ઔરંગાબાદ (મહારાષ્ટ્ર) : મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક અને શહેર. ભૌગોલિક સ્થાન : તે 19o 53′ ઉ. અ. અને 75o 20′ પૂ. રે.ની આજુબાજુનો આશરે 10,106 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે જલગાંવ, પૂર્વે જાલના, દક્ષિણે બીડ અને અહમદનગર તથા પશ્ચિમે અહમદનગર તેમ જ નાસિક જિલ્લા આવેલા છે. જિલ્લામથક જિલ્લાની લગભગ મધ્યમાં આવેલું છે. જિલ્લાનો મોટોભાગ ગોદાવરી થાળામાં આવેલો છે, જ્યારે ઉત્તર અને વાયવ્ય તરફનો થોડોક ભાગ તાપી થાળામાં આવેલો છે. જિલ્લા સરહદનો આકાર ત્રિકોણ જેવો છે, તેની દક્ષિણ બાજુ ગોદાવરી નદી સાથે તથા ઉત્તર બાજુ અજંટા ટેકરીઓના ઈશાન ફાંટા સાથે ભળી જાય છે. આ અજંટા ટેકરીઓ સ્વયં આ જિલ્લાની કુદરતી સરહદ બની રહે છે.
ભૂપૃષ્ઠ–જળપરિવાહ : આ જિલ્લો સહ્યાદ્રિ હારમાળામાંથી દક્ષિણ તરફી ઢોળાવ ધરાવતા દખ્ખણના ઉચ્ચપ્રદેશનો એક ભાગ રચે છે. તે દખ્ખણના ઉચ્ચપ્રદેશનું લાક્ષણિક ભૂપૃષ્ઠ ધરાવે છે. અહીંની મુખ્ય નદી ગોદાવરી છે. તે જિલ્લાની દક્ષિણ સીમા બનાવે છે. પૂર્ણા તેની મોટામાં મોટી સહાયક નદી છે. અન્ય સહાયક નદીઓમાં શિર્ણા, ધેન્ડા, ખામ, ધેકુ, યેરભદ્રા અને ગાહતીનો સમાવેશ થાય છે. ખેલના, ગિરજા અને દૂધના પૂર્ણાની સહાયક નદીઓ છે.
ખેતી–પશુપાલન : દખ્ખણના લાવાના ઉચ્ચપ્રદેશીય જ્વાળામુખી ટ્રેપ ખડકોમાંથી તૈયાર થયેલી કપાસની કાળી માટીની જમીનો ખૂબ જ ફળદ્રૂપ છે; જેમાં કપાસ, જુવાર, બાજરી જેવા ખરીફ પાકો અને ઘઉં, મગફળી અને કઠોળ જેવા રવી પાકો લેવાય છે. સ્થાન, ઊંડાઈ અને કણરચનાની ર્દષ્ટિએ આ જમીનો જુદા જુદા ભાગોમાં ઓછીવત્તી ફળદ્રૂપ બની રહેલી છે. ગાયો અને ભેંસો આ જિલ્લાનાં મુખ્ય પાલતુ પશુઓ છે.
ઉદ્યોગ–વેપાર : તાજેતરનાં વર્ષો દરમિયાન આ જિલ્લાએ ઔદ્યોગિક ક્ષેત્રે ઘણી પ્રગતિ સાધેલી છે. આ જિલ્લાના મુખ્ય ઉદ્યોગોમાં ઍક્રો ઇન્ડિયા લિ., ઑટોમોબાઇલ પ્રૉડક્ટ્સ ઑવ્ ઇન્ડિયા લિ., ઔરંગાબાદ પેપર મિલ્સ લિ., બજાજ ઑટો લિ., સિયેદ લિ., કોલગેટ-પામોલિવ (ઇન્ડિયા) લિ., કૉસ્મો ફિલ્મ્સ લિ., સીકે દૈનિક લિ., ગ્રીવ્ઝ કૉટન ઍન્ડ કં. લિ., ગરવારે મરીન ઇન્ડસ્ટ્રીઝ લિ., આઇવીપી લિ., જૈન સ્પિનર્સ લિ., લૉર્કોમ (પ્રોટેક્ટિવ્સ) લિ., નાથ પલ્પ ઍન્ડ પેપર મિલ્સ લિ., ધ ટાટા ઑઇલ મિલ્સ કંપની લિ., વિડિયોકૉન એપ્લાયન્સિસ લિ. વગેરેનો સમાવેશ થાય છે.
આ જિલ્લામાં કપાસ, રેશમી કાપડ, હીમરું કાપડ, હાથવણાટનું કાપડ, ખાંડ, ગોળ, બીડીનું ઉત્પાદન લેવાય છે. આ બધી ચીજવસ્તુઓની નિકાસ થાય છે; જ્યારે અનાજ, ઘઉં, જુવાર, કાપડ અને તમાકુની આયાત કરાય છે.
પરિવહન : ઔરંગાબાદ મુંબઈથી આશરે 375 કિમીને અંતરે આવેલું છે. મુંબઈથી ઔરંગાબાદ જવા માટે મનમાડ સુધીની મીટરગેજ રેલવે દ્વારા તથા ત્યાંથી સડકમાર્ગે જઈ શકાય છે. આ શહેર આજુબાજુનાં શહેરો, નગરો અને ગામડાં સાથે માર્ગોથી સંકળાયેલું છે.
પ્રવાસન : ઇલોરા અને અજંટાની ગુફાઓ ખૂબ જ પ્રખ્યાત છે, જેમનાં શિલ્પો જોવા દુનિયાભરમાંથી પ્રવાસીઓની અવરજવર રહે છે. અજંટાની ગુફાઓ તરફ ઔરંગાબાદ અને જલગાંવથી જઈ શકાય છે. ઔરંગાબાદ શહેરથી તે આશરે 100 કિમી. અંતરે આવેલી છે. આ ગુફાઓ તેમનાં પ્રાચીન ચિત્રો માટે જાણીતી છે. ઇલોરાની ગુફાઓ ઔરંગાબાદ-ચાલીસગાંવ રાજ્ય ધોરી માર્ગ પર ઔરંગાબાદથી માત્ર 24 કિમી દૂર આવેલી છે. તે બૌદ્ધ, જૈન અને બ્રાહ્મણી શૈલીનાં શિલ્પો રજૂ કરે છે તથા પ્રાચીન સ્થાપત્યનો ઉત્તમ નમૂનો પૂરો પાડે છે; એટલું જ નહિ, તે હજારો વર્ષો પછી આજે પણ એટલી જ જીવંત લાગે છે. તેની પાછળની ઇજનેરી, કલા અને ચિત્રોની ભવ્યતા અને પૂર્ણતા પ્રભાવક છે.
અહીં આવેલો દોલતાબાદ કિલ્લો ઐતિહાસિક તેમજ ધાર્મિક મહત્વ ધરાવે છે. આ કિલ્લાની ટોચ પર જનાઈન સ્વામીની સમાધિ છે. આ કિલ્લો અને આ કિલ્લાના નીચેના ભાગમાં આવેલો ચાંદ મિનારો બંને પ્રવાસીઓ માટે આકર્ષણનાં કેન્દ્રો છે. અહીં નજીકમાં જ આવેલું વેરુળ ખાતેનું ઘૃષ્ણેશ્વર મંદિર ભારતનાં બાર જ્યોતિર્લિંગો પૈકીનું એક છે. એ જ રીતે રાજુર ગણપતિના મંદિર માટે જાણીતું છે.
ઔરંગાબાદ નજીક આવેલું પૈઠણ એકનાથ, ભાનુદાસ અને મુક્તેશ્વર જેવા જાણીતા સંતોની જન્મભૂમિ છે, સૈકાઓથી ધાર્મિક સ્થળ તરીકે તેનું ખૂબ મહત્વ અંકાતું આવ્યું છે. આ ઉપરાંત પૈઠણે રેશમી અને જરીભરતની સાડીઓનું આંતરરાષ્ટ્રીય બજાર ઊભું કરેલું છે. પૈઠણ ખાતે તાજેતરમાં નિર્માણ પામેલા જાયકવાડી પ્રકલ્પને કારણે તેનું મહત્વ વધ્યું છે. ગોદાવરી નદી પરના આ બંધને અને જળાશયને સંત એકનાથની યાદમાં ‘નાથસાગર’ નામ અપાયું છે.
ઔરંગાબાદથી 25 કિમીને અંતરે આવેલું ખુલદાબાદ ગામ મુસલમાનોના મહત્વના ધાર્મિક સ્થળ તરીકે ખ્યાતિ પામેલું છે. ખુલદાબાદથી 10 કિમી. અંતરે આવેલી ટેકરીઓના મથાળે માહિષમલ ગિરિમથક વિકસાવવાની યોજના છે. આ ગામમાં ઘણા બગીચા અને કબરો છે.
ઔરંગાબાદ શહેર મુઘલોના સમયથી એક ઐતિહાસિક સ્થળ ગણાતું આવેલું છે. અહીં આવેલો બીબીનો મકબરો તેમજ પવનચક્કી પણ જોવાલાયક છે.
આ જિલ્લામાં ઊજવાતા મેળાઓમાં કાલુબાબા મેળો, મુંતજાબુદ્દીન ઝરઝરી ઝરબક્ષ દુલ્હન ઉર્સ, પંચમુખી મહાદેવ અને દુર્ગામાતાના મેળા મુખ્ય છે. આ ઉપરાંત જિલ્લાનાં જુદાં જુદાં સ્થળોમાં વારતહેવારે જુદા જુદા ઉત્સવો થાય છે.
વસ્તી – લોકો : 2011 મુજબ આ જિલ્લાની વસ્તી 36,95,928 જેટલી છે, તે પૈકી પુરુષો અને સ્ત્રીઓનું સંખ્યાપ્રમાણ લગભગ સરખું છે. ગ્રામીણ અને શહેરી વસ્તીનું પ્રમાણ અનુક્રમે 66 % અને 33 % જેટલું છે. જિલ્લામાં હિન્દુ અને મુસ્લિમ વસ્તી વિશેષ છે, ખ્રિસ્તી અને બૌદ્ધ લોકોની વસ્તી મધ્યમ છે; જ્યારે જૈનો અને શીખ લોકોનું પ્રમાણ ઓછું છે. સાક્ષરતાનું પ્રમાણ આશરે 60 % જેટલું છે.
જિલ્લામાં શહેરી અને ગ્રામીણ વસ્તીના પ્રમાણ મુજબ પ્રાથમિકથી માંડીને ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓની સંખ્યા પ્રમાણસરની છે. જિલ્લામાં આવેલાં કુલ ગામો પૈકી 45.5 % ગામોમાં તબીબી સેવાસંસ્થાઓ ઉપલબ્ધ છે. ઔરંગાબાદ ખાતે આકાશવાણીનું મથક આવેલું છે, તેમજ ‘લોકમત’ – મરાઠી દૈનિક સમાચારપત્ર નીકળે છે. વહીવટી સરળતા માટે જિલ્લાને 8 તાલુકાઓ અને 8 સમાજવિકાસ ઘટકોમાં વહેંચેલો છે.
ઇતિહાસ : જિલ્લાનું ઔરંગાબાદ નામ જિલ્લામથક ઔરંગાબાદ પરથી પડેલું છે. મુર્તઝા નિઝામ શાહ બીજાના મુખ્ય પ્રધાન મલિક અંબરે 1610માં ખિડકી નામના ગામના સ્થળે આ શહેર સ્થાપેલું. 1626માં તેના મૃત્યુ બાદ તેના સ્થાને મુખ્ય પ્રધાન તરીકે આવેલા તેના પુત્ર ફતેહખાને તેનું નામ ‘ફતેહપુર’ રાખેલું. 1653માં જ્યારે ઔરંગઝેબે દખ્ખણના અહીંના પ્રદેશ પર ચઢાઈ કરેલી, ત્યારે તેણે ફતેહપુરને અહીંની રાજધાની બનાવેલી અને તેનું નામ ‘ઔરંગાબાદ’ રાખેલું. ત્યારથી આ શહેર ઔરંગાબાદ નામથી ઓળખાતું આવ્યું છે.
નજીકના જિલ્લામાં કરવામાં આવેલાં પુરાતત્વીય ઉત્ખનનોમાંથી જાણવા મળેલું છે કે આ વિસ્તાર પ્રારંભિક પાષાણયુગ વખતે પણ ઉપયોગમાં લેવાતો હતો. ઉત્ખનનોમાંથી જાણવા મળ્યા મુજબ આ સ્થળની જૂનામાં જૂની તવારીખ આદિ કાંસ્ય યુગ(1500-1000 ઈ. પૂ.થી 500 ઈ. પૂ.)ની ગણાય. સમય વીતવા સાથે આ પ્રદેશ પ્રાચીન, મધ્યયુગ-(મુઘલ અને મરાઠા)ના નિઝામ રાજવીઓના શાસન હેઠળ રહેલો.
આ જિલ્લાના ત્રીજા ભાગનો વિસ્તાર નિઝામના શાસન હેઠળ ‘જાગીર’ ગણાતો હતો. 1949માં તેને ભારત સરકારમાં ભેળવી દેવાયો. એ વખતે તો ઔરંગાબાદ જિલ્લો હૈદરાબાદ રાજ્યમાં હતો. 1950માં સરહદી આંકણી વખતે ખુલદાબાદ અને જાફરાબાદ તાલુકાઓનો પણ તેમાં સમાવેશ કરવામાં આવ્યો. 1953માં સૂઈગાંવ તાલુકો પણ તેમાં ઉમેરાયો. 1956માં આ જિલ્લાને મુંબઈ રાજ્યમાં અને 1960થી તેને મહારાષ્ટ્ર રાજ્યમાં મૂકવામાં આવ્યો છે.
શહેર : મહારાષ્ટ્ર રાજ્યના ઔરંગાબાદ જિલ્લાનું વહીવટી મથક અને શહેર. આ શહેર તેના કલાત્મક રેશમી વસ્ત્રો માટે, વિશેષે કરીને શાલ માટે જાણીતું છે. આ શહેર મરાઠાવાડા યુનિવર્સિટી(1958)નું મુખ્ય મથક છે. આ વિભાગનું તે આગળ પડતું શૈક્ષણિક કેન્દ્ર છે. તેની સાથે ઘણી કૉલેજો સંકળાયેલી છે.
1610માં મલિક અંબરે તેની સ્થાપના કરી ત્યારે તેનું મૂળ નામ ‘ખિડકી’ હતું. મુઘલ શહેનશાહ ઔરંગઝેબે તેના શાસનકાળ દરમિયાન અહીં તાજમહાલની પ્રતિકૃતિ સમા ‘બીબી કા મકબરા’નું નિર્માણ કર્યું, તે વખતે ઔરંગાબાદ નામ આપ્યું.
અગાઉ ઔરંગાબાદ નિઝામની રિયાસતનું વડું મથક રહેલું, પરંતુ તેનું પતન થતાં પાટનગરને હૈદરાબાદ ખાતે લઈ જવાયું. 1947માં હૈદરાબાદ રાજ્યની રચના થતાં ઔરંગાબાદનો સમાવેશ તેમાં કરવામાં આવેલો. ત્યારબાદ ભાષાવાર રાજ્યોની પુનર્રચના વખતે ઔરંગાબાદ જિલ્લાને મહારાષ્ટ્રમાં મૂકવામાં આવેલો છે.
પ્રવીણચંદ્ર વોરા
ગિરીશભાઈ પંડ્યા
નીતિન કોઠારી