કંકાસણી : સં. कलिकारिका; લૅ. Gloriosa superba. વર્ગ એકદલા, શ્રેણી કોરોનરી અને કુળ લિલીએસીનો એકવર્ષાયુ છોડ. કંકાસણી વઢકણી, દૂધિયો વછનાગ અને વઢવાડિયણ તરીકે પણ ઓળખાય છે. સહસભ્યોમાં શતાવરી, સારસાપરીલા, કરલીની ભાજી, કુંવારપાઠું અને કસાઈનું ઝાડુ વગેરેનો સમાવેશ થાય છે.
તેનો માંસલ, સફેદ અને નક્કર કંદ પ્રકાંડને સમાંતર શિરાવિન્યાસ અને સૂત્રીય પર્ણાગ્રવાળાં અદંડી સાદાં પર્ણો સુગંધ વગરનાં એકાકી, રમણીય, શરૂઆતમાં લીલાં પછી અર્ધાં પીળાં અને અર્ધાં લાલ અને છેવટે સંપૂર્ણ લાલ કે સિંદૂરિયા રંગની પાંખડીઓ ધરાવતાં વિશાળ નયનરમ્ય મોટાં પુષ્પો. ઑગસ્ટથી ઑક્ટોબર સુધી વાડ ઉપર વેલો ચઢે છે.
કોઈ પણ જાતની કાળજી વગર થોરિયા, વાંસ કે એવા જંગલી છોડની વચ્ચે ઊગીને એમાંથી ઉપર ચઢવાનો પોતાનો રસ્તો કાઢે છે. તેની પાંખડીઓ કોર ઉપર તરંગિત અને અગ્નિની શિખાની માફક ઊંચી ચઢે છે. નામ તેવા જ ગુણ છે અને શ્રેષ્ઠ હોવાથી superba નામ આપેલ છે. આટલાં સુંદર ફૂલો વાડમાં થાય છે તે ધ્યાનપાત્ર છે.
રોક્સબર્ગે નોંધ્યું છે કે કોઈ પણ દેશ ગૌરવ લઈ શકે તેવો ઘણો સુંદર આ છોડ છે. પણ આ છોડ સુગંધ નથી ધરાવતો એ તેની મર્યાદા છે.
જો બે ખેતર વચ્ચેની વાડમાં આ છોડ ઊગેલો દેખાય તે ખેતરોના માલિક વચ્ચે વાદવિવાદ ઊભો કરે અને કોઈના ઘર ઉપર આ છોડ નાખવામાં આવે તો ત્યાં કલિનો એટલે કે કજિયાનો પ્રવેશ થાય છે એવી માન્યતા પ્રચલિત છે.
અમદાવાદથી ગાંધીનગર, માણસાથી મહુડી અને દ્વારકાથી ઓખા સુધી વાડોમાં ઊગે છે.
મ. ઝ. શાહ