ઓલિવિન વર્ગ : ફોર્સ્ટીરાઇટ, ક્રાયસોલાઇટ, હાયલોસિડેરાઇટ, હોર્ટોનોલાઇટ, ફેરોહોર્ટોનોલાઇટ અને ફાયલાઇટ જેવાં સિલિકેટ ખનિજોનો સમાવેશ કરતો ખનિજવર્ગ. ઓલિવિન વર્ગનાં ખનિજો મુખ્યત્વે Fe અને Mgનાં સિલિકેટ છે, અને જવલ્લે જ Mn કે Caના સિલિકેટ તરીકે મળી આવે છે. વધુમાં ઓલિવિન ખનિજો ઑર્થોસિલિકેટ અને અતૃપ્ત પ્રકારનાં છે. પરમાણુરચનાની ર્દષ્ટિએ આ ખનિજો નેસોસિલિકેટ છે; એમાં SiO4 ચતુષ્ફલક (tetrahedron) અલગ એકમ તરીકે રહેલા હોય છે. SiO4 ચતુષ્ફલક Mg અને Fe કેટાયનથી જોડાયેલા હોય છે અને તે સ્ફટિક અક્ષોને સમાંતર રેખાઓમાં ગોઠવાયેલા હોય છે. આકૃતિ 1માં ઓલિવિન ખનિજોની અણુરચનાનો નિર્દેશ છે.

સ્ફટિક અક્ષોને સમાંતર આ પ્રકારની કોઈ પણ રેખામાં SiO4 ચતુષ્ફલક એકદિશાલક્ષી હોય છે, જ્યારે આકૃતિ 1માં દર્શાવ્યા પ્રમાણે એકાંતર રેખાઓમાં SiO4 ચતુષ્ફલક ડાબી અને જમણી તરફ જતા હોય છે.

આકૃતિ 1 : ઓલિવિનની અણુરચના

રાસાયણિક ર્દષ્ટિએ ઓલિવિન ખનિજો ફોર્સ્ટીરાઇટ (Mg2SiO4) અને ફાયલાઇટ (Fe2SiO4) વચ્ચેની સમરૂપ (isomorphous) શ્રેણી બનાવે છે; એમાં Mg – Fe વચ્ચેનો ગુણોત્તર 100 : 0થી 0 : 100 સુધી બદલાયા કરે છે. આ ખનિજોનું રાસાયણિક બંધારણ ફોર્સ્ટીરાઇટ અને ફાયલાઇટની અણુટકાવારી રૂપે દર્શાવાય છે.

આકૃતિ 2 : ઓલિવિન વર્ગ

તમામ ઓલિવિન ખનિજો ઑર્થોરહોમ્બિક વર્ગના સ્ફટિકરૂપે સ્ફટિકીકરણ પામે છે. પરંતુ બધાં જ સ્વરૂપોથી સુવિકસિત સ્ફટિકો જૂજ હોય છે. કેટલીક વખતે બૅસાલ્ટ ખડકમાં મળી આવતા મહાસ્ફટિકો મેક્રોપિનેકૉઇડ, પ્રિઝમ અને મેક્રોડોમ સ્વરૂપોથી બંધાયેલા હોય છે. ઓલિવિન ખનિજો સૂક્ષ્મદર્શક નીચે ઊંચા વક્રીભવનાંકવાળાં, સ્પષ્ટ છેદવાળાં અને રંગવિહીન હોય છે. આ ખનિજો તેમના ઊંચા વક્રીભવનાંક-તફાવતની મદદ વડે અન્ય ખનિજોથી જુદાં પાડી શકાય છે, જુદાં જુદાં ઓલિવિન ખનિજો તેમાંના 2V (પ્રકાશીય અક્ષકોણ) અને nβની મદદથી ઓળખી શકાય છે.

ફોર્સ્ટીરાઇડ અને ફાયલાઇટ સિવાયનાં ઓલિવિન ખનિજો ગ્રૅબ્રો, ટ્રૉક્ટોલાઇટ, ડૉલેરાઇટ, બૅસાલ્ટ, પિકરાઇટ, પેરિડોટાઇટ અને ડ્યુનાઇટ જેવા બેઝિક અને અલ્ટ્રાબેઝિક ખડકોમાં મળી આવે છે. આ ખડકોમાં મળતાં ઓલિવિન ખનિજોમાં ફોર્સ્ટીરાઇટની ટકાવારી ઊંચી હોય છે; જ્યારે એસિડિક અગ્નિકૃત ખડકોમાં મળી આવતાં ઓલિવિન ખનિજોમાં Feનું પ્રમાણ વધુ હોય છે. ફોર્સ્ટીરાઇટ ખનિજ એ અશુદ્ધિવાળા મૅગ્નેશ્યમયુક્ત ચૂનાખડકો તેમજ ડૉલોમાઇટમાં ઉદભવતી ઉષ્ણતાવિકૃતિની પેદાશ છે.

વ્રિજવિહારી દીનાનાથ દવે