કંપની-વેરા : કંપનીઓના ચોખ્ખા નફા પર આકારવામાં આવતો આવકવેરો. ભારતમાં સૌપ્રથમ 1857ના બળવાની અસરને કારણે બ્રિટિશ સરકારની નાણાકીય જરૂરિયાતોને અનુલક્ષીને 1860માં વધુ આવક મેળવવાના હેતુથી આવકવેરો દાખલ કરવામાં આવ્યો હતો. 1867માં લાઇસન્સ-ટૅક્સ તરીકે અને 1868માં સર્ટિફિકેટ-ટૅક્સ તરીકે તે અમલમાં આવ્યો, પરંતુ હવે તે કેન્દ્ર-સરકારની આવકનું કાયમી સાધન બન્યો છે અને 1922માં ભારતભરમાં આવકવેરાનો કાયદો પ્રથમ અમલમાં આવ્યો. હાલમાં આવકવેરાનો કાયદો 1961 અમલમાં છે. તેના અમલ હેઠળ કંપનીઓ પાસેથી વસૂલ કરવામાં આવતો આવકવેરો કૉર્પોરેટ ટૅક્સ તરીકે ઓળખાય છે. વસૂલાતનું (ઉઘરાણીનું) ખર્ચ એ આવકવેરાની મુખ્ય લાક્ષણિકતા ગણવામાં આવે છે. મોટાભાગના દેશોમાં તેનો સામાન્ય દર એકસરખો રાખવામાં આવતો હોવાથી આકારણીની ર્દષ્ટિએ તે સુગમ હોય છે. વિશ્વના ઔદ્યોગિક દેશોમાં તેનો સરેરાશ આકારણી દર ચોખ્ખા નફાના 50 ટકા જેટલો હોય છે. જોકે નાના કદની કંપનીઓ પર તે ઓછા દરે આકારવામાં આવે છે. કંપનીના ચોખ્ખા નફાને અનુલક્ષીને કર આકારવાને બદલે કંપનીમાં રોકવામાં આવેલ મૂડી પર પ્રાપ્ત થતા વળતરના દરને અનુલક્ષીને ઉત્તરોત્તર વધતી આવકના સંદર્ભમાં વધતા દરે તે આકારવાની પણ પ્રથા છે અને તે માટે અતિલાભ (excess profit) કર ઉઘરાવવામાં આવે છે, પરંતુ મૂડી પર પ્રાપ્ત થતું વળતર નક્કી કરવા માટેની પદ્ધતિ અને તે ધોરણે કંપની-વેરાના દરોનું માળખું નિર્ધારિત કરવાનું કામ જટિલ અને ક્વચિત્ વિવાદાસ્પદ બને છે. આથી કંપનીના કરપાત્ર નફાનું કદ નક્કી કરવા માટે સામાન્યત: કંપનીના વાર્ષિક કાચા નફામાંથી [માલના વ્યવહાર (transactions) અનુસાર નક્કી થતો નફો] કેટલાક વહીવટી, નાણાકીય (વ્યાજ જેવા) અને અન્ય (ઘસારા જેવા) ખર્ચા બાદ કરવાની જોગવાઈઓ કંપની કાયદાના માળખામાં જ દર્શાવવામાં આવેલી હોય છે. તેમાં કંપનીનું મકાન, યંત્રો, ઓજારો કે તેવાં અન્ય સ્થાવર સાધનો પર ઘસારા પેટે અપાતી કપાતો મહત્વનું સ્થાન ધરાવે છે. કેટલાક દેશોના કંપની કાયદામાં આવી કપાતો ગતિવર્ધક દરે (accelerated rate) અથવા શરૂમાં વધારાના દરે પણ અપાતી હોય છે. વધારાના દરે ઘસારાની કપાતના પરિણામે કંપનીની ચોખ્ખી કરપાત્ર આવક ઓછી ગણાય છે. ઉપરાંત નવાં સાહસોને ઉત્તેજન આપવા મૂડીરોકાણની પ્રક્રિયાને વેગવંતી બનાવવા તથા ઔદ્યોગિક એકમોના વિસ્તરણને પ્રોત્સાહન આપવાના હેતુથી પણ કંપની-વેરામાં ઘણી છૂટછાટો આપવામાં આવતી હોય છે. ભારતમાં કંપનીઓ પર આવો વેરો ભારતીય કંપની અને બિનભારતીય કે ભારત બહારની કંપની એવા બે મુખ્ય વર્ગો પાડીને નક્કી કરવામાં આવે છે.
કંપની-વેરાની અસરોની બાબતમાં પરસ્પરવિરોધી મંતવ્યો પ્રચલિત છે. આ અંગેના પ્રણાલીગત મંતવ્ય મુજબ ટૂંકા ગાળામાં કંપની-વેરાનું વિવર્તન (shifting) થતું નથી અને તેથી ચીજવસ્તુઓની કિંમત ટૂંકા ગાળામાં સ્થિર રહે છે. આ હકીકત પરથી સમજાય છે કે કંપની-વેરાની ચુકવણી નફામાંથી જ કરવી પડે છે. આમ કંપની-વેરાનું પ્રત્યક્ષ ભારણ કંપનીના માલિકો શૅરહોલ્ડરોએ વહન કરવું પડે છે. તેનાથી વિરુદ્ધ એવું પણ મંતવ્ય રજૂ કરવામાં આવે છે કે કંપની-વેરાના દરો વધારવામાં આવે ત્યારે તે ક્ષેત્રની મહત્વની કે આગળ પડતી કંપનીઓ પોતાના નફાનો લક્ષ્યરૂપ દર ટકાવી રાખવા માટે પોતાની ચીજવસ્તુઓની કિંમતમાં વધારો કરે છે અને તે દ્વારા કંપની-વેરાનું ભારણ પોતાના ગ્રાહકો પણ ઢોળવાનો પ્રયાસ કરે છે. આ પ્રકારે આવી કંપનીઓની કિંમત વધારવાની નીતિનું અન્ય કંપનીઓ પણ અનુકરણ કરે છે. એ રીતે અંતે તો કંપની-વેરાના ભારણનું વિવર્તન જ થાય છે. કંપની-વેરાની અસરો અંગેનાં આ બે મંતવ્યોમાંથી કોઈ પણ એક મંતવ્યની પૂરેપૂરી યથાર્થતાને હજુ સુધી ચોકસાઈભર્યું અનુભવજન્ય સમર્થન પ્રાપ્ત થયેલ નથી. અલબત્ત કંપની-વેરાનું ભારણ ગમે તેને વહન કરવું પડતું હોવા છતાં તેની અસરો હળવી કરવા માટે કેટલાંક પગલાં સૂચવવામાં આવે છે; દા. ત., ઘસારાખર્ચની માત્રામાં વધારો કરવો, નવાં સાહસોને તથા નવા મૂડીરોકાણને કંપની વેરામાં આંશિક રાહત આપવી વગેરે. આવાં પગલાં અર્થતંત્રમાં મૂડીરોકાણની પ્રક્રિયાને પ્રોત્સાહન આપે છે. ઉપરાંત ઔદ્યોગિક ક્ષેત્રને સ્પર્શતા સંશોધન પર થતા ખર્ચને કંપની-વેરામાં વિશેષ રાહત અપાય છે, તેનો હેતુ લાંબે ગાળે વિકાસના દરમાં વૃદ્ધિ આણવાનો છે.
કંપની-વેરાના ક્ષેત્રમાં સૌથી મહત્વની સમસ્યા બેવડા કરભારણની ગણવામાં આવે છે. કંપનીઓના નફા પર આવક-વેરાના અધિનિયમમાં દર્શાવવામાં આવેલ દરે કંપની-વેરો વસૂલ કરવામાં આવે છે. તે ઉપરાંત કંપનીના શૅરહોલ્ડરને ડિવિડન્ડ રૂપે જે આવક પ્રાપ્ત થાય, તેના પર આવકવેરાના અધિનિયમ મુજબ વ્યક્તિગત આવકવેરો વસૂલ કરવામાં આવે છે. આવા બેવડા કરભારણને લીધે મૂડીરોકાણની પ્રક્રિયા પર વિપરીત અસર થવાની પૂરેપૂરી સંભાવના રહેલી છે. આ સમસ્યાના નિરાકરણની દિશામાં કંપની-વેરો તથા વ્યક્તિની આવક પર આકારવામાં આવતો આવકવેરો આ બંને વચ્ચે સંકલન સાધવાની ભલામણ કરવામાં આવે છે. કેટલાક દેશોમાં તે માટેના પ્રયોગો હાથ ધરવામાં આવ્યા છે.
કંપની-વેરો અને વ્યક્તિની ડિવિડંડરૂપી આવક પર આકારવામાં આવતો આવકવેરો આ બંને વચ્ચે બે રીતે સંકલન સાધી શકાય. સંકલનની એક રીત મુજબ ડિવિડંડ રૂપે ન વહેંચાયેલા નફા પર જ કંપની-વેરો આકારવામાં આવે અને ડિવિડંડ રૂપે વહેંચાયેલો નફો તેના ભારણમાંથી મુક્ત રાખવામાં આવે. સંકલનની બીજી રીત મુજબ ડિવિડન્ડની આવક પર વ્યક્તિગત આવકવેરાની જે રકમ ચૂકવવા પાત્ર થતી હોય તેમાંથી કંપનીએ ચૂકવેલ કંપની-વેરાની પ્રમાણસર રકમ બાદ કરવામાં આવે અને તેટલા પ્રમાણમાં શૅરહોલ્ડરને રાહત આપવામાં આવે.
બેવડા કરભારણનું દૂષણ નાબૂદ કરવા માટે એક બીજું પણ સૂચન કરવામાં આવે છે અને તે એ કે કોઈ પણ કંપની પોતાના નફામાંથી પોતાના શૅરહોલ્ડરોને ડિવિડંડ રૂપે જે રકમ ચૂકવે, તેના પર ઓછા દરે આવકવેરો લાદવામાં આવે. આમ કરવાથી કંપની-વેરો અને વ્યક્તિની આવક પર આકારવામાં આવતો વેરો આ બંને વચ્ચે ભલે સંપૂર્ણ સંકલન ન સધાય, છતાં તે દ્વારા આંશિક સંકલન હાંસલ કરી શકાય તેમ છે.
કંપની દ્વારા શૅરહોલ્ડરોને ડિવિડન્ડ રૂપે વહેંચાતા કંપનીના નફાના સંદર્ભમાં ડિવિડન્ડ પૈકી મૂળ સ્થાનેથી થતી કરકપાત અંગે શૅરહોલ્ડરે પોતાની કુલ આવકવેરાની જવાબદારી પૈકી આ પ્રકારે મૂળ સ્થાનેથી ડિવિડન્ડ પરની કરકપાત કરતાં વધતી જવાબદારી જેટલો જ આવકવેરો ભરવો પડે છે. આમ છતાં, તેનાથી ઉપર મુજબની બેવડા કરભારણની સમસ્યાનો ઉકેલ આવતો નથી.
કંપની વેરા સાથે અન્ય પણ કેટલીક સમસ્યાઓ સંકળાયેલી છે, દા. ત., પ્રોત્સાહન-નીતિ (incentive policy) પર કંપની-વેરાની અવળી અસરો, હેતુ કે વસ્તુલક્ષી (objective) ધોરણે કંપનીના નફાનું નિર્ધારણ અને તેના સંદર્ભમાં કરભાર સહન કરવાની કંપનીની ક્ષમતાનું સચોટ માપ, કંપની વેરાને પ્રગતિશીલ અને ન્યાયસંગત બનાવવાની દિશામાં ઉદભવતી વિવિધ સમસ્યાઓ, પ્રોત્સાહક આર્થિક નીતિ અને પ્રગતિશીલ કરમાળખા વચ્ચેનો સંભવિત વિરોધાભાસ, કરચોરીની સમસ્યા વગેરે.
જો બધી જ કંપનીઓ પોતાનો સમગ્ર નફો ડિવિડન્ડ રૂપે શૅરહોલ્ડરોને ચૂકવી આપતી હોય તો કંપની-વેરો અપ્રસ્તુત બની જાય; પરંતુ જ્યાં સુધી કંપનીઓ તેના કુલ નફામાંથી અમુક જ ભાગ ડિવિડન્ડ તરીકે વહેંચતી હોય અને બાકીનો નફો અન્ય હેતુઓ માટે પોતાની પાસે રાખતી હોય ત્યાં સુધી આ અધિશેષ (residual) નફો આવકવેરાના ભારણમાંથી છટકી ન જાય તે માટે કંપની-વેરો પ્રસ્તુત ગણાય. કંપની-વેરાની તરફેણમાં અન્ય બે મહત્ત્વની દલીલો રજૂ કરવામાં આવે છે. રાજ્યની અનેકવિધ સેવાઓ કંપનીઓ માટે લાભ ઊભા કરે છે; દા. ત., ઉત્પાદનખર્ચમાં પરોક્ષ રીતે ઘટાડો, બજારોનું વિસ્તરણ, નાણાકીય વ્યવહારમાં સુગમતા વગેરે. રાજ્યની આવી સેવાઓની સામે કંપની-વેરો ઉચિત ગણાય. ઉપરાંત ઇજારાનું નિયંત્રણ, આવક અને સંપત્તિના કેન્દ્રીકરણની પ્રક્રિયાનું નિયમન, ઔદ્યોગિક પેઢીઓના અતિવિસ્તરણ પર અંકુશ, યુદ્ધ જેવા કટોકટીના સમયમાં આવક ઊભી કરવાના સાધન ઉપરાંત વેતન અને કિંમતોનું ન્યાયસંગત નિયમન, કંપનીના વહેંચાયેલા અને ન વહેંચાયેલા નફાના સંયોજન વચ્ચે સંકલન, અર્થતંત્રમાં મૂડીરોકાણને પ્રોત્સાહન આપવાના હેતુને પ્રેરક ગણાય તેવી નીતિ વગેરે ધ્યેયોને હાંસલ કરવાની દિશામાં પણ કંપની-વેરો અસરકારક સાધન નીવડી શકે તેમ છે.
ભારતમાં કંપની-વેરાના માળખાને સુધારવાની દિશામાં 1985-86ના વર્ષના કેન્દ્રીય અંદાજપત્રમાં પહેલ કરવામાં આવી છે; દા. ત., ઘસારા પેટે અપાતી કપાતના વિવિધ દરોના માળખાની જગાએ માત્ર 2થી 3 પ્રકારના દર ધરાવતું સરળ માળખું નિર્ધારિત કરવાના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે. 1992-93ના વર્ષ માટેના અંદાજપત્રમાં પ્રોત્સાહનજનક નીતિઓનો અમલ કરવાના હેતુથી ઘણા મહત્વના ફેરફારો કરાયા છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે