કંવલ, જશવંતસિંહ (જ. 27 જૂન 1919, ધુદિકે, જિ. મોગા, પંજાબ; અ. 1 ફેબ્રુઆરી 2020, ધુદિકે, જિ. મોગા, પંજાબ) : પંજાબના જાણીતા નવલકથાકાર તથા વાર્તાકાર. તેમની નવલકથા ‘તૌશાલી દી હંસો’ માટે તેમને 1997ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો હતો.

તેમણે કોઈ ઔપચારિક શિક્ષણ મેળવ્યું નહોતુ. ખેતીનો વ્યવસાય અપનાવવાની સાથે સામાજિક કાર્યકર્તા તરીકેની ભૂમિકા નિભાવી હતી. તેમણે દેશ-વિદેશનો લાંબો પ્રવાસ ખેડ્યો હતો.

જશવંતસિંહ કંવલ

1940માં તેમણે લેખનકાર્ય શરૂ કર્યું. તેમની  નવલકથાઓ અને  વાર્તાસંગ્રહો પ્રગટ થયા છે. તેમની ઘણી કૃતિઓના અન્ય ભારતીય ભાષાઓમાં અનુવાદ કરવામાં આવ્યા છે. તેમની સાહિત્યિક સેવાઓ ધ્યાનમાં લઈને તેમને પંજાબ સરકારના ભાષા વિભાગ, અને પંજાબી સાહિત્ય અકાદમી તરફથી ઘણાં ઇનામો તથા પુરસ્કારો પ્રાપ્ત થયા હતા.

તેમની પુરસ્કૃત નવલકથા ‘તૌશાલી દી હંસો’ ભારતીય સાંસ્કૃતિક  ઐતિહાસિક અંતરાલની આકર્ષક છબીઓ રજૂ કરે છે. તેમનું ભારતીય વિવિધતાવાદી ચિત્રાંકન, મૂલ્યો માટેનું તેમનું ઉત્કટ નિવેદન અને તેમની મનોહર શૈલીને લીધે એ કૃતિ ભારતીય નવલકથાસાહિત્યમાં મહત્ત્વનું પ્રદાન લેખાય છે.

તેઓને મળેલા માન સન્માનમાં શિરોમણી પંજાબી સાહિતકાર (1990), પંજાબી સાહિત શિરોમણિ ઍવૉર્ડ (2007), ગુરુ નાનક દેવ યુનિવર્સિટી- અમૃતસર તરફથી ડૉક્ટર ઑવ્ લિટરેચરની ડિગ્રી (2008), ટાગોર લિટરેચર ઍવૉર્ડ (2009), પંજાબ કલા પરિષદ દ્વારા લાઇફટાઇમ એચીવમેન્ટ ઍવૉર્ડ (2018) વગેરે

બળદેવભાઈ કનીજિયા