ઔદ્યોગિક ધિરાણ : ઔદ્યોગિક એકમોની વિભિન્ન પ્રકારની મૂડીવિષયક જરૂરિયાતો સંતોષતી વ્યવસ્થા. વસ્તુઓના ઉત્પાદન માટે જમીન, મકાન અને યંત્રો જેવાં વાસ્તવિક સાધનોની જરૂર પડે છે. તેની ખરીદી માટે ઔદ્યોગિક એકમો પાસે પૂરતા પ્રમાણમાં નાણાં હોય એ જરૂરી છે. આ એકમો સમક્ષ નાણાપ્રાપ્તિના બે માર્ગો છે : આંતરિક માર્ગો – એમાં ઘસારાભંડોળ અને અનામત ભંડોળનો (નફાનો) સમાવેશ થાય છે અને બાહ્ય માર્ગો – એમાં શૅરમૂડી, ડિબેન્ચર, જાહેર થાપણો અને વેપારી બૅંકો તેમજ વિશિષ્ટ નાણાસંસ્થાઓના ધિરાણનો સમાવેશ થાય છે. પ્રગતિશીલ એકમોમાં ઘસારાભંડોળ અને અનામત ભંડોળ સતત વધે છે; છતાં આધુનિક પદ્ધતિ વડે મોટા પાયા પર ઉત્પાદન કરતા એકમો પોતાની મૂડીવિષયક જરૂરિયાતો માત્ર આંતરિક માર્ગો દ્વારા સંતોષી શકતા નથી, કારણ કે યંત્રોની પુન: સ્થાપના, આધુનિકીકરણ અને ઉત્પાદનશક્તિના વિસ્તરણને લીધે તેમની મૂડીવિષયક જરૂરિયાતો સવિશેષ ઝડપથી વધે છે. આથી નાણાપ્રાપ્તિના બાહ્ય માર્ગોનો આશ્રય લેવાની તેમને ફરજ પડે છે. સામાન્યત: ઔદ્યોગિક એકમોની મૂડીવિષયક જરૂરિયાતો સંતોષતા બાહ્ય માર્ગોના સંદર્ભમાં ‘ઔદ્યોગિક ધિરાણ’ શબ્દપ્રયોગ થાય છે.

ઔદ્યોગિક એકમોને પ્લાન્ટ અને યંત્રસામગ્રી જેવી સ્થિર અસ્કામતોની સ્થાપના માટે લાંબા ગાળાના ધિરાણની, સ્થિરમૂડીના નિભાવ માટે મધ્યગાળાના ધિરાણની અને સ્થિરમૂડીનો ઉપયોગ કરવા માટે શ્રમ, કાચો માલ તથા વીજળી વગેરે ચાલુ અસ્કામતોની ખરીદી અન્વયે ટૂંકા ગાળાના ધિરાણની જરૂર પડે છે.

ઔદ્યોગિક ધિરાણની વ્યવસ્થાના ત્રણ ઘટકો છે : (ક) શૅર, ડિબેન્ચર તથા અન્ય જામીનગીરી જેવાં નાણાકીય માધ્યમો, જે ઔદ્યોગિક એકમોને પોતાની જરૂરિયાત પ્રમાણે મૂડી મેળવવાની અને રોકાણકારોને પોતાની પસંદગી પ્રમાણે રોકાણ કરવાની તક પૂરી પાડે છે. (ખ) મૂડીબજાર – એમાં નાણાકીય માધ્યમોનો મુક્ત વિનિમય થાય છે અને (ગ) વિશિષ્ટ નાણાસંસ્થાઓ જે ધિરાણના ઉપલબ્ધ પુરવઠામાં અભિવૃદ્ધિ કરે છે.

ભારતમાં આઝાદી પૂર્વે ઔદ્યોગિક ધિરાણનો પ્રબંધ ખાનગી ક્ષેત્ર પર છોડી દેવામાં આવ્યો હતો. પરિણામે ઔદ્યોગિક ધિરાણની તે સમયે ઉપલબ્ધ વ્યવસ્થાનો લાભ માત્ર મોટાં પ્રતિષ્ઠિત ઔદ્યોગિક ગૃહોને મળતો હતો. સ્વાતંત્ર્યપ્રાપ્તિ પછી ઝડપી ઉદ્યોગીકરણના હેતુની સિદ્ધિમાં નવા નિયોજકોનો પણ સહકાર મળે અને પ્રજાની બચતો નવા ઔદ્યોગિક એકમો તરફ આકર્ષાય એ હેતુથી પ્રેરાઈને ભારત સરકારે ઉદ્યોગોને ધિરાણ આપતી વિશિષ્ટ નાણાસંસ્થાઓની સ્થાપના કરી છે અને તેમના વિકાસને પ્રોત્સાહન આપ્યું છે. ઔદ્યોગિક એકમોને જમીન, મકાન તથા યંત્રો વગેરે માટે લાંબા ગાળાના ધિરાણ માટે આઇ. એફ. સી. આઇ. (IFCI), આઇ. સી. આઇ. સી. આઇ. (ICICI) અને આઇ. ડી. બી. આઇ.(IDBI)ની સ્થાપના કરવામાં આવી હતી. આ ઉપરાંત રાજ્યોએ ઉદ્યોગીકરણને પ્રોત્સાહન આપવા રાજ્ય નાણાકીય નિગમો તથા ઔદ્યોગિક વિકાસનિગમોની સ્થાપના કરી હતી. હાલમાં અસ્કામતો સામે લાંબા ગાળાનું ધિરાણ કરવાની મંજૂરી બૅંકોને પણ આપવામાં આવી છે. ઔદ્યોગિક ધિરાણ સરળ બનતાં ઔદ્યોગિકીકરણની પ્રક્રિયા 60થી 90ના દશકાઓમાં ગતિશીલ બની હતી. દેશના ઉદ્યોગીકરણમાં તેનો ફાળો નોંધપાત્ર ગણી શકાય.

ગુલામહુસેન પીરભાઈ મલમપટ્ટાવાલા