ઔદ્યોગિક નાણાનિગમ (ભારતીય) (IFCI)
February, 2004
ઔદ્યોગિક નાણાનિગમ (ભારતીય) (IFCI) : ભારતમાં ખાનગી ક્ષેત્રની કંપનીઓ તથા સહકારી મંડળીઓની નાણાકીય જરૂરિયાતો પૂરી પાડવાના હેતુથી ઊભી કરવામાં આવેલી વિશિષ્ટ સંસ્થા. સ્વાતંત્ર્યપ્રાપ્તિ પછી ભારતમાં ઔદ્યોગિક વિકાસને વેગ આપવાના હેતુથી પ્રેરાઈને જુલાઈ, 1948માં સ્થાપવામાં આવેલું આ નિગમ દેશની સૌપ્રથમ અસ્તિત્વમાં આવેલી સરકારપ્રેરિત નાણાસંસ્થા છે. તેની અધિકૃત મૂડી રૂ. 10 કરોડ હતી તે 1985માં વધારીને રૂ. 30 કરોડ કરવામાં આવી હતી. નિગમ પોતાની મૂડી વધારવા ખુલ્લા બજારમાં ડિબેન્ચર અને બૉન્ડ બહાર પાડી શકે છે, જાહેર થાપણો સ્વીકારી શકે છે અને ભારતની રિઝર્વ બૅંક તેમજ વિશ્વ બૅંક પાસેથી ધિરાણ લઈ શકે છે.
આ નિગમ ખાનગી ક્ષેત્રની મર્યાદિત જવાબદારીવાળી જાહેર કંપનીઓ અને ખાનગી કંપનીઓ તેમજ સહકારી મંડળીઓને ધિરાણ આપે છે. મૅન્યુફૅક્ચરિંગ, ખાણકામ, વહાણવટું અને વીજળીનું ઉત્પાદન તથા વિતરણ કરતા એકમોને તે લાંબા અને મધ્યમ ગાળાનું ધિરાણ આપે છે. વધુમાં વધુ 25 વર્ષની મુદતની લોન તે આપી શકે છે. સરકારે જાહેર કરેલા પછાત વિસ્તારોમાં સ્થપાતા એકમોને તે ઓછા વ્યાજે લોન આપે છે. આ ઉપરાંત આ નિગમ ઔદ્યોગિક એકમોના શૅર અને ડિબેન્ચર ખરીદે છે; મૂડીબજારમાંથી તેમણે લીધેલી લોનની ગેરંટી આપે છે; શૅર, ડિબેન્ચર અને બૉન્ડ માટે બાંયધરી-કરાર કરે છે; વિલંબિત ચુકવણી યોજના હેઠળ ભારતીય ઔદ્યોગિક એકમોને અને વિદેશી ઉત્પાદકોએ યંત્રસામગ્રી આપી હોય તો વિદેશી ઉત્પાદકોને ગૅરંટી આપે છે.
1955થી 1986 દરમિયાન નિગમે મંજૂર કરેલી સહાયની રકમ રૂ. 2,888 કરોડ અને વહેંચેલી સહાયની રકમ રૂ. 1,770 કરોડ હતી. આ સહાય મેળવનારા ઉદ્યોગોમાં રાસાયણિક ખાતરો, સિમેન્ટ, કાગળ, યંત્રો અને વીજળીનું ઉત્પાદન કરતા ઉદ્યોગો નોંધપાત્ર છે.
ગુલામહુસેન પીરભાઈ મલમપટ્ટાવાલા