ઓવરડ્રાફટ : ગ્રાહકની ટૂંકા ગાળાની જરૂરિયાત પૂરી થાય તે હેતુથી બૅંક દ્વારા અપાતા ધિરાણનો એક પ્રકાર. આ પ્રકારનું ધિરાણ અમુક રકમ અને અમુક મુદત માટે મંજૂર કરવામાં આવતું હોય છે. આ સગવડ બૅંક માં ચાલુ ખાતું (current account) ધરાવનાર ગ્રાહકને અપાતી હોય છે. ગ્રાહકની શાખપાત્રતા તથા સધ્ધરતા અનુસાર આ પ્રકારનું ધિરાણ કાં તો જામીનગીરી મેળવીને અથવા તે વિના આપવામાં આવે છે. આ વ્યવસ્થા હેઠળ ગ્રાહકનો એના ખાતે મુકરર કરેલ રકમની મર્યાદા સુધીની ઉધારબાકી નીકળે ત્યાં સુધી ચેક દ્વારા ઉપાડ કરવાની કે ચુકવણી કરવાની પરવાનગી આપવામાં આવે છે. દા.ત. કોઈ બૅંક ગ્રાહકનો રૂ. 10,000નો અતિ-ઉપાડ (overdraft) મંજૂર કરે ત્યારે જો ગ્રાહકના ખાતામાં રૂ. 5,000ની જમાબાકી હોય તો ગ્રાહક 5000 + 10,000 = 15,000ની રકમ સુધીના ચેક પોતાના ખાતા પર લખી શકે છે; કરાર મુજબ તે સ્વીકારવાની બૅંકની ફરજ બને છે. આમ આ વ્યવસ્થા હેઠળ જે રકમ મંજૂર કરવામાં આવી હોય તેની મર્યાદામાં રહીને, ગ્રાહક ઇચ્છે ત્યારે અને ઇચ્છે તેટલી રકમનો ઉપયોગ કરી શકે છે. વધારાના ઉપાડહક્ક અંગે બંને પક્ષો વચ્ચે થયેલા કરારની અગત્યની બાબતોની નોંધ ગ્રાહકના ખાતા સામે કરવામાં આવે છે. આ વ્યવસ્થાના ગાળા દરમિયાન ગ્રાહક પોતાના ખાતામાં કોઈ રકમ જમા કરે ત્યારે આવા ધિરાણની મર્યાદામાં ઘટાડો થતો નથી, બલ્કે નિર્ધારિત મુદત દરમિયાન ગ્રાહક પોતાની ઇચ્છા મુજબ જમા કરાયેલી રકમનો ફરી ઉપાડ કરી શકે છે.
ગ્રાહકની ર્દષ્ટિએ વિચારીએ તો આ પ્રકારનો અતિઉપાડ અન્ય રીતે પ્રાપ્ત કરવામાં આવતી લોનની સરખામણીમાં વધુ લાભદાયક હોય છે, કારણ કે વધારાના ઉપાડહક્ક હેઠળ મંજૂર થયેલી કુલ રકમમાંથી ગ્રાહકે જેટલી રકમ, જેટલા સમય માટે વાપરી હોય તેના માટેનું જ વ્યાજ ગ્રાહકે ચૂકવવાનું હોય છે, જ્યારે લોનની બાબતમાં તે ભરપાઈ થાય તે સમય સુધીનું પૂરેપૂરું વ્યાજ લોન લેનારે ચૂકવવું પડે છે. ઉપરાંત, આ સગવડમાં ગ્રાહકની અનુકૂળતા પ્રમાણે રકમ કટકે કટકે જમા કરાવી શકાય છે, જ્યારે લોનની રકમ સામટી પાછી આપવાની હોય છે. બૅંકની ર્દષ્ટિએ વિચારતાં વધારાના ઉપાડ હેઠળ આપેલું ધિરાણ વધુ તરલતા (liquidity) ધરાવે છે, કારણ કે ચાલુ ખાતામાં નાણાં જમા થતાંની સાથે જ ધિરાણ પેટે આપેલાં નાણાં આપોઆપ ઘણા ટૂંકા ગાળામાં ભરપાઈ થઈ જાય છે.
ઓવરડ્રાફ્ટની મર્યાદા રિઝર્વ બૅંક ઑવ્ ઇન્ડિયા દ્વારા અવારનવાર મુકાતાં નિયંત્રણોને અધીન હોય છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે