કઝવીની મુહંમદ અબ્દુલવહાબ (જ. 1878, તહેરાન; અ. 1950, તહેરાન) : અરબી-ફારસીના વિદ્વાન સંશોધક. પિતાનું નામ અબ્દુલવહાબ બિન અબ્દુલઅલી કઝવીની. તેમણે તહેરાનમાં અભ્યાસ કર્યો હતો. 1904માં તહેરાનથી નીકળી રશિયા, જર્મની અને હોલૅન્ડ થઈ લંડન ગયા. ત્યાં બે વરસ સુધી અરબી અને ફારસીની હસ્તપ્રતોનું અધ્યયન અને સંશોધન કર્યું. પ્રો. ઈ. જી. બ્રાઉને 1906માં ‘તારીખે જહાંગુશા-એ જુવૈની’ની સુધારેલી આવૃત્તિ તૈયાર કરવાનું કાર્ય કઝવીનીને સોંપ્યું. આ પુસ્તકની ઘણી પ્રતો પૅરિસમાં હોવાથી તે પૅરિસ ગયા અને ત્યાં 1914 સુધી રોકાયા. પૅરિસમાં ફ્રેન્ચ ઓરીએન્ટલિસ્ટ, અરબીના વિદ્વાન હાર્ટવિગ ડેરેનવર્ગ પાસેથી યમનના શિલાલેખોની ‘હિમ્યરી લિપિ’ શીખ્યા અને એ. મેલેટે કઝવીનીને ઇન્ડો-યુરોપીય વ્યાકરણના અમુક અંશ શીખવ્યા. પૅરિસમાં જ તેમણે ‘મર્ઝબાનનામા’ને સુધારીને સંપાદિત કર્યું. 1914ના અંતમાં કઝવીની બર્લિન ગયા અને પહેલા વિશ્વયુદ્ધના અંત સુધી બર્લિનમાં રોકાયા અને 1920માં પૅરિસ પાછા આવ્યા. ત્યાં ‘લુબાબુલ અલ્બાબે અવફી’, ‘અલમઅજમ રહારમકાલા નિઝામી અરૂઝી’નું પ્રકાશન કર્યું તેમજ ‘લવાઈહ જામી’નો ફ્રેન્ચ ભાષામાં અનુવાદ કર્યો. ઉપરાંત તેમણે ‘તઝ્કિરતુલ અવલિયા’(શેખ અત્તાર)ની પ્રસ્તાવના અને મસ્ઊદ સા’દ સલ્માનના જીવન વિશે પણ લખ્યું. તેમણે લખેલા વિવિધ સાહિત્યિક અને ઐતિહાસિક નિબંધો બે ભાગમાં 1928માં મુંબઈથી અને ઈ. સ. 1935માં તહેરાનથી ‘બીસ્તમકાલા કઝવીની’ નામથી પ્રગટ થયા છે.
કઝવીનીએ જીવનનાં છત્રીસ વર્ષ લંડન, પૅરિસ અને બર્લિનમાં સાહિત્યસંશોધન, પ્રકાશન અને અનુવાદ કરવામાં પસાર કર્યાં હતાં. ઈ. સ. 1940માં પત્ની અને દીકરી નાહીદ સાથે તે ઈરાનના પાટનગર તહેરાનમાં પાછા આવ્યા.
કઝવીનીના સ્વભાવમાં ચોકસાઈ અને સાવધાની હતી. તેમણે જે કંઈ લખ્યું છે તે ઉચ્ચ પ્રકારના સંશોધન અને વિવેચનના નમૂનારૂપ ગણાય છે. વીસમી સદીના અરબી-ફારસી સાહિત્યસંશોધનમાં તેમનું નોંધપાત્ર પ્રદાન છે.
મહેમૂદહુસેન મોહમદહુસેન શેખ