ઔદ્યોગિક વિકાસ બૅંક – ભારતીય (Industrial Development Bank of India – IDBI) : ભારતના ઔદ્યોગિક વિકાસને વિવિધ સેવા દ્વારા પ્રોત્સાહન પૂરું પાડતી સરકાર પ્રેરિત નાણાં સંસ્થા. સ્થાપના : જુલાઈ 1964. ભારતીય રિઝર્વ બૅંકની અંગભૂત અને તેની માલિકી હેઠળની ઔદ્યોગિક ધિરાણ સંસ્થા તરીકે 3.200 કરોડના મૂડીરોકાણથી ઉદય થયો હતો, પરંતુ 1976માં તેના બંધારણમાં થયેલ ફેરફારો સાથે તેની સમગ્ર શૅરમૂડી કેન્દ્ર સરકારને હસ્તાંતરિત કરવામાં આવી તથા તેના સંચાલન માટે અલાયદું સંચાલકમંડળ (Board of Directors) નીમવામાં આવ્યું.
સંસ્થાની સ્થાપનાના મૂળ કાયદા (1964) હેઠળ તેને સોંપવામાં આવેલી ફરજોમાં ઔદ્યોગિક ધિરાણ આપતી દેશની નાણાસંસ્થાઓનાં કાર્યોનું સંકલન કરવું, ઔદ્યોગિક ક્ષેત્ર માટે નાણાંનો પ્રબંધ કરવો, નાણાકીય સાધનો સજ્જ (mobilise) કરવાં, ચાવીરૂપ ઉદ્યોગનું આયોજન કરીને અગત્યાનુક્રમ નિર્ધારણ દ્વારા ઔદ્યોગિક વિકાસને સુયોજિત પ્રોત્સાહન આપવું વગેરે બાબતોનો નિર્દેશ કરવામાં આવ્યો હતો. ભારતમાં બહુવિધ, વિસ્તૃત તથા સક્ષમ ઔદ્યોગિક વિકાસની પ્રક્રિયા દાખલ થાય તે દિશામાં આ સંસ્થાએ શરૂઆતથી જ ગતિશીલ નેતૃત્વ પૂરું પાડીને દેશની સર્વોચ્ચ ધિરાણ સંસ્થા તરીકે નામના મેળવી છે.
ફેબ્રુઆરી 1976માં સંસ્થાને નવો ઓપ આપવામાં આવ્યો અને તે મુજબ દેશના ઔદ્યોગિક ક્ષેત્રમાં સંયોજન, નવાં પ્રસ્થાન તથા ધિરાણ – આ ત્રણ સ્વરૂપે તેનાં કાર્યો ઊપસી આવે છે. હવે તેને પાંચ પ્રકારની જવાબદારી સોંપવામાં આવી છે : (1) દેશના ઔદ્યોગિક એકમોને પ્રાથમિક ધિરાણ આપવું, (2) ઔદ્યોગિક ધિરાણ આપતી અન્ય સંસ્થાઓ માટે કેન્દ્રરૂપ સંસ્થા (apex body) તરીકે કાર્ય કરવું, (3) ઔદ્યોગિક એકમોના શૅર તથા ડિબેન્ચરમાં રોકાણ કરવું, ઔદ્યોગિક એકમોના ન વેચાયેલા શૅરો ખરીદવાની કાનૂની જવાબદારી લેવી (underwriting), નાણાકીય સંસ્થાઓના નહિ ભરાયેલાં નાણાં માટે બાંયધરી આપવી. આવી સંસ્થાઓએ ખુલ્લા બજારમાંથી લીધેલી લોન તથા વર્ગીકૃત બૅંકો અને રાજ્ય સહકારી બૅંકોના નાણાં માટે બાંયધરી આપવી, (4) બૅંકો તથા અન્ય ધિરાણસંસ્થાઓએ ઔદ્યોગિક એકમોના ન વેચાયેલા શૅરો ખરીદવાની કાનૂની જવાબદારી લીધી હોય તો તે માટે બાંયધરી આપવી અને (5) યંત્રો, વાહનો કે ટ્રૅક્ટર્સ જેવાં અન્ય ઉપકરણોનાં સંવર્ધન, સમારકામ, પરીક્ષણ (testing) તથા જાળવણી (servicing) જેવી સેવા પૂરી પાડનાર એકમોને સહાય આપવી.
આ સંસ્થા હેઠળ ‘સ્મૉલ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ ફંડ’ ઊભું કરવામાં આવ્યું છે (1986-87), જેનાથી નાના પાયાના ઉદ્યોગોને સહાય મળે તથા તેમને સહાય આપતી અન્ય સંસ્થાઓના અસરકારક સંચાલન માટે નવું બળ પૂરું પાડી શકે તેવી કેન્દ્રવર્તી સંસ્થા ઊભી થઈ શકે. આ ભંડોળ દ્વારા ઔદ્યોગિક વિકાસ બૅંક નાના પાયાના તથા વિશેષે કરીને અતિ નાનાં અને ગ્રામવિસ્તારમાં આવેલા ઔદ્યોગિક એકમોને વિકાસના દરેક તબક્કે જરૂરી સેવા પૂરી પાડે છે. દા.ત., ધિરાણ, વિસ્તરણ-સેવા, નવાં સાહસોની શોધ, નિયોજકો માટે તાલીમ વગેરે.
દેશની ટોચની ઔદ્યોગિક ધિરાણ સંસ્થા તથા સંકલનકારી ઘટક હોવા ઉપરાંત દેશમાં થતા ઔદ્યોગિક વિકાસના પ્રયાસોને પ્રોત્સાહિત કરવામાં તથા તે દ્વારા ઔદ્યોગિક વિકાસના દરમાં વધારો કરવામાં આ સંસ્થાનો ફાળો નોંધપાત્ર રહ્યો છે. દેશના ઔદ્યોગિક રીતે પછાત વિસ્તારોના વિકાસને તે અગ્રિમતા આપે છે, નાના એકમોના વિકાસને ઉત્તેજન આપે છે, નવા સાહસિકોને પ્રોત્સાહન પૂરું પાડે છે, ઉદ્યોગોનું આધુનિકીકરણ તથા તેમનો ટેકનિકલ સ્તર ઊંચો રહે તે માટે સતત પ્રયત્નશીલ રહે છે, ઊર્જાના કરકસરયુક્ત ઉપયોગ માટેની પદ્ધતિઓ વિકસાવે છે અને ઔદ્યોગિક ક્ષેત્રને લગતા ટેકનિકલ તથા આર્થિક સંશોધન માટે સહાયરૂપ બને છે.
આ સંસ્થાના ઉપક્રમે તાજેતરમાં એક ‘વેંચર કૅપિટલ ફંડ’ ઊભું કરવામાં આવ્યું છે, જેનો ઉપયોગ સ્થાનિક (indigenous) ટેકનૉલોજી વિકસાવવા, તેનો યથાયોગ્ય ઉપયોગ કરવા તથા હાલના ઔદ્યોગિક માળખા સાથે તેનું અનુકૂલન સાધવા માટે થાય છે.
1990ના દાયકામાં આર્થિક મંદીનાં પરિબળો તેમજ વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતાને કારણે ભારતમાં ઔદ્યોગિક વિકાસની ગતિ ધીમી પડી હતી. નવી ઔદ્યોગિક પરિયોજનાઓનો સ્રોત પણ મંદ પડ્યો હતો. આ સંજોગોમાં ઔદ્યોગિક વિકાસ બૅંકનો વૈવિધ્યીકરણ તરફ ર્દષ્ટિ દોડાવવાની આવશ્યકતા ઊભી થઈ હતી. સપ્ટેમ્બર 1994માં તેણે આઇ. ડી. બી. આઇ. બૅંકની સ્થાપના કરી હતી. આ બૅંક 68 શહેરોમાં 97 શાખાઓ અને 264 એટીએમ કેન્દ્રો સાથે આશરે 8 લાખ ગ્રાહકોને સેવા પૂરી પાડે છે. 31 માર્ચ 2003ના રોજ તેનું મૂડીરોકાણ રૂ. 2,410 કરોડ. થાપણો રૂ. 6,032 કરોડ અને ધિરાણ રૂ. 4,325 કરોડ હતું. તેણે વર્ષ દરમિયાન રૂ. 71 કરોડનો નફો દર્શાવ્યો હતો.
ડિસેમ્બર 1994માં મૂડીબજારને પ્રોત્સાહન પૂરું પાડવા તેણે આઇ.ડી.બી.આઇ. કૅપિટલ માર્કેટ સર્વિસીઝ લિમિટેડની સ્થાપના કરી હતી. 31 માર્ચ 2003 સુધીમાં આ સંસ્થાએ અનુપૂરક બજાર(secondary market)માં સરકારી જામીનગીરીઓમાં રૂ. 1,00,000 કરોડથી વધુ રકમની લેવડદેવડ કરી હતી. આ જ વર્ષ દરમિયાન રિઝર્વ બૅંક ઑવ્ ઇન્ડિયા દ્વારા વેચાયેલ જામીનગીરીઓની હરાજીમાં રૂ. 1,25,000 કરોડથી વધુ રકમના મૂડીરોકાણનું આયોજન કર્યું હતું. આ સંસ્થાએ નૅશનલ સ્ટૉક એક્સચેંજ અને મુંબઈ સ્ટૉક એક્સચેંજમાં શૅરોના વ્યાપાર તેમજ હવાલા વ્યુત્પાદિત ખંડ માટે સંસ્થાકીય શૅરદલાલનું સભ્યપદ મેળવ્યું હતું. તેણે રૂ. 26,000 કરોડથી વધુ ભંડોળ ધરાવતા પેન્શન અને પ્રૉવિડન્ડ ફંડ માટે કાર્યવિભાગ સંચાલક તરીકે સેવા બજાવી હતી. સંસ્થાકીય અને સંસ્થાગત ઋણ મેળવવા માટે અંતરંગ વિનિયોજનનું કાર્ય સંભાળ્યું હતું. આ સંસ્થા શૅર, ઋણ, પારસ્પરિક ભંડોળનાં સાધનો, રિઝર્વ બૅંકના રિલીફ ફંડો તેમજ શૅર અનામત ભંડોળના વહીવટમાં સહયોગ તરીકે કાર્યશીલ છે.
માર્ચ 2000માં માહિતી ટેકનૉલોજીના વિસ્ફોટને અનુસરીને તેણે રૂ. 100 કરોડના મૂડીરોકાણથી આઇ.ડી.બી.આઇ. ઇન્ટેક લિમિટેડની શરૂઆત કરી હતી. આ સંસ્થા સીડબી, આઇ.ડી.બી.આઇ. બૅંક, નાબાર્ડ વગેરે સંસ્થાઓને સહાયરૂપ બનવા સૉફ્ટવૅર તેમજ તેને આનુષંગિક અનુરક્ષણ સેવાઓ પૂરી પાડે છે. 2002-03ના વર્ષમાં તેનો નફો રૂ. 228 કરોડ હતો.
2002-03ના અને સંસ્થાની શેર મૂડી રૂ. 626 કરોડ હતી. કુલ અસ્કામતો રૂ. 63116 કરોડ, અંદાજવામાં આવી હતી. વર્ષ દરમિયાન વિકાસ બૅંકે રૂ. 401 કરોડનો ચોખ્ખો નફો કર્યો હતો. પરંતુ તેનુ શ્રેય વ્યાજની વસૂલાત અને ખર્ચમાં કરકસરને આપી શકાય. 31 માર્ચ 2003 ના રોજ સંસ્થાએ રૂ. 57650 કરોડના ધિરાણ સાથે વસૂલાત કરવાની બાકી હતી. જે ઔદ્યોગિક માંદગીને લીધે પરત મેળવવામાં મુશ્કેલી અનુભવવી પડતી હતી. 2001-2002 વર્ષ દરમ્યાન રૂ. 13503 કરોડની ધિરાણ મંજૂરી સામે 2002-03ના વર્ષમાં ફકત રૂ. 2089 કરોડનું જ ધિરાણ કરવામાં આવ્યું હતું. ઔદ્યોગિક મંદીને કારણે વસૂલાતમાં ગણનાપાત્ર મુશ્કેલીઓ, વધતી જતી બિનકાર્યક્ષમ અસ્કામતો (Non Performing Ariels), ઘટતું જતું ધિરાણ વગેરેને કારણે સરકારે આ નાણાંકીય ધિરાણ સંસ્થાને બૅંકમાં તબદીલ કરવાનો નિર્ણય લીધો હતો.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે
જિગીશ દેરાસરી