર્ટ’ના સહાયક દિગ્દર્શક રહ્યા. 1934માં ‘ડ્રીમી ટોફ’ નાટકનું સ્વતંત્ર રીતે નિર્દેશન કરી પ્રથમ વાર નાટ્યદિગ્દર્શક તરીકેની કારકિર્દીનો આરંભ કર્યો. 1941 સુધી તે ન્યૂયૉર્ક સિટીના ‘ગ્રૂપ થિયેટર’નાં નાટકોનું દિગ્દર્શન કરતા રહ્યા. તે જ વર્ષે આ નાટ્યસંસ્થા સમેટી લેવાતાં કઝાને હોલીવુડ તરફ પ્રયાણ કર્યું.

1944-45માં પોતાની સર્વપ્રથમ સિનેકૃતિ ‘એ ટ્રી ગ્રોઝ ઇન બ્રુકલીન’નું દિગ્દર્શન કર્યું. આ ચિત્ર માટે અભિનેતા જેઇમ્સ ડીનને ‘શ્રેષ્ઠ સહાયક અભિનેતા’નો પ્રતિષ્ઠિત ‘ઑસ્કાર’ પુરસ્કાર પ્રાપ્ત થયો. આ ગાળામાં તેમણે નાટ્ય-દિગ્દર્શનની પ્રવૃત્તિ દ્વારા રંગભૂમિ સાથેનો નાતો જાળવી રાખ્યો હતો. 1947માં પ્રતિષ્ઠિત નિર્માણસંસ્થા મેટ્રો ગોલ્ડવિન મેયરના ઉપક્રમે તત્કાલીન તારક અભિનેતા સ્પેન્સર ટ્રેસી અને અભિનેત્રી કેથેરાઇન હૅપબર્ન દ્વારા અભિનીત ‘સી ઑવ્ ગ્રાસ’ સિનેકૃતિનું નિર્દેશન કર્યું. આ જ વર્ષે તેમણે ચેરિલ ક્રૉફર્ડ અને રૉબર્ટ લ્યુઇસના સહયોગથી ‘ઍક્ટર્સ સ્ટુડિયો’ની સ્થાપના કરી. અહીંથી હોલીવુડને માર્લોન બ્રાન્ડો, જેઇમ્સ ડીન, કાર્લ માલ્ડેન, મોન્ટગોમોરી ક્લિફ્ટ જેવા સબળ અભિનેતાઓ અને સિને-અભિનયની એક વિશિષ્ટ શૈલી સાંપડ્યાં.

ઇલિયા કઝાન

ત્યારબાદ કઝાને ‘બૂમરૅન્ગ’ (1947), ‘જેન્ટલમૅન્સ એગ્રીમેન્ટ’ (1948), ‘પિન્કી’ (1949), ‘પૅનિક ઇન ધ સ્ટ્રીટ’ (1950) જેવી ફિલ્મોનું દિગ્દર્શન કર્યું. ‘જેન્ટલમૅન્સ એગ્રીમેન્ટ’ માટે કઝાનને ‘શ્રેષ્ઠ દિગ્દર્શક’ તરીકે ‘ઑસ્કાર’ પુરસ્કાર તથા ‘પૅનિક ઇન ધ સ્ટ્રીટ’ને 1950નો શ્રેષ્ઠ સિનેકથાનો ‘ઑસ્કાર’ પુરસ્કાર પ્રાપ્ત થયો. આમ હોલીવુડ ખાતેની તેમની કારકિર્દીના પહેલા દસકામાં જ પોતાની ત્રણ કૃતિઓ માટે ‘ઑસ્કાર’ પુરસ્કાર પ્રાપ્ત કરી તે ઘણા ટૂંક સમયમાં જ હોલીવુડના ખ્યાતનામ દિગ્દર્શકનું સ્થાન પામ્યા.

તત્કાલીન જાણીતા અમેરિકન નાટ્યલેખક ટેનિસી વિલિયમ્સની નાટ્યકૃતિ પર આધારિત સિનેકૃતિ ‘સ્ટ્રીટ કાર નેઇમ્ડ ડિઝાયર’ (1951) બૌદ્ધિક સ્તરે એક ઉત્કૃષ્ટ કૃતિ પુરવાર થઈ. વળી શ્રમજીવી વર્ગનું પ્રતિનિધિત્વ કરતા માર્લોન બ્રાન્ડોના પાત્ર અને ભદ્રવર્ગનું પ્રતિનિધિત્વ કરતા કીમ હંટરના પાત્રના સંબંધો અને તેમની વચ્ચેના પ્રસંગોમાં પ્રતીકાત્મક નિરૂપણોએ આ કૃતિને ચર્ચાસ્પદ બનાવવા સાથે કલાકૃતિની કક્ષાએ પણ મૂકી દીધી. આ કૃતિને તે વર્ષનું ‘શ્રેષ્ઠ ચિત્ર’, ‘શ્રેષ્ઠ અભિનેતા’ (માર્લોન બ્રાન્ડો), ‘શ્રેષ્ઠ અભિનેત્રી’ (વીવીઅન લી), ‘શ્રેષ્ઠ દિગ્દર્શક’ (ઇલિયા કઝાન), ‘શ્રેષ્ઠ સહાયક અભિનેતા’ (કાર્લ માલ્ડેન), ‘શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી’ (કીમ હંટર) અને ‘શ્રેષ્ઠ કલાનિર્દેશન’ (રિચાર્ડ ડે, જ્યૉર્જ જેઇમ્સ હૉપ્કિન્સ) આમ કુલ 7 ‘ઑસ્કાર’ પુરસ્કાર એનાયત થયા. હોલીવુડ ખાતે આ એક વિક્રમસર્જક ઘટના હતી. જોકે 1952માં અમેરિકાવિરોધી પ્રવૃત્તિ કરવાના આરોપસર તેમને અમેરિકા સેનેટની મેકાર્થી હાઉસકમિટી સમક્ષ રજૂ થવું પડ્યું હતું. સામ્યવાદી પક્ષ સાથે ગઠબંધન હોવાનું તહોમતનામું તેમના પર મુકાયેલું.

પછીના ગાળામાં તેમણે ‘વીવા ઝપાટા’ (1952), ‘મૅન ઑન એ ટાઇટ રોપ’ (1953), ‘ઑન ધ વૉટરફ્રન્ટ’ (1954), ‘ઈસ્ટ ઑવ્ એડન’ (1955), ‘બેબી ડૉલ’ (1956), ‘એ ફેઇસ ઇન ધ ક્રાઉડ’ (1957) અને ‘વાઇલ્ડ રિવર’ (1960) જેવી સિનેકૃતિઓનું સર્જન કર્યું. ‘વીવા ઝપાટા’ મેક્સિકો ખાતે આકાર પામેલ ડાબેરી ક્રાંતિના એક ગરીબ અશિક્ષિત કિસાન-મજદૂર નેતાની સાચી જીવનકથા પર આધારિત કૃતિ હતી. કઝાન અને તેના કથાલેખક સાથીએ રચેલી કથામાં મેક્સિકોના તત્કાલીન સત્તાધારી પક્ષે પરિવર્તન કરવાનું સૂચન કરતાં મેક્સિકો ખાતે તેના ફિલ્મીકરણની યોજના બદલીને અમેરિકાના ટેક્સાસ રાજ્યમાં તેમણે તેનું ફિલ્મીકરણ કર્યું. આ કૃતિને ‘શ્રેષ્ઠ અભિનેતા’ (માર્લોન બ્રાન્ડો) અને ‘શ્રેષ્ઠ સહાયક અભિનેતા’(ઍન્થની ક્વિન)ના ‘ઑસ્કાર’ પુરસ્કાર પ્રાપ્ત થયા હતા. મેક્સિકો ખાતે આ ચિત્ર પર પ્રતિબંધ મુકાયો હતો.

‘ઑન ધ વૉટરફ્રન્ટ’ ગોદી કામદાર યુનિયનના ભ્રષ્ટાચારી નેતાની એકહથ્થુ સત્તા સામે એક અદના ગોદી મજૂરે પોકારેલ બળવાની મુખ્ય કથા સાથે મજદૂર નાયિકા સાથેના સ્નેહની ઉપકથા સાંકળી સર્જાયેલ એક અત્યંત માનવતાસભર કૃતિ હતી. અહીં પણ અભિનયનું વૃંદ મહદ્ અંશે ‘ઍક્ટર્સ સ્ટુડિયો’ની નીપજ હોવાથી અભિનયનું વલણ અત્યંત વાસ્તવદર્શી અને ઉચ્ચ કક્ષાનું હતું. કઝાનની આ કૃતિને ‘શ્રેષ્ઠ ચિત્ર’, ‘શ્રેષ્ઠ દિગ્દર્શક’ (ઇલિયા કઝાન), ‘શ્રેષ્ઠ અભિનેતા’ (માર્લોન બ્રાન્ડો), ત્રણ ‘શ્રેષ્ઠ સહાયક અભિનેતાઓ’ (અનુક્રમે લી જે કોબ, કાર્લ માલ્ડેન તથા રૉડ સ્ટાઇગર), ‘શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી’ (ઇવામારી સેન્ટ), ‘શ્રેષ્ઠ કથા-પટકથા’ (બડ શુલ્ઝબર્ગ), ‘શ્રેષ્ઠ સિને-છાયા’ (બૉરિસ કૉફમૅન), ‘શ્રેષ્ઠ કલાનિર્દેશન’ (રિચાર્ડ ડે), ‘શ્રેષ્ઠ સિને-સંકલન’ (જેને મિલ્ફર્ડ) એમ કુલ 11 ‘ઑસ્કાર’ પુરસ્કારથી નવાજવામાં આવેલી. ‘ઑન ધ વૉટરફ્રન્ટ’ હોલીવુડની જ નહિ પણ વિશ્વ સિનેજગતની એક યાદગાર કૃતિ બની રહી.

કઝાનની ‘ઈસ્ટ ઑવ્ એડન’ને 1955ના વર્ષના શ્રેષ્ઠ દિગ્દર્શકનો તથા જેઇમ્સ જીનને શ્રેષ્ઠ અભિનેતાનો અને જો વાન ફિલટને શ્રેષ્ઠ સહાયક અભિનેત્રીનો ‘ઑસ્કાર’ પ્રાપ્ત થયો. બીજે જ વર્ષે નાટ્યકાર ટેનિસી વિલિયમ્સની નાટ્યકૃતિ પર આધારિત ‘બેબી ડૉલ’ને સર્વશ્રેષ્ઠ કૃતિ તરીકે, તેની અભિનેત્રી કેરોલ બેકરને ‘શ્રેષ્ઠ અભિનેત્રી’ અને મિલ્ડ્રેડ ડનોકને ‘શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી’ના ‘ઑસ્કાર’ પુરસ્કારથી નવાજીને નિર્ણાયકોએ દિગ્દર્શક દ્વારા અપાતી માવજત પરના પ્રભુત્વને કઝાનની પ્રતિભાને ફરી એક વાર સન્માની.

તેમણે ‘ધી એરેન્જમેન્ટ’ (1967), ‘ધી એસેસિંગ’ (1972), ‘ધી અન્ડરસ્ટડી’ (1974), ‘એક્ટસ ઑવ્ લવ’ (1978) તેમજ ‘ધી આનાતોલિયન’ (1982) નવલકથાઓ રચી હતી.

1961-71ના ગાળામાં કઝાને સર્જેલી ચાર ફિલ્મો ‘સ્પ્લેન્ડર ઇન ધ ગ્રાસ’ (1961), ‘અમેરિકા, અમેરિકા’ (1963), ‘ધ ઍરેન્જમેન્ટ’ (1969) અને ‘ધ વિઝિટર્સ’(1971)માંથી ‘સ્પ્લેન્ડર ઇન ધ ગ્રાસ’ માટે અભિનેત્રી નાટાલીવુડને ‘શ્રેષ્ઠ અભિનેત્રી’ અને લેખક વિલિયમ ઇન્જને શ્રેષ્ઠ કથા-પટકથાના ‘ઑસ્કાર’ પુરસ્કાર પ્રાપ્ત થયા હતા.

સ્વલિખિત નવલકથા પર આધારિત ‘અમેરિકા, અમેરિકા’ની નાટ્યાત્મક કથા-પટકથા અમુક અંશે કઝાનના એક કાકાની જીવનકથા પર આધારિત હતી. એમાં કંઈક અંશે અમેરિકા ખાતેના પોતાના જીવનસંઘર્ષના અંશો પણ વણાયેલા હતા. તે એક વાસ્તવદર્શી અને સાચુકલી સિનેકૃતિ હતી. તેની નિર્માણસંસ્થા(વૉર્નર બ્રધર્સ)ને આ કૃતિની વ્યાપારિક સફળતા બાબત ભીતિ લાગતાં તે પડતી મુકાઈ, જેને કારણે કઝાન અનેક મુશ્કેલીઓમાં મુકાયેલા. છેવટે કંપનીને મનાવી લેવાઈ ખરી, પરંતુ તેની ભીતિ સાચી ઠરી અને વૉર્નર બ્રધર્સે તેમાં પંદર લાખ ડૉલર ગુમાવ્યા. છતાં આ કૃતિ માટે પણ કઝાનને ‘શ્રેષ્ઠ દિગ્દર્શક’ અને જેન કલહનને ‘શ્રેષ્ઠ કલા-નિર્દેશક’ના ‘ઑસ્કાર’ પુરસ્કાર પ્રાપ્ત થયા હતા.

કઝાન મુખ્યત્વે ’50થી ’60ના દશકામાં વિશ્વ સમસ્તના ચોક્કસ બુદ્ધિજીવી પ્રેક્ષકવર્ગના માનીતા દિગ્દર્શક રહ્યા હતા. ભારતમાં વિદેશી સિનેવિતરક સંસ્થાઓ દ્વારા મોટાં શહેરોમાં કઝાનની કૃતિઓ રજૂઆત પામી હતી. તેમની કૃતિઓએ કેટલાંક ભારતીય ચલચિત્રો અને સાહિત્યકૃતિઓ પર પ્રભાવ પાડ્યો હતો. હિંદી ફિલ્મોની પટકથા-લેખક જોડી સલીમ-જાવેદે લખેલ પટકથાઆધારિત અને અમિતાભ બચ્ચન અભિનીત ‘દીવાર’ (1972) તેમજ રોમેશ શર્મા-દિગ્દર્શિત અને અમિતાભ-અભિનીત કૃતિ ‘હમ’ (1990) પર ‘ઑન ધ વૉટર ફ્રન્ટ’ની આંશિક અસર તથા તત્કાલીન નવોદિત લેખક ચન્દ્રકાન્ત બક્ષીની ‘ડૉક-મજદૂર’ પર તેની પ્રત્યક્ષ અસર દેખાય છે. તેમણે કુલ 18 સિનેકૃતિઓનું સર્જન કરેલું, તેમાંથી 10 કૃતિઓને પ્રતિષ્ઠિત ‘ઑસ્કાર’ પુરસ્કારનું બહુમાન મળ્યું હતું. માઇકેલ સિમેન્ટના ‘કઝાન ઑન કઝાન’ (1973) આ મહાન દિગ્દર્શક સાથેની મુલાકાતોનું ફિલ્મીકરણ છે. તેમણે ‘એલિયા કઝાન : અ લાઇફ’ (1988) આત્મકથા લખી છે. ‘બિયૉન્ડ ધી એજિયન’ (1994) તેમની છેલ્લી કૃતિ હતી.

1989માં લાઇફ ટાઇમ એચિવમેન્ટ ઍવૉર્ડ (માનદ્ પુરસ્કાર) પણ ઓસ્કાર કમીટી દ્વારા આપવામાં આવ્યો હતો.

ઉષાકાન્ત મહેતા