કંપનીનો કાયદો : અનેક વ્યક્તિઓના સાથ અને સહકારથી તેમજ સમાન હેતુ માટે મંડળની રચના અને તેનું સંચાલન કરવા માટેનો કાયદો. ભારતમાં કંપનીની શરૂઆત બહુ જ અપૂર્ણ અવસ્થામાં 1600માં બ્રિટિશ સરકારે ખાસ સનદ દ્વારા ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી, ત્યારથી થઈ ગણાય; જોકે હાલમાં પ્રવર્તતી કંપનીઓની શરૂઆત 1866ના કંપની ધારાથી થઈ. ત્યારબાદ ક્રમે ક્રમે વેપારઉદ્યોગની પ્રગતિ અને વિકાસની જરૂરિયાતો પ્રમાણે, તેમાં યોગ્ય સુધારા થતા રહ્યા અને આખરે 1913માં એક વિસ્તૃત કંપનીધારો પસાર થયો. આ કાયદાથી કંપનીની લગભગ હાલની રચના અમલમાં આવી. આમ ભારતમાં કંપનીનો ઇતિહાસ માંડ બસો વર્ષ જૂનો ગણાય. હાલમાં 1956નો કંપનીધારો અમલમાં છે અને તેમાં સમયે સમયે અધિનિયમો દ્વારા જરૂરી સુધારા થતા રહ્યા છે.
કંપનીની સ્થાપના : બૅન્કિંગના ધંધા માટે દસથી વધુ અને નફો મેળવવાના હેતુ અર્થે બીજા ધંધાઓ માટે વીસથી વધુ સભ્યસંખ્યાવાળી કોઈ સંસ્થા, મંડળી કે ભાગીદારી પેઢી, કંપનીધારા હેઠળ નોંધણી કરાવ્યા વગર જો પોતાના વ્યવહારો કરે તો તે, કંપનીધારા 1956ની કલમ 11 મુજબ ગેરકાયદેસર ઠરે છે. કંપનીધારામાં, જાહેર મર્યાદિત જવાબદારીવાળી કંપનીની વ્યાખ્યા નકારાત્મક છે – જે કંપની ખાનગી નથી તે જાહેર કંપની છે. જે કંપની તેના ધારાધોરણ દ્વારા : (1) પોતાના શૅરની ફેરબદલી ઉપર નિયંત્રણ રાખે, (2) પોતાના સભ્યોની સંખ્યા 50 સુધી મર્યાદિત રાખે (જેમાં કંપનીના હાલના તેમજ ભૂતપૂર્વ કર્મચારીઓ સભ્યો હોય તો તેમનો સમાવેશ થતો નથી), અને (3) પોતાના શૅર અથવા ડિબેન્ચર ખરીદવા માટે જાહેર પ્રજાને આમંત્રણ આપવાની મનાઈ કરે તે કંપની આ ધારા મુજબ ખાનગી કંપની ગણાશે. જાહેર મર્યાદિત કંપની તરીકે નોંધાવા માટે ઓછામાં ઓછા સાત સભ્યો અને ખાનગી મર્યાદિત કંપની તરીકે નોંધાવા માટે ઓછામાં ઓછા બે સભ્યો હોવા જરૂરી છે. આવા સભ્યોએ, કંપનીની નોંધાયેલી કચેરી, જે રાજ્યમાં રાખવાની હોય તે રાજ્યના કંપની રજિસ્ટ્રારની કચેરીમાં નીચેના દસ્તાવેજો રજૂ કરવા જરૂરી છે : (1) સ્થાપનાનું આવેદનપત્ર (memorandum of association), (2) સ્થાપનાનું નિયમપત્ર (articles of association), (3) માહિતીપત્ર નિવેદન (prospectus), (4) એકરારનામું (declaration). દરેક કંપનીએ જાહેરનામું આપવું પડે છે કે કંપનીની નોંધણી અંગેની કંપની ધારાની બધી જોગવાઈઓનું પાલન કરવામાં આવ્યું છે. કંપનીનો કોઈ પણ સંચાલક, ડિરેક્ટર, મૅનેજિંગ ડિરેક્ટર, સેક્રેટરી અથવા ઍડ્વોકેટ, વકીલ કે કંપનીની સ્થાપના સાથે સંકળાયેલ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ આવું નિવેદન આપી શકે છે. કંપનીના આવેદનપત્રમાં પહેલી કલમ કંપનીના નામની હોય છે. કંપનીનું નામ મેળવવા માટે, કંપની રજિસ્ટ્રારને નિયત કરેલી ફી ભરીને અરજી કરવાની હોય છે. અરજી કર્યા પછી કંપની રજિસ્ટ્રારની કચેરી, કંપનીધારામાં જણાવેલી મર્યાદાઓ અને નિયંત્રણોને લક્ષમાં રાખીને, નામ માટે મંજૂરી આપે છે. આ પછી રજિસ્ટ્રારને સંતોષ થાય કે બધું કાયદા પ્રમાણે બરોબર છે ત્યારે રજિસ્ટ્રાર કંપનીનું નામ, તેની નોંધવહીમાં દાખલ કરી, કંપનીની સ્થાપના થયા મતલબનું પ્રમાણપત્ર (certificate of incorporation) આપે છે, જેમાં જણાવેલ તારીખથી કંપની અલગ કાનૂની વ્યક્તિત્વ મેળવે છે અને સામાન્ય માનવી જેવા અને જેટલા અધિકારો તેને પ્રાપ્ત થાય છે. આમ કંપની કરાર કરવાને પણ શક્તિમાન બને છે.
કંપનીની સ્થાપના પછી કંપનીને મળેલા પ્રમાણપત્રમાં દર્શાવેલી તારીખ પહેલાં કરેલા કરારોને અનુમોદન આપી, કાયદાકીય સ્વરૂપ આપી શકાય છે; પરંતુ આવા કરારો કંપનીના આવેદનપત્રમાં જાહેર કરેલા હેતુઓ અર્થે જ થયેલા હોવા જોઈએ.
કંપનીનું નામ નક્કી થયા પછી, વાંચી શકાય તેવી રીતે સ્પષ્ટ ભાષામાં તથા ધ્યાન ખેંચાય તેવા સ્થાને કંપનીના નામનું પાટિયું લગાડવું પડે છે તથા કંપનીના સઘળા વ્યવહારો, પત્રવ્યવહારના કાગળો, ભરતિયાં, નોટિસો, જાહેરખબરો કે અન્ય પ્રકાશનો, લખાણો, હૂંડીઓ, વચનપત્રો, ચેક તથા બધા જ નાણાકીય વ્યવહારોમાં આ નામનો ઉલ્લેખ કરવો કાયદાકીય રીતે જરૂરી હોય છે. કંપનીના કાયદાકીય વ્યવહારો કરવા માટે કંપનીનું નામ કોતરેલું સીલ પણ કંપનીના જવાબદાર અધિકારી પાસે સાચવીને રાખવું જોઈએ.
કંપની–રૂપાંતર : એક વખત નોંધણી થયા પછી અને કંપનીનું કામકાજ શરૂ થયા પછી, કોઈ પણ સમયે સંચાલક-મંડળને યોગ્ય લાગે તો કાયદામાં જણાવેલ કાર્યવિધિ કરીને જાહેરમાંથી ખાનગી કે ખાનગીમાંથી જાહેર કંપનીમાં તેનું રૂપાંતર કરી શકાય છે.
કંપનીધારાની કલમ 44 અનુસાર ખાનગી કંપની પોતાના ધારાધોરણમાં ફેરફાર કરીને તેના શૅરોનું હસ્તાંતરણ કરવાનું, તેના સભ્યોની સંખ્યા 50થી વધુ કરવાનું, તેમજ જાહેર જનતાને શૅરભંડોળમાં નાણાં ભરવા આમંત્રણ આપવાનું ઠરાવે તો એવા ફેરફાર કર્યાની તારીખથી ખાનગી કંપની, જાહેર કંપનીમાં ફેરવાઈ જાય છે. આવો ફેરફાર કર્યાની તારીખથી 30 દિવસમાં રજિસ્ટ્રારની કચેરીને આ ફેરફારની જાણ કરવી પડે છે. આવી જ રીતે, જાહેર કંપનીમાંથી ખાનગી કંપનીમાં પણ રૂપાંતર થઈ શકે છે. જાહેર કંપની ખાસ ઠરાવ કરીને તેના ધારાધોરણમાં એવા ફેરફાર કરે જેથી ખાનગી કંપની માટેના કંપનીધારામાં જણાવેલા પ્રતિબંધો સ્વીકારવામાં આવે તો તે જાહેર કંપનીમાંથી ખાનગી કંપનીમાં પરિવર્તન પામે છે. કંપની ધારાની કલમ 31 મુજબ આવા સુધારા માટે કેન્દ્ર સરકારની મંજૂરી આવશ્યક ગણાય છે.
હિસાબોનું ઑડિટ : દરેક કંપનીએ તેની નોંધાયેલી કચેરી ખાતે અથવા તો તેનું સંચાલક મંડળ નક્કી કરે તેવા ભારતના કોઈ પણ સ્થળે નીચે જણાવેલી વિગતો દર્શાવતા, યોગ્ય હિસાબી ચોપડા રાખવા જરૂરી છે : (1) કંપનીએ મેળવેલાં તથા ખર્ચેલાં નાણાંની આવકજાવક; (2) કંપનીએ કરેલી માલની ખરીદી અને વેચાણ; (3) કંપનીની મિલકતો અને જવાબદારીઓ; (4) ઉત્પાદન કરતી કંપની, ખાણ કંપની વગેરે જેવી કંપનીઓને કેન્દ્ર સરકારે સૂચના આપી હોય તો તેમણે વપરાયેલ માલસામાન, મજૂરી કે પડતરની અન્ય બાબતો અંગેની વિગતો હિસાબો સાથે રાખવાની હોય છે.
કંપનીના હિસાબી ચોપડા નોંધાયેલી કચેરીના બદલે ભારતમાં અન્ય સ્થળે રાખવાનો જો સંચાલક મંડળ નિર્ણય કરે તો આવા નિર્ણયની જાણ, નિર્ણય કર્યાથી એક અઠવાડિયામાં કંપની રજિસ્ટ્રારને કરવાની રહે છે. વળી કંપનીની દેશ કે પરદેશની શાખાઓના હિસાબી ચોપડા સંબંધિત શાખાઓમાં રાખવાના રહે છે, પરંતુ તે શાખાઓના સઘળા વ્યવહારોની વિગતવાર નોંધો દર ત્રણ મહિને કંપનીની નોંધાયેલી કચેરીએ અથવા તો સંચાલક મંડળે નક્કી કરેલ સ્થળે પહોંચાડવાની હોય છે. કાયદા પ્રમાણે દરેક કંપનીએ ઓછામાં ઓછાં આઠ વર્ષ સુધી હિસાબી ચોપડા અને તે અંગેની નોંધને લગતાં વાઉચર વગેરે સારી સ્થિતિમાં સાચવવાં જરૂરી હોય છે. હિસાબી ચોપડા રાખવા માટે કંપનીના કયા હોદ્દેદારો જવાબદાર ગણાય તે માટેની તેમજ યોગ્ય ચોપડા ન રાખવા બદલ શિક્ષાત્મક દંડની પણ કંપનીધારામાં જોગવાઈ કરેલી છે. કામકાજના સમય દરમિયાન, ગમે તે ડિરેક્ટર હિસાબી ચોપડા તપાસી શકે છે. વળી 1974માં કરેલા સુધારા પ્રમાણે રજિસ્ટ્રાર અને કેન્દ્ર-સરકારના કોઈ પણ અધિકૃત અમલદાર પણ અગાઉથી જાણ કર્યા વગર, આ હિસાબી ચોપડા તપાસી શકે છે (કલમ 209). કંપનીના પહેલા અન્વેષક(auditor)ની નિમણૂક સંચાલક-મંડળે કંપની નોંધાયાની તારીખથી એક માસમાં કરવાની હોય છે અને આવી નિમણૂક કંપનીની પ્રથમ વાર્ષિક સામાન્ય સભાના અંત સુધી ચાલુ રહે છે. ત્યારબાદ દરેક વાર્ષિક સામાન્ય સભાસદો આ અન્વેષકની ફેરનિમણૂક કરી શકે છે. આવા પ્રથમ નિમાયેલા અન્વેષક્ધો કંપની પોતાની વાર્ષિક સામાન્ય સભામાં સ્થાન પરથી દૂર કરી શકે છે અને તેના સ્થાને બીજા અન્વેષકની નિમણૂક પણ કરી શકે છે, પરંતુ આ માટે કોઈ પણ સભ્ય તરફથી સભાની તારીખથી 14 દિવસ પહેલાં કંપનીને આવા સૂચનની લિખિત જાણ કરવી જરૂરી હોય છે.
સંચાલક-મંડળ પ્રથમ અન્વેષક નીમવામાં નિષ્ફળ જાય તો કંપનીની વાર્ષિક સામાન્ય સભા આવા પ્રથમ અન્વેષકની નિમણૂક કરી શકે છે. 1974ના સુધારાથી થયેલી જોગવાઈ અનુસાર કોઈ પણ વ્યક્તિ કે પેઢીને અન્વેષક તરીકે નિમણૂક કરતા કે ફેરનિમણૂક કરતા પહેલાં, તે વ્યક્તિ કે પેઢી પાસેથી એવી મતલબની એક લિખિત બાંયધરી મેળવવી જરૂરી છે કે જો આ પ્રકારની નિમણૂક થાય તો તેવી નિમણૂક કાયદાએ બાંધેલી મર્યાદાને અધીન છે. આ મર્યાદા પણ 1974ના સુધારાથી નક્કી થઈ છે. એક અન્વેષક વધુમાં વધુ 20 કંપનીઓની નિયુક્તિ મેળવી શકે છે, જેમાંથી 10 કંપનીની ભરપાઈ થયેલી મૂડી 25 લાખ કે તેથી વધુ હોવી જોઈએ. ઉપરાંત અન્વેષક તરીકે કોને ન નીમી શકાય તેની પણ કાયદામાં સ્પષ્ટતા છે. 1988ના સુધારા મુજબ, પૂર્ણ સમયના કામ કરતા અન્વેષક જ તેવી નિમણૂક મેળવવાને પાત્ર હોય છે (કલમ 224-225). કલમ 226થી 233માં અન્વેષકની લાયકાતો, સત્તા તથા ફરજો વગેરેની જોગવાઈઓ કરાઈ છે.
ડિવિડન્ડ : કંપનીના નફામાંથી પ્રત્યેક શૅરદીઠ નફાની જે વહેંચણી થાય અથવા તો કંપનીની મૂડીના પ્રમાણમાં દર સેંકડે જે પ્રમાણ વહેંચવાનું નક્કી થાય તેને ડિવિડન્ડ કહેવાય છે. આ પ્રકારનું ડિવિડન્ડ વહેંચવા માટે કંપનીના ધારાધોરણમાં કે આવેદનપત્રમાં ખાસ સત્તાની જોગવાઈ હોવી જરૂરી નથી, કારણ કે આ સત્તા તેમાં ગર્ભિત રહેલી જ છે. કંપની તેની વાર્ષિક સામાન્ય સભામાં ડિવિડન્ડ જાહેર કરી શકે પરંતુ આ ડિવિડન્ડ સંચાલક-મંડળે કરેલી સૂચના કે ભલામણથી વધારે હોઈ શકે નહિ. ડિવિડન્ડ ચાલુ વર્ષના કે આગલા વર્ષના નફામાંથી વહેંચી શકાય. આ ઉપરાંત પ્રાપ્ત થયેલા નફાના પ્રમાણ અને અંદાજને લક્ષમાં રાખીને, કંપનીનું સંચાલક-મંડળ વચગાળાના ડિવિડન્ડની પણ વહેંચણી કરી શકે છે. સંચાલક-મંડળ કંપનીનું આ વચગાળાનું ડિવિડન્ડ, કંપનીનું નાણાકીય વર્ષ પૂરું થતા પહેલાં જાહેર કરે છે. આવી જાહેરાત માટે વાર્ષિક સામાન્ય સભાની સંમતિની જરૂર હોતી નથી; જોકે આ માટે કંપનીના ધારાધોરણમાં અધિકાર મળેલો હોવો જરૂરી છે. ઉપરાંત કોઈ વખતે કેન્દ્ર કે રાજ્ય સરકારે આપેલ બાંયધરીને કારણે પ્રાપ્ત થયેલાં નાણાંમાંથી ડિવિડન્ડ વહેંચી શકાય. 1960ના કંપનીધારાના સુધારા પછીના કોઈ પણ નાણાકીય વર્ષમાં કંપનીએ આગલાં વર્ષો માટે પૂરતા ઘસારાની જોગવાઈ ન કરી હોય તો ડિવિડન્ડ જાહેર કરતા પહેલાં નાણાકીય વર્ષના નફામાંથી પહેલાં ઘસારાની જોગવાઈ કર્યા પછી જ ડિવિડન્ડ જાહેર કરી તે વહેંચી શકાય. વળી જો કંપનીને આગલાં નાણાકીય વર્ષોમાં નુકસાન થયું હોય તો 1960 પછીના વર્ષ માટે નુકસાનની રકમ અથવા ઘસારાની રકમ બેમાંથી જે ઓછી હોય તે રકમ તે વર્ષના નફામાંથી અલગ કરીને પછી જ ડિવિડન્ડ જાહેર કરી શકાય છે. કેન્દ્ર-સરકારને જો યોગ્ય લાગે તો જાહેર જનતાના હિતમાં ઘસારાની જોગવાઈ કર્યા વગર તે વર્ષના અગર તો આગલા વર્ષ કે વર્ષોના નફામાંથી ઘસારાની જોગવાઈ કર્યા વગર ડિવિડન્ડ જાહેર કરવા કે ચૂકવવા માટે પરવાનગી આપી શકાય છે (કલમ 205).
કંપનીધારાના 1974ના સુધારાથી એવું સૂચવાયું છે કે ડિવિડન્ડની જાહેરાત કર્યા પછી 42 દિવસમાં ડિવિડન્ડની ચુકવણી કરવી જોઈએ અને ત્યારપછી 7 દિવસની અંદર ન ચૂકવાયેલી રકમ કોઈ પણ શિડ્યુલ બૅન્કમાં, કંપનીધારામાં જણાવેલ જુદા ખાતામાં રાખવી જોઈએ. આવી ન ચૂકવાયેલી રકમમાંથી ત્રણ વર્ષ સુધી ચુકવણી કર્યા પછી બાકી રહેતી રકમ કેન્દ્ર સરકારના જણાવેલ ખાતામાં જમા કરાવવી જરૂરી છે અને તેની વિગત કંપની રજિસ્ટ્રારને આપવાની રહે છે. કોઈ શૅરહોલ્ડરને ડિવિડન્ડની રકમ ન મળી હોય તો કાયદામાં જણાવેલ કાર્યવાહી કર્યા પછી રજિસ્ટ્રાર પાસેથી તે મેળવી શકે છે (કલમ 205-એ).
લઘુમતી શૅરહોલ્ડરોને રક્ષણ તથા લઘુમતી તપાસ : જ્યારે કંપનીનો વહીવટ બરોબર ચાલતો ન હોય અને લઘુમતી શૅરહોલ્ડરો પ્રત્યે અયોગ્ય વર્તન થતું હોય ત્યારે આવી પરિસ્થિતિનો અંત લાવવા માટે કંપનીધારામાં નીચે મુજબ જોગવાઈ કરેલી છે :
શૅરમૂડી ધરાવતી કંપનીના 100 સભ્યો અથવા કુલ સભ્યોના દસમા ભાગ જેટલા સભ્યોએ બેમાંથી જે ઓછા હોય તે, મુજબના સભ્યો અથવા શૅરના બધા હપતા ભરાઈ ગયા હોય તેવા કંપનીની બહાર પાડેલી મૂડીના દસમા ભાગના શૅર ધરાવતા સભ્યો, કંપનીના ગેરવહીવટ અને અયોગ્ય વર્તનને અટકાવવા માટે અદાલતને અરજી કરી શકે છે. આ મુજબની લાયકાત ધરાવનાર બધા અરજદારો વતી તેમની લિખિત સંમતિ મેળવીને ગમે તે એક શૅરહોલ્ડર પણ બધા વતી આ પ્રકારની અરજી કરી શકે છે. વધુમાં કેન્દ્ર સરકાર પોતે પણ યોગ્ય લાગે તો અરજી કરી શકે છે અથવા કોઈ પણ સભ્ય કે સભ્યોને આવા પ્રકારની અરજી કરવા માટે અધિકૃત કરી શકે છે. આવો અધિકાર આપતા પહેલાં, અરજી અંગે થનાર ખર્ચ માટે કેન્દ્ર સરકાર જામીનગીરી માગી શકે છે (કલમ 398). આમ અરજીમાં જણાવેલા આક્ષેપો અદાલતને યોગ્ય લાગે તો તે આ અરજી બાબતની નોટિસ કેન્દ્ર સરકારને આપે છે. કેન્દ્ર સરકાર તરફથી કોઈ લિખિત રજૂઆત થાય તો તેને લક્ષમાં લઈને આખરી હુકમ આપવા માટે અદાલતને નીચે મુજબની જોગવાઈઓ કરવાની સત્તા છે : (1) ભવિષ્યમાં કંપનીના કામકાજ અંગે જરૂરી નિયંત્રણો દ્વારા યોગ્ય નિયમન; (2) બીજા શૅરહોલ્ડર કે શૅરહોલ્ડરોને કે કંપનીને અમુક શૅરહોલ્ડરોના શૅર અથવા તો અન્ય હિતો ખરીદવાની જોગવાઈ; (3) કંપનીએ જ પોતાના શૅર ખરીદવાથી શૅરમૂડીમાં થતા ઘટાડાને મંજૂરી; (4) મૅનેજિંગ ડિરેક્ટર, અન્ય ડિરેક્ટર કે મૅનેજર સાથેના કંપનીના કરારો રદ કરવા અથવા અમુક શરતો અને મર્યાદાઓને અધીન, જરૂરી સુધારાની જોગવાઈ; (5) બીજી કોઈ ત્રાહિત વ્યક્તિ સાથેના કરારોનો અંત લાવવા અથવા યોગ્ય સુધારા કરવા; પરંતુ આમ કરતા પહેલાં તે વ્યક્તિને નોટિસ આપી તેની સંમતિ મેળવવી જરૂરી છે; (6) અરજીની તારીખ પહેલાંના 3 મહિના દરમિયાન થયેલા માલમિલકતનાં હસ્તાંતરણો, ચુકવણી કે માલ પહોંચાડવા માટે કંપનીએ કે કંપની સાથે કરેલા કરારો (જે કોઈ વ્યક્તિએ કર્યા હોત તો નાદારીના સમયમાં ગુનાઇત કૃત્યો ગણાત), રદબાતલ કરવા અથવા તો તેમાં સુધારા-વધારા કરવાની જોગવાઈઓ; (7) અદાલતને યોગ્ય લાગે તેવા કોઈ પણ વાજબી હુકમોની જોગવાઈ (કલમ 401, 402).
આ સત્તાઓ ઉપરાંત, ખોટા હિસાબો રાખવા માટે, અમલદારોએ કરેલા છળકપટ માટે, વેપારમાં કરવામાં આવેલા છેતરપિંડીના વ્યવહાર માટે તથા સંચાલકોની કર્તવ્યભ્રષ્ટતા માટે દંડ જેવાં શિક્ષાત્મક પગલાં લેવાની પણ અદાલતને સત્તા છે.
ઉપર પ્રમાણેની સત્તા અનુસાર, અદાલત જ્યારે કંપનીના આવેદનપત્ર કે ધારાધોરણમાં જરૂરી સુધારા સૂચવતો હુકમ કરે ત્યારે કંપનીને તે મુજબ વર્તવું પડે છે. ત્યારબાદ હુકમની વિરુદ્ધ જણાય તેવા કોઈ પણ સુધારા કંપની કરી શકતી નથી. સુધારા કર્યા પછી, સુધારા સૂચવતા કોર્ટના હુકમની એક પ્રમાણિત નકલ રજિસ્ટ્રારને મોકલવી જરૂરી હોય છે (કલમ 404). વળી અદાલતના હુકમથી મૅનેજિંગ ડિરેક્ટર, અન્ય ડિરેક્ટર કે મૅનેજર સાથેના કરારોનો અંત લાવવામાં આવે અથવા તો તેમાં ફેરફાર થાય ત્યારે હોદ્દો ગુમાવ્યાથી થતા નુકસાનનું વળતર માગવાનો અધિકાર રહેતો નથી તેમજ પાંચ વર્ષ સુધી તે જ જગ્યાએ અદાલતની મંજૂરી લીધા વગર તેમની ફેર-નિમણૂક થઈ શકતી નથી. જો ફેરનિમણૂક કરવી હોય તો પહેલાં અદાલતને અરજી કરી તે અંગેની કેન્દ્ર સરકારને જાણ કરી તેનું મંતવ્ય રજૂ કરવાની તક આપવી જરૂરી બને છે (કલમ 407).
વધુમાં કેન્દ્ર સરકાર પણ આપમેળે નિર્ણય કરી, કંપનીના તેમજ શૅરહોલ્ડરના હિતના રક્ષણાર્થે અથવા જાહેર જનતાના હિતાર્થે 100 શૅરહોલ્ડરો કે દશમા ભાગનું હિત ધરાવતા શૅરહોલ્ડરોની અરજીની ચકાસણી કરી વધુમાં વધુ 3 વર્ષ માટે જરૂરી ડિરેક્ટરોની નિમણૂક કરી શકે છે. આવા ડિરેક્ટરોને લાયકાતના શૅર મેળવવા જરૂરી નથી તેમજ તેમને વારી પ્રમાણે નિવૃત્ત થવાની પણ જરૂર રહેતી નથી. આવા નિયુક્ત થયેલ ડિરેક્ટર કે ડિરેક્ટરોને માત્ર કેન્દ્ર સરકાર તેમના સ્થાન પરથી દૂર કરી શકે છે (કલમ 408).
મૅનેજિંગ એજન્ટો : કંપનીધારામાં જણાવેલી વ્યાખ્યા મુજબ જોગવાઈઓને અધીન, કંપની સાથે કરેલા કરારથી અથવા તો કંપનીના આવેદનપત્ર કે ધારાધોરણથી, કંપનીનો સઘળો અથવા અમુક વહીવટ કરવાને અધિકારી બનતી કોઈ પણ વ્યક્તિ, પેઢી કે સંસ્થાને ‘મૅનેજિંગ એજન્ટો’ કહેવાય છે, પછી તે ગમે તે નામથી સંબોધાયેલ હોય.
આ મૅનેજિંગ એજન્ટોની પદ્ધતિ, કંપનીધારાના 1969ના સુધારાથી તારીખ 3-4-1970થી રદ કરાઈ છે અને 1974ના કંપની ધારાના સુધારાથી તેની વ્યાખ્યા વધારે વ્યાપક બની છે. વધુમાં 1974ના સુધારાથી આવી મૅનેજિંગ એજન્ટોની પદ્ધતિ ફરી દાખલ ન થાય તે માટે જોગવાઈઓ કરાયેલી છે. આ જોગવાઈઓ અનુસાર, આ સુધારો થયાથી 5 વર્ષ સુધી કોઈ વ્યક્તિ, પેઢી કે અધિનિયમ દ્વારા રચાયેલી વ્યક્તિઓના સમૂહની સંસ્થા તા. 15 ઑગસ્ટ 1960 પછી મૅનેજિંગ એજન્ટો તરીકે અમલમાં હોય તેમની સેક્રેટરી, સલાહકાર કે એવી મતલબના કોઈ પણ નામાભિધાનથી નિમણૂક કરી શકાય નહિ અને જો નિમણૂક કરવી હોય તો કેન્દ્ર સરકાર અને કંપનીની સામાન્ય સભાની અગાઉથી મંજૂરી લેવી જરૂરી બને છે. આવી નિમણૂક 3 એપ્રિલ, 1970 પહેલાં કરેલી હોય તો કેન્દ્ર સરકાર ચકાસણી માટે કંપની પાસેથી જરૂરી વિગતો મંગાવી શકે અને ચકાસણી કર્યા બાદ એમ લાગે કે આવી નિમણૂક કંપનીના હિતને નુકસાનકારક છે તો તેના કરારોમાં યોગ્ય સુધારા કરાવી શકે છે.
કંપની–વિસર્જન : કંપનીના વિસર્જન માટે કંપનીધારામાં ખાસ જોગવાઈઓ છે, જેથી કંપનીનાં કામકાજ બંધ કરવાં હોય તો અધિનિયમમાં સૂચવેલી પ્રક્રિયા અનુસરવી પડે છે. કંપની દેવું ચૂકવવા અશક્ત બને ત્યારે અધિનિયમની જોગવાઈઓ અનુસાર વિસર્જનની પ્રક્રિયા શરૂ થાય છે; પરંતુ તેથી ઊલટું, વિસર્જનની પ્રક્રિયા શરૂ થાય એટલે કંપની નાદાર પરિસ્થિતિમાં આવી ગઈ છે તેવો અર્થ નથી, કારણ કે કંપનીનું વિસર્જન કરી નાખવું છે તેવી કંપનીના સભ્યોની ઇચ્છા હોય અથવા તો અન્ય કોઈ કારણોસર કંપનીનું વિસર્જન હિતાવહ હોય તોપણ વિસર્જનની પ્રક્રિયા શરૂ થઈ શકે છે. કંપની ધારા પ્રમાણે કંપની-વિસર્જનની ત્રણ રીતો છે : (1) અદાલત દ્વારા ફરજિયાત વિસર્જન, (2) સ્વેચ્છાપૂર્વકનું વિસર્જન – જે સભ્યો દ્વારા અથવા તો લેણદારો દ્વારા હોઈ શકે, (3) અદાલતની દેખરેખ નીચે સ્વેચ્છાપૂર્વક વિસર્જન (કલમ 425).
(1) અદાલત દ્વારા ફરજિયાત વિસર્જન નીચે જણાવેલ સંજોગોમાં થઈ શકે છે :
1. કંપની જ્યારે ખાસ ઠરાવ દ્વારા અદાલતથી વિસર્જન કરવાનો નિર્ણય કરે; 2. કંપની કાયદાકીય સભા ભરવામાં અથવા તો રજિસ્ટ્રારને કાયદાકીય નિવેદન પહોંચાડવામાં ક્ષતિ કરે; 3. કંપનીની સ્થાપનાનું પ્રમાણપત્ર મળ્યા પછી, એક વર્ષ સુધી કામકાજ ન કરે કે કામકાજ મુલતવી રાખે; 4. જાહેર કંપનીની સભ્યસંખ્યા 7થી ઓછી અને ખાનગી કંપનીની સભ્યસંખ્યા 2થી ઓછી થઈ જાય; 5. કંપની કરજ ભરવા અશક્તિમાન બને; અગર 6. અદાલતને કંપનીનું વિસર્જન કરવું ન્યાયયુક્ત અને સભ્યોના હિતમાં લાગે (કલમ 433).
આમ કોઈ પણ લેણદાર કે લેણદારનું જૂથ, અંશદાતા (contributory), કંપની-રજિસ્ટ્રાર કે કેન્દ્ર-સરકારે અધિકૃત કરેલ કોઈ પણ વ્યક્તિ અદાલત દ્વારા ફરજિયાત વિસર્જન માટે અરજી કરી શકે છે (કલમ 439). આ પ્રકારની અરજી સાંભળવા, નિર્ણય કરવા વગેરે માટે અદાલતને સત્તા આપતી જોગવાઈઓ કંપનીધારાની કલમ 467થી 479માં આપેલી છે. અદાલત દ્વારા થતા વિસર્જનમાં, વિસર્જનની પ્રક્રિયા શરૂ થયા પછી પણ જો અદાલતને યોગ્ય લાગે તો આ પ્રક્રિયા સમૂળી અથવા અમુક સમય માટે થંભાવી શકે છે અને આ માટેનો આદેશ કંપની તથા રજિસ્ટ્રારને મોકલી આપે છે, જેના પરથી રજિસ્ટ્રાર તેની નોંધવહીમાં કંપની માટે આ મુજબની નોંધ રાખે છે (કલમ 466).
(2) જ્યારે કંપનીની સ્થાપના અમુક ચોક્કસ સમય માટે થઈ હોય અને તે સમય પૂરો થઈ ગયો હોય અથવા તો કંપનીના ધારાધોરણમાં કોઈ બનાવ બનવા સાથે વિસર્જન કરવાનું ઠરાવ્યું હોય અને તે બનાવ બને તો કંપની તેની સામાન્ય સભામાં કંપનીના વિસર્જન માટે ઠરાવ કરે અથવા તો સ્વેચ્છાપૂર્વક વિસર્જન કરવા માટે કંપની ખાસ ઠરાવ કરે ત્યારે સ્વેચ્છાપૂર્વકનું વિસર્જન થઈ શકે છે (કલમ 484). આવા વિસર્જનના બે પ્રકાર છે : સભ્યો દ્વારા અથવા લેણદારો દ્વારા.
1. સભ્યો દ્વારા આ પ્રકારના વિસર્જન માટે કંપનીધારામાં કલમ 489થી 498માં વિગતવાર જોગવાઈઓ છે; તથા 2. લેણદારો દ્વારા આ પ્રકારના વિસર્જન માટે કંપનીધારાની કલમ 500થી 509માં જોગવાઈઓ છે, જ્યારે કલમ 511થી 512માં આપેલી વિસ્તૃત જોગવાઈઓ સભ્યો દ્વારા અને લેણદારો દ્વારા સ્વેચ્છાપૂર્વકના વિસર્જનમાં લાગુ પડે છે.
(3) કંપનીએ સ્વેચ્છાએ વિસર્જન કરવાનો ઠરાવ કર્યા પછી, ગમે તે સમયે કોઈ પણ સભ્ય તરફથી અદાલતને અરજી થતાં અદાલતને એમ લાગે કે આવો ઠરાવ લઘુમતી શૅરહોલ્ડરો માટે હાનિકારક છે તથા છળકપટથી લાગવગનો ઉપયોગ કરીને કરવામાં આવ્યો છે ત્યારે વિસર્જનની પ્રક્રિયા અદાલતની દેખરેખથી થશે એવો હુકમ અદાલત કરી શકે છે. આ પ્રક્રિયા પણ ફરજિયાત વિસર્જન જેવી જ થાય છે; ફરક એટલો જ કે અદાલત દ્વારા થતા સ્વેચ્છાપૂર્વકના વિસર્જનમાં ફડચા અધિકારી(liquidator)ના અધિકાર અને સત્તા અદાલત દ્વારા નિર્ધારિત થાય છે. આમ ફડચા અધિકારી ઉપર અદાલતનો અંકુશ રહે છે. આ માટેની જોગવાઈઓ કંપનીધારાની કલમ 522થી 527માં કરેલી છે.
ઉપર જણાવેલા કોઈ પણ પ્રકારના કંપનીના વિસર્જન માટે કંપની-ધારાની કલમ 528થી 530માં જોગવાઈઓ કરેલી છે.
ઇન્દુભાઈ દોશી