ઔષધનિર્માણ ઉદ્યોગ

January, 2006

ઔષધનિર્માણ ઉદ્યોગ

ભારતમાં ઔષધનિર્માણ ઉદ્યોગ : ભારતમાં સરકારી આંકડા મુજબ હાલ 20,000 કરતાં વધુ કંપનીઓ ઔષધનિર્માણક્ષેત્રે સક્રિય છે. જોકે ઔષધનિર્માણ-ઉદ્યોગના સંઘમાં 8,000 જેટલી કંપનીઓ સભ્યપદ ધરાવે છે. ભારત સરકારે 24 રાજ્યોમાં જે કંપનીઓને ઔષધનિર્માણ માટે લાઇસન્સ આપેલાં છે. તેમાં 12,526 કંપનીઓ દવાઓ બનાવે છે; 4,354 કંપનીઓ ફૉર્મ્યુલેશન્સ બનાવે છે અને 4,645 કંપનીઓને લોન-લાયસન્સ મળેલાં છે. આ ઉપરાંત 1,333 જથ્થાબંધ દવા બનાવે છે; 2,228 સૌંદર્યલક્ષી ઉત્પાદનો કરે છે અને 966 હોમિયોપથીની દવાઓ બનાવે છે. એના લાઇસન્સોમાં બ્લડબૅન્ક, જંતુનાશકના ઉત્પાદકો, રસીના ઉત્પાદકો, શસ્ત્રક્રિયાના સાધનોના ઉત્પાદકો વગેરે છે. ઓગણીસમી સદીના છેલ્લા દાયકા સુધી ભારતમાં ઔષધનિર્માણ-ઉદ્યોગ અતિ પ્રારંભિક કક્ષામાં હતો. સને 1887થી 1890 દરમિયાન દાર્જિલિંગ તથા નીલગિરિ જિલ્લાનાં સરકારી કારખાનાંમાં ક્વિનીનના ક્ષારનું ઉત્પાદન થતું હતું. તેની માંગ પણ વધવા પામી હતી. સ્થાનિક સંશોધન અને વિકાસ દ્વારા યૂરિયા-સ્ટીબામાઇન નામનું ‘કાલા-આજાર’ સામે અસરકારક ઔષધ પ્રકાશમાં આવ્યું હતું. 1901માં આચાર્ય પ્રફુલ્લચન્દ્ર રૉયે કોલકાતા શહેરમાં બંગાળ કેમિકલ્સ તથા ફાર્માસ્યૂટિકલ્સની સ્થાપના કરી. લગભગ તે જ અરસામાં ગુજરાત રાજ્યમાં વડોદરા ખાતે બી. ડી. અમીને એલેમ્બિક કેમિકલ્સની સ્થાપના કરી. આમ વીસમી સદીના આરંભમાં ભારતમાં ઔષધનિર્માણનો વ્યવસ્થિત પાયો નંખાયો. વચ્ચે બે વિશ્વયુદ્ધો આવી ગયાં, પણ બ્રિટિશ આધિપત્ય દરમિયાન આ ઉદ્યોગની કોઈ નોંધપાત્ર પ્રગતિ થઈ નહિ. દેશને દવાઓ તથા કાચા માલ માટે ફ્રાન્સ, જર્મની તથા બ્રિટન પર જ આધાર રાખવો પડતો હતો. 1904માં ચેન્નાઈ ખાતે ધ કિંગ ઇન્સ્ટિટ્યૂટ, મુંબઈ ખાતે હાફકીન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, 1905માં સેન્ટ્રલ ડ્રગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, લખનૌ અને 1907માં કુન્નુરમાં પાશ્ચર ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના થવાથી ઔષધનિર્માણને સારો વેગ મળ્યો. વળી બ્રિટિશ વિજ્ઞાનીઓનાં મલેરિયા, કૉલેરા, શીતળા, ટાઇફૉઇડ જેવાં વૃત્તીયપ્રદેશીય યા વિષુવવૃત્તપ્રદેશીય રોગો પરનાં સંશોધને આ નવજાત ઔષધનિર્માણ ઉદ્યોગ માટે સાનુકૂળ આબોહવા ઊભી કરી. યુદ્ધ પછી તુરત જ હરીફાઈ વધતાં, શરૂઆતની વીસી દરમિયાન આ ઉદ્યોગને માઠી દશાનો અનુભવ કરવો પડ્યો. પણ આવી વિષમ પરિસ્થિતિમાં 1930 દરમિયાન વિવિધ રસીઓ, રુધિરતરલો (sera) તથા નિશ્ચેતકો (anaesthetics) (દા.ત., ઇથર, ક્લૉરોફૉર્મ વગેરે) જેવાં કાર્બનિક રસાયણો તથા થોડીક સરળ દવાઓનું નિર્માણ થવા લાગ્યું હતું. ધનુર્વા(tetanus)ની રસી પણ બનવા લાગી હતી. આમ છતાં 1939 સુધી આ ઉદ્યોગથી દેશની કુલ ઔષધ-જરૂરિયાતના માત્ર 13 % મળતા હતા. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન વનસ્પતિ-રસાયણ ક્ષેત્રમાં ભારતીય કાચા માલમાંથી ઘણી સંશ્લેષિત (synthetic) દવાઓ અને કાર્બનિક રસાયણો બનાવવામાં આવ્યાં. મુખ્યત્વે 1941માં આયોડોક્લૉરો/ડાઇઆયૉડો હાઇડ્રૉક્સિક્વિનૉલિન નામના અમીબાજન્ય મરડા માટે વપરાતા ઔષધનું ભારતમાં સૌપ્રથમ ઉત્પાદન શરૂ થયું. સાથે સાથે ઇફેડિન, સેન્ટોનિન, સ્ટ્રીક્નિન, મૉર્ફિન, એટ્રોપિન, ઇમેટિન તથા કોડિન જેવાં આલ્કેલૉઇડનું પણ ઉત્પાદન શરૂ થયું. પછી તો વિવિધ રોગોમાં વપરાતાં રસાયણો અને ઔષધો (જેવાં કે આર્સેનિકલ્સ), રક્તપિત્તની સારવારમાં વપરાતાં ઔષધો તથા કૅલ્શિયમ, સિલ્વર, મૅંગેનીઝ, આયોડિન વગેરેની કલીલ (કોલૉઇડલ) બનાવટોનું નિર્માણ શરૂ થઈ ગયું. આ સિવાય વિવિધ અવયવોમાંથી મળતા અર્ક(જેવાં કે લીવર-એક્સ્ટ્રેક્ટ, પિચ્યુટરીએક્સ્ટ્રેક્ટ વગેરે)નું ઉત્પાદન પણ થવા લાગ્યું. વિવિધ રસીઓ તથા રુધિરતરલોની બાબતમાં તો દેશ આત્મનિર્ભર બની રહ્યો છે. આયાતી કાચા માલનાં ઔષધમાંથી વિવિધ ઔષધમિશ્રણો (formulations) પણ બનાવવાં શરૂ થઈ ગયાં છે. બહુ થોડાંક વ્યુત્પન્ન ઔષધો અહીં બનતાં હતાં. 1945–47 દરમિયાન આખાયે વિશ્વમાં દવાઓ અને તેના કાચા માલની અછત ઊભી થઈ, તે સમયે ભારતમાં લગભગ 10 કરોડ રૂપિયા જેટલી કિંમતનાં ઔષધમિશ્રણો બનતાં હતાં. જોકે હાલ તે આંકડો વધીને રૂ. 30,000 કરોડ થયો છે. વળી હાલ ભારતમાં બનતી દવાઓની કિંમત અન્ય દેશો કરતાં દસમા કે વીસમા ભાગ જેટલી જ છે.

ભારતના ઔષધનિર્માણ ઉદ્યોગની 60 દેશોમાં હાજરી નોંધવામાં આવેલી છે. વળી 60 જેટલી ભારતીય કંપનીઓને અમેરિકાની આહાર અને ઔષધ નિયંત્રક સંસ્થા (Food and Drug Agency, FDA) દ્વારા માન્યતા આપવામાં આવેલી છે.

સન 2002ના માર્ચમાં ભારતીય ઔષધ-ઉદ્યોગમાં ગૌરવવંતો બનાવ બન્યો જ્યારે વિશ્વ આરોગ્ય સંસ્થાએ ભારતમાં બનતી સસ્તી દવા (વાર્ષિક ખર્ચ 350 ડૉલર) સુરક્ષિત અને વિદેશી મોંઘી દવા (વાર્ષિક ખર્ચ 10,000 ડૉલર) જેટલી જ અસરકારક છે તેવું સર્ટિફિકેટ આપ્યું. હાલ ભારત વિશ્વની ક્ષયરોગની સામે વપરાતી દવાઓના 65થી 70 %  જેટલી દવા બનાવે છે અને તેની 20 આફ્રિકી દેશોમાં નિકાસ પણ કરે છે.

આઝાદી પછીનાં તરતનાં વર્ષો દરમિયાન (1948–53) ઔષધનિર્માણની ઘણી આંતરરાષ્ટ્રીય કંપનીઓએ ભારતમાં પોતાનાં ઉત્પાદનોની સવલતો શરૂ કરી. તેનાં કારણોમાં મુખ્યત્વે તે સમયની ભારત સરકારની વિદેશી મૂડી પરત્વેની નીતિ હતી. આ નીતિ મુજબ સરકારે અમુક બાંયધરી આપી હતી કે (1) દેશ તથા વિદેશની કોઈ પણ કંપની પ્રત્યે સામાન્ય ઔદ્યોગિક નીતિમાં ભેદભાવ નહિ રખાય, (2) જો કોઈ પણ કંપનીનું રાષ્ટ્રીયકરણ કરાશે તો વાજબી વળતરની ખાતરી અપાશે અને (3) દેશના વિદેશી ચલણના દરમાં થતા ફેરફાર મુજબ જ મૂડી પર નફાવહેંચણીની સગવડ કરાશે. 1947માં ભારતમાં ઔષધનિર્માણની કિંમત માત્ર 10 કરોડ રૂપિયા જેટલી હતી. 2001–2002ના આંકડા મુજબ રૂ. 172 અબજને આંબી ગઈ છે. મૂડીરોકાણ પણ રૂપિયા 24 કરોડથી વધીને લગભગ રૂપિયા 600 કરોડ જેટલું થઈ ગયું છે. આ પ્રગતિને 1970માં વેગ મળ્યો કારણ કે 1970માં ઇન્ડિયન પેટન્ટ ઍક્ટનો ધારો થતાં દેશની જરૂરિયાતનું કોઈ પણ ઔષધ ભારતની કંપનીના ઉત્પાદકો બનાવી શકે તેવી પરિસ્થિતિ નિર્માણ થઈ. ત્યારપછી તો ઍન્ટિબાયૉટિક (દા.ત., એમ્પિસિલીન, એમૉક્સિસિલીન, ઇરિથ્રોમાઇસિન), ક્લૉરોક્વિન, મેટ્રૉનિડાઝોલ, મેબેન્ડાઝોલ તથા ઇથામ્બ્યુટોલ, ફ્યુરાઝોલીડોન, ગ્લાઇબેન્ક્લામાઇડ, ઇબ્યુપ્રોફેન, સલ્ફામિથોક્સાઝોલ, ટ્રાઇમિથોપ્રિમ જેવાં વિવિધ બલ્ક ડ્રગ્ઝનું ઉત્પાદન થવા લાગ્યું. આ ઉત્પાદન પણ ભારતના જ વિજ્ઞાનીઓએ ટેક્નૉલૉજીનો વિકાસ કરેલો તે આધારે થતું હતું. હવે જથ્થાબંધ દવાઓ રાષ્ટ્રીય જરૂરિયાતના 80 % જેટલી તથા ઔષધમિશ્રણોની જરૂરિયાતના 65 % જેટલી દવાઓ ભારતમાં જ બને છે.

ઔષધોની ગુણવત્તા તથા નિકાસ : આંતરરાષ્ટ્રીય ગુણવત્તા ધરાવતી દવાઓની આફ્રિકા, દક્ષિણપૂર્વ એશિયા, રશિયા વગેરે દેશોમાં નિકાસ થાય છે. ઇથામ્બ્યુટોલ, ટ્રાઇમિથોપ્રિમ, મેટ્રૉનિડાઝોલ અને એવી બીજી ઘણી જથ્થાબંધ દવાઓની પશ્ચિમ યુરોપ, અમેરિકા તથા બીજા વિકસિત દેશોમાં નિકાસ થાય છે. નિકાસક્ષેત્રે અપાતા કેમેક્સિલ એવૉર્ડના 1984-85ના વિજેતાઓ રાષ્ટ્રીય વિભાગની કંપનીઓના છે. મોટાભાગની ઉત્પાદક કંપનીઓ વિશ્વ આરોગ્ય સંસ્થા(WHO)એ દર્શાવેલ દવા બનાવવા માટે લેવાતી કાળજીઓનું યા ગુડ મૅન્યુફૅક્ચરિંગ પ્રૅક્ટિસિઝનું (GMP) કડક રીતે પાલન કરે છે. ઇન્ડિયન ડ્રગ મૅન્યુફૅક્ચરર્સ ઍસોસિયેશને (IDMA) આ ગુણવત્તા જાળવી રાખવા ક્વૉલિટી એક્સેલન્સની બે ટ્રૉફી આપવાની શરૂઆત કરી છે, જેમાં એક સંગઠિત વિભાગ માટે છે જ્યારે બીજી લઘુ ઉદ્યોગો (એસ. એસ. આઈ. સેક્ટર) માટે છે.

ભારતના ઔષધનિર્માણ-ઉદ્યોગની પ્રગતિના આંકડા તેના મૂડીરોકાણ, ઉત્પાદન, આયાત તથા નિકાસ વગેરેનું પ્રતિબિંબ પાડે છે.

સારણી 1 : ઔષધઉદ્યોગમાં મૂડીરોકાણ

વર્ષ કિંમત રૂ. કરોડ
1952 24
1962 56
1973 225
1977 450
1982 600
1985 775
1993 1060
1998 2150
2002 2800
(નવમી યોજના)

(છઠ્ઠી યોજનાનું લક્ષ્ય)

* ઇક્વિટી રિઝર્વ તથા લાંબા ગાળાની લોનના સમાવેશ સાથે.

સારણી 2 : ઔષધઉત્પાદન

વર્ષ બલ્ક ડ્રગ્ઝ (કિંમત રૂપિયા કરોડમાં)

ફૉર્મ્યુલેશન્સ

1980-81 240 1200
1981-82 289 1430
1982-83 325 1760
1983-84 377 1827
1984-85 450 2450
1998-99 3148 13178

સારણી 3 : ઔષધઉદ્યોગ : સંશોધન અને વિકાસખર્ચ

વર્ષ રૂ. કરોડમાં
1972-73 5.86
1973-74 6.28
1974-75 7.29
1975-76 8.00
1976-77 10.50
1977-78 12.00
1978-79 14.75
1998-99 260
2002 (નવમી યોજના) 1400

સારણી 4 : ઔષધઉદ્યોગ : બલ્ક ડ્રગ્ઝ તથા ફૉર્મ્યુલેશનમાં આયાતનિકાસ

વર્ષ આયાત નિકાસ ધંધાકીય સમતોલન
1973-74 34.16 37.33 + 3.17
1974-75 46.99 43.14 – 3.85
1975-76 46.02 42.27 – 3.75
1976-77 54.17 54.13 – 0.04
1977-78 82.42 60.77 – 21.65
1978-79 95.33 69.02 – 26.31
1979-80 120.03 71.16 – 48.87
1980-81 112.81 76.18 – 36.63
1981-82 136.77 75.41 – 41.35
1982-83 148.48 111.06 – 37.42
1983-84 163.34 150.89 12.45
1984-85 નથી મળ્યા 180.17 નથી મળ્યા
1998-99 2458 5366

ઔષધનિર્માણ-ઉદ્યોગના વિકાસને સમજવા માટે ત્રણ મહત્વના વિસ્તારો – રસીઓ તથા કૅન્સર અને હૃદયરોગની દવાઓના ઉત્પાદન વિશે જાણવું જરૂરી છે. હાલ વિશ્વમાં રોગ થતો અટકાવવાના કાર્યને મહત્વ અપાતું હોવાથી કોઈ એક રસીના વિકાસ માટે 2,000 લાખ યુ.એસ. ડૉલર જેટલો ખર્ચ કરવામાં આવે છે. રસીઓનું વૈશ્વિક બજાર 35,000 લાખ ડૉલરનું ગણાય છે અને દવાઓના કુલ વેચાણના 14 % છે. ભારતમાં તેનું બજાર 27,000 લાખ રૂપિયાનું છે અને તે દર વર્ષે 35 %ના દરે વધે છે. ભારતમાં રસીકરણનો કાર્યક્રમ અમલમાં હોવા છતાં હજુ પુખ્ત વ્યક્તિઓમાં 60થી 70 % જેટલો રસીનો ઉપયોગ ઓછો થાય છે એવું મનાય છે. ભારતીય કંપનીઓ દ્વારા રસી બનાવવાની શરૂઆત થયેલી હોવાથી રસીઓના ભાવમાં 30થી 40 %નો ઘટાડો નોંધાયેલો છે. કૅન્સરની દવાઓનું બજાર 7,000 લાખ રૂપિયાનો વેપાર કરે છે અને સન 2000માં તે 18 %ના દરે વધી રહ્યું હતું. ભારતમાં 25 કંપનીઓ આ ક્ષેત્રે સક્રિય છે. ભારતીય કંપનીઓએ પેટન્ટ મેળવેલી અનેક વિદેશી દવાઓનું પેટન્ટ વગરની રીતે ઉત્પાદન કરવાની પદ્ધતિ શોધી કાઢીને ઘણા સસ્તા ભાવે દવાઓ પૂરી પાડેલી છે. ભારત સરકાર, ભારતીય તબીબી સંશોધન કાઉન્સિલ, વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક સંશોધન કાઉન્સિલ તથા ભારત સરકારનો જૈવતકનીકી વિભાગ રસીઓ તથા કૅન્સરની દવાઓ અંગેના સંશોધનમાં ઘણી સહાય આપીને પ્રોત્સાહન આપે છે.

હૃદય અંગેની દવાઓનું નિર્માણ ભારતમાં ઔષધનિર્માણમાં છઠ્ઠું સ્થાન ધરાવે છે. તે સન 2000ની સાલમાં 102 લાખ રૂપિયા જેટલો વ્યવહાર કરતું હતું અને છેલ્લાં 3 વર્ષમાં તેની વૃદ્ધિ 16 %ના દરે થયેલી છે. આ ક્ષેત્રે મુખ્યત્વે લોહીનું દબાણ તથા લોહીમાં ચરબી (મેદ) ઘટાડતી દવાઓ મોટું નિર્માણ અને બજાર ધરાવે છે. એટેનોલોલનું બજાર રૂ. 8,700 લાખનું છે, જ્યારે એમ્બોડિવિનનું બજાર 8,640 લાખનું છે. છેલ્લાં 2 વર્ષમાં પ્રતિ મેદરુધિરતાકારી (antihyper- lipidaemic) ઔષધોમાં ફાઇબ્રેટ્સ 25 %ના દરે અને સ્ટેટિન્સ 75 %ના દરે નિર્માણ અને વેચાણ પામે છે.

વિશ્વભરમાં હાલ 104 ઔષધો વિકાસપથ પર છે, જોકે ભારતમાં હૃદયરોગની નવી દવાઓ વિકસાવવાનાં સંશોધનો પ્રાથમિક પગલાંના સ્વરૂપે જ છે.

ઔષધનિર્માણ માટે અગત્યના ઉદ્યોગો નીચે મુજબ છે : (1) રસાયણો તથા બલ્ક ડ્રગ્ઝ બનાવવાનો ઉદ્યોગ, (2) યંત્ર-ઉદ્યોગ યા ફાર્માસ્યૂટિકલ મશીનરી બનાવવાનો ઉદ્યોગ, (3) પૅકેજિંગ-ઉદ્યોગ, (4) પ્રિન્ટિંગ-ઉદ્યોગ, (5) લોન-લાયસન્સ તથા ઔષધવેચાણ-ઉદ્યોગ તથા (6) ઇલેક્ટ્રૉનિક યા કમ્પ્યૂટર-ઉદ્યોગ.

(1) રસાયણ તથાબલ્ક ડ્રગ્ઝબનાવવાનો ઉદ્યોગ : ઔષધો બનાવવા બલ્ક ડ્રગ્ઝની જરૂર પડે છે અને આ બલ્ક ડ્રગ્ઝ અમુક ચોક્કસ રાસાયણિક વ્યુત્પન્નો યા ઇન્ટરમિડિયેટોસમાંથી બનાવવામાં આવે છે; દા.ત., ટ્રાઇમિથોપ્રીમ નામક ઔષધ સૂક્ષ્મ જીવાણુઓનો શરીરમાંથી નાશ કરવા માટે વપરાય છે. આ ટ્રાઇમિથોપ્રીમ ખરેખર 3, 4, 5 – ટ્રાઇમિથૉક્સી બેન્ઝાલ્ડિહાઇડ નામનાં ઇન્ટરમિડિયેટોમાંથી બનાવવામાં આવે છે. આ ડ્રગ ઇન્ટરમિડિયેટ પણ ખરેખર તો ગેલિક ઍસિડ નામના રસાયણમાંથી બનાવાય છે. અર્ધસંશ્લેષિત (semisynthetic) ઍન્ટિબાયૉટિક્સ; દા.ત., ઍમ્પિસિલીન, ઍમોક્સિસિલીન વગેરે 6-ઍમિનો-પેનિસિલેનિક ઍસિડમાંથી બનાવવામાં આવે છે.

આ ઉદ્યોગની શરૂઆત ઓગણીસમી સદીમાં થયેલી પણ તેનો ખરેખર વિકાસ તો ભારતને આઝાદી મળ્યા પછી જ થયો. સાથે સાથે ભારતમાંથી બને તેટલા રોગની સારવાર અને નાબૂદીની સઘન ઝુંબેશને લઈને ફાર્માસ્યૂટિકલ ઉદ્યોગને વેગ મળ્યો અને સાથે સાથે ‘બલ્ક ડ્રગ્ઝ’ અને તેનાં ઇન્ટરમિડિયેટ બનાવવાના કાર્યક્રમને પણ વેગ મળ્યો. શરૂઆતમાં ભારત ‘બલ્ક ડ્રગ્ઝ’ આયાત કરી પછી તેમાંથી ઔષધ બનાવતું હતું. ધીમે ધીમે ઇન્ટરમિડિયેટો મંગાવીને જરૂરી ‘બલ્ક ડ્રગ્ઝ’ દેશમાં જ બનાવવાનો પ્રબંધ થયો. પરિણામે વિદેશી કંપનીઓએ ઇન્ટરમિડિયેટોના ભાવ વધારી દીધા. પછી તો ઇન્ટરમિડિયેટો પણ ભારતમાં જ બનવા માંડ્યાં. સરકારે પણ એવી નીતિ ઘડી કે ત્રણ વર્ષમાં કોઈ પણ ઉત્પાદકે ‘બલ્ક ડ્રગ્ઝ’ તેના પ્રાથમિક પગથિયાની શરૂઆતથી જ બનાવવાની પદ્ધતિનો વિકાસ કરવો પડશે. ત્યારબાદ વધુ ‘બલ્ક ડ્રગ્ઝ’ કે તેનાં ઇન્ટરમિડિયેટોની આયાત કરવા દેવાશે નહિ. જોકે આ નીતિમાં થોડીક છૂટછાટો પણ છે. રસાયણ-ઉદ્યોગની મદદથી ‘બલ્ક ડ્રગ્ઝ’ અને ફાર્માસ્યૂટિકલ્સ ઉદ્યોગે જે પ્રગતિ કરી છે તે નવમી યોજનામાં લક્ષ્ય રાખ્યું છે તે સારણી 5માં દર્શાવેલ છે.

સારણી 5

નિર્ધારિત શક્તિ (લાખ ટન)

ખરેખર ઉત્પાદન

છઠ્ઠી યોજનાને અંતે

લક્ષ્યાંક

સાતમી

યોજનાને અંતે

1. નાઇટ્રોજનયુક્ત ખાતરો (પોષક) 52.00 92.50
2. ફૉસ્ફેટિક ખાતર (પોષક) 14.90 28.90
3. પેટ્રોકેમિકલો 6.77 18.02
4. માનવસર્જિત રેસા 3.28 6.80
5. ડ્રગ્ઝ તથા ફાર્માસ્યૂટિકલ્સ 2204* 21104o
* ઉત્પાદનની રજૂઆત રૂ. કરોડમાં

o નવમી યોજનાને અંતે

(2) યંત્રઉદ્યોગ અથવા ફાર્માસ્યૂટિકલ મશીનરી બનાવવાનો ઉદ્યોગ : ‘બલ્ક ડ્રગ્ઝ’ના ચૂર્ણ(પાઉડર)માંથી વિવિધ માત્રામાં ત્રણ જાતનાં ઔષધો બનાવાય છે. ટૅબ્લેટ યા ગોળી, કૅપ્સ્યૂલ તથા ઇન્જેક્શન. ટૅબ્લેટ બનાવવા માટે ‘બલ્ક ડ્રગ્ઝ’નું ચૂર્ણ લઈ તેમાં અન્ય જરૂરી પદાર્થો જેવાં કે બાઇન્ડર, ફીલર વગેરે મેળવી મશીનમાં નાંખવામાં આવે છે અને નિશ્ચિત આકાર તથા વજનની ટૅબ્લેટ બહાર આવે છે. ટૅબ્લેટ બનાવવાના મશીનમાં સ્ટીલના પંચ તરીકે ઓળખાતા બે ભાગ હોય છે, જે વિવિધ આકારના હોય છે. ટૅબ્લેટનાં કદ અને આકાર પંચ તથા ડાઇનાં આકાર અને કદ ઉપર આધાર રાખે છે. મુખ્યત્વે સિંગલ-પંચ મશીન ને રોટરી ટૅબ્લેટ મશીન એમ બે પ્રકારનાં ટૅબ્લેટ બનાવવાનાં યંત્રો ઉપલબ્ધ હોય છે. ચૂર્ણ યા પાઉડરનાં ઘણી વાર જરાક મોટા રજકણને દાણા (granules) કહેવાય છે; તે બનાવવા માટે ગ્રેન્યુલેટર નામક યંત્ર આવે છે. રોટરી મશીનમાં હાઈ-સ્પીડ રોટરી ટૅબ્લેટ મશીન તથા મલ્ટિલેધર રોટરી ટૅબ્લેટ મશીન મળે છે, જેમાં પંચ અને ડાઇની જોડીઓ વધુ પ્રમાણમાં હોય છે. આથી ટૅબ્લેટ વધુ સંખ્યામાં ઝડપથી પડે છે. આ પ્રકારનાં મશીનોમાં જાત જાતનાં મૉડેલ આવે છે.

ટૅબ્લેટ બેસ્વાદ હોય તો તે પર ઘણી વાર બીજું પડ ચડાવાય છે, જેને કોટિંગ કર્યું કહેવાય છે. આ કોટિંગ પદ્ધતિ કરવા માટે કોટિંગ પાન નામક યંત્ર આવે છે, જેમાં કોટિંગ કરવાના દ્રાવણ સાથે ટૅબ્લેટને પાનમાં ગોળ ફેરવવાથી ટૅબ્લેટ પર કોટિંગ થઈ જાય છે. તેને પૉલીશ કરવાના મશીનને પૉલિશ-પાન કહે છે.

કૅપ્સ્યૂલ માટે હાથથી ભરવાનાં મશીન મળે છે, જે ‘કૅપ-ફીલ મશીન’ તરીકે ઓળખાય છે. તે સિવાય અન્ય મશીનમાં ઑટોમૅટિક કૅપ્સ્યૂલ-ફિલિંગ મશીન આવે છે, જેમાં ઝાનાસી (ઇટાલિયન) અને એમ. જી-2 (સુપરમેટિક) તથા એમાકો (હોફ લિંગર અને કાર્ગ) મૉડેલ મુખ્ય છે. ઉપરાંત નૉર્ટન કૅપ્સ્યૂલ મશીન એકદમ આધુનિક અને સ્વયંસંચાલિત છે.

ઇન્જેક્શન ભરતી વખતે વાતાવરણ જંતુરહિત યા સૂક્ષ્મ જીવાણુરહિત એટલે કે ‘સ્ટરિલાઇઝ્ડ’ હોવું જરૂરી છે. આ સૂક્ષ્મ જીવાણુના નિયમન માટે જરૂરી યંત્ર છે ‘લેમિનાર ફ્લો’; હવા તેમાં રહેલ ‘હેપા’ ફિલ્ટરમાંથી પસાર થઈ જંતુરહિત બની જાય છે. બીજી જરૂર પડે છે પારજાંબલી પ્રકાશ ફેંકતા લૅમ્પ યા અલ્ટ્રાવાયોલેટ લૅમ્પની, જે વાતાવરણને જંતુમુક્ત રાખે છે. અંદર કામ કરતા કામદારોનાં કપડાં, બૂટ, મોજાં બધું જ આ લૅમ્પથી જીવાણુરહિત બની જાય છે. ઇન્જેક્શન ભરવા માટે તથા તેને સીલ કરવા માટે ઑટોમૅટિક મશીનો આવે છે તેટલું જ નહિ, તેમાં જો રજકણો યા બીજી કોઈ અશુદ્ધિ હોય તો તે નમૂનાને જુદો પાડવા માટે પણ સ્વયંસંચાલિત મશીન આવે છે. પ્રિપેરિંગ યંત્ર ઇન્જેક્શન ભરવા માટે ઉપયોગી બને છે. ઇન્જેક્શનના વાયસલ્સ સાફ કરવા માટેનાં યંત્રને કન્વેયર રિન્સર કહે છે, જ્યારે એમ્પ્યુલ સાફ કરવા માટે વપરાતું યંત્ર રોટરી રિન્સર તરીકે ઓળખાય છે. જો પાઉડર ભરવાનો હોય તો તે માટે એક્કોફીલ વૅક્યુમ પાઉડર ફિલર નામક યંત્રની જરૂર પડે છે. રબરના બૂચ મારવા માટે પણ સ્વયંસંચાલિત યંત્ર આવે છે.

આમ ઔષધ બનાવવા માટે યંત્રોની જરૂર પડે છે જ, એટલે ફાર્માસ્યૂટિકલ મશીનરી બનાવવાનો ઉદ્યોગ પણ સાથે સાથે વિકસ્યો છે. ભારતમાં આવી મશીનરી બનાવનાર ઘણાં કારખાનાં છે, જે ફાર્મસી-ઉદ્યોગને દરેક પ્રકારની મશીનરી પૂરી પાડે છે.

(3) પૅકેજિંગઉદ્યોગ : ઔષધ-ઉત્પાદનની વિવિધ માત્રા યા સ્વરૂપો એટલે કે ટૅબ્લેટ, કૅપ્સ્યૂલ, ઇન્જેક્શન વગેરે બની જાય, પછી તેમને ચોક્કસ સંખ્યામાં નાની નાની શીશીઓમાં ભરવામાં આવે છે. ઔષધ જો સસ્પેન્શન યા સિરપ તરીકે દ્રાવણની સ્થિતિમાં હોય તો તેને નાની શીશીઓમાં ભરાય છે. કૅપ્સ્યૂલ પણ શીશીઓમાં ભરાય છે. ટૅબ્લેટ શીશીમાં ભરાય છે અથવા અમુક ખાસ પ્રકારના કાગળમાં પૅક કરાય છે. આ પ્રકારના પૅકિંગને સ્ટ્રિપ પૅકિંગ તથા બ્લિસ્ટર પૅકિંગ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ તેમને ખોખામાં જથ્થાબંધ પૅક કરાય છે. આમ ઔષધ તેનાં વિવિધ સ્વરૂપો પ્રમાણે ભરાઈને પૅક થાય છે તે કાર્યને પૅકેજિંગ કહે છે. આ પૅકેજિંગ માટે જુદા જુદા પદાર્થોની જરૂર પડે છે; દા.ત., કાગળ, પ્લાસ્ટિક, ઍલ્યુમિનિયમ ફૉઇલ, થરમૉકોલ, કાચની શીશીઓ તથા ઍમ્પ્યુલ વગેરે. આ બધાની મદદથી ફાઇબર કૅન તથા ડ્રમ, પેપર બોર્ડ કન્ટેઇનર, કૉરુગેટેડ કન્ટેઇનર, ધાતુનાં કૅન વગેરે બનાવાય છે અને એમાં પૅકિંગ થાય છે. કાચનાં સાધનો બનાવવા માટે સોડાઍશ, રેતી, રિફ્રૅક્ટરી વગેરે કાચો માલ વપરાય છે.

ઔષધો પૅક કરતી વખતે શીશી યા કન્ટેઇનરને જંતુમુક્ત કરવાં પડે છે. તે દરમિયાન જંતુમુક્ત કરનાર રસાયણની જોડે પ્રક્રિયા ન થાય તે જોવાની ખાસ જરૂર રહે છે. વળી પૅક થયેલ સામાન રેલવે, ટ્રક વગેરે દ્વારા બહાર મોકલાય ત્યારે કર્મચારીઓ દ્વારા ગમે તેમ ફેંકાય તોપણ અસર ન થાય તેવું પૅકિંગ કરવું પડે છે. આ માટે તેમાં વિવિધ નાના કદના થરમૉકોલ ભરવામાં આવે છે, જે શીશી યા કાચના સાધનની સુરક્ષા કરે છે. ઉપરાંત પૅકિંગ માટે વિવિધ યંત્રોની જરૂર પડે છે; દા. ત., એક્સ્ટ્રૂઝન બ્લોમોલ્ડિંગ, ટ્રાન્સ્ટેટ હસ્લર, ડાયનાપૅક, સંપૂર્ણપણે ઑટોમૅટિક કાર્ટનર્સ વગેરે. સ્ટ્રિપ-પૅકિંગ ખાસ કરીને ટૅબ્લેટ, લોસેન્ઝિઝ અને સપોઝિટરીમાં કામ આવે છે, જેથી સરળતાથી તેની હેરફેર શક્ય બને છે.

આમ ઔષધનું પૅકિંગ ખાસ ધ્યાન માગી લે છે. પૅકિંગ પછી લેબલિંગ આવે છે. એક ઔષધનાં લેબલ બીજા ઉત્પાદનને ન લાગી જાય તેનું ખાસ ધ્યાન રાખવું પડે છે. આમ પૅકેજિંગ ઉદ્યોગ ઔષધનિર્માણ આધારિત ઉદ્યોગ તરીકે એક અનિવાર્ય અંગ બની જાય છે. ઔષધ સાથે ચેડાં ન થાય તે રીતે પૅકિંગ કરવું એ પણ એક કળા છે. કેટલાંક વર્ષો પહેલાં ‘ટાઇલીનોલ’ નામક નિર્દોષ ઔષધની કૅપ્સ્યૂલોમાં પ્રાણઘાતક પોટૅશિયમ સાઇનાઇડ નામનું ઝેર ભેળવાયું હતું. જોકે આ વિદેશમાં બન્યું હતું પણ તેવું ગમે ત્યારે બની શકે, આથી પૅકિંગ એવું થવું જોઈએ કે તે તૂટે ત્યારે તરત જ ખબર પડે. બાળકોની સલામતી માટે પણ મજબૂત પૅકિંગ જરૂરી બની જાય છે. ભારતમાં પૅકેજિંગના કાચા માલ, મશીનરી વગેરેનો ઉદ્યોગ વિકસેલો છે.

(4) છાપકામ યા પ્રિન્ટિંગઉદ્યોગ : ઔષધ બની જાય, શીશી યા ખોખામાં પૅક થાય પણ તે પહેલાં અને પછી બે ચીજની જરૂર પડે છે. જો શીશી હોય તો તેમાં ભરેલ ઔષધની સૂત્રાત્મકતા યા બંધારણ, તેમાં કયા પદાર્થો યા દ્રાવણ યા પ્રિઝર્વેટિવ વગેરે કેટલા પ્રમાણમાં નાખ્યાં છે તેની યાદી, કેટલી માત્રા યા ડોઝમાં ઔષધ લેવું વગેરે સૂચનાઓવાળું લેબલ ચોંટાડવું પડે છે. જો ટૅબ્લેટ હોય તો તેના પૅકિંગ પર નામ, ‘બલ્ક ડ્રગ્ઝ’નું નામ તથા માત્રા, કંપનીનું નામ વગેરે અને પછી જે તે બૉટલ કે ટૅબ્લેટ જેમાં ભરાય તે ખોખા યા કાર્ટન પર પણ આવી બધી વિગતો છાપવી પડતી હોય છે, માટે પ્રિન્ટિંગ ઉદ્યોગની જરૂર પડે છે.

વળી આવી બધી વિગતો સાથેનો એક જુદો પરિપત્ર પણ છાપીને જે તે ખોખામાં મૂકવો પડે છે. તેમાં જેણે આ ઔષધ લેવાનું હોય છે તેને માટે વિવિધ સૂચનાઓ લખેલી હોય છે. ખાસ સૂચનાઓ જુદી તરી આવે છે અને જલદી નજરે ચઢે તે માટે તેને ખાસ જુદી શાહીથી છાપવી પડે છે. ઉપરાંત વેચાણ પ્રતિનિધિઓ ડૉક્ટરો પાસે કંપનીની ઔષધોની વિગતોનાં વિવિધ ન્યૂઝલેટર, વિઝ્યુલેટર વગેરે સાહિત્ય પાસે પહોંચી જતા હોય છે. આ સાહિત્ય પણ છાપવું પડે છે. સામાન્યપણે છાપકામની આ કામગીરી વેટ-ઇન્ક પ્રોસેસ કહેવાય છે. બીજી વિધિ હૉટ-સ્ટૅમ્પિંગની છે. અન્ય પ્રિન્ટિંગની વિધિઓમાં થર્મલ પ્રિન્ટિંગ, ઇન્ક જેટ વગેરેનો સમાવેશ થાય છે. પ્રિન્ટિંગની સાથે સાથે લેબલનો પણ ખ્યાલ રાખવો પડે છે. લેબલ ચોંટાડવા માટે ખાસ ગુંદર યા ચિપકાઉ પદાર્થ(adhesive)ની જરૂર પડે છે. લેબલ હાથથી યા સ્વયંસંચાલિત મશીનથી ચોંટાડી શકાય છે. લેબલમાં યા કાર્ટૂન પર છાપવામાં આવેલ માહિતી તથા કંપનીનું પ્રતીક ખામીરહિત હોય તે જરૂરી છે.

(5) લોનલાયસન્સ તથા ઔષધવેચાણઉદ્યોગ : ઘણી વાર એવું બને છે કે અમુક મોટી કંપનીઓ પોતે જે ઔષધો બનાવતી હોય છે તેની બજારમાં ખૂબ જ માગ હોય છે, એ માગને પહોંચી વળવા તેમનું ઉત્પાદન ખાતું અસમર્થ હોય છે. આવે સમયે તેમને સહાયરૂપ બને છે નાના ઉત્પાદનકારો, જે લોન-લાયસન્સ ધરાવતા હોય છે. આવું લાયસન્સ ધરાવનારા બીજી કંપનીઓના ઔષધ-ઉત્પાદનનું કામ લઈ શકે છે. બદલામાં તેમને નક્કી કરેલ મહેનતાણાની રકમ મળી જાય છે. જોકે તેમણે ઔષધ-ઉત્પાદન માટે જરૂરી એવી બધી જ કાળજી લેવી પડે છે. ઓછા રોકાણે આવા ઉત્પાદનકારો ધંધો કરે છે અને લોન-લાયસન્સી તરીકે ઓળખાય છે. પછી મોટા ઉત્પાદકો આ પ્રમાણેનું કામ લઈ પોતાનું પૅકિંગ કરતા હોય છે. આમ આ લોન-લાયસન્સ પણ ઔષધનિર્માણનો એક આડઉદ્યોગ છે.

ઔષધ વેચનારાઓ ‘કેમિસ્ટ’ તરીકે ઓળખાય છે. ઔષધ-ઉત્પાદકો જાત જાતની યોજના દાખલ કરી કેમિસ્ટોને પોતાનાં ઔષધો વેચવા માટે આપતા હોય છે. ઉત્પાદકે તેમને ઔષધની ગુણવત્તા પ્રમાણે સરકારે નક્કી કરેલું અમુક ચોક્કસ કમિશન આપવું પડે છે. વળી ન વેચાયેલી દવાઓ અને ઉપયોગની આખરી તારીખ (expiry date) વીતી ગઈ હોય તેવાં ઔષધો પાછાં પણ લેવાં પડે છે. આમ ઔષધનિર્માણ પર લોન-લાયસન્સવાળા અને કેમિસ્ટો બંને નભતા હોય છે.

(6) ઇલેક્ટ્રૉનિક યા કમ્પ્યૂટરઉદ્યોગ : કોઈ પણ ઔષધનિર્માણ-ઉદ્યોગની બે મુખ્ય શાખા હોય છે : (ક) વહીવટી શાખા અને (ખ) ઉત્પાદન શાખા. આ બંને શાખાઓનું કાર્યક્ષેત્ર આજના પ્રગતિશીલ જમાનામાં ઘણું વધી ગયું છે. માટે તેમને આધુનિક ટેકનિકની ખૂબ જરૂર પડે છે. આ પ્રકારની મદદ માટે ઇલેક્ટ્રૉનિક એક આદર્શ ઉદ્યોગ છે. ઔષધનિર્માણના કાર્યમાં તેને લીધે ઉત્પાદન ઝડપી બને છે અને સાથે સાથે તે ઉદ્યોગ પણ મજબૂત થતો જાય છે. ઔષધનિર્માણની વહીવટી પાંખમાં સ્ટોર-મૅનેજમેન્ટ, કાચા માલની આયાત, નિકાસ, હિસાબી ખાતામાં પગાર તથા અન્ય ગણતરીઓ માટે કમ્પ્યૂટરનો ઉપયોગ હવે વ્યાપક બની ગયો છે. કમ્પ્યૂટર હવે આ બધી જટિલ બાબતોને સરળ અને ઝડપી બનાવી દે છે. આથી વહીવટી પાંખમાં તેનો બહોળો ઉપયોગ થાય છે. ઇન્વેન્ટરી અને સ્ટોર-મૅનેજમેન્ટ પણ આથી સરળ બને છે અને મૅનેજમેન્ટને જરૂરી બધી જ માહિતી કમ્પ્યૂટર દ્વારા પૂરી પાડી શકાય છે.

ઉત્પાદન-શાખામાં તેનો ઉપયોગ મશીનોની ચોક્કસ સમયે સર્વિસ માટે, મશીનોની વિવિધ વિગતો યાદ રાખવા માટે, વિવિધ ઉત્પાદનક્ષેત્રોમાં યંત્રોનું ચોક્કસ રીતે સંચાલન કરવા વગેરે માટે થાય છે. આમ કમ્પ્યૂટર ઔષધનિર્માણનું એક અનિવાર્ય અંગ બનતું જાય છે. ભારતમાં તેનો જોઈએ તેટલો ઉપયોગ વધુ ને વધુ થતો જાય છે.

ઔષધક્ષેત્રે સંશોધન અને વિકાસ : ભારતનો ઔષધ-ઉત્પાદન ઉદ્યોગ બીજા કોઈ પણ ઉદ્યોગ કરતાં વધુ સંશોધન-આધારિત છે. શરૂઆતનો એક તબક્કો એવો હતો કે જ્યારે આ ઉદ્યોગને સરસ રીતે પ્રસ્થાપિત કરવા માટે મોટા પાયા પર ઔષધમિશ્રણોનું ઉત્પાદન એ જ એક ત્વરિત ઉપાય હતો. એ માટે બહુધા વિદેશી ટેકનિકનો આધાર લેવાયો હતો, પણ ઉદ્યોગે આ પદ્ધતિઓ અપનાવીને જરૂરી ફેરફાર કરવા ઉપરાંત આવશ્યક પદ્ધતિઓનું સંશોધન, ઔષધવિકાસ, ઔષધમિશ્રણ-સંશોધન, પૅકેજિંગ અને આયાત-નિકાસ વગેરે ક્ષેત્રમાં પણ નોંધપાત્ર પ્રદાન કર્યું.

સંશોધનનાં બે મહત્વનાં પાસાં છે : (1) અનુપ્રયુક્ત (applied) સંશોધન, (2) મૂળભૂત (basic) સંશોધન.

અનુપ્રયુક્ત સંશોધનમાં આ ઉદ્યોગે એવી ઘણી સ્થાનિક વનસ્પતિનું સંશોધન કર્યું કે જેમાંથી અગત્યનો અને જરૂરી એવો ‘બલ્ક ડ્રગ’ બનાવવા માટેનો પ્રારંભિક કાચો માલ યા ઇન્ટરમિડિયેટ મળી રહે. આવા કાચા માલનું બજાર અહીં તો હતું જ, પણ વિદેશમાં પણ તેની સારી માગ ઊભી થઈ છે.

મૂળભૂત સંશોધન કે જે વધુ જોખમી અને ખર્ચાળ છે તેમાં પણ ભારતે ઝડપી પ્રગતિ કરી છે. જેનું મુખ્ય ધ્યેય વિકાસ અને સંશોધન જ હતું એવાં ત્રણેક કેન્દ્રો આ દેશમાં સ્થપાયાં તે છે – 1967માં સ્થપાયેલ સીબા-ગાયગી રિસર્ચ સેન્ટર, 1971માં સ્થપાયેલ હેક્સ્ટ રિસર્ચ સેન્ટર અને બુટ્સનું બેઝિક રિસર્ચ યુનિટ. વધારામાં કેટલીય સરકારી પ્રયોગશાળાઓ યા સંસ્થાઓ આ ઔષધીય સંશોધનમાં જોડાયેલી હતી. તેમાં મુખ્ય સેન્ટ્રલ ડ્રગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (સી. ડી. આર. આઈ.), લખનૌ; નૅશનલ કેમિકલ લૅબોરેટરી (એન.સી.એલ.), પુણે; રિજિયૉનલ રિસર્ચ લૅબોરેટરી (આર.આર.એલ.), હૈદરાબાદ અને હાફકીન ઇન્સ્ટિટ્યૂટ, મુંબઈ છે. ઇન્ડિયન ડ્રગ ઍન્ડ ફાર્માસ્યૂટિકલ લિમિટેડ (આઈ. ડી. પી. એલ.) અને હિન્દુસ્તાન ઍન્ટિબાયૉટિક્સ જેવાં જાહેર સાહસો સાથે બીજી ચાલીસ જેટલી ઔષધ-ઉત્પાદક કંપનીઓ છે, જેમની પાસે સંશોધન અને વિકાસ માટે તેમની પોતાની સવલતો ઉપલબ્ધ છે. આ સંસ્થાઓને ભારત સરકારના વિજ્ઞાન અને ટેકનૉલોજી વિભાગે ખાસ માન્યતા આપી છે. આ કંપનીઓનું સંશોધન તથા વિકાસ અંગેનું ખર્ચ વાર્ષિક 11.75 કરોડનું છે. અન્ય કંપનીઓ લગભગ ત્રણ કરોડ બીજા ખર્ચે છે, જે સાથે 1978-79માં સંશોધન તથા વિકાસ પાછળ કુલ રૂ. 14.75 કરોડ ખર્ચાયા હતા, જે આ કંપનીઓના ઔષધ-ઉત્પાદન વેચાણની લગભગ 1.4 % જેટલી રકમ હતી.

નવીન ઔષધસંશોધન : કાઉન્સિલ ઑફ સાયન્ટિફિક ઍન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ(સી.એસ.આઈ.આર.)ના નેજા નીચે કાર્યરત લખનૌની સેન્ટ્રલ ડ્રગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટે આ ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે. ‘સેન્ટક્રોમાન’ નામક મોઢેથી લેવાની ગર્ભનિરોધક ગોળીની શોધ અહીં થઈ છે. અઠવાડિયે એક વાર લેવાની આ ગોળી અત્યારે સઘન ચિકિત્સા-અજમાયશ (clinical trials) પર છે. વિજ્ઞાનીઓના મત મુજબ આ ગોળી એક અજોડ ગર્ભનિરોધક સાબિત થશે. આ સંસ્થાના નિયામક ડૉક્ટર એન. એમ. ધારના મત પ્રમાણે જો આ ગોળી શરૂઆતના તબક્કામાં મોટા ડોઝમાં અપાય તો છાતીના કૅન્સરની સારવારમાં પણ ઉપયોગી નીવડશે. આ સંસ્થા રક્તપિત્તના દર્દીઓમાં ઉપયોગી બને તેવી રસી વિકસાવી રહી છે અને પ્રાણીઓ પર પ્રયોગ આરંભાઈ ચૂક્યા છે. તે માટે તેઓ ખૂબ આશાવાદી છે. જો આ રસી બનશે તો ચાર કરોડ જેટલા રક્તપિત્તના રોગીઓ માટે તે આશીર્વાદરૂપ પુરવાર થશે.

બીજી જે પાંચ ઔષધિઓ બજારમાં મૂકવા માટે તેને પ્રમાણપત્ર મળી ચૂક્યું છે તે આ પ્રમાણે છે : (1) સેન્ટબ્યુટીડીન સ્થાનિક નિશ્ચેતક છે, (2) સેન્ટબ્યુટિન્ડોલ મગજના જ્ઞાનતંતુઓ માટે છે, (3) ગુગુલીપીડ શરીરના લિપિડ યા કૉલેસ્ટેરોલમાં લાભદાયક છે, (4) આઇસાપેન્ટ ગર્ભપાત કરાવવામાં મદદરૂપ છે અને (5) ફિલોટેસ્ટ જે ફાઇલેરિયાસિસ(હાથીપગો)ના પ્રાથમિક નિદાન માટેનું સાધન છે. બીજાં બે ઉત્પાદનો તે સેન્ટિજોન જે થાઇરૉઇડનિરોધક છે અને ઍમોબિયાસિસ માટેના નિદાનનું સાધન છે તે બંને ઉદ્યોગમાં વ્યાપારી ધોરણે તૈયાર થાય છે. બીજાં ઔષધો પ્રાથમિક ચિકિત્સા-અજમાયશમાં છે; તેમાં સેન્ટપેરામિન કૃમિ માટે, એફ્લોક્વિન મલેરિયા માટે, કોલેરાની રસી, કરક્યુમિન સોજા માટે, યેન્ડોનિયમ આયોડાઇડ ચેતાતંત્ર માટે, કોનસેપ ગર્ભનિરોધક ક્રીમ, ઔષધકીય સર્વિકલ ડાયલેટર તથા કોલીનૉલનો સમાવેશ થાય છે. આ સંસ્થાએ આશરે 65 ઔષધોનાં ઇન્ટરમિડિયેટ બનાવવાની પદ્ધતિઓનો વિકાસ કર્યો છે, જેમાંની 45 ઉદ્યોગને ફાળવી દેવાઈ છે અને આઠનું ઉત્પાદન શરૂ થઈ ચૂક્યું છે.

બીજી જાણીતી સંસ્થા છે રિજિયૉનલ રિસર્ચ લૅબોરેટરી (આર.આર.એલ.), હૈદરાબાદ. આ સંસ્થાએ વા, સોજા વગેરે પર અસરકારક એવી ટ્રોમેરિલ નામની ઔષધિનો વિકાસ કર્યો છે, જેને મુંબઈની એક ઔષધ-ઉત્પાદક કંપનીએ બજારમાં મૂકી છે. તે માટેનાં જરૂરી ઇન્ટરમિડિયેટ બનાવવાની પદ્ધતિઓ આ સંસ્થાએ જ વિકસાવીને પૂરી પાડી છે. આ સંસ્થાએ ગ્લાયોક્સાલ-40 % નામનું એક અગત્યનું ઇન્ટરમિડિયેટ પણ વિકસાવ્યું છે, તેનું વાર્ષિક વેચાણ 3.6 કરોડ રૂપિયાનું છે. આ ઇન્ટરમિડિયેટનો ઉપયોગ મરડો મટાડવાની દવા બનાવવા માટે થાય છે.

ત્રીજી સંસ્થા છે નૅશનલ કેમિકલ લૅબોરેટરી, પુણે. આ સંસ્થાએ વિટામિન બી-6નું ઉત્પાદન વિકસાવ્યું છે અને તેની પદ્ધતિ એક ઔષધ કંપનીને વેચાતી આપી છે. હાલમાં આ સંસ્થા ક્ષય મટાડવા વપરાતું ઔષધ પાયરાઝિનામાઇડ તથા રક્તપિત્ત માટે વપરાતા ઔષધ ડેપ્સોનની ઔદ્યોગિક ઉત્પાદનપદ્ધતિ શોધી કાઢી વિકસાવવામાં મગ્ન છે. સાથે સાથે કૅન્સરવિરોધી ઔષધો પર પણ સંશોધન ચાલે છે.

હજી આ ક્ષેત્રમાં ઘણું કરવાનું બાકી છે, કારણ કે હજી ભારત દેશ ઘણાં ઇન્ટરમિડિયેટ આયાત કરે છે. બહુરાષ્ટ્રીય દવા કંપનીઓ પેટન્ટ અને ઉચ્ચ ટેકનૉલૉજીનું જતન કરી ‘બલ્ક ડ્રગ્ઝ’ પર અંકુશ રાખે છે. વળી આ ઉદ્યોગમાં રોકાણ પણ ખૂબ કરવું પડે છે ભારત સરકારની 1978ની ઔષધીય નીતિએ પણ આ ઉદ્યોગને સારી મદદ કરી. તેથી નવી ટેકનૉલૉજી અપનાવાઈ અને નવાં ઔષધમિશ્રણો અસ્તિત્વમાં આવ્યાં. હજી પણ આયુર્વેદ સાથે હાથ મિલાવીને આ ઉદ્યોગ વધુ અસરકારક અને ઓછી નુકસાનકારક દવાઓ આ દેશને તથા વિદેશોને પૂરી પાડી શકશે.

ઔષધનિર્માણઉદ્યોગનો ભારતમાં દરજ્જો : છેલ્લાં ત્રીસ વર્ષમાં ભારતે ઔષધ-ઉત્પાદનક્ષેત્રે અન્ય ઉદ્યોગની સરખામણીમાં નોંધપાત્ર તેમજ પ્રશંસનીય પ્રગતિ સાધી છે. આ ઉદ્યોગ પાસે જરૂરી મૂડી હોવાથી તથા તેમાંથી પૂરતો નફો મળતો હોવાથી ઉચ્ચ ટેકનિકલ કેળવણી પામેલા લોકો તેના પ્રત્યે આકર્ષાયા છે. આ ઉદ્યોગમાં બલ્ક ડ્રગ્ઝ તથા ફૉર્મ્યુલેશનની કિંમત અને નફાનો ગાળો સરકાર દ્વારા અંકુશિત છે. વિશ્વની સરખામણીમાં ભારતમાં ઔષધની કિંમત ઘણી ઓછી છે.

અન્ય ચીજવસ્તુઓના ભાવમાં સરેરાશ 12થી 13 ટકા જેટલો વધારો થયો છે, જેના મુકાબલે ઔષધોની કિંમતમાં છેલ્લાં 10થી 15 વર્ષોમાં સરેરાશ 8થી 9 ટકા જ વધારો થયો છે.

ઔષધનો (ખર્ચ આધારિત) સરેરાશ વપરાશ ભારતમાં પશ્ચિમના તેમજ બીજા એશિયાઈ દેશોના મુકાબલે ઘણો નજેવો છે. આનું કારણ ભારતની નબળી આર્થિક સ્થિતિ, ઔષધો માટેના ઇન્ટરમિડિયેટોની વધતી જતી કિંમત તથા તેના સ્રોતમાં ઘટાડો, ઔષધોની કિંમત ઉપરનાં કડક નિયમનો, લાયસન્સપદ્ધતિ તેમજ અન્ય સરકારી અંકુશો ગણાવી શકાય. ભારતમાં મૂડીરોકાણ, ઉત્પાદનક્ષમતા, સંશોધન તથા વિકાસ માટેના પ્રયત્નો અને ઔષધની ગુણવત્તાની ર્દષ્ટિએ ઔષધનિર્માણ ઉદ્યોગનો વિકાસ નોંધપાત્ર થયો છે. ભારતમાં જ મળતાં રસાયણો તેમજ ઇન્ટરમિડિયેટ્સમાંથી લગભગ 300 બલ્ક ડ્રગ્ઝ યા ઔષધો બનાવાય છે. એમાં પ્રજીવક ઔષધો, મેલેરિયાવિરોધી ઔષધો, તાવશામક ઔષધો, સ્ટીરોઇડ્ઝ, વિટામિન, વનસ્પતિજ ઔષધો વગેરેનો સમાવેશ થાય છે.

ભારતમાં ઔષધનિર્માણઉદ્યોગની વિકાસપ્રક્રિયા નીચેની સારણી 6 ઉપરથી સ્પષ્ટ થશે :

સારણી 6 : ભારતમાં ઔષધનિર્માણઉદ્યોગની વિકાસપ્રક્રિયા

  195253 199899
ઉત્પાદક યુનિટો 1752 20,000
મૂડીરોકાણ (રૂપિયા કરોડમાં) 24 2150
બલ્ક ડ્રગ્ઝનું ઉત્પાદન 10 3148
(રૂપિયા કરોડમાં)
ફૉર્મ્યુલેશન્સ ઉત્પાદન 20 13878
(રૂપિયા કરોડમાં)
નિકાસ (રૂપિયા કરોડમાં) 0.80 5366*
સંશોધન અને વિકાસખર્ચ 2 260
(રૂપિયા કરોડમાં)
આયાત (રૂપિયા કરોડમાં) 16 2458
* (2001-02માં નિકાસ 9943 કરોડ)

ભારતના આર્થિક વિકાસમાં ઔષધ-ઉદ્યોગે તેનાં ઉત્પાદન, વિસ્તરણ, વહેંચણી વગેરેમાં સંકળાયેલા ઉદ્યોગોમાં નોકરીઓની તકો ઊભી કરીને રાષ્ટ્રની આર્થિક સધ્ધરતામાં નોંધપાત્ર ફાળો આપ્યો છે. રસાયણો પર નિર્ભર એવો આ મોટામાં મોટો ઉદ્યોગ છે, જેનું મૂડીરોકાણ રૂ. 600 કરોડનું છે તથા તેમાંથી પ્રતિવર્ષ રૂ. 2000 કરોડનું ઉત્પાદન મળે છે. આ ઔષધો પરદેશોમાં પણ સ્વીકારાયેલ ધોરણો મુજબનાં હોઈ તેની નિકાસ દ્વારા સરકારને પ્રતિવર્ષ રૂ. 250થી 300 કરોડ એક્સાઇઝ, કસ્ટમ-ડ્યૂટી અને કર રૂપે મળે છે. આ રકમ ઔષધોની કિંમતના 25થી 30 ટકા જેટલી થાય છે. આ ઉદ્યોગ દ્વારા દોઢ લાખ લોકોને પ્રત્યક્ષ રોજી તેમજ પાંચ લાખ લોકોને પરોક્ષ રોજી મેળવી આપે છે. અન્ય સહાયક ઉદ્યોગને ગણનામાં લઈએ તો બીજા બે લાખ લોકો તેમાંથી રોજી મેળવે છે. આમ કુલ લગભગ નવ લાખ માણસો આ ઉદ્યોગ દ્વારા રોજી મેળવે છે.

ઔષધનિર્માણઉદ્યોગ વિકાસ અને સંશોધન પાછળ ભારત પ્રતિવર્ષ રૂ. 20 કરોડ ખર્ચે છે તથા તેની વહેંચણીમાં એક લાખ પરવાનેદાર, કેમિસ્ટો, એક લાખ સામાન્ય વેપારીઓ, દોઢ લાખ ડૉક્ટરો તથા દવાખાનાં, ક્લિનિકો અને અડધો લાખ આરોગ્યકેન્દ્રો સંકળાયેલાં છે.

અમેરિકા તથા યુરોપીય દેશોમાં ઔષધનો વ્યક્તિદીઠ વપરાશ લગભગ રૂ. 200થી 300 છે. તેને મુકાબલે ભારતમાં તે માત્ર 11 રૂ. જ છે (વિકસિત આધુનિક દેશોની આયુર્મર્યાદા 70-75 વર્ષ છે જ્યારે ભારતમાં તે 58 વર્ષ છે).

જાહેર સાહસો : ઔષધ-ઉત્પાદનમાં જાહેર વિભાગમાં ઇન્ડિયન ડ્રગ્ઝ અને ફાર્માસ્યૂટિકલ્સ લિમિટેડ તથા હિન્દુસ્તાન ઍન્ટિબાયૉટિક્સ લિમિટેડ બે જાહેર સાહસો છે. IDPL હૈદરાબાદ તેમજ મુઝફ્ફરપુર ખાતે સંશ્લેષિત ઔષધ પ્લાન્ટ, ઋષિકેશ ખાતે ઍન્ટિબાયૉટિક્સ પ્લાન્ટ, ગુરગાંવ ખાતે ફૉર્મ્યુલેશન યુનિટ તથા ચેન્નાઈ ખાતે સર્જિકલ યુનિટ ધરાવે છે. રાજ્ય સરકારની સહાયથી થોડા ફૉર્મ્યુલેશન એકમો લખનૌ, જયપુર, ભુવનેશ્વર તથા વડોદરા ખાતે શરૂ થયા છે. હિંદુસ્તાન ઍન્ટિબાયૉટિક્સનો પુણે પાસે પિંપરી ખાતે પ્લાન્ટ છે. તે રાજ્ય સરકારોની મદદથી નાગપુર, ગોવા તેમજ બૅંગલોરમાં શાખાઓ ધરાવે છે.

ખાનગી સાહસો : વિવિધ ખાનગી કંપનીઓએ ભારતીય ઔષધ-ઉત્પાદન-ક્ષેત્રે બલ્ક ડ્રગ્ઝ તથા ફૉર્મ્યુલેશનના ઉત્પાદનમાં મહત્વનો ફાળો આપ્યો છે.

ભારતમાં લગભગ 45 વિદેશી કંપનીઓ ઔષધ-ઉત્પાદન કરે છે. 1978માં તેમનું મૂડીરોકાણ રૂ. 200 કરોડ હતું. 1976માં તેમનું બલ્ક ડ્રગ્ઝનું ઉત્પાદન રૂ. 52 કરોડનું હતું, જે દેશના સમગ્ર ઔષધ-ઉત્પાદનના 40 ટકા જેટલું થયેલું. આ વિદેશી કંપનીઓ ઉપર ભારત સરકારના અંકુશો – શૅરોનું મૂડીરોકાણ 40 ટકાથી વધુ નહિ, બલ્ક ડ્રગ્ઝ તથા ફૉર્મ્યુલેશન ઉત્પાદનની 1 : 5 સરેરાશ જાળવવી વગેરે છે. જાહેર સાહસ માટે અનામત રખાયાં ન હોય તેવાં બલ્ક ડ્રગ્ઝ બનાવવાના પરવાના આપવાની સરકારી નીતિ છે.

2001-02માં ભારતમાં રૂ. 21,100 કરોડ જેટલાં ઔષધો હોવાનો અંદાજ છે. 2001-02માં બલ્ક ડ્રગ્ઝનું નિકાસલક્ષ્ય રૂ. 3278 કરોડનું તથા ફૉર્મ્યુલેશનનું રૂ. 495 કરોડનું અંદાજવામાં આવ્યું હતું.

સારણી 7માં આ ધારણાઓ દર્શાવી છે :

સારણી 7 : વિશ્વનું ઔષધઉત્પાદન અને ભારત

  મિલિયન(યુ.એસ. ડૉલર)માં
1998 2002
વિશ્વ 3,08,000 4,02,400
ભારત 5,200 7,200
વિશ્વના ઉત્પાદનની સરખામણીમાં
ભારતીય ઉત્પાદન ટકાવારી પ્રમાણે 0.168 0.178

 ગુજરાતમાં ઔષધનિર્માણઉદ્યોગ : ભારતમાં ઔષધનિર્માણની શરૂઆતનું શ્રેય આચાર્ય પ્રફુલ્લચન્દ્ર રૉયને અપાય છે. તેમણે 1901માં બંગાળના કોલકાતા જેવા વિશાળ શહેરમાં સૌપ્રથમ ‘બંગાળ કેમિકલ્સ ઍન્ડ ફાર્માસ્યૂટિકલ્સ’ની સ્થાપના કરી. લગભગ તે ગાળામાં ગુજરાત રાજ્યમાં વડોદરા ખાતે બી. ડી. અમીને એલેમ્બિક કેમિકલ્સની સ્થાપના કરી. એલેમ્બિક કેમિકલ્સના પાયામાં ત્રિભોવનદાસ ગજ્જર હતા. તે એક શ્રેષ્ઠ કોટિના વિજ્ઞાની હતા. મુંબઈમાં તે સમયે એક દુર્ઘટના ઘટી. મુંબઈ શહેરમાં સ્થિત રાણી વિક્ટોરિયાના પૂતળા પર કોઈકે ડામર નાંખી તેને વિકૃત બનાવી દીધું હતું. એ વખત હતો અંગ્રેજોના આધિપત્યનો અને આ વાત તેમને ન ગમે એવી હતી. ડામરને પૂતળા પરથી દૂર કરવો જરૂરી હતો, પણ તે માટે રસાયણવિજ્ઞાનનું ચોક્કસ જ્ઞાન અને કૌશલ્ય જરૂરી હતાં, કારણ કે પૂતળાને નુકસાન થવું ન જોઈએ. પૂતળાને જરા પણ વિકૃત થવા દીધા વગર તેના પરથી કાળોમેંશ ડામર દૂર કરવાનું બીડું ત્રિભોવનદાસ ગજ્જરે ઝડપી લીધું. અંગ્રેજો કરતાં પણ તે ચઢિયાતા પુરવાર થયા, કારણ કે વિવિધ રસાયણોની મદદથી રાણી વિક્ટોરિયાનું પૂતળું તેમણે હતું તેવું જ કરી આપ્યું.

એલેમ્બિક કેમિકલ્સની સ્થાપના પછી થોડાંક વર્ષમાં સારાભાઈ કેમિકલ્સની સ્થાપના થઈ; ધીમે ધીમે તે એક મોટા ઉદ્યોગ-સંકુલમાં ફેરવાઈ ગયું. ત્યારપછી તો ધીમે ધીમે દવાઓ બનાવવાનાં બીજાં ઘણાં કારખાનાં અસ્તિત્વમાં આવ્યાં, જેમાં કેડીલા લેબૉરેટરિઝ પ્રાઇવેટ લિમિટેડ નોંધપાત્ર ગણી શકાય. ટોરેન્ટ લૅબોરેટરિઝ, ઇન્ટાસ, કોર, સન ફાર્મા વગેરે પણ વેગપૂર્વક પ્રગતિ કરતા જાય છે.

ગુજરાતમાં ઔષધ-ઉત્પાદન : ગુજરાતમાં થતા ઔષધ-ઉત્પાદન તથા અન્ય વિગતોના મળેલ આંકડા નીચે મુજબ છે :

સારણી 8

ક્રમ ગુજરાતમાં ઔષધઉત્પાદન 1984 1985 2002
1. ગુજરાતમાં ઉત્પાદન-સંકુલો 973 956 1600
3. બલ્ક ડ્રગ્ઝનું ઉત્પાદન

(રૂપિયા કરોડમાં)

500
ફૉર્મ્યુલેશન (રૂપિયા કરોડમાં) 5000
4. નિકાસ (રૂપિયા કરોડમાં) 53 250

ગુજરાત ભારતના ઔષધનિર્માણના લગભગ 50 % જેટલું ઔષધ-ઉત્પાદન કરે છે અને તેનાં ઔષધો ગુણવત્તામાં વિદેશોની હરીફાઈમાં ઊભાં રહી શકે છે. રશિયા, આફ્રિકાનાં કેન્યા તથા ઝિમ્બાબ્વે અને સિલોન, અરબસ્તાન એમ વિવિધ દેશોમાં તેની નિકાસ થાય છે. આ શક્ય બનવાનું એક કારણ ગુજરાતમાં આ ક્ષેત્રમાં પ્રવેશવા માટે મળતી સંપૂર્ણ તાલીમ છે.

ગુજરાતમાં ફાર્મસી અભ્યાસક્રમની વ્યવસ્થા : સરકારી નિયમ મુજબ ઔષધો વેચતી દુકાનોમાં માલિકોએ એક રજિસ્ટર્ડ યા ક્વૉલિફાઇડ ફાર્માસિસ્ટ રાખવો ફરજિયાત છે. સાથે સાથે ઔષધનિર્માણના ઉદ્યોગમાં પણ તાલીમ પામેલ ફાર્માસિસ્ટની જરૂર પડે છે. આ કાર્યક્ષેત્ર માટે નિમાયેલી વ્યક્તિઓએ મોટેભાગે ફાર્મસી ક્ષેત્રે ડિપ્લોમા યા ડિગ્રી પ્રાપ્ત કરેલ હોય છે. વર્ષો પહેલાં સૌપ્રથમ ગુજરાતમાં અમદાવાદમાં યુનિવર્સિટી કેમ્પસ ખાતે લલ્લુભાઈ મોતીભાઈ કૉલેજ ઑવ્ ફાર્મસીની સ્થાપના થઈ હતી. આ કૉલેજમાં ભારતભરનાં વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ ફાર્મસીના અભ્યાસ માટે આવતાં હતાં, કારણ કે તે સમયમાં ભારતમાં ફાર્મસીના અભ્યાસક્રમની બીજે કોઈ ઠેકાણે ખાસ વ્યવસ્થા હતી જ નહિ.

ત્યારબાદ ગુજરાતને આ ફાર્મસીના અભ્યાસક્રમની અગત્ય સમજાઈ અને આજે ગુજરાતમાં ફાર્મસીના અભ્યાસક્રમનું શિક્ષણ આપતી અનેક સંસ્થાઓ થઈ ગઈ છે. આ સંસ્થાઓમાં ફાર્મસીનું વ્યવસ્થિત શિક્ષણ વિવિધ વિષયો સાથે આપવામાં આવે છે. ઉદ્યોગમાં બે-ત્રણ મહિનાની તાલીમ પણ વિદ્યાર્થીઓએ લેવી પડે છે, જેથી ઉદ્યોગની પદ્ધતિઓનો અભ્યાસ અને સમન્વય બંને થઈ શકે.

ગુજરાતમાં વિવિધ ઔષધઉત્પાદકો : ગુજરાતમાં ગુજરાત સરકાર તરફથી વિવિધ ઔદ્યોગિક વસાહતો સ્થાપવામાં આવી છે; જ્યાં ઉદ્યોગને શેડથી માંડીને વિદ્યુત, પાણી વગેરે જરૂરી બધી સગવડો વાજબી ભાવે ઉપલબ્ધ હોય છે. રાજ્ય સરકારનો હેતુ રાજ્યમાં ઉદ્યોગોને ઉત્તેજન અને બેકારોને નોકરી આપવાનો હોવાથી પછાત ગણાતા વિસ્તારોમાં ઉદ્યોગ સ્થાપવા માટે 20 % જેટલી સબસિડી પણ આપવામાં આવે છે. ઉપરાંત જરૂરી લોન પણ વાજબી વ્યાજે પૂરી પાડવામાં આવે છે. વિવિધ વસાહતોના થોડાક દાખલા જોઈએ તો, અમદાવાદમાં વટવા તથા નરોડા ખાતે આવી ઔદ્યોગિક વસાહતો આવેલી છે. રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે પણ આવી એક ઔદ્યોગિક વસાહત ઊભી કરાઈ છે. વડોદરામાં ત્રણથી ચાર ઠેકાણે ઔદ્યોગિક વસાહતો છે; જેમાં ગોરવા, મકરપુરા, વાઘોડિયા વગેરે સ્થળો અગત્યનાં છે. આ સિવાય ગુજરાતનાં વિવિધ સ્થળોમાં કડી, કલોલ, સુરેન્દ્રનગર, અંકલેશ્વર, વાપી વગેરેનો સમાવેશ થાય છે. આ બધી ઔદ્યોગિક વસાહતોમાં વિવિધ ઉદ્યોગોની સાથે સાથે ફાર્માસ્યૂટિકલ્સ એટલે કે ઔષધ-ઉત્પાદન-ઉદ્યોગો પણ છે, જ્યાં ‘બલ્ક ડ્રગ્ઝ’ તથા વિવિધ ફૉર્મ્યુલેશનો બનાવવામાં આવે છે. પછાત વિસ્તારમાં ઉદ્યોગો થવાથી એ પછાત વિસ્તારના ગરીબ લોકોને રોજી મળે છે અને જે તે વિસ્તારની પ્રગતિ થાય છે. ગુજરાતમાં વિવિધ ઠેકાણે ‘બલ્ક ડ્રગ્ઝ’ તથા ટૅબ્લેટ, કૅપ્સ્યૂલ, ઇન્જેક્શન વગેરે ફૉર્મ્યુલેશન્સ બનાવનારા મુખ્ય ઔષધ-ઉત્પાદકોની વિગતો નીચે પ્રમાણે છે :

ગુજરાતમાં મુખ્ય ઔષધ/ફૉર્મ્યુલેશનનાં ઉત્પાદકો :

(1) સારાભાઈ કેમિકલ્સ, વડોદરા; (2) એલેમ્બિક કેમિકલ્સ – વડોદરા; (3) મરક્યૂરી લૅબોરેટરિઝ પ્રા. લિ., વડોદરા; (4) મિલ્મેટ ઓફથો ઇન્ડસ્ટ્રીઝ, વડોદરા; (5) એસ. જી. ફાર્માસ્યૂટિકલ્સ, વડોદરા; (6) કેડીલા લૅબોરેટરિઝ પ્રા. લિ., અમદાવાદ; (7) કેડીલા કેમિકલ્સ, પ્રા. લિ., અમદાવાદ; (8) કેડીલા ઍન્ટિબાયૉટિક્સ પ્રા. લિ., અમદાવાદ; (9) ટોરેન્ટ ફાર્માસ્યૂટિકલ્સ પ્રા. લિ., અમદાવાદ; (10) હાર્લેસ્ટ્રીટ ફાર્માસ્યૂટિકલ્સ પ્રા. લિ., અમદાવાદ; (11) લિંકન ફાર્માસ્યૂટિકલ્સ, અમદાવાદ; (12) વેસ્ટકોસ્ટ ફાર્માસ્યૂટિકલ્સ, અમદાવાદ; (13) ગુજરાત ફાર્માસ્યૂટિકલ્સ પ્રા. લિ., અમદાવાદ; (14) સીમ્સ લૅબોરેટરિઝ, અમદાવાદ; (15) ઝન્ડુ ફાર્માસ્યૂટિકલ્સ વકર્સ લિમિટેડ, વાપી; (16) થેમિસ ફાર્માસ્યૂટિકલ્સ, વાપી; (17) શ્વેતા ફાર્માસ્યૂટિકલ્સ પ્રા. લિ., વાપી; (18) એસ. એમ. લૅબોરેટરિઝ, વાપી; (19) અભિષેક ફાર્મા., વાપી; (20) બેન્ટલી લૅબોરેટરિઝ, વાપી; (21) બ્રિટિશ ફાર્માસ્યૂટિકલ્સ, લૅબોરેટરિઝ, વાપી; (22) ડુફાર ઇન્ટરફાન લિમિટેડ, વાપી; (23) એલિસ ગ્રુપ ઑવ્ કંપનીઝ, કલોલ; (24) ડેનિસ કેમ લૅબોરેટરિઝ, છત્રાલ-કલોલ; (25) ગુફીક પ્રા. લિ., નવસારી; (26) યુફોરિક ફાર્માસ્યૂટિકલ્સ પ્રા. લિ., અંકલેશ્વર; (27) લ્યૂપિન લૅબોરેટરિઝ પ્રા. લિ., અંકલેશ્વર; (28) લાયકા લૅબોરેટરિઝ લિ., અંકલેશ્વર; (29) સરમાઉન્ટ લૅબોરેટરિઝ, અંકલેશ્વર; (30) અશ્વિની ફાર્માસ્યૂટિકલ્સ, રાજકોટ; (31) ભારતીય ઔષધનિર્માણ શાળા, રાજકોટ; (32) ગ્લાસ્ટન ફાર્માસ્યૂટિકલ્સ, ભાવનગર; (33) મેડિનેક્સ લૅબોરેટરિઝ, ભાવનગર; (34) ફાર-ઇસ્ટ લૅબોરેટરિઝ પ્રા. લિ., ગોધરા; (35) સીડમૅક લૅબોરેટરિઝ પ્રા. લિ., વલસાડ; (36) વિરગો ફાર્માસ્યૂટિકલ્સ, ઊંઝા; (37) એલારસીન માર્કેટિંગ પ્રા. લિ., પાંડેસરા, જિ. સૂરત.

અન્ન તથા ઔષધનિયામક ખાતું (ફૂડ ઍન્ડ ઍડ્મિનિસ્ટ્રેશન) : ગુજરાતનું અન્ન તથા ઔષધનિયામક ખાતું અન્નની યા ઔષધોની ભેળસેળ અટકાવવાની યા ગુણવત્તાની જરૂરિયાત પર ખૂબ જ ભાર મૂકે છે અને તે માટે વિવિધ વર્તુળોની રચના કરી, દરેક સ્થળે પૂરતો સ્ટાફ મૂકી આ કાર્ય પાર પાડે છે. ઔષધ-ઉત્પાદન માટે ખાસ નક્કી થયેલા કાયદા મુજબ જ ઔષધનું ઉત્પાદન થાય તે જોવાની ફરજ આ ખાતાની છે. ઔષધોમાં કોઈ પણ પ્રકારની ભેળસેળ યા બનાવટ ન થાય તે માટે વિવિધ કેમિસ્ટોની દુકાનોએ અચાનક છાપો મારી ચકાસણી યા ચેકિંગ કરાય છે. બનાવટી ઔષધોનો નાશ કરાય છે અને જવાબદાર માણસો સામે કોર્ટમાં કેસ મુકાય છે. વિવિધ નમૂના એકઠા કરી તેની ડ્રગ-લૅબોરેટરીમાં ચકાસણી કરવામાં આવે છે. ઔષધો પર લગાવવામાં આવેલ લેબલમાં ઔષધના ખોટા ઉપયોગ ન દેખાડ્યા હોય તે પણ આ ખાતું જુએ છે. ઘણી વાર એક પ્રકારના લેબલ બીજા પ્રકારના ઔષધ પર લાગી જાય છે તે પણ આ ખાતું શોધી કાઢે છે. ગુજરાતના પાટનગર ગાંધીનગર ખાતે અન્ન તથા ઔષધનિયામક ખાતાનું વડું મથક આવેલું છે.

તે ઉપરાંત ઔષધના લીધેલા નમૂનાના પૃથક્કરણ/ચકાસણી માટે વડોદરા ખાતે એક પ્રયોગશાળા પણ છે, જે ફૂડ ઍન્ડ ડ્રગ લૅબોરેટરી તરીકે ઓળખાય છે. આ પ્રયોગશાળામાં નીચે મુજબ અધિકારી વર્ગ છે. જોઇન્ટ કમિશનર (ટેસ્ટિંગ) – 1 જગા, સિનિયર સાયન્ટિફિક ઑફિસર – 4 જગા, ઑફિસર્સ – 5 જગા તથા સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ – 22 જગા.

વિવિધ સમિતિઓ/સંગઠનો : ગુજરાતમાં રાજ્ય સ્તરે ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સિલની રચના થયેલી છે. બીજું છે ફેડરેશન ઑવ્ ગુજરાત સ્ટેટ કેમિકલ્સ ઍસોસિયેશન છે જે ફિરકીવાલા હૉલ, બિસ્કિટ ગલી, અમદાવાદ ખાતે આવેલ છે. તેમાં પ્રમુખ તથા બે માનાર્હ સેક્રેટરીનો સમાવેશ થાય છે. આવાં જ કેમિસ્ટ ઍસોસિયેશનો, વલસાડ, પોરબંદર, ભરુચ, વડોદરા, ધાંગધ્રા, જામનગર, જૂનાગઢ, કપડવંજ, આણંદ, સાબરકાંઠા વગેરે સ્થળોએ આવેલાં છે.

ઔષધઉત્પાદન અને આયુર્વેદ : ગુજરાતમાં ઔષધનિર્માણ ઉદ્યોગે હવે આયુર્વેદિક ઔષધો ગોળીઓ કેપ્સ્યૂલ વગેરે રૂપે બનાવવા માંડ્યાં છે. આવાં ઔષધોની ચિકિત્સા-અજમાયશ પણ ચિકિત્સકો કરે છે અને રિપોર્ટ બહાર પાડે છે.

મૂકેશ પટેલ

યોગેન્દ્ર કૃ. જાની

જ. પો. ત્રિવેદી