ઔદ્યોગિક શાખ અને મૂડીરોકાણ નિગમ (ભારતીય) (ICICI)

February, 2004

ઔદ્યોગિક શાખ અને મૂડીરોકાણ નિગમ (ભારતીય) (ICICI) : ભારતમાં ખાનગી ઔદ્યોગિક એકમોના વિકાસની પ્રક્રિયામાં મદદરૂપ થવા માટે ઊભી કરવામાં આવેલી વિશિષ્ટ નાણાસંસ્થા. જાન્યુઆરી 1955માં સ્થાપવામાં આવેલું આ નિગમ સંપૂર્ણપણે ખાનગી માલિકીનું સાહસ છે. તેની અધિકૃત મૂડી રૂ. 25 કરોડ અને ભરપાઈ થયેલી મૂડી રૂ. 15 કરોડ છે. નવા ઔદ્યોગિક એકમોના વિકાસને વેગ આપવો, ચાલુ એકમોને વિસ્તરણ તથા આધુનિકીકરણ માટે નાણાકીય સહાય આપવી અને ઔદ્યોગિક એકમોને ટેકનિકલ, સંચાલનવિષયક તેમજ વહીવટી સલાહ આપવી એ નિગમના મુખ્ય ઉદ્દેશ છે.

આ નિગમ મધ્યમ અને નાના ઔદ્યોગિક એકમોને લાંબા ગાળાનું તેમજ મધ્યમ ગાળાનું ધિરાણ ભારતીય ચલણમાં તેમજ વિદેશી હૂંડિયામણ રૂપે આપે છે; ધિરાણ આપનાર અન્ય સંસ્થાઓને લોન ભરપાઈ થાય તે અંગે ગેરંટી આપે છે; શેરો ખરીદે છે; શેરો અને ડિબેન્ચરોના બાંયધરી કરાર કરે છે; ટેકનિકલ, સંચાલકીય અને વહીવટી સલાહ આપે છે. તે માત્ર જમીન, મકાન, યંત્રો અને ઓજારોની ખરીદી માટે નાણાકીય સહાય આપે છે. સહાયનું લઘુતમ પ્રમાણ રૂ. 5 લાખ છે. આરંભમાં માત્ર ખાનગી ક્ષેત્રના એકમોને સહાય પૂરી પાડવાનો હેતુ હતો. હવે જાહેર ક્ષેત્ર, સંયુક્ત ક્ષેત્ર અને સહકારી ક્ષેત્રના એકમોને પણ તે સહાય આપે છે. ભારતના પછાત વિસ્તારોમાં નવા ઉદ્યોગોના વિકાસ તરફ તે સવિશેષ ધ્યાન આપે છે.

નાણાકીય વર્ષ 2000-2001 દરમિયાન નિગમે મંજૂર કરેલી સહાયની રકમ રૂ. 56,092 કરોડ અને વહેંચેલી સહાયની રકમ રૂ. 31,964 કરોડ હતી. 50 ટકાથી વધુ સહાય રસાયણ, પેટ્રોકેમિકલ્સ, ઇજનેરી ને ધાતુ ઉદ્યોગોને આપવામાં આવી છે. કુલ સહાયના એકંદરે 33 ટકાથી પણ વધુ સહાય એકલા મહારાષ્ટ્રને અને 40 ટકા સહાય ગુજરાત, પશ્ચિમ બંગાળ, તામિલનાડુ અને કર્ણાટક આ ચાર રાજ્યોને આપવામાં આવી છે. નિગમનું 30 માર્ચ 2001થી લાગુ પડે તેવી રીતે 3 મે 2001ના દિને આઇ.સી.આઇ. બૅંકમાં વિલીનીકરણ થયું છે તેથી નિગમનું આગવું અસ્તિત્વ હવે લુપ્ત થયું છે.

ગુલામહુસેન પીરભાઈ મલમપટ્ટાવાલા