ઔષધકોશ (pharmacopaea) : ફાર્માસિસ્ટને ઔષધો અંગેની વિવિધ પ્રકારની માહિતી પૂરી પાડતો પ્રમાણભૂત અધિકૃત ગ્રંથ. ‘ફાર્માકોપિયા’ શબ્દ ગ્રીક ‘pharmakon = ઔષધ’ અને ‘poicin = બનાવવું’ ઉપરથી બનેલો છે. આ ગ્રંથનું કાર્યક્ષેત્ર જે તે ભૌગોલિક પ્રદેશ પૂરતું મર્યાદિત હોય છે. આધુનિક અર્થમાં જોઈએ તો ‘ફાર્માકોપિયા’ એટલે શાસકીય એકમના ઔષધશાસ્ત્રના નિષ્ણાતો દ્વારા માન્ય કરાયેલાં ઔષધોની ઓળખ, ગુણવત્તા, તેમાંના ઘટકો અને પ્રબળતા(strength)નું એકસરખાપણું જાળવવાના આશયથી નક્કી કરાયેલ માનકોની વિગતો આપતો ગ્રંથ. આ માનકો ઔષધનિર્માણ કરનાર માટે ફરજિયાત છે. વળી આ ગ્રંથમાં અપરિષ્કૃત (crude) ઔષધો, શુદ્ધ ઔષધો, તેમાંથી તૈયાર કરાતાં વિવિધ પ્રરૂપો (formulations) તથા ઔષધોની બનાવટમાં વપરાતા વિવિધ યોજ્યો(additives)ને તથા ઔષધોને આવરી લેવામાં આવે છે.
સોળમી અને સત્તરમી સદીમાં ફાર્મસી-વ્યવસાયમાં ક્રાંતિકારી સુધારા થયા હતા. 1546માં પ્રથમ ફાર્માકોપિયા પ્રસિદ્ધ થયો હતો. બાઝલ(સ્વિટ્ઝર્લૅન્ડ)માં 1561માં, ઓગ્સબર્ગ(પશ્ચિમ જર્મની)માં 1564માં, અને લંડનમાં 1618માં આવા પ્રયત્નો થયા હતા.
બ્રિટિશ ફાર્માકોપિયા : પ્રથમ રાષ્ટ્રીય ફાર્માકોપિયા 1618માં લંડનમાં પ્રસિદ્ધ થયો હતો. ‘ફાર્માકોપિયા લોન્ડેનેન્સિસ’ની 1851 સુધી વિવિધ આવૃત્તિઓ પ્રકાશિત થતી રહી હતી. તેમાંથી બ્રિટિશ ફાર્માકોપિયાનો ઉદભવ થયો. લંડન, એડિનબરો અને ડબ્લિન ફાર્માકોપિયાનું સંકલન કરવાના પ્રયત્નરૂપ બ્રિટિશ ફાર્માકોપિયાનું નિર્માણ થયું. મેડિકલ ઍક્ટ, 1858માં દર્શાવેલ સત્તાના આધારે નિમાયેલ જનરલ મેડિકલ કાઉન્સિલે 100 વર્ષ સુધી આ ફાર્માકોપિયાને પ્રસિદ્ધ કરવાની જવાબદારી સંભાળી હતી. નવાં ઔષધોની શોધ અને તેમના વ્યાપક ઉપયોગને ધ્યાનમાં રાખતાં લાંબા ગાળાનાં અનિયમિત પ્રકાશનોને નિયમિત બનાવવાની જરૂરિયાત હતી. 1948ની ફાર્માકોપિયાની સાતમી આવૃત્તિ પછી દર પાંચ વર્ષે નવી આવૃત્તિ બહાર પાડવામાં આવી હતી (દા.ત., 1953, 1958, 1963ની આવૃત્તિઓ). આ પાંચ વર્ષના ગાળામાં પણ સંશોધનને કારણે વ્યાપક સુધારાવધારા દાખલ કરવા પડ્યા હતા. આ માટે ફાર્માકોપિયાની પુરવણી બહાર પાડવાની પ્રથા શરૂ થઈ. પ્રથમ વધારો 1874માં અને બ્રિટિશ ફાર્માકોપિયા 1963ના બે વધારા 1964 અને 1968માં બહાર પડ્યા હતા. આમ છતાં ફાર્માકોપિયા ચિકિત્સાપદ્ધતિના સમગ્ર ક્ષેત્રને આવરી લેતું નથી. તેથી ફાર્માકોપિયાની પુરવણીરૂપ અલગ ગ્રંથરચનાની જરૂર જણાઈ. આ ગ્રંથો બ્રિટિશ નૅશનલ ફૉર્મ્યુલરી (N. F.) અને બ્રિટિશ ફાર્માસ્યૂટિકલ કોડેક્સ (B. P. C.) તરીકે ઓળખાય છે.
બ્રિટિશ નૅશનલ ફૉર્મ્યુલરીમાં ચાલુ વપરાશની બનાવટો અંગેનાં વિવરણો(monographs)નો સમાવેશ કરવામાં આવે છે. આ પુસ્તક માનકો પ્રસ્થાપિત કરતો ગ્રંથ નથી, જ્યારે બ્રિટિશ ફાર્માકોપિયા અને બ્રિટિશ ફાર્માસ્યૂટિકલ કોડેક્સમાં આવરી લીધેલા પદાર્થો પ્રમાણભૂત (standard) પદાર્થો ગણાય છે. આમ છતાં આ બે વચ્ચે મોટો તફાવત પણ છે. કોડેક્સમાં ઘણાં વધુ ઔષધો અને બનાવટોનો ઉલ્લેખ હોય છે. કેટલાંક ઔષધો ફાર્માકોપિયામાં સ્થાન મેળવે તે પહેલાં તેમનો સમાવેશ કોડેક્સમાં કરવામાં આવે છે અને પાછળથી તે ફાર્માકોપિયામાં દાખલ કરવામાં આવે છે અને તેમને અધિકૃત દરજ્જો મળે છે; જ્યારે કેટલાંક ઔષધોને પહેલેથી જ અધિકૃત દરજ્જો મળ્યો હોવા છતાં ચાલુ વપરાશની અર્થપૂર્ણતા, વિશાળતા, મહત્વ તથા બહોળી ઉપયોગિતાને લીધે તે ઔષધોને કોડેક્સમાં રખાય છે. કોડેક્સમાં ઔષધોનો ઉપયોગ, તેની અસરો, ઝેરી પદાર્થોના કિસ્સામાં ઝેર વ્યાપી ગયું હોય ત્યારે તે અંગેનો ઉપાય તથા તેનું મારણ (antidote) વગેરે પણ આપવામાં આવે છે. કોડેક્સમાં મૂળ ઔષધોની ઉપલબ્ધિ ધ્યાનમાં રાખીને વિવિધ ઔષધયોગો(for-mulations)નો સમાવેશ કરવામાં આવેલો હોય છે.
યુનાઇટેડ સ્ટેટ્સ ફાર્માકોપિયા (U. S. P.) : સૌપ્રથમ 1820માં ‘ફાર્માકોપિયા ઑવ્ યુનાઇટેડ સ્ટેટ્સ’ નામથી અમેરિકામાં બહાર પડ્યો. 1940 સુધી દર દસ વર્ષે અને ત્યારપછી દર પાંચ વર્ષે તેની સુધારેલી આવૃત્તિઓ પ્રકાશિત થતી હતી. ત્યારબાદ બ્રિટિશ ફાર્માકોપિયાની નવી આવૃત્તિ સાથે તેનું પ્રકાશન એકાંતરે થાય તે માટે બે વર્ષનો ગાળો રાખીને તેની સોળમી આવૃત્તિ 1960માં બહાર પાડી. તેની સત્તરમી આવૃત્તિ 1965માં અને તેની પ્રથમ પૂર્તિ 1967માં બહાર પાડવામાં આવી હતી. આ ફાર્માકોપિયાનું પ્રકાશન અમેરિકાની જુદી જુદી ફાર્માસ્યૂટિકલ સંસ્થાઓના પ્રતિનિધિઓની બનેલી સમિતિ સંભાળે છે અને તેનાં માનકો અમેરિકામાં અધિકૃત દરજ્જો ભોગવે છે.
ફાર્માકોપિયા ઉપરાંત નૅશનલ ફૉર્મ્યુલરી (N.F.) પણ અમેરિકામાં બહાર પાડવામાં આવે છે. ફાર્માકોપિયામાં નિદર્શ ન કરાયેલાં હોય છતાં વ્યાપક વપરાશમાં હોય તેવાં ઔષધોની માત્રાના પ્રકારો, નામો ઔષધયોગો, તેનાં ધોરણો અને પ્રમાણોને પ્રચલિત કરવાના હેતુથી તેમનો સમાવેશ નૅશનલ ફૉર્મ્યુલરીમાં કરવામાં આવે છે.
ઇન્ડિયન ફાર્માકોપિયા (I. P.) : ભારત સરકારે 1944માં ડ્રગ ટેકનિકલ એડવાઇઝરી બૉર્ડને બ્રિટિશ ફાર્માકોપિયામાં સમાવેશ ન કરાયેલાં હોય તેવાં ઔષધોની સૂચિ બનાવવાનું કાર્ય સોંપ્યું. ઓળખ અને શુદ્ધિ નક્કી કરવા માટેની કઈ કસોટીઓ અપનાવવી જોઈએ, અધિકૃત ફાર્માકોપિયામાં સમાવેશ કરવા માટેનું સમર્થન અને તે ઔષધોની ઉપયોગિતા નક્કી કરવા માટે કયાં પ્રમાણો લેવામાં આવે તેની યાદી બનાવવા માટે એક ખાસ સમિતિ પણ નીમવામાં આવી હતી. સમિતિ દ્વારા બનાવેલી યાદીને બૉર્ડની ભલામણના આધારે ભારત સરકારે ‘ઇન્ડિયન ફાર્માકોપિયાની યાદી 1948’ના નામથી પ્રકાશિત કરી. સાત વર્ષ બાદ 1955માં ઇન્ડિયન ફાર્માકોપિયાની પ્રથમ આવૃત્તિ બહાર પડી. બીજી આવૃત્તિ 1966માં, પુરવણી અને ત્રીજી આવૃત્તિ 1975માં પ્રકાશિત થઈ છે.
ઇન્ડિયન ફાર્માસ્યૂટિકલ કોડેક્સ (I. P. C.) 1947માં પ્રકાશિત થયો. આ ગ્રંથના પ્રથમ ખંડમાં પ્રાકૃતિક, વનસ્પતિજન્ય અને પ્રાણીજન્ય પદાર્થોને આવરી લેવામાં આવ્યા છે. દ્વિતીય ખંડમાં ગેલેનિકલ્સના પસંદ કરાયેલ ઔષધયોગો અને ઔષધોની બીજી બનાવટોને આવરી લેવામાં આવેલ છે. ઔષધોની બનાવટોમાં એકરૂપતા લાવવા તથા તેના ઉત્પાદકોને સહાયરૂપ થવાના ઉદ્દેશથી આ પ્રકારના ગ્રંથોનું આયોજન કરવામાં આવ્યું છે.
ઇન્ટરનૅશનલ ફાર્માકોપિયા : વિવિધ દેશોમાં એક જ પ્રકારના ઔષધપત્ર (prescription) પ્રમાણે જરૂરી ઔષધો મળતાં રહે તે માટે વિવિધ દેશોનાં સ્થાપિત ધોરણો, ઔષધોની ગુણવત્તા અને નામને કારણે થતો ગૂંચવાડો દૂર કરવાના આશયથી એકત્ર કરાયેલી સૂચિ ‘ઇન્ટરનૅશનલ ફાર્માકોપિયા’ના શીર્ષક તળે પ્રસિદ્ધ કરવામાં આવી છે. આ ઉપરાંત વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન (WHO) તરફથી ‘ફાર્માકોપિયા ઇન્ટરનૅશનલ’ પણ પ્રકાશિત થયેલ છે. આનો પ્રથમ ભાગ 1951માં તથા બીજો ભાગ 1955માં પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. વૈશ્વિક ઉપયોગિતાને લક્ષમાં લેતાં ઔષધોનાં નામો, રસાયણો તથા સૂચવેલ બનાવટોનાં નામો લૅટિન ભાષાનાં આપવામાં આવ્યાં છે. આ ફાર્માકોપિયાને કાયદેસર દરજ્જો મળ્યો નથી.
ફાર્માકોપિયાનું માળખું : ફાર્માકોપિયાના અગત્યના વિભાગો નીચે પ્રમાણે છે :
(i) પ્રસ્તાવના : પ્રસ્તુત આવૃત્તિમાં કયા ફેરફારો કરવામાં આવ્યા છે તેની સંક્ષિપ્ત માહિતી અહીં આપવામાં આવે છે. આ ઉપરથી ફાર્મસી ક્ષેત્રમાં થયેલ પ્રગતિનો ખ્યાલ આવે છે.
(ii) અધિકૃત ઔષધ, તેમના યોગો અને પદાર્થો અંગેનાં વિવરણો અનુસાર ચોક્કસ ક્રમમાં ગોઠવવામાં આવે છે જેથી દરેક ઔષધની માહિતી એકધારી પ્રથા અનુસાર હોય. વિવરણની શૈલી ચીલાચાલુ હોવા છતાં તેમાંથી ઘણા પ્રકારની માહિતી મળે છે; દા.ત., મુખ્ય શીર્ષક, પેટાશીર્ષક, રાસાયણિક સૂત્ર, અણુભાર, રસાયણશાસ્ત્રીય નામ, બનાવટ અંગેની શક્ય પદ્ધતિઓ, શુદ્ધતા અથવા તેની માત્રાનાં પ્રમાણદર્શક નિવેદનો અને વિવિધ દ્રાવકોમાં ઔષધની દ્રાવ્યતાને લગતાં નિવેદનો, મુકરર (prescribed) અને બિનમુકરર (unprescribed) પરખ માટેની કસોટીઓ; દા.ત., ઉત્કલનબિન્દુ, શુદ્ધતાની કસોટીઓ, ગલનબિન્દુ, નિસ્યંદનમર્યાદા (distilation range), વજન વગેરે, પરીક્ષણની રીતો, સંઘરવા(packaging)ની અથવા નામચિઠ્ઠી(labelling)ની રીતો, તેમાંથી બનતા યોગો, ઔષધોની જૈવિક અસર, તેના ઉપયોગો અને ઔષધની માત્રા (dose) વગેરેની માહિતી પણ અહીં અપાય છે.
(iii) પરિશિષ્ટ : વિવિધ કસોટીઓ અને માત્રાત્મક પૃથક્કરણમાં વપરાતાં દ્રાવણો અને બીજાં પ્રક્રિયકો માટે નિયત થયેલાં પ્રમાણોની માહિતી, સામાન્ય કસોટીઓ અને વપરાતી રીતોની વિગતો આ વિભાગમાં આપવામાં આવે છે.
માર્ટિન્ડેલ એક્સ્ટ્રા ફાર્માકોપિયા : તબીબ અને ફાર્મસિસ્ટ માટે ઔષધો, તેના ગુણધર્મો, પ્રક્રિયાઓ અને ઉપયોગોની ટૂંકી વિગત આપવાના આશયથી 1883માં વિલિયમ માર્ટિન્ડેલે ‘એક્સ્ટ્રા-ફાર્માકોપિયા’ નામનો ગ્રંથ તૈયાર કર્યો. 1982માં તેની અઠ્ઠાવીસમી આવૃત્તિ બહાર પાડવામાં આવી, જે ‘માર્ટિન્ડેલ’ તરીકે ઓળખાય છે. આ આવૃત્તિમાં ઔષધોની અસરના પ્રકાર ઉપર વિસ્તૃત પ્રકાશ પાડવામાં આવેલ છે. આ પુસ્તક બધા જ દેશોમાં ઉપયોગમાં લેવામાં આવે છે; પણ તેને અધિકૃત દરજ્જો ન મળ્યો હોઈ તે માનકગ્રંથ ગણાતો નથી.
ડૉક્ટરોને તથા સામાન્ય જનસમુદાયને ઔષધને ઉપયોગમાં લેવાની જરૂરી માહિતી આપવાના આશયથી અમેરિકામાં ‘USPDI for health care provider’ તથા ‘USPDI for patient’ નામના બે ગ્રંથ બહાર પાડે છે; એમાં USPની જે તે આવૃત્તિમાંનાં અધિકૃત ઔષધોનું વિસ્તૃત વર્ણન તથા ઔષધને કયા પ્રકારે લેવાં, કયા ખોરાક સાથે, કેટલા પ્રમાણમાં લેવાં અને કઈ આડ-અસરો સામાન્ય છે, કઈ આડ-અસરો જણાય તો ડૉક્ટરનો સંપર્ક સાધવો વગેરે વિગતો સામાન્ય જનસમુદાયને સમજાય તેવી ભાષામાં લખેલી છે.
‘USPDI for patient’ કદાચ વિશ્વનો સર્વપ્રથમ ઔષધનો ગ્રંથ હશે કે જેમાં સામાન્ય જનસમુદાયને ધ્યાનમાં રાખી ઔષધનું વર્ણન કરવામાં આવ્યું હોય.
ઉર્વિશ પાઠક