ઔદ્યોગિક ઇજનેરી

માનવશક્તિ, નાણું, સાધનો, માલસામાન અને યંત્રોની સંકલિત પ્રણાલીઓની યોજના, સુધારણા અને અમલીકરણ સાથે સંબંધિત વિશિષ્ટ ઔદ્યોગિક પ્રવૃત્તિ. વિશાળ ગ્રાહકવર્ગને પોસાતી કિંમતે મળે તે રીતે સુંદર ડિઝાઇનવાળી ઉપયોગી વસ્તુઓનું મોટા જથ્થામાં ઉત્પાદન કરવું તે આધુનિક ઉદ્યોગનું ધ્યેય અને ઘણે અંશે તેની સિદ્ધિ પણ બનેલ છે. ઔદ્યોગિક ક્રાંતિનું એ પરિણામ છે. ઉત્પાદકતા વધારવી અને નફામાં વૃદ્ધિ કરવી તે ઔદ્યોગિક ઇજનેરીનો સર્વસામાન્ય હેતુ છે.

ગણિતશાસ્ત્ર, ભૌતિક અને સામાજિક વિદ્યાઓ, ઇજનેરી, કાયદો, રાજ્યશાસ્ત્ર અને નાણાશાસ્ત્ર જેવી અન્ય વિદ્યાઓનો તે યોગ્ય પ્રમાણમાં ઉપયોગ કરે છે. આધુનિક કારખાનાંમાં ઉત્પાદન માટે વપરાતી વિવિધ પદ્ધતિઓ તેમજ ઔદ્યોગિક ઉત્પાદનને લગતાં ઇજનેરી અને વૈજ્ઞાનિક સંશોધનોનો નિર્દેશ ઔદ્યોગિક ઇજનેરીમાં થતો હોય છે.

કોઈ પણ મોટી ઔદ્યોગિક સંસ્થામાં સામાન્ય રીતે ઔદ્યોગિક ઇજનેરી નામનો અલગ વિભાગ હોય છે. આ વિભાગ દ્વારા તેને સોંપેલી જવાબદારીઓને અનુલક્ષીને નીચે દર્શાવેલી બધી જ અથવા તેમાંની કેટલીક સેવાઓ સંસ્થાના વડાને અથવા ઉત્પાદન-વ્યવસ્થાપકને પૂરી પાડવામાં આવે છે.

ઉત્પાદન અર્થેની કામગીરીનું ધોરણ અને કાચા માલ તેમજ તૈયાર પેદાશની ગુણવત્તા નક્કી કરવાં; ગુણવત્તા-નિયંત્રણને લગતી વિગતો સ્પષ્ટ કરવી; ઉત્પાદન આયોજન અને કાર્યક્રમની પદ્ધતિઓનો વિકાસ અને વિનિયોગ કરવો; કાર્ય-વર્ણનો તૈયાર કરવાં, ઉત્તમોત્તમ કાર્યપદ્ધતિ અંગે સલાહ આપવી; માપન અને ચકાસણીના લઘુતમ માનકો સ્થાપવા; પરવડે તેવા કાચા માલ તેમજ ઉત્પાદિત જથ્થાની ગણતરી કરવી; ખર્ચ ઘટાડવામાં અને ઉત્પાદકતા વધારવામાં સહાયરૂપ થવું; કારખાનાની તેમજ વહીવટીય કાર્યપ્રણાલી સ્થાપિત કરવી; ખર્ચ તેમજ અંદાજપત્ર અને વસ્તુસૂચિને લગતાં નિયંત્રણ નક્કી કરવાં; માલસામાનના વિનિર્દેશોનું આયોજન કરવું; માહિતીને લગતું તંત્ર વિકસાવવું; કારખાનાંના વિસ્તરણ માટેનો આલેખ તૈયાર કરવો; કારખાનાં અને તેનાં સ્થાનનો સર્વાંગીણ અભ્યાસ કરવો; મૂડી-ખર્ચ-પ્રસ્તાવોની સાધ્યતાનું વિશ્લેષણ કરવું; તાલીમ કાર્યક્રમોનું આયોજન કરવું; કર્મચારીઓની ક્ષમતાના મૂલ્યાંકનની પદ્ધતિઓ તૈયાર કરવી; નાણાકીય અને બિનનાણાકીય પ્રોત્સાહનોની યોજનાઓ તૈયાર કરવી; સલામતી કાર્યક્રમો ચલાવવા વગેરે.

આ સૂચિમાં બધી જ પ્રવૃત્તિઓનો સમાવેશ થતો નથી. એ બધી જ પ્રવૃત્તિઓ ઔદ્યોગિક ઇજનેરી વિભાગને સોંપવાનું કંપની માટે શક્ય કે વ્યવહારુ પણ નથી હોતું. વ્યવસાયની વિશિષ્ટતાને લક્ષમાં લઈને આ બધી પ્રવૃત્તિઓને વિવિધ કામગીરી જૂથોમાં નીચે મુજબ વહેંચી શકાય :

(1) ઉત્પાદનપદ્ધતિઓ અને અંકુશો : કાચા માલને તૈયાર માલમાં પરિવર્તિત કરી વસ્તુઓનું ઉત્પાદન કરવામાં આવે છે. અંકુશનું તત્વ નિર્ધારિત ઉત્પાદન એકધારી ઝડપે થાય તેનું ધ્યાન રાખે છે.

(અ) જથ્થાબંધ ઉત્પાદન : એકમદીઠ ઓછી કિંમતે તથા વધુ ઝડપી દરે પેદાશ કરનાર ઉત્પાદનક્રિયાઓના પ્રક્રમોની યોજનાને જથ્થાબંધ ઉત્પાદન તરીકે ઓળખવામાં આવે છે. એક હજાર મકાન અથવા બૂટ, અથવા શર્ટ બનાવવાની વિશિષ્ટ કારીગરી એક વ્યક્તિને અનુરૂપ એક મકાન અથવા બૂટની જોડી અથવા શર્ટ બનાવવાની પદ્ધતિઓ કરતાં જુદી હોય તે સ્વાભાવિક છે. મોટરકાર, ટ્રક, સ્કૂટર, વાતાનુકૂલિત યંત્રો, ટેલિવિઝન, ટેલિફોન, ટાઇપરાઇટર, પ્લાસ્ટિકની વસ્તુઓ તથા આવી ઘણીબધી વસ્તુઓના ઉત્પાદનને પણ આ જ સિદ્ધાંત લાગુ પડે છે.

જથ્થાબંધ ઉત્પાદનની પદ્ધતિઓમાં બે સામાન્ય સિદ્ધાંતો પ્રવર્તે છે : (1) માનવશ્રમનું વિભાજન અને વિશિષ્ટીકરણ તથા (2) સાધનો અને યંત્રોના ઉપયોગથી ઉત્પાદિત, પ્રમાણિત અને પરસ્પર વિનિમય થઈ શકે તેવા ભાગો.

ઉત્પાદન-કિંમત ઘટાડવા માટે વિશિષ્ટ કારીગર વર્ગ તથા યંત્રોનો યોજનાપૂર્વક ઉપયોગ ધરાવતા ઉત્પાદનકાર્યના આયોજનનાં પ્રારંભિક ર્દષ્ટાંતો અઢારમી સદીમાં મળે છે.

ફ્રેડરીક ટેલરે 1881માં શરૂ કરેલ અભ્યાસોએ આધુનિક ઉત્પાદન આયોજનનો પાયો નાખ્યો. તેણે ઉત્પાદનતંત્રને માત્રાત્મક અભિગમ લાગુ પાડ્યો અને ઉત્પાદનની વિવિધ ક્રિયાઓને લગતા વૈજ્ઞાનિક સંચાલનનું સર્જન કર્યું. આધુનિક જથ્થાબંધ ઉત્પાદન પ્રક્રમો માટે ઉપયોગમાં લેવાતાં મહત્વનાં સાધનો, ટેલરના ‘સમય અને ગતિ’ અંગેના અભ્યાસના ફળરૂપ ગણી શકાય.

બીજી બાજુ, અઢારમી સદીના અંતમાં યંત્રઓજાર ઉદ્યોગના પિતા તરીકે ઓળખાતા હેન્રી મોડસ્લીએ એકસરખા ભાગોનું ઉત્પાદન કરી શકતાં સૂક્ષ્મ ચોકસાઈવાળાં યંત્રોનું મહત્વ પિછાણ્યું. તેમણે અને તેમના વિદ્યાર્થીઓએ ધાતુના પ્રમાણિત અને વિનિમયક્ષમ બોલ્ટ અને ચાકીઓનું ઉત્પાદન કર્યું.

આ બધા પ્રારંભિક ખ્યાલોને એકત્ર કરીને સુસંબદ્ધ સ્વરૂપમાં મૂકવાનું તથા સુગ્રથિત જથ્થાબંધ ઉત્પાદન માટેની આધુનિક વ્યવસ્થાઓનું સર્જન કરવાનું ઘણુંબધું શ્રેય અમેરિકાના ઉદ્યોગપતિ હેન્રી ફૉર્ડ અને ફૉર્ડ મોટર કંપનીના તેમના સહકાર્યકરોને જાય છે. તેમણે 1913માં ફરતા પટ્ટાવાહક(moving belt conveyor)નો ઉપયોગ શરૂ કર્યો અને આ ક્રમબદ્ધ સિદ્ધાંતનો વિવિધ ભાગોના આયોજન દ્વારા મોટર તૈયાર કરવાના ઉદ્યોગમાં ઉપયોગ કર્યો.

ફૉર્ડની સફળતા અમેરિકા અને યુરોપના ઉદ્યોગોને ઉપર્યુક્ત જથ્થાબંધ ઉત્પાદનની કાર્યપદ્ધતિના સિદ્ધાંતનો સ્વીકાર કરવા તરફ દોરી ગઈ. આ પદ્ધતિઓએ ઝડપી વિકાસમાં મહત્વનો ફાળો આપ્યો. તેને લીધે વીસમી સદીમાં ભૌતિક સંપત્તિની વૃદ્ધિમાં તેમનું જીવનધોરણ ઊંચું લાવવામાં મદદ કરી છે.

મૂળભૂત સિદ્ધાંતો

નીચે દર્શાવેલ મૂળભૂત સિદ્ધાંતો દ્વારા જથ્થાબંધ ઉત્પાદનની કાર્યક્ષમતા સિદ્ધ કરવામાં આવે છે : (i) ઉત્પાદનપ્રક્રિયાઓને વિચારપૂર્વક વિવિધ કામગીરીઓમાં વહેંચવામાં આવે છે. (ii) બિનજરૂરી હલનચલન કે બિનજરૂરી માનસિક અનુકૂલનની જરૂરિયાત ઓછામાં ઓછી રહે તે માટે સરળતાથી શીખી શકાય અને ઝડપથી કરી શકાય તેવા માનવીય હલનચલનની ભાત વિકસાવવી જોઈએ. (iii) વિપુલ ઉત્પાદન મેળવવા માટે ઘટકરૂપ અંગોને અસલ તેમજ પ્રમાણિત કરવા જરૂરી છે. (iv) વિશિષ્ટ યંત્રો, માલસામાન અને પ્રક્રમોનો વિકાસ અને ઉપયોગ કરવો. (v) માનવપ્રયાસ અને યંત્રો વચ્ચે ઉત્તમોત્તમ સંતુલન સિદ્ધ કરવા માટે સમગ્ર ઉત્પાદનપ્રક્રિયાનાં પદ્ધતિસર આયોજન અને રચના કરવાં.

આ સિદ્ધાંતો બે મૂળભૂત પ્રકારની જથ્થાબંધ ઉત્પાદનની સુવિધાથી અવિરત ઉત્પાદન મેળવવામાં સહાયરૂપ થાય છે.

() સતત ઉત્પાદન : સતત ઉત્પાદન શ્રેણિમાં છૂટક ભાગ અને આંશિક જોડાણવાળા ભાગ તબક્કાવાર પ્રક્રિયાની શ્રેણિમાંથી પસાર થઈને છેવટે સંપૂર્ણ પેદાશ તરીકે તૈયાર થાય છે. આવી સતત ઉત્પાદન શ્રેણિના પરંપરાગત દાખલા તરીકે હેન્રી ફૉર્ડના મૂળભૂત સિદ્ધાંતોને સતત સંશોધિત કરતા ઑટોમોબાઇલ ઉદ્યોગને દર્શાવી શકાય. છેવટના એકત્રીકરણ વિભાગમાં મોટરકાર માટેનું પાયાનું ચોકઠું; એન્જિન; મોટરબૉડીના મુખ્ય ઘટકો (બારણાં, મીટર, પૅનલ, મઢેલ ગાદીવાળી બેઠકો) અને વીજળિક તથા હાઇડ્રૉલિક ઉપસાધનો (બ્રેક, બત્તીપ્રણાલી, રેડિયો અને ટેપરેકૉર્ડર) જેવા છૂટક અને આંશિક જોડાણવાળા ભાગો એકત્ર થતાં નવી મોટરકાર તૈયાર થાય છે. આ છૂટક અથવા આંશિક જોડાણવાળા ભાગો ઘણુંખરું બીજાં ખાતાંમાં સળંગ સતત ઉત્પાદનપ્રક્રિયા નીચે તૈયાર થઈને આવતા હોય છે. ઑટોમોબાઇલ અને બીજા ઉદ્યોગોમાં ઉત્તમ રીતે પ્રયોજેલ ઉત્પાદન-નિયંત્રણ પદ્ધતિઓના પરિણામે ગ્રાહક જથ્થાબંધ ઉત્પાદન કાર્યરીતિઓથી મળતો કિંમતનો લાભ ગુમાવ્યા વિના ઊંચી કક્ષાની વૈવિધ્યપૂર્ણ પેદાશ મેળવી શકે છે.

ટેલિફોન અને ટ્રાન્ઝિસ્ટર રેડિયો જેવી નાની અને ઓછી કિંમતવાળી વસ્તુઓનું ઉત્પાદન કરવામાં પણ આવા જ લાભ ઉપલબ્ધ થયા છે.

(ii) ખંડ પ્રવિધિ : ખંડ પ્રવિધિમાં આપેલ જથ્થાનો માલ એક જથ્થા તરીકે એક અથવા વધુ સોપાનોમાંથી પસાર થાય છે અને કુલ જથ્થો એક આવર્તનના અંતે એક જ સાથે કુલ ઉત્પાદન તરીકે બહાર પડે છે. ખંડ પ્રવિધિ વ્યાપક રીતે રાસાયણિક અને ઔષધીય ઉદ્યોગો, ખેતીવિષયક પેદાશો અને ખાદ્ય પેદાશોમાં ઉપયોગમાં લેવાય છે. ઔષધીય ઉદ્યોગો મોટા જથ્થામાં ઔષધો, ટીકડીઓ અને બીજી બધી જાતની પેદાશો બનાવવા માટે ખંડ પ્રવિધિ ઉપર આધાર રાખે છે. ખાદ્ય પેદાશોની જાળવણીનાં અને પૅકિંગનાં કારખાનાં પણ ખંડ પ્રવિધિના સિદ્ધાંતોને અનુસરે છે.

(iii) એકત્રિત સળંગ અને ખંડ પ્રવિધિઓ : ઘણી જથ્થાબંધ ઉત્પાદન ક્રિયાઓ સળંગ અને ખંડ પ્રવિધિને જોડે છે; દા. ત., વીજાણ્વિક ઉદ્યોગમાં વીજપથ ખંડ પ્રવિધિથી ઉત્પન્ન થાય છે. ત્યારબાદ આ વીજપથોને જુદા તરીકે પ્રત્યેક વીજચક્રને અલગ રીતે ટેલિવિઝન જેવી અંતિમ પેદાશ બનાવવા સળંગ ઉત્પાદનપ્રક્રિયા દ્વારા બીજાં વીજપથ ઘટકો સાથે જોડવામાં આવે છે.

ફાયદા અને ગેરફાયદા : જથ્થાબંધ ઉત્પાદનના સિદ્ધાંતોને લાગુ પાડવાથી અંતિમ પેદાશની કિંમત ઘટવા ઉપરાંત તેની એકરૂપતા તથા ગુણવત્તામાં ઘણો સુધારો થયેલ છે. પ્રમાણિત ડિઝાઇન, સામગ્રી અને પ્રક્રિયાઓ આંકડાશાસ્ત્રીય ગુણવત્તા નિયંત્રણ અને તપાસવિધિઓની સુવિધા કરી આપે છે. આને કારણે અપેક્ષિત ગુણવત્તા ધોરણ સાથેનું ઉચ્ચ ઉત્પાદન ઉપલબ્ધ થાય છે.

તેમ છતાં જથ્થાબંધ ઉત્પાદનપ્રક્રિયાઓ ઝડપથી બદલી શકાય તેવી નથી હોતી. મહત્તમ કાર્યક્ષમતાનું લક્ષ્ય હોવાથી ઉત્પાદિત પૂર્જાઓને અનુરૂપ થાય તે રીતે ઘણી વાર સાધનો, યંત્રો અને કાર્યસ્થાનકોની વિગતો ચોકસાઈપૂર્વક નક્કી કરેલી હોય છે. એટલે પેદાશની ડિઝાઇનમાં ફેરફાર કરવા જતાં ખર્ચ વધી જાય છે. તે જ પ્રમાણે નિશ્ચિત ઉત્પાદનદરને અનુલક્ષીને મહત્તમ કાર્યક્ષમતા મેળવવા માટે ઘણીખરી ઉત્પાદનપ્રક્રિયાઓ પ્રયોજેલી હોય છે. તેથી આયોજન ખાતાએ માંગનું ચોકસાઈપૂર્વક આયોજન કરવું પડે છે. માંગમાં થતું કોઈ પણ મોટું પરિવર્તન કાં તો ગ્રાહકો માટે અછતનો પ્રશ્ન અથવા તો ઉત્પાદક માટે તૈયાર થયેલા માલમાં ઊંચા ભરાવાનો પ્રશ્ન ઊભો કરે છે.

જથ્થાબંધ ઉત્પાદનની મર્યાદાઓ : જથ્થાબંધ ઉત્પાદનની પદ્ધતિ દાખલ થઈ તે પહેલાં ઉચ્ચ કોટિનો કસબ ધરાવતા કારીગરને પોતાના ઉત્પાદનકાર્ય અને કસબ પ્રત્યે જે લગાવ અને તાદાત્મ્ય હતાં તે જથ્થાબંધ ઉત્પાદનની પદ્ધતિમાં શ્રમવિભાજન, નાના કસબનું વિશિષ્ટીકરણ અને કારીગરોની વિશાળ સંખ્યા હોવાને કારણે એટલાં ઉત્કટ અને અસરકારક રહ્યાં નથી. વિભાજન અને વિશિષ્ટીકરણને પરિણામે થાક લાગે તેને લીધે ઉત્પાદનકાર્યથી મળતો સંતોષ ઓછો થઈ જાય. ઔદ્યોગિક મનોવિજ્ઞાનના અનેક નિષ્ણાતોએ જથ્થાબંધ ઉત્પાદનપદ્ધતિ થાક લગાડે તેવી છે એવું સંખ્યાબંધ અભ્યાસોને અંતે તારણ કાઢેલું છે.

() અંતરિત (intermittent) ઉત્પાદન : ખાસ કરીને ગ્રાહકોની જરૂરિયાત મુજબની પેદાશો ઉત્પન્ન કરવા માટે જે ઉત્પાદન-પ્રક્રિયાઓનો ઉપયોગ થાય છે તેને અંતરિત ઉત્પાદન કહે છે. જહાજ, મોટા પંપ, ટ્રાન્સફૉર્મર, માલસામાન જથ્થાબંધ રીતે ફેરવવા માટે વપરાતી સાધનસામગ્રી અથવા તો વ્યક્તિગત ગ્રાહકની જરૂરિયાતને પહોંચી વળવા ઉત્પાદન કરેલ આવી કોઈ પણ બનાવટ વગેરે આવા ઉત્પાદનના દાખલા છે. તેની પાયાની ખાસિયતો નીચે મુજબ છે :

(i) ઘણીખરી પેદાશો ઓછા જથ્થામાં ઉત્પન્ન કરવામાં આવે છે. (ii) વિવિધ વિભાગોમાં કાર્યભાર જુદો જુદો હોય છે. (iii) કારીગરો ખૂબ કાર્યકુશળ હોવા જોઈએ. (iv) માલસામાનની જરૂરિયાત ખૂબ ઊંચી હોય છે. (v) ઉત્પાદન અને સંગ્રહ માટે વધુ જગ્યાની જરૂર રહે છે.

ફાયદા અને ગેરફાયદા : આવાં ઉત્પાદનનો ઉત્તમોત્તમ ફાયદો તે તેની પરિવર્તનક્ષમતા છે. તેથી ઉત્પાદનક્રિયા ઓછા જથ્થાના ઘણા ઑર્ડરો સ્વીકારી શકે છે. વળી તત્કાળ જરૂરિયાતવાળા માટેના ઑર્ડર અસરકારક રીતે પાર પાડી શકાય છે. તેને લીધે બજારની રૂખમાં થતા ઓચિંતા ફેરફારોની પરિસ્થિતિમાં જોખમ ઓછું રહે છે; પરંતુ જથ્થાબંધ અથવા સળંગ ઉત્પાદનની સાથે સરખાવતાં તેનું ઉત્પાદનખર્ચ વધુ હોય છે.

ઉત્પાદનસંચાલન

ઘણી વાર એવું ધારી લેવામાં આવે છે કે ઉત્પાદન એટલે ઉત્પાદન-સંયંત્રની કામગીરીમાં સમાવિષ્ટ પ્રક્રિયાઓ; પણ તે પેદાશ પૂરતું મર્યાદિત નથી. યંત્ર-નિભાવ, પરિવહન, ટપાલ, ટેલિફોન, તબીબી કે એ પ્રકારની કોઈ પણ સેવાનો તેમાં સમાવેશ થઈ શકે. ઉત્પાદન-સંચાલન અંગેના નિર્ણય લેવાનું કામ પણ વ્યવસ્થાપનનું છે; જેથી પૂર્વનિર્ધારિત વિગત મુજબ નિશ્ચિત સમય અને જથ્થામાં ન્યૂનતમ કિંમતે વસ્તુઓ અને સેવાઓ ઉપલબ્ધ થાય. આ લક્ષ્યો પાર પાડવા માટે ઉત્પાદન-સંચાલન બે સ્પષ્ટ પ્રવૃત્તિના ક્ષેત્ર સાથે સંકળાયેલ છે.

(i) ઉત્પાદનતંત્રનું આયોજન અને ઉત્પાદન પ્રક્રમ પરનો અંકુશ : ઉત્પાદન-સંચાલન ઘણુંખરું કારખાનાના સંચાલન સાથે સંકળાયેલું હોય છે. જાણકારીના ક્ષેત્ર તરીકે, ઉત્પાદન-સંચાલન ઘણુંખરું કારખાનામાં વિકાસ પામ્યું છે. કારણ કે ઉત્પાદનને લગતા મહત્વના પ્રશ્નો પહેલવહેલા કારખાનામાં જ ઉદ્ભવતા હોય છે. શરૂઆતનાં પગલાં કારખાનાંમાંના કામદારોને લગતા ખર્ચને અંકુશમાં રાખવામાં સંકેન્દ્રિત થયેલાં તે સ્વાભાવિક છે; કારણ કે ફ્રેડરિક ટેલરના સમયમાં ઉત્પાદનનો મોટાભાગનો ખર્ચ કામદારોને લગતો જ હતો, પરંતુ યંત્રીકરણ અને સ્વયંસંચાલન પ્રત્યે વધતા જતા સામાન્ય ઝોકને લીધે પરિસ્થિતિ ઘણી બદલાઈ ગઈ છે. કારખાનાંમાં માલસામાનનો પરિવહન ખર્ચ, મૂડી ઊભી કરવાનો ખર્ચ, કાચા માલનો ખર્ચ જેવા પરોક્ષ ખર્ચ, પ્રત્યક્ષ શ્રમખર્ચના પ્રમાણમાં અસાધારણ રીતે વધી ગયા છે. તેથી જ કારખાનાના ઉત્પાદનસંચાલનમાં સાધનસામગ્રીની ડિઝાઇન અને પસંદગી, સીધા અને પરોક્ષ શ્રમખર્ચ ઉપર અંકુશ, ઉત્પાદન અને માલસામગ્રીના વહન ઉપર અંકુશ તથા ગુણવત્તા અંકુશ જેવાં ક્ષેત્રોનો વિકાસ કરવો પડ્યો.

ટેલરના સમય પછી જે બીજાં પરિવર્તનો આવ્યાં તે પણ નોંધવા યોગ્ય છે. વીસમી સદીની શરૂઆતમાં ઉત્પાદન-સંચાલનના પ્રશ્નો એટલા મહત્વના ન હોય તેવી ઘણી પ્રવૃત્તિઓ એવા મોટા એકમોમાં વિકાસ પામી છે કે તેમની ઉપેક્ષા કરી શકાય તેમ નથી. દાખલા તરીકે, આપણે એક ખૂણામાંના નાના મોદીખાનાની દુકાનને બદલે મોટા સુપર માર્કેટના યુગમાં પ્રવેશવાની વાતો કરી રહ્યા છીએ. અહીં સુવિધાની ડિઝાઇન ખૂબ મહત્વનો મુદ્દો છે. સ્થાનનિર્ધારણની અને માલસામાનના જથ્થા ઉપર અંકુશ જેવી બાબતો નવું જ મહત્ત્વ ધારણ કરે છે. તે જ રીતે મોટા હૉસ્પિટલના વહીવટકર્તાઓ વહીવટ અથવા તો ઉત્પાદનના પ્રશ્નોને પહેલા કરતાં વધુ મહત્વ આપી રહ્યા છે. સેવાની ગોઠવણી, શ્રમવિભાજન, કાર્યઆલેખન, ત્રુટિઓનું નિયંત્રણ જેવા બુનિયાદી પ્રશ્નોની ઉપેક્ષા થઈ શકે તેમ નથી. કારખાનાંમાં લાગુ પડાતા સર્વસાધારણ સિદ્ધાંતો નજીકના ભવિષ્યમાં ઉત્પાદનની બીજી પ્રવૃત્તિઓમાં પણ લાગુ પડશે.

() ઉત્પાદનપ્રણાલી કે તંત્ર : કારખાનાં, રુગ્ણાલય, કાર્યાલય, સુપર માર્કેટ અથવા તો એવા બીજા કોઈ પણ તંત્રમાં આયોજન, વ્યવસ્થા, ભરતી, દોરવણી અને નિયમન જેવી જટિલ સંચાલન-પ્રવૃત્તિઓ જરૂરી હોય છે. ઉપરાંત તંત્રમાં માનવ, નાણું, માલસામાન અને સમયનો ઇષ્ટતમ ઉપયોગ પણ જરૂરી હોય છે. કોઈ એક વિશિષ્ટ કારખાનામાં આ કાર્યો જે રીતે થાય છે તે આકૃતિમાં દર્શાવેલ છે :

ઔદ્યોગિક સંચાલનમાં જુદા જુદા વિભાગો વચ્ચેનું સંચાલન દર્શાવતી આકૃતિ

વેચાણ વિભાગ પેઢી દ્વારા ઉત્પાદન કરાતી વસ્તુઓના બજારનું વિશ્લેષણ કરે છે. આ વિશ્લેષણ તથા વેપારસંશોધનને આધારે વેચાણની પૂર્વધારણા કરીને સર્વોચ્ચ સંચાલનતંત્ર સમક્ષ તેને રજૂ કરે છે. નાણાવિભાગ, ઉત્પાદનવિભાગ સાથે મસલત કરીને ઉત્પાદનને લગતું અંદાજપત્ર તૈયાર કરે છે. સંચાલનતંત્ર વેચાણની પૂર્વધારણા અને સૂચિત અંદાજપત્રની ચકાસણી કરીને ઉત્પાદન-કાર્યક્રમને આખરી સ્વરૂપ આપે છે. ઇજનેરી વિભાગ જરૂરી તકનીકી માહિતી, ડ્રૉઇંગ, વિવિધ ભાગોનું સૂચિપત્ર અને તેમનું વિગતે વિસ્તૃત વર્ણન વગેરે આયોજન વિભાગને પૂરું પાડવાનું શરૂ કરે છે. ઉત્પાદન આયોજન વિભાગ વિસ્તૃત વિગત સાથેનું ઉત્પાદન સમયપત્ર તૈયાર કરે છે અને માલસામાનનાં ઉપલબ્ધ જથ્થા અને પ્રાપ્યતા તથા ઑર્ડર મુકાઈ ગયેલ માલસામાનની પ્રાપ્યતાની તારીખોના આધારે માલ મંગાવવાનો કાર્યક્રમ ઘડાય છે. ખરીદ વિભાગ કાચા માલસામાન તેમજ અન્ય કારખાના દ્વારા બનાવવાના પ્રમાણિત ભાગોનો ઑર્ડર મૂકી દે છે. આવા ખરીદેલ માલ તેમજ અન્યત્ર તૈયાર થયેલ ભાગો આવી જતાં તેમની ચકાસણી કરવામાં આવે છે અને ઉત્પાદન ખાતાંમાંથી તેમને મોકલવાની સૂચના ના આવે ત્યાં સુધી ભંડારમાં રાખવામાં આવે છે. ઉત્પાદન-આયોજન અને નિયમન વિભાગ, ઉત્પાદન-પદ્ધતિઓ, યંત્રોની ભરણી, ઉત્પાદન-અનુસૂચિ વગેરેને લગતી માહિતી પૂરી પાડે છે. નિરીક્ષક વિભાગ કાચા માલસામાનની ઉપભોગ્ય વસ્તુઓ અને છેવટે તૈયાર થયેલ માલની આખરી ચકાસણી કરે છે. તૈયાર પેદાશને ત્યારબાદ ભંડારમાં માલ તરીકે તબદીલ કરવામાં આવે છે, છેવટે તૈયાર થયેલ માલ ગ્રાહકને આપવામાં આવે છે. ગ્રાહક તે માલની પ્રતિસ્પર્ધીઓના માલ સાથે તુલના કરવા ઉપરાંત પોતાની અપેક્ષાઓના સંદર્ભમાં સરખામણી કરીને પોતાનો પ્રતિભાવ બજાર-સંશોધકોને પૂરો પાડે છે.

() નિયમનપ્રક્રિયા : યોજના પ્રમાણે કામગીરી પૂરી થાય છે કે નહિ તે નિશ્ચિત કરવાનું નિયમન-પ્રક્રિયાનું મૂળભૂત પ્રયોજન છે. પ્રક્રિયા, કિંમત અને માલસૂચિ ઉપરના અંકુશ ઉપરાંત માલસૂચિ તેમજ ગુણવત્તા જાળવવાનો આ નિયમનમાં સમાવેશ થાય છે. નિયમન-પ્રક્રિયાનાં નીચે દર્શાવેલ અંગભૂત તત્વો છે :

(i) અવલોકન, (ii) પૃથક્કરણ, (iii) જરૂરી સુધારણા, (iv) મૂલ્યાંકન.

() પ્રવિધિનું નિયમન : પ્રવિધિનું મૂલ્યાંકન સામાન્યત: ‘માલના ઉત્પાદન’ અથવા તો ‘નિષ્ક્રિય સમયની નોંધ’ ઉપર આધારિત હોય છે. આ મૂલ્યાંકનનો આંક યોજનામાં દર્શાવેલ આંકડાઓ સાથે સરખાવાય છે. દરના આયોજિત આંકડા કરતાં તે આંક નીચો હોય તો ઝડપ વધારવાની જરૂર ઊભી થાય છે.

() ભાવનિયમન : ભાવનિયમનને ઉત્પાદનખર્ચને અસર કરતાં રોજેરોજના કાર્યવાહક નિર્ણયો સાથે નિસબત હોય છે. ઉત્પાદક-નિરીક્ષક પાસે પાયાના મૂલ્યને બદલવાનો બહુ અવકાશ હોતો નથી; પરંતુ ઘણીબધી રીતે તે વાસ્તવિક મૂલ્ય ઉપર અસર કરી શકે છે; દા.ત., નિષ્ક્રિય સમય, માનવોને તથા યંત્રો ઉપર કાર્યની વિગતવાર સોંપણી, કાર્યની ઝડપ તથા કુશળતા, પેદા થયેલ ભંગાર તથા કાચી માલસામગ્રીનો ઉપયોગ જેવી બાબતો ઉપર તેમનો અંકુશ હોય છે.

અંદાજપત્રો અને હેવાલોની પદ્ધતિ દ્વારા ખર્ચનિયમન પ્રવર્તમાન ખર્ચનાં ધોરણો નક્કી કરવાનો પ્રયત્ન કરે છે અને નિરીક્ષકને ખર્ચ અંગેની કામગીરી માટે જવાબદાર ઠેરવે છે.

સમગ્ર માળખાની રચના, કાર્યપદ્ધતિઓ, ઓજારો, યંત્રો, ડિઝાઇન વગેરેનું પુન: પુન: પરીક્ષણ કરતા રહેવાથી ભાવમાં સુધારો થઈ શકે. ઔદ્યોગિક ઇજનેરી પેઢીઓની સહાયથી અથવા તો નિરીક્ષકો અને કારીગરોનાં સૂચનો અને વિચારોને લક્ષમાં લેવાથી આ સુધારો શક્ય બને છે.

() માલસૂચિ નિયમન : કાચો માલ, ચાલુ કામની સામગ્રી, તૈયાર થયેલ માલ અને વપરાઈ જતી વસ્તુઓરૂપ માલસૂચિ પાયાની કાર્યકારી મૂડી ગણાય. તેથી માલસૂચિ અંકુશ પેઢીની નાણાકીય સધ્ધરતા માટે પ્રાણભૂત લેખાય છે. સામાન્યત: માલસૂચિ અંકુશ બે પ્રશ્નો સાથે સંબંધ ધરાવે છે. ભંડારમાં ક્યારે અને કેટલો નવો માલ ઉમેરવો, ઉત્પાદન-પ્રક્રિયા અને બજારની માંગને અસર ના કરે તેવી ન્યૂનતમ સપાટીએ માલસૂચિ રાખવા માટે અનેકવિધ અંકુશ ઉપયોગમાં લેવાય છે.

ગુણવત્તા અંકુશ માલસામાન અથવા સેવાઓ યોગ્ય જથ્થામાં યોગ્ય સમયે જ ઉત્પાદિત કરવાં એટલું પર્યાપ્ત નથી. પરંતુ ઉત્પાદિત માલસામાન અથવા સેવાઓ યોગ્ય ગુણવત્તાની હોય તે પણ એટલું જ અગત્યનું છે. ગુણવત્તાનાં માનકો નક્કી કરવા અને સ્થાપિત કરેલાં માનકો જળવાઈ રહે તથા વ્યવહારમાં મુકાય તે માટેની જરૂરી ચકાસણી કરવી તેનું નામ ગુણવત્તા અંકુશ. ગુણવત્તા પ્રાપ્ત કરવા માટે ખર્ચ જરૂરી છે અને તેથી ગુણવત્તા અંકુશ ન્યૂનતમ ખર્ચે મેળવાય તે જરૂરી છે. ગુણવત્તા અંકુશ એ કોઈ એક વિભાગની કાર્યવહી નથી. તેમ તે એવી પણ પ્રવૃત્તિ નથી કે જે પ્રવિધિના નિયમન અને કાચી માલસામગ્રીની પસંદગી આગળ પૂરી થતી હોય.

આ નિયમન-પ્રક્રિયા એક ખરેખરી સુધારણાલક્ષી ક્રિયા છે, જે નિશ્ચિત કરેલ ઉત્પાદન યોજના અને યાદીના અમલીકરણની ક્રિયા સાથે સતત સંકળાયેલી રહે છે.

(i) કાર્યાનુસૂચિ (scheduling) : કાર્યાનુસૂચિ વિવિધ પ્રવૃત્તિઓના સમયનિર્ધારણ સાથે સંબંધિત છે. માંગપૂર્તિના ક્રમિક તબક્કા પાડવા અથવા તો કાંઈક વધુ અંશે વધઘટ થતી માંગને પહોંચી વળવા ઉત્પાદન-ક્ષમતાના કાલક્રમિક તબક્કા પાડવા, અને સામાન્યત: કામગીરીના રોજિંદા કાર્યના આયોજનને કાર્યાનુસૂચિ કહે છે. તેથી એ સ્પષ્ટ છે કે કાર્યાનુસૂચિ એ નિમ્નસ્તરીય સંચાલનતંત્ર તથા પ્રથમ હરોળના નિરીક્ષકો માટે તાત્કાલિક મહત્વ ધરાવે છે. કાર્યાનુસૂચિના ર્દષ્ટિકોણથી ઉત્પાદનપ્રક્રિયાઓની ચર્ચાવિચારણા નીચે કરી છે :

(ii) ‘જૉબશૉપપ્રકારનું ઉત્પાદન : ઉત્પાદનતંત્ર ગ્રાહકોની જરૂરિયાત મુજબ બનાવાતી વસ્તુઓ સાથે અને તેથી જ રોજિંદી કાર્યાનુસૂચિ સાથે સંબંધિત હોય છે. તેમાં વિવિધ પ્રકારના ભાગો હોય છે. દરેક ભાગ ઉપર વિવિધ પ્રકારની પ્રક્રિયાઓ કરવાની હોય છે. સામાન્યત: આ પ્રક્રિયાઓ દિવસો સુધી ચાલે તેવી નથી હોતી, પરંતુ કલાકોમાં અથવા તો મિનિટોમાં પૂરી કરી શકાય તેવી હોય છે; જ્યારે પ્રક્રિયાઓ અથવા માલમાં આવા ફેરફારો કરવાના હોય ત્યારે પદ્ધતિસર વિગતવાર રોજેરોજની યોજના તૈયાર કરવી પડે છે. આવી કાર્યાનુસૂચિમાં વિભિન્ન કાર્યોને ભિન્ન ભિન્ન યાંત્રિક સુવિધા સાથે સાંકળવાનું અથવા તો એક યંત્ર ઉપર જૉબ તથા તેને અનુરૂપ પ્રક્રિયાઓની ક્રમિક ગોઠવણી કરીને પરિણામનું સતત પરિવીક્ષણ (monitoring) કરતા જઈને કાર્યાનુસૂચિમાં જરૂરી ફેરફાર કરવાનો સમાવેશ થાય છે.

(iii) ખંડ પ્રકારનું ઉત્પાદન : ઉત્પાદન-દર માંગના દર કરતાં વધુ હોય ત્યારે માલનો ભરાવો ન થાય તે માટે વસ્તુઓની નિશ્ચિત સંખ્યાને ખંડ પ્રકારની પ્રવિધિથી ઉત્પાદિત કરવામાં આવે છે; દા. ત., ઔષધીય ઉદ્યોગોમાં એક વસ્તુના એકાધિક જથ્થાઓના નિર્માણ દરમિયાન વચગાળાના સમયમાં બીજી વસ્તુનું ઉત્પાદન કરી શકાય છે. આવી ઉત્પાદન કાર્યાનુસૂચિ માટે જુદી જુદી વસ્તુઓના સમુદાયનું પરિણામ/કદ નક્કી કરવાનું તથા તેમને કયા ક્રમમાં ઉત્પાદિત કરવી, તે નક્કી કરવાનું થાય છે.

(iv) અભિરત ઉત્પાદન : મોટરકાર કે સ્કૂટર જેવી વસ્તુઓની ઊંચી માંગ હોય તેવી પરિસ્થિતિમાં પ્રક્રિયા સંયંત્ર અથવા ભાગોનું એકત્રીકરણ કરતી પ્રક્રિયાઓ જેવી સળંગ અથવા જથ્થાબંધ ઉત્પાદનની પદ્ધતિઓ ઉચિત ગણાય છે. આ ઉત્પાદનપદ્ધતિમાં રોજિંદા આયોજનની બહુ જરૂર રહેતી નથી કારણ કે પ્રક્રિયાઓ કાં તો પુનરાવર્તી હોય છે અથવા તો ઘણા દિવસો સુધી અવિરતપણે ચાલતી હોય છે. અલબત્ત, અમુક પ્રવૃત્તિઓ એવી હોય કે જેની અગાઉથી અપેક્ષા ન કરી હોય અને નજેવા ફેરફારો આવશ્યક બન્યા હોય તેનું આયોજન અને તેમનો સમાવેશ રોજિંદા ધોરણે કરવો પડે છે.

(v) પરિયોજના પ્રકારનું ઉત્પાદન : પરિયોજના પ્રકારના ઉત્પાદનમાં એક સંકુલ એકમ અથવા વસ્તુ(દા. ત., બંધ, પુલ, વીજળી-ઘર)નું નિર્માણ કરવાનું હોય છે, જેમાં ઘણી પ્રક્રિયાઓ સમાવિષ્ટ હોય છે. આમાંની ઘણી પ્રક્રિયાઓ ઇજનેરી કે તકનીકી કારણોને લીધે અથવા તો સાધનોની ઊણપને લીધે એક પછી એક ક્રમમાં કરવાની જરૂર પડે છે. આ પ્રકારના ઉત્પાદનની કાર્યાનુસૂચિ તથા પરિવીક્ષણ અને નિયંત્રણ માટે કાર્યક્રમ-મૂલ્યાંકન-પુનર્વિલોકન કાર્યરીતિ (Program Evaluation Review Technique – PERT) અથવા ક્રાન્તિક માર્ગ પદ્ધતિ (Critical Path Method – CPM) જેવી પરિપથ પૃથક્કરણ તકનીકનો ઉપયોગ કરાય છે. આમ, વ્યાપક ર્દષ્ટિએ જોતાં ઉત્પાદન-સંચાલનને, ઉપલબ્ધ માનવશક્તિ, માલ-સામગ્રી, નાણું અને પદ્ધતિઓ જેવાં સ્રોતોનો કાર્યક્ષમ ઉપયોગ કરવા સાથે નિસબત હોય છે. આગળ જણાવ્યા મુજબ આ જાતની સેવાઓ ઔદ્યોગિક ઇજનેરી વિભાગના કાર્યનો ભાગ હોઈ શકે.

સંક્રિયા સંશોધન (operation research)

() ઇતિહાસ : ઔદ્યોગિક ક્રાંતિએ સર્જેલા પ્રોત્સાહનને અઢારમી સદીની મધ્યમાં વેગ મળ્યો અને પછીનાં વર્ષોમાં નાણાંની ઉપલબ્ધિ, સંયુક્ત મૂડી કંપનીઓનો ઉદભવ અને મર્યાદિત જવાબદારીઓના સિદ્ધાંતને કારણે સંખ્યાબંધ કારીગરોને રોજગારી પૂરી પાડતાં વિસ્તૃત ઉત્પાદન એકમો ઊભાં થયાં. આને કારણે વિશેષ વ્યવસ્થાપકીય કુશળતાની જરૂરિયાત ઊભી થઈ. માલિક સંચાલકને સ્થાને સવેતન સંચાલકો નીમવા તરફનો ઝોક વધ્યો. ગ્રેટબ્રિટનમાં જેમ્સ વૉટ અને મૅથ્યૂ રૉબિન્સન બોલ્ટને સોહો એન્જિનિયરિંગ ફાઉન્ડરીમાં છેક 1795માં સંચાલન કાર્યરીતિઓ અપનાવી ત્યારે વૈજ્ઞાનિક સંચાલનનાં પ્રથમ લક્ષણો ર્દષ્ટિગોચર થયાં. જ્યારે વધુ અને વધુ વ્યક્તિઓને પ્રયોજિત વિજ્ઞાનમાં તાલીમ મળવા માંડી અને ખાસ કરીને ઇજનેરો ઉદ્યોગ અને તેની સમસ્યાઓ સાથે ઘનિષ્ઠ રીતે પરિચિત થતા ગયા ત્યારે તેઓ પ્રૌદ્યોગિક (technological) પ્રશ્નોને હલ કરતા તે જ રીતે સંચાલનને પણ જોવાનું શરૂ કર્યું. ઓગણીસમી સદીના છેલ્લા ચરણમાં કાર્યપ્રવીણ સંચાલકો ઉપલબ્ધ થયા પછીનો તબક્કો સંચાલનના માનવસંબંધી અને પરિમાણાત્મક બંને પાસાંના વિચારોને સુર્દઢ કરવાનો હતો. આ જ સમયે વ્યવસાય એકમનો વિવિધ ઘટકોને બદલે સમગ્રતયા અભ્યાસ કરવાનો આરંભ થયો.

આ વર્ષોમાં વૈજ્ઞાનિક સંચાલન સારી રીતે પ્રચલિત થયેલું; તેમ છતાં કેવળ સૈદ્ધાંતિક (pure) વૈજ્ઞાનિકોએ વ્યવસ્થાપક તરીકેના કાર્યમાં મહત્વનો ભાગ ભજવ્યો નથી. તેમના માટે ધંધા-ઉદ્યોગનાં સાહસોના સંચાલન તથા કાર્યપાલકોની વ્યાવહારિક સમસ્યાઓ કરતાં શુદ્ધ સંશોધન વધુ પડકાર આપતું હોઈ તેમાં તેમનું ધ્યાન વધુ કેન્દ્રિત થયેલું.

પછી બીજું વિશ્વયુદ્ધ થયું. તે દરમિયાન સંરક્ષણ સંસ્થાઓએ ઔદ્યોગિક એકમો જેવી જ સંચાલન-પદ્ધતિઓ વિકસાવી; પરંતુ હવે પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાનની પ્રૌદ્યોગિકી પ્રક્રિયાઓના કરતાં અતિશય ભિન્ન અને જટિલ તંત્રરચનાનું સંચાલન કરવાનો પ્રશ્ન ઊભો થયો. તેમાં ગંભીર જોખમો રહેલાં હતાં. સફળતા મુખ્યત્વે નક્કર વ્યૂહરચના અને કાર્યક્રમ કામગીરીઓ ઉપર જ આધારિત હતી. આ કટોકટીની વેળાએ વૈજ્ઞાનિકો સંરક્ષણ પ્રબંધકોની મદદે આવ્યા. તેમણે વિવિધ દિશામાં અધ્યયનસંશોધન ઉપાડ્યાં. સંક્રિયા-સંશોધનનો એક વિશિષ્ટ વિદ્યાશાખા તરીકે પ્રારંભ થયો. જોકે ગાણિતિક પ્રક્રમણના નમૂના, રમતનો સિદ્ધાંત, ગત્યાત્મક નમૂનાઓ, કાર્યાનુસૂચિના નિયમન માટે આર્થિક વરદી જથ્થો, પ્રતીક્ષાઘટનનો અભ્યાસ વગેરે જેવી સંક્રિયા-સંશોધનની સંકલ્પનાઓ બીજા વિશ્વયુદ્ધના ઘણા સમય પહેલાં વિકાસ પામી હતી; પરંતુ તેનો સુર્દઢ પાયા ઉપર ઔદ્યોગિક વિનિયોગ તો બીજા વિશ્વયુદ્ધ પછી જ થયો.

યુદ્ધ બાદ આ લશ્કરી વૈજ્ઞાનિકો અને સંક્રિયા-વિશ્લેષકો વ્યાપાર એકમોમાં સંચાલક તરીકે જોડાયા પછી તેમને વ્યાપાર-સાહસો અને સંરક્ષણ-સંસ્થાઓના પ્રશ્નો વચ્ચેનું સામ્ય સમજાવા લાગ્યું. નાના પાયા પર શરૂ થયેલું આ સંક્રિયા-સંશોધન 1950 બાદ વ્યાપક રીતે પ્રયોજાયું. ભારતમાં તેનો ઉપયોગ ’60ના દાયકાની શરૂઆતમાં થયો.

() સંક્રિયાસંશોધનનો વ્યાપ : સંક્રિયા-સંશોધનની સમસ્યા એટલે ‘વહીવટી સંચાલનના પ્રશ્નના ઉકેલ પ્રતિ વૈજ્ઞાનિક અભિગમ’ એમ ઠીક ઠીક ચોકસાઈ સાથે વ્યાખ્યા આપી શકાય. સંક્રિયા-સંશોધનમાં બે બાબતોનો સમાવેશ થાય છે : (1) જટિલતા અને અનિશ્ચિતતા જેવી પરિસ્થિતિઓના ઉપચાર માટે પ્રશ્નોનાં નિર્ણય અને નિયમનના ગણિતીય, આર્થિક અને આંકડાશાસ્ત્રીય વર્ણન અથવા નમૂનાઓનું નિર્માણ. (2) નિર્ણયોની પસંદગીનાં સંભવિત ભાવિ પરિણામો નક્કી કરે તેવા સંબંધોનું વિશ્લેષણ અને વૈકલ્પિક વ્યવસ્થાની ગુણવત્તાની ચકાસણી થઈ શકે તે માટે યોગ્ય ઉપાય શોધવા.

સામાન્યત: એવું માનવામાં આવે છે કે સંક્રિયા-સંશોધન એટલે ચાલુ પ્રવૃત્તિઓનું સતત પરિવીક્ષણ. તેમાં નિર્દેશક ર્દષ્ટાંતોમાં ઉત્પાદન-કાર્યાનુસૂચિ, માલસૂચિ-નિયમન, જાળવણી અને મરામતની સુવિધા અને જરૂરી સેવાની ઉપલબ્ધિ છે. સંક્રિયા-સંશોધનનાં અનેક અધ્યયનોમાં રોજિંદાં કાર્યોને પરોક્ષ રીતે અસર કરે તેવા નિર્ણયો વિશે નિરૂપણ હોય છે. આવાં અધ્યયનોનો સામાન્ય રીતે ઝોક આયોજન તરફ હોય છે. કંપનીની પેદાશોની વ્યાપકતા નક્કી કરવી, સંયંત્રના વિસ્તરણ માટે લાંબી મુદતનો કાર્યક્રમ વિકસાવવો, જથ્થાબંધ વિતરણ માટે વખારોના સંકુલનું આયોજન કરવું તથા વિલયન કે સંપાદન દ્વારા નવા વ્યવસાયમાં દાખલ થવું વગેરે આવાં અધ્યયનોના દાખલા ગણી શકાય.

() લાક્ષણિકતાઓ : વ્યવસ્થાપકીય નિર્ણય-પ્રક્રિયા માટે પરિમાણાત્મક પૃથક્કરણ કેન્દ્રીય અગત્ય ધરાવતું હોય ત્યારે પણ સંક્રિયા-સંશોધન દ્વારા ઉદભવિત પ્રણાલીની ડિઝાઇન ગમે તેટલી આધુનિક હોય તોપણ કાર્યવહી માટે જરૂરી બધી જ માહિતી તે પૂરી પાડી શકતી નથી. સંક્રિયા-સંશોધનની કેટલીક લાક્ષણિકતાઓ અથવા મર્યાદાઓની નીચેના ફકરામાં ચર્ચા કરી છે :

(i) માનવીય નિર્ણયશક્તિ : પ્રારંભમાં જ સંક્રિયા સંશોધન-પ્રણાલીના અમલ વખતે પ્રબંધકોએ તેમની નિર્ણયશક્તિનો ઉપયોગ નમૂનાના સ્વીકારથી ઘણા આગળ જઈને કરવો પડે છે. એક યા બીજી રીતે તેમણે અન્તર્ગત નમૂનો અક્ષત રહે તે રીતે આ પ્રણાલિકાનું પરિવીક્ષણ કરવું જોઈએ. ખાસ કરીને તે નિર્ણયને લગતા મહત્વના પ્રશ્નોના ઊંડાણમાં લઈ જાય તે રીતે તેનો સતત ઉપયોગ થવો જોઈએ. સંક્રિયા-સંશોધનનો નમૂનો સ્વયંસંપૂર્ણ કદી હોય નહિ. જાણકાર વ્યવસ્થાપકોએ લીધેલા નિર્ણયથી તે તદ્દન સ્વતંત્ર હોઈ શકે નહિ. પરિમાણાત્મક વિશ્લેષણની આ મર્યાદા હંમેશાં જોવા મળે છે, કારણ કે વ્યવસ્થાપકની સામેના પ્રશ્નો તો બેસુમાર હોય છે, જ્યારે એક નમૂનો તો સહજ રીતે મર્યાદિત સંખ્યાના જ જવાબ આપી શકે.

(ii) લોકો માટેની પ્રણાલી : સંક્રિયા-સંશોધન પ્રણાલીના સફળ ગણિતીય પ્રયોગની ર્દષ્ટિએ ક્ષતિવિહીન નમૂનાની ડિઝાઇનથી વિશેષ હોય છે. વ્યવસ્થાપકીય પ્રવૃત્તિના વ્યાપક સંદર્ભમાં આ પ્રણાલીએ કાર્ય કરવું જોઈએ. આ નમૂનાએ આધારસ્રોતની નોંધ, માહિતીની ગુણવત્તા, ઉદ્દેશ અને માહિતી એકત્ર કરનારની તજજ્ઞતાને અનુલક્ષીને કરવી જોઈએ. આ પ્રણાલીમાં પૃથક્કરણાત્મક પરિણામોની સમીક્ષા કરતાં આ રચનાઓ માટેની આવશ્યક ખાસ કરીને વર્ણનાત્મક અને અર્થઘટનાત્મક સમીક્ષારૂપ માહિતી પ્રગટ થવી જોઈએ.

(iii) વ્યવસ્થાપનવિદ્યામાં કૌશલની જરૂરિયાત : વ્યવસાયી સંક્રિયા-સંશોધનની સમસ્યાના ઉકેલ માટેની કાબેલિયત પરિમાણાત્મક પૃથક્કરણના પ્રસારમાં હજુ પણ બાધારૂપ પરિબળ છે. વ્યવસ્થાપનવિદ્યાના નમૂનાની સ્વીકૃતિમાં વિશાળ વૃદ્ધિ થવા છતાં ચોક્કસ રીતે પ્રમાણિત ગણાય તેવા વિનિયોગો તો ગણ્યાગાંઠ્યા છે. ગણિતીય નમૂનાની ઉપયોગિતા સ્થાપિત થઈ હોય તેવા નિર્ણય લેવાનાં ક્ષેત્રોમાં પણ કોઈ વિશિષ્ટ પરિસ્થિતિના નિશ્ચિત વિનિયોગનું આયોજન કરવામાં સંચાલન વૈજ્ઞાનિક મહત્વની કુશળતા ધરાવતા હોવા જોઈએ. ઘણે અંશે પરિસ્થિતિની જરૂરિયાત મુજબ નમૂનાનું નિરૂપણ કરવું પડે છે, તોપણ સંચાલન વિજ્ઞાનની યથાર્થ સફળતા માટે ઠીક ઠીક પ્રમાણમાં કાર્યકુશળતાની આવશ્યકતા રહે છે. આનો અર્થ એ થાય કે તમે સંક્રિયા-સંશોધનના ઉપયોગકર્તા કે વ્યવસાયી હોવા જોઈએ અને તમારી પાસે વિષયના કસબની તેમજ વૈજ્ઞાનિક ઘટકોની જાણકારી હોવી જોઈએ.

() તબક્કા : પરિમાણાત્મક પૃથક્કરણ અમલમાં મૂકવાના ચાર તબક્કા છે. ખરેખર તો આ તબક્કા પૂરેપૂરા સ્પષ્ટ હોતા નથી. કોઈ પણ સમયે તેમાંના ઘણા એકસાથે ક્રિયાશીલ હોય છે. એક અનુભવી વ્યવસાયીની ર્દષ્ટિએ આ પગલાંનો અમલ સહજપ્રેરિત હોય છે. તે ઘણીવાર આવાં પગલાંને ઔપચારિક નામે ભાગ્યે જ ઓળખે છે.

(i) સમસ્યાનિરૂપણ : સમસ્યાના ઘણા ભાગ હોય છે. તેમાં નિયંત્રિત કરી શકાય તેવી એટલે કે નિર્ણય માટેની ચલરાશિઓ, નિયમન ન કરી શકાય તેવી ચલરાશિઓ, ચલરાશિઓ ઉપરના નિયંત્રણ અથવા અંકુશ તથા સારા અથવા સુધારેલ ઉકેલને લક્ષતા ઉદ્દેશોનો સમાવેશ થાય છે. જુદી જુદી પેદાશોના કેટલા એકમોનું કંપનીએ ઉત્પાદન કરવું તેને ચલરાશિ તરીકે ઓળખી શકાય. કાચા માલસામાનની તેમજ યંત્ર અને કારીગરોની તથા સમયની ઉપલભ્યતા વગેરે પ્રકારના અંકુશો અથવા નિયંત્રણો હોય છે. મહત્તમ નફો અથવા ન્યૂનતમ પડતર તે ઉદ્દેશ હોઈ શકે. વ્યવસ્થાપકીય નિર્ણય લેવા માટેના પ્રશ્નોની બહુવિધ અસરો હોય છે, જેમાંની કેટલીક તરત નજરે પડે અને બીજી કેટલીક દૂરવર્તી હોય છે. તેમનું મહત્વ એકસરખું હોઈ શકે. કોઈ પણ વિશ્લેષણની સીમા નક્કી કરવી તે ઘણુંખરું નિર્ણયશક્તિ પર આધાર રાખે છે.

(ii) નમૂનાની રચના : આ તબક્કામાં બધી પેદાશોના દરેક એકમનું પ્રદાન, યંત્ર અને માનવકલાકોની સંખ્યા વગેરે જેવી ઝીણી વિગતોની જરૂર પડે છે. ઉચિત આધારસામગ્રી, નિવેશ અને યોગ્ય નીપજને લગતી આવશ્યક માહિતીના આયોજન પરત્વે નિર્ણય લેવાય છે. સ્થિર અને ગતિશીલ બંને સંરચનાત્મક તત્વો નિશ્ચિત કરવાનાં હોય છે અને આ તત્વના આંતરસંબંધોની રજૂઆત કરે તેવાં ગણિતીય સૂત્રો ઉપજાવવામાં આવે છે. આમાંનાં કેટલાંક પરસ્પરાવલંબનોને ચલરાશિઓ ઉપરનાં નિયંત્રણો કે અંકુશો રૂપે ગણી શકાય. ત્યારબાદ આ માહિતીનો ઉપયોગ કરીને કેટલાંક નિયંત્રણને અધીન, ઉદ્દેશ સાથેનો ગણિતીય સ્વરૂપનો નમૂનો ઊભો કરવામાં આવે છે.

(iii) પૃથક્કરણ : ઐતિહાસિક, પ્રાવૈધિક અને નિર્ણયલક્ષી માહિતીથી નિર્દિષ્ટ પાસાં સાથેનો પ્રારંભિક નમૂનો તૈયાર થયા પછી ગણિતીય ઉકેલ મેળવવાનો રહે છે. ઘણુંખરું ઉકેલ એટલે નિર્ધારિત ચલરાશિઓની એવી કિંમતો કે જે એકાદ ઉદ્દેશની ઇષ્ટતમ પ્રાપ્તિ કરાવે છે અને ઉદ્દેશો સિદ્ધ કરવા માટે કાર્યનું વાજબી સ્તર દર્શાવે છે. પૃથક્કરણનો મુખ્ય ભાગ ઉકેલની સંવેદનશીલતાને નમૂનારૂપ વિગતવર્ણનોની નિવેશ-માહિતીની ચોકસાઈ અને સંરચનાત્મક ધારણાઓ સાથે સાંકળી લે છે. સંવેદનશીલતાનું વિશ્લેષણ ચલરાશિઓના પરિવર્તનના સંદર્ભમાં ઇષ્ટતમ ઉકેલની અસરોને આવરી લે છે. દા.ત., આપેલ નમૂનાની મદદથી સંચાલકો એવા નિર્ણય ઉપર પહોંચે કે નિર્દિષ્ટ સમયમાં કંપની અલગ-અલગ પેદાશોના અમુક એકમો ઉત્પાદિત કરી શકે અને નિશ્ચિત નફો મેળવી શકે. આનો આધાર તે જ સમયમાં દરેક પેદાશની વેચાણકિંમત, પડતર કિંમત, કાચી માલસામગ્રી, યંત્રકલાકો અને માનવકલાકોની ઉપલભ્યતા પર રહેલો છે. આ બધા જ આંકડા સ્થિર નથી હોતા; તેમાં ફેરફાર થઈ શકે છે. જો કોઈ પેદાશની વેચાણકિંમત અમુક રકમથી ઉપર જાય કે નીચે જાય, કાચી માલસામગ્રીના પુરવઠા અથવા ખરીદકિંમતમાં ફેરફાર થાય અથવા તો કારીગરોની ગેરહાજરીના કારણે યંત્રકલાકો અને માનવકલાકો ઘટી જાય તો નફા ઉપર શી અસર થાય તે જાણવા સંચાલકો આતુર હોય છે. આવા સવાલના જવાબ સંવેદનશીલતા-વિશ્લેષણ દ્વારા મળે છે. સંવેદનશીલતા-વિશ્લેષણ, પ્રમાણીકરણ-પ્રવિધિના અંતર્ગત ભાગ હોઈ નમૂનાની રચના એવી હોવી જોઈએ કે તે ગણતરી દ્વારા ઉકેલ આપી શકે.

વિનિયોગ : સંક્રિયા-સંશોધનનું રેખીય પ્રક્રમન કોઈ એક ચલરાશિના આપેલા નિયંત્રણ નીચે ઇષ્ટતમ મૂલ્ય મેળવવા સાથે સંબંધ ધરાવે છે. દા.ત., મહત્તમ ઉત્પાદન, ન્યૂનતમ ખર્ચ, પરિવહન ખર્ચ, જાહેરાતનું મહત્તમ વિતરણ, કાચી માલસામગ્રીનું પરિવહન, વરદી, ગોઠવણી, માલની અપ્રાપ્યતા વગેરે મળીને એકંદર ખર્ચને ઘટાડવામાં માલસૂચિના નમૂના મદદરૂપ થાય છે. ઘર બાંધવાથી માંડીને ઉપગ્રહને ભ્રમણકક્ષામાં મૂકવા માટેની પરિયોજનાઓ માટે કાર્યક્રમ મૂલ્યાંકન-પુનર્વિલોકન-કાર્યરીતિ અથવા વિકટ માર્ગ-પદ્ધતિ જેવાં પરિપથ (network) પૃથક્કરણ ઉપયોગી છે.

પ્રણાલી ઇજનેરી

મુકાબલે નવું ગણાય તેવું પ્રણાલી ઇજનેરીનું ક્ષેત્ર. તે ઇજનેરીવિદ્યાની શાખા કરતાં વિશેષ બહુપાર્શ્વીય ઇજનેરીની સમસ્યાને ઉકેલવા માટે જૂની શાખાઓમાંથી સંયોજિત જ્ઞાનનો કાર્યક્ષમ ઉપયોગી કરવાની કાર્યરીતિ છે. તે સંક્રિયા-સંશોધન સાથે સંબંધિત છે; પરંતુ વિશેષત: તેનું કાર્ય તકનીકી સુધારાવધારાનો જેમાં સમાવેશ થયેલો છે તેવાં આયોજન અને ડિઝાઇનને લગતું હોવાને કારણે તેટલે અંશે તેનાથી ભિન્ન ગણાય છે. કદાચ પ્રણાલી ઇજનેરીનું સૌથી મહત્વનું પાસું એ છે કે આર્થિક અને તકનીકી પરિબળોની મર્યાદામાં રહીને ઉપયોગમાં આવે તેવી નવી તકનીકી શક્યતાઓના વિકાસને માટે પ્રણાલી ઇજનેરીનો વિનિયોગ કરવો. આ અર્થમાં તેને તકનીકી વિકાસની ધાત્રી તરીકે જોઈ શકાય.

પ્રણાલી ઇજનેરોની પશ્ચાદભૂમિકા ઘણુંખરું વીજાણુવિજ્ઞાન અથવા સંદેશાવ્યવહાર ઇજનેરીની હોય છે અને તેઓ કમ્પ્યૂટર અને સંદેશાવ્યવહાર તકનીકીનો વ્યાપક ઉપયોગ કરે છે.

પ્રણાલીનો અભિગમ ઘણા સ્રોતમાંથી ઉદભવે છે. વ્યાપક અર્થમાં તેને પ્રમાણિત પદ્ધતિવિજ્ઞાનના સાદા વિસ્તરણ તરીકે ગણી શકાય. વિજ્ઞાનમાં સામાન્યત: આપેલ પરિસ્થિતિને અસર કરતાં બધાં પરિબળોની યાદી બનાવીને સંપૂર્ણ યાદીમાંથી જે પરિબળો ક્રાંતિક લાગતાં હોય તેમને પસંદ કરવાની કાર્યપદ્ધતિ રહેલી છે. પ્રણાલી ઇજનેરીનું પાયાનું સાધન કદાચ ગણિતીય નમૂનાની રચના ગણાય; જેનો પર્યાપ્ત રીતે ઠીકઠીક પરિમાણાત્મક ગણાય તેવી વિજ્ઞાનની કોઈ પણ શાખામાં ઉપયોગ થાય છે.

સંક્રિયા-સંશોધન અને પ્રણાલી ઇજનેરી વચ્ચે સ્પષ્ટ ભેદરેખા રહેલી છે. સંક્રિયા-સંશોધન તમામ ઉપલભ્ય સાધનસામગ્રીનો ઉત્તમોત્તમ ઉપયોગ કરતી હોવાથી તેમાં તકનીકી પ્રૌદ્યોગિક અનિશ્ચિતતાઓ ઊભી થતી નથી. પ્રણાલી ઇજનેરી સામાન્યત: નવી સાધનસામગ્રીના આયોજન સાથે સંબંધ ધરાવે છે, તેથી આવી અનિશ્ચિતતાઓ મહત્વની થઈ પડે છે.

કાર્યરીતિ : પ્રણાલી ઇજનેરીનો મોટોભાગ મુકાબલે જટિલ પરિસ્થિતિની તપાસ કરવાની કાર્યરીતિઓનો હોય છે. કદાચ મૂળભૂત પાયાની કાર્યરીતિ Flow Box Diagram છે, જે ખરેખર ગુણાત્મક છે. પરંતુ દીર્ઘ ર્દષ્ટિએ વિચારતાં વધુ અસરકારક અભિગમ તો ગણિતીય નમૂનાની રચના છે. નિર્ણાયક પ્રણાલી માટે યોગ્ય ઉદ્દેશોનું નિરૂપણ કરવું તે પ્રણાલી ઇજનેરી પ્રક્રિયાનો ખાસ ધ્યાનપાત્ર એવો મહત્વનો હિસ્સો છે.

સાધનો : એમ કહેવાય છે કે ‘વાસ્તવિક રીતે વિજ્ઞાનની એવી કોઈ શાખા નથી જેનો મોટા પાયા ઉપર પ્રણાલીની રચના કરવામાં ઉપયોગ થયો ન હોય. આટલી વિભિન્નતા હોવા છતાં પ્રણાલી સિદ્ધાંતનાં ઘણાંબધાં સાધનોને કેટલાંક વ્યાપક શીર્ષક નીચે મૂકી શકાય. ઇષ્ટતમ એ આવર્તક લક્ષ્યરૂપ વિષયવસ્તુ છે. સંભાવનાશાસ્ત્ર અને આંકડાશાસ્ત્ર પણ મહત્વનાં ક્ષેત્રો છે; જેમાં Queing Theory અને Communication Theory જેવા અનેક વિશિષ્ટ વિષયોનો સમાવેશ થાય છે, છેલ્લે ગણના (computation) એ પ્રણાલી ઇજનેર માટે મહત્વનું ક્ષેત્ર છે.

કાર્યપદ્ધતિઓ : બધી પ્રણાલી ઇજનેરીની પરિયોજનાઓ એકસરખી પરંપરાને અનુસરતી નથી. ઘણોબધો આધાર પ્રશ્નના પ્રકાર ઉપર અને કાર્ય માટેના વિશિષ્ટ સંગઠનની વ્યવસ્થા ઉપર રહેલો છે. તેમ છતાં આ પ્રકારની ભિન્નતાને અવગણીએ તો પ્રક્રિયાઓની એક સર્વસામાન્ય ગણાય તેવી ભાત ઊપસી શકે. આ પ્રક્રિયાઓમાં પાંચ મુદ્દાઓનો સમાવેશ થાય છે : ઉદ્દેશોની ખોજ, શક્ય વૈકલ્પિક પ્રણાલીઓની વિચારણા, માહિતીસંકલન, અભ્યાસજૂથનું સંગઠન અને સમીક્ષા તથા વિકાસ.

માનવઘટક ઇજનેરી

માનવઘટકનો સમાવેશ કરતી સંકલિત પ્રણાલીનું તંત્ર. તે ઔદ્યોગિક ઇજનેરીના કાર્યક્ષેત્રમાં આવે છે. નાણું, માલ, યંત્રો અને વ્યવસ્થાપનની સાથે માનવઘટકની ગણતરી મહત્વના સ્રોત તરીકે થાય. માનવ-સંસાધન વિકાસ (human resource development – HRD) શબ્દપ્રયોગમાં આ બાબત પ્રતિબિંબિત થયેલી છે. જોકે આ સંસાધન બીજાં સંસાધનોની જેમ ઇચ્છા મુજબ જ્યારે ને ત્યારે ઉપયોગમાં લઈ શકાતું નથી.

જ્ઞાનસંચય, પ્રક્રમ અને વ્યવસાયને સમાન અર્થમાં દર્શાવવામાં માનવઘટક ઇજનેરી શબ્દ વપરાય છે. જ્ઞાનસંચય તરીકે માનવઘટક ઇજનેરી એ યંત્રકામગીરી અને પરિસરના સંદર્ભમાં માનવ-લાક્ષણિકતાઓ, કાબેલિયત અને મર્યાદાઓ વિશેની માહિતી અને સિદ્ધાંતોનો સંગ્રહ ગણાય છે. પ્રક્રમ તરીકે તેમાં યંત્ર, યંત્રપ્રણાલી, કાર્યપદ્ધતિ અને પરિસરને અનુલક્ષીને યંત્રચાલકની સુરક્ષા, સગવડ અને ઉત્પાદકતા જેવી બાબતોનો સમાવેશ થાય છે. વ્યવસાય તરીકે કાર્ય કરતા માનવો સાથે સંબંધિત ભિન્ન ભિન્ન કાર્યક્ષેત્રોમાંથી આવતા વિવિધ કક્ષાના વૈજ્ઞાનિકો અને ઇજનેરોનો તેમાં સમાવેશ થાય છે.

માનવઘટક ઇજનેરીનાં માહિતી અને સિદ્ધાંતો : માનવયંત્ર પદ્ધતિમાં ડિઝાઇન અને વિકાસ તથા પ્રણાલીસંબંધિત જીવવિદ્યાકીય અને ઔષધીય સંશોધન વગેરે સાથે સંબંધ ધરાવે છે. આવા વ્યાપક કાર્યક્ષેત્રને કારણે માનવઘટક ઇજનેરી, શરીરરચનાશાસ્ત્ર, માનવાંગ, પરિમિતિ, પ્રયુક્ત શરીરક્રિયાવિજ્ઞાન, પર્યાવરણલક્ષી ઔષધશાસ્ત્ર, મનોવિજ્ઞાન, સમાજશાસ્ત્ર અને વિષવિજ્ઞાન જેવી દેહધર્મવિદ્યાઓ, તદુપરાંત ઇજનેરી, ઔદ્યોગિક ડિઝાઇન અને સંક્રિયા-સંશોધન જેવી વિદ્યાઓનો ઉપયોગ કરે છે.

રાજમાર્ગ ઉપરની નિશાનીઓ, ટેલિફોન, ટાઇપરાઇટર તથા પ્રાઇમસ જેવી સાદી પ્રયુક્તિઓથી માંડીને આધુનિક અને અદ્યતન માહિતીની પ્રક્રિયા કરતી પ્રણાલીઓ તથા સ્વયંસંચાલિત કારખાનાં સુધી માનવઘટક ઇજનેરીનો વિનિયોગ કરવામાં આવે છે. પ્રમાણમાં સાદી પ્રયુક્તિ ગણાય તેવા આધુનિક પુશ-બટન ટેલિફોનની રચનામાં માનવઘટક ઇજનેરીનો મોટો ફાળો છે. ચાર હારમાં ગોઠવેલા બટનની અત્યારની ડિઝાઇન, ગોળાકાર પાંચ બટનની બે ઊભી હાર, પાંચ બટનની બે આડી હાર તથા ત્રાંસી હાર જેવી વિવિધ ગોઠવણીની ઘનિષ્ઠ ચકાસણી કર્યા બાદ પસંદ કરવામાં આવી હતી. ડાબીથી જમણી તરફ અને ઉપરથી નીચે તરફ આંકડા તથા અક્ષરોની ગોઠવણીવાળાં સરવાળાયંત્રો તથા નીચેથી ઉપરની તરફ ચડતા ક્રમમાં આંકડાની ગોઠવણીવાળાં મેજ-કેલ્ક્યુલેટરની તેવી બીજી ગોઠવણી કરતાં ઉત્તમ ગણવામાં આવી હતી. ચકાસણી પરથી એમ માલૂમ પડ્યું કે સરવાળાયંત્રની ગોઠવણી કરતાં આ ગોઠવણીમાં માણસો ખરેખર ઓછી ભૂલો કરતા અને ઓછો સમય લેતા હતા.

માનવઘટક ઇજનેરીના વ્યવહારુ ડિઝાઇનનાં કાર્ય તરફના અભિગમમાં બે સામાન્ય આધારરૂપ હેતુ રહેલા છે : પ્રથમ તો તર્ક, આંતરસૂઝ કે સામાન્ય બુદ્ધિ ઉપર બહુ આધાર રાખ્યા સિવાય વૈજ્ઞાનિક કાર્યરીતિઓનો ચુસ્ત ઉપયોગ કરીને ઇજનેરે માનવને યંત્રરચનાઓ સાથે સંકલિત કરવાનો પ્રશ્ન ઉકેલવો જોઈએ. બીજી વાત એ કે અજમાયશ કરતાં કરતાં સુધારવાની પદ્ધતિ (trial and error method) અખત્યાર કર્યા વગર નિર્ણય લઈ શકાય નહિ. આમ માનવઘટક ઇજનેરીનો અટકળોની અવેજીમાં વૈજ્ઞાનિક કાર્યરીતિઓ ગોઠવવા તરફ ઝોક છે, પરંતુ તેની વિશિષ્ટ કાર્યરીતિઓ સૈદ્ધાંતિકને બદલે અનુભવજન્ય હોય છે.

તેથી ઔદ્યોગિક ઇજનેર કાર્ય સુધારવાની ઘણી આશા જન્માવતા અનેક વિચારો પૃથક્કરણ, અભ્યાસ અને કાર્યક્રમ સાથે ટોચના સંચાલકો પાસે રજૂ કરી શકે. કંપનીના સંચાલનમાં ફાયદો કરે તેવા કાર્યક્રમો દાખલ થઈ શકે તે રીતે ઔદ્યોગિક ઇજનેરીના કાર્યને વિશેષ અસરકારક બનાવવા સારુ ઔદ્યોગિક ઇજનેરીને પૂરતી સ્વતંત્રતા આપવી જોઈએ.

હરેશ જ. જાની

સુ. ર. ઓઝા