કક્ષા (orbit) : ખગોળવિજ્ઞાનમાં આકર્ષણ કરતા પદાર્થની આસપાસ પરિક્રમણ કરતા (revolving) પદાર્થનો માર્ગ. જેમ કે સૂર્યની આસપાસનો ગ્રહનો પરિક્રમણમાર્ગ કે ગ્રહની આસપાસનો ઉપગ્રહ(satellite)નો પરિક્રમણમાર્ગ. સત્તરમી સદીમાં જે. કૅપ્લર અને આઇઝેક ન્યૂટને કક્ષાનું નિયંત્રણ કરતા મૂળભૂત ભૌતિક નિયમો શોધ્યા અને વીસમી સદીમાં આલ્બર્ટ આઇન્સ્ટાઇને સાપેક્ષવાદના વ્યાપક સિદ્ધાંતથી તેનું વધુ ચોક્કસ વર્ણન આપ્યું.
જો બીજા ગ્રહના આકર્ષણથી અસર ન પામે તો ગ્રહની કક્ષા ઉપવલયી (elliptic) હોય છે. કેટલીક ઉપવલયી કક્ષાઓ લગભગ વર્તુળાકાર હોય છે, જ્યારે કેટલીક કક્ષાઓ વધુ પડતી લંબાયેલી હોય છે. ધૂમકેતુ જેવા કેટલાક પદાર્થો પરવલયી (parabolic) કે અતિવલયી (hyperbolic) જેવા વિવૃતવક્રોના માર્ગ અનુસરે છે. અત્યંત દૂરના અંતરેથી સૂર્યમાળા સમીપ આવતા અને સૂર્યની આસપાસ એકાદ પરિભ્રમણ કરી પુન: દૂર ચાલ્યા જતા પદાર્થની કક્ષા આવો વિવૃત વક્ર હોય છે.
હિંમતલાલ ચૂનીલાલ શુક્લ