ઓસ્બૉર્ન, જૉન જેમ્સ (જ. 12 ડિસેમ્બર 1929, લંડન; અ. 24 ડિસેમ્બર 1994, ઇંગ્લેન્ડ) : બ્રિટનના ‘ઍંગ્રી યંગમૅન’ – વિદ્રોહી નામે ઓળખાતા જૂથનો અગ્રેસર નાટ્યકાર. પ્રારંભિક કારકિર્દીમાં નાટકોમાં અભિનેતા બન્યા અને નવરાશે કવિતા અને નાટક લખ્યાં. 1956માં તેમનું નાટક ‘લૂક બૅક ઇન ઍન્ગર’ ભજવાયું અને તેનાથી અંગ્રેજી નાટકનો નવજન્મ થયો. આ નાટકમાં ઓસ્બૉર્ન સુગઠિત બ્રિટિશ સમાજના આત્મસંતોષ અને દંભ પર તીખા શબ્દો અને અપશબ્દોના ચાબખા વીંઝે છે.
આ નાટકની સફળતાએ આનૉર્લ્ડ વેસ્કર અને હૅરલ્ડ પિન્ટર, જૉન બ્રૈન અને એલન સિલિટો જેવાનાં પરંપરાભંજક અને વિદ્રોહી નાટકોનો રસ્તો મોકળો કર્યો. ‘લૂક બૅક ઇન ઍૅન્ગર’નો નાયક જિમી પૉર્ટર બુદ્ધિશાળી કામદાર છે. તે સ્થાપિત સંસ્થાઓ – દેવળ, લશ્કર, મૂડીવાદીઓ સાથે વારંવાર ટકરાય છે. બે વર્ષ બાદ ઓસ્બૉર્ન અને ટૉમી રિચર્ડસને ‘વૂડફૉલ ફિલ્મ પ્રૉડક્શન્સ લિમિટેડ’ની સ્થાપના કરી અને ઓસ્બૉર્ને તે માટે ચિત્રપટકથાઓ લખી. 1958માં ‘લૂક બૅક ઇન ઍન્ગર’નું ચિત્રપટ તૈયાર થયું. તેના બીજા નાટક ‘ધ ઍન્ટરટેઇનર’(1957)નું ચિત્રપટ પણ તૈયાર થયું. આ નાટકનો નાયક આર્ચી રાઇસ બ્રિટનનો પ્રતિનિધિ છે. ઓસ્બૉર્ને અઢારમી સદીના લેખક હેન્રી ફીલ્ડિંગની નવલકથા ‘ટૉમ જોન્સ’ પરથી ઉતારેલ બોલપટને 1964માં ઑસ્કાર એવૉર્ડ એનાયત થયો હતો. ‘લ્યૂથર’ (1961) નાટકમાં પ્રૉટેસ્ટંટ સુધારકનો બ્રેખ્ત પદ્ધતિથી અર્જીણના રોગી તરીકે રજૂ કરે છે. લ્યૂથર સોળમી સદીનો આક્રોશી યુવાન છે. તેનું ‘ઇનએડમિસિબલ એવિડન્સ’ (1964) ટૂંકું અને અભિવ્યક્તિવાદી નાટક છે. તેમાં જાતીય વાસનાથી પીડિત મધ્યમ વયના વકીલના નિષ્ફળ જીવનની વાત છે. આ નાટક પરથી 1968માં બોલપટ તૈયાર થયું હતું. ઓસ્બૉર્નનાં અન્ય જાણીતાં નાટકો છે ‘એપિટાફ ફૉર જ્યૉર્જ કિલ્લોન’ (1958), ‘બ્લડ ઑવ્ ધ બેમ્બર્સ’ (1962), ‘અન્ડર ધ પ્લેન કવર’ (1962), ‘ટાઇમ પ્રેઝન્ટ’ (1968), ‘હૉટેલ ઇન એમ્સ્ટરડેમ’ (1968), ‘વેસ્ટ ઑવ્ સુએઝ’ (1971), ‘ધ એન્ડ ઑવ્ મિ. ઓલ્ડ સિગાર’ (1975), ‘વૉચ ઇટ ડાઉન’ (1978) વગેરે નાટકો છે. 1987માં ઓસ્બૉર્ને તેની આત્મકથાનો પ્રથમ ગ્રંથ ‘એ બેટર ક્લાસ ઑવ્ પર્સન’ પ્રગટ કરેલ છે. 1995માં તેનું ટેલિવિઝન-રૂપાંતર રજૂ થયું. આત્મકથાનો બીજો ગ્રંથ નામે ‘ઑલમોસ્ટ એ જેન્ટલમૅન’ 1991માં પ્રગટ થયો.
કૃષ્ણવદન જેટલી