કંપવાત (આયુર્વેદ) : શરીરનાં હાથ, પગ તથા મસ્તક જેવાં અંગોને સતત કંપતાં (ધ્રૂજતાં) રાખતું શરીરના પ્રકુપિત વાયુનું દર્દ.
આ દર્દ શારીરિક તથા માનસિક બંને કારણોસર બે પ્રકારે થાય છે. આયુર્વેદમાં 80 પ્રકારના વાયુનાં દર્દોની અંદર તેની ગણના કરાઈ છે, જે પ્રાય: કાયમી હોય છે પરંતુ યોગ્ય ઉપચારોથી તે મટી શકે છે.
રોગલક્ષણો : શરીરના કોઈ પણ અંગમાં કંપનધ્રુજારી રહે છે; તે એક અંગમાંથી પેદા થઈ બીજા અંગ સુધી ફેલાય છે. શરૂમાં દર્દીના પ્રભાવિત અંગમાં જરા કઠિનતા થાય છે, તે સાથે કંપ વધે છે. મુખકાન્તિ નાશ પામે છે. પાંપણ પટપટાવવાની શક્તિ નાશ પામે છે. અંગોની જડતા મુખ, ગરદન, ધડ તથા હાથપગના અગ્રભાગમાં વિશેષ દેખાય છે. દર્દી ઊભો રહે ત્યારે સંકુચિત સ્થિતિમાં રહે છે. રોગી સીધો ઊભો રહી શકતો નથી. પેશીઓની ક્રિયાઓ મંદ થાય છે. મેરુદંડ તથા હાથપગ ઝૂકી જાય છે. લખવું-વાંચવું મુશ્કેલ પડે છે. દર્દી ચાલતી વખતે ટૂંકાં પગલાં ભરે છે. સામાન્ય ધક્કાથી તે પડી જઈ શકે છે. પ્રાય: કંપ સૂતી વખતે મટી જાય છે. વધુ ગંભીર સ્થિતિમાં માનસિક વિકૃતિ, નેત્રવિકૃતિ, અસ્પષ્ટ ભાષા અને મૂર્ચ્છા જેવા ઉપદ્રવો સાથે દર્દી મૃત્યુ પામે છે.
રોગનાં કારણો : આહારમાં હલકા, રુક્ષ, સૂકા (સ્નેહરહિત) પદાર્થો ખાવાથી; અતિ ઝડપથી ચાલવાથી, વધુ ઠંડી, અતિ મૈથુન, અતિ જાગરણ, વિષમ ચિકિત્સા, અતિ રક્તસ્રાવ, વધુ જલ-તરણ, અતિ શ્રમ, રસ-રક્તાદિ ધાતુનો અતિ ક્ષય, અતિ ચિંતા-શોક, વૃદ્ધત્વ, કૃશત્વ, મળમૂત્રાદિની ખોટી અટકાયત; ઘોડા-હાથી જેવાં પ્રાણી પર વધુ સમય પ્રવાસાદિ કારણોથી શરીરનો વ્યાન વાયુ પ્રકુપિત થઈ આ રોગ પેદા કરે છે. અસાધ્ય અર્દિત (અડદિયો વા), વાતરક્ત તથા ઊરુસ્તંભના દર્દમાં પણ કંપવાત થાય છે. શરીરનાં કેટલાંક મર્મસ્થાનોએ ઈજા-આઘાત થવાથી પણ કંપવાત થાય છે. વળી ફિરંગ (syphilis) તથા હિસ્ટીરિયાને કારણે પણ આ દર્દ થઈ શકે છે.
સારવાર : કંપવાતના દર્દીને સ્નિગ્ધ, ઉષ્ણ, બલ્ય ચિકિત્સા અને પંચકર્મ દ્વારા શોધન-સારવાર લાભ કરે છે. આ દર્દમાં શરીરે માલિસ માટે મહાલક્ષ્મીનારાયણ તેલ, લઘુ વિષગર્ભ તેલ, માષ તેલ, કાર્પાસ તેલ, વિજયભૈરવ તેલ તથા રાસ્નાદિ તેલ લાભપ્રદ છે. ખાવા માટે ઔષધોમાં કંપવાતારિ રસ, વિજયભૈરવ રસ, મહાવાતવિધ્વંસ રસ, વાતાન્તક રસ, સમીરગજકેસરી રસ, ચતુર્ભુજ રસ, બૃહદ વાતચિંતામણિ રસ, સુવર્ણભૂપતિ રસ તથા નારસિંહ ચૂર્ણ, અશ્વગંધાદિ યોગચૂર્ણ, અશ્વગંધારિષ્ટ, દશમૂલારિષ્ટ, મહાયોગરાજ ગૂગળ, મહારાસ્નાદિ ક્વાથ, બલારિષ્ટ, જ્યોતિષ્મતી તેલ વગેરે શારીરિક કારણજન્ય કંપવાતમાં લાભપ્રદ છે. ફિરંગજન્ય કંપવાતમાં મલ્લ (સોમલ), હરતાલ તથા મન:શિલની દવાઓ લાભ કરે છે. હસ્તકંપનમાં રસસિંદૂર 125 મિગ્રા., યશદ ભસ્મ 250 મિગ્રા., શુદ્ધ દેશી કપૂર 20 મિગ્રા. તથા ગોઘૃત 6 ગ્રામ સવારસાંજ ખાંડવાળા ગરમ દૂધ સાથે લેવાથી લાભ થાય છે. જીર્ણ રોગમાં ‘લસણ પાક’ તથા માનસિક કારણોસર થયેલા કંપવાતમાં શંખપુષ્પી, બ્રાહ્મી સિરપ, સારસ્વતારિષ્ટ, બદામપાક, બ્રાહ્મી અવલેહ આદિ લાભપ્રદ છે.
ઇલેક્ટ્રોમૅગ્નેટ વાઇબ્રેટર મશીનનો પણ આ દર્દમાં ઉપયોગ થાય છે તેમજ કેટલીક શલ્યક્રિયાઓ પણ થાય છે.
બળદેવપ્રસાદ પનારા