કંચનજંગા ઍપાર્ટમેન્ટ – મુંબઈ : સ્થપતિ ચાર્લ્સ કોરિયા દ્વારા ડિઝાઇન કરાયેલ મુંબઈનું કંચનજંગા ઍપાર્ટમેન્ટ. સ્વતંત્ર ભારતમાં બનેલાં બધાં જ ઍપાર્ટમેન્ટ ચીલાચાલુ તથા બોરિંગ કહી શકાય તેવાં જણાતાં હોય છે. આ બધાંમાં એક ઍપાર્ટમેન્ટે આગવી તથા અનોખી ઓળખ ઊભી કરી છે અને તે છે. આ સ્થપતિને વર્ષ 1972માં પદ્મશ્રી અને 2006માં પદ્મવિભૂષણથી સન્માનિત કરાયેલા. કંચનજંગામાં આવાસ-રચના સાથે જીવનની ગુણવત્તા સુધારવાનો પ્રયત્ન વધુ સંન્નિષ્ઠાથી થયો હોય તેમ જણાય છે.

કંચનજંગા ઍપાર્ટમેન્ટ
કંચનજંગા મુંબઈના પેડલ રોડ પર આવેલું સ્થાપત્યની દૃષ્ટિએ એક પ્રતિષ્ઠિત અને ભારતનાં આધુનિક સ્થાપત્યમાં સીમાચિહ્ન ગણાતું રેસિડેન્શિયલ બિલ્ડિંગ – બહુમાળી આવાસ-સંકુલ છે. તેનું બાંધકામ વર્ષ 1970માં શરૂ થયું હતું અને જે તે કારણોસર તે 13 વર્ષ બાદ પૂર્ણ થયું. આ એક 21 X 21 ચોરસ મીટર તળક્ષેત્ર વાળી કૉન્ક્રીટની 28 માળ ધરાવતી આશરે 84 મીટરની ઊંચાઈની માળખાકીય રચના છે જેમાં ત્રણથી છ બેડરૂમના માત્ર 32 રહેણાકીય ઍપાર્ટમેન્ટ્સ ગોઠવાયાં છે.
જ્યાં યોગ્ય માત્રામાં ગોપનીયતા જળવાઈ રહે તેવી દરેક ઍપાર્ટમેન્ટને મળતી કુદરતી હવા-ઉજાસથી સંપન્ન અને જીવનશૈલીમાં અતિ ઉપયોગી બની રહે તેવી, ક્યાંક છ મીટર કરતાં પણ વધુ ઊંચાઈવાળી અને ક્યારેક એક દિશા તરફી તો ક્યારેક બે દિશા તરફી વિસ્તૃત બાલ્કની આ ઍપાર્ટમેન્ટની એક અગત્યની બાબત છે. આ બાલ્કની સાથે સંકળાયેલા આવાસનાં અગત્યનાં કૌટુંબિક સ્થાનો થકી એક પ્રકારે જીવંતતા ઊભી થાય છે. તે ઉપરાંત ઊભા-છેદ પર ‘ઇન્ટરલૉકિંગ’ – પરસ્પરમાં ગોઠવાયેલાં ઍપાર્ટમેન્ટ્સ, આ પ્રકારની ગોઠવણને કારણે ઍપાર્ટમેન્ટના બાહ્ય-દેખાવમાં સ્થાપિત થતી રસપ્રદ વિવિધતા, સ્થાનિક આબોહવા તેમજ આજુબાજુ મળી રહેતાં દૃશ્ય-સૌંદર્યને અપાયેલો ન્યાય, દરેક ઍપાર્ટમેન્ટમાં પ્રાપ્ત થતી બંગલા જેવી અનુભૂતિ, દરેક ઍપાર્ટમેન્ટને મળતી આગવી ઓળખ, આવાસના સ્તરમાં – ફ્લૉર લેવલમાં બદલાવ થકી ઊભું કરાયેલું અર્થપૂર્ણ સ્થાન-વિભાજન અને તેનાંથી ઉદ્ભવતી રસપ્રદ નાટકીયતા, ઍપાર્ટમેન્ટમાં સામાન્ય રીતે અનુભવાતા બંધિયારપણાનો સદંતર અભાવ અને આ બધામાં સર્જનાત્મકતા, સંવેદનશીલતા તેમજ યથાર્થતાને મળતું મહત્ત્વ – આ રચનાની આ કેટલીક વિશેષતાઓ છે. અહીં બહારના દેખાવ માટે પણ ખાસ વિશેષ પ્રકારનું સંવેદનશીલ વિગતિકરણ કરાયું છે. એમ કહી શકાય કે અહીં કશું જ બિનજરૂરી નથી, ક્યાંય આડંબર કે ભપકો નથી, ઘોંઘાટ કે બિનજરૂરી વિસ્મય નથી. જે છે તે સ્પષ્ટ છે, સરળ છે, સાદગીપૂર્ણ છે, મૂળભૂત છે અને વિનમ્ર છે. આ એક સ્થાપત્ય-રચના માત્ર નથી, તે સ્થાપત્યના ક્ષેત્રનું એક સર્જનાત્મક ઉકેલ-લક્ષી વિધાન છે. એક મજાની વાત એ છે કે અતિ ધનિક કુટુંબોનું આ આવાસ-સંકુલ હોવા છતાં તેમાં અદ્ભુત નમ્રતા છે.
એમ કહી શકાય કે કંચનજંગા એક એવી રચના છે જ્યાં ધંધાકીય બાબતો ઉપર સ્થાપત્યની ગુણવત્તાએ વિજય મેળવ્યો છે, પરંતુ આ વિજયનું પુનરાવર્તન જોવા નથી મળતું. ભાગદોડવાળી મુંબઈની જિંદગીમાં આરામ, સંતોષ, શાંતિ તેમજ ગૌરવની અનુભૂતિ કરાવી શકે તેવી આ રચનાની શૈલી આગળ ન વધી તે એક અનિચ્છનીય વાત છે.
હેમંત વાળા
