ઓલા, ભરત (જ. 6 ઑગસ્ટ 1963, ભિરાણી, રાજસ્થાન) : રાજસ્થાની વાર્તાકાર. તેમને તેમના વાર્તાસંગ્રહ ‘જીવ રી જાત’ માટે 2002ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેઓ હિંદી અને રાજસ્થાની સાહિત્યમાં એમ.એ.ની ડિગ્રીઓ પ્રાપ્ત કર્યા પછી અધ્યાપનકાર્યમાં જોડાયા. તેઓએ પી.એચડી.ની ડિગ્રી પણ પ્રાપ્ત કરી છે. તેઓ રંગમંચ, સ્વાધ્યાય અને રાજસ્થાની સંસ્કૃતિમાં ઊંડો રસ ધરાવે છે.

ભરત ઓલા

તેમણે અત્યાર સુધીમાં અનેક ગ્રંથો આપ્યા છે : ‘નમન કરું મૈં’, ‘બખત રો મોલ’, ‘ભાભી કે પ્રશ્ન’, ‘ખૂબસૂરત રિશ્તા’, ‘જબ ફૂલ તૂટતે હૈં’ અને ‘જીવ રી જાત’  તેમના જાણીતા વાર્તાસંગ્રહો છે. કબીરસાહિત્યની તેમના પર ઊંડી અસર છે. તેમને ભારતીય કલા સાહિત્ય પરિષદના ચૌધરી રણધીરસિંહ પ્રતિભા પુરસ્કાર (1994) અને રાજસ્થાની ભાષા, સાહિત્ય અને સંસ્કૃતિ અકાદમીના મુરલીધર વ્યાસ રાજસ્થાની કથાસાહિત્ય પુરસ્કાર (2000)થી સન્માનિત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત રાવત સારસ્વત સાહિત્ય ઍવૉર્ડ (2006), સનવાર દૈયા કથા સાહિત્ય પુરસ્કાર (2010), રામ કુમાર ઓઝા સાહિત્ય પુરસ્કાર (2010), મહેન્દ્ર જાગોદિયા સાહિત્ય પુરસ્કાર (2011), રાજ્ય સ્તરીય શિક્ષક પુરસ્કાર (2012), રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર (2013), માતુશ્રી કમલા ગોયન્કા રાજસ્થાની સાહિત્ય પુરસ્કાર (2015), માની દેવી બ્રજમોહન જોશી સાહિત્ય પુરસ્કાર (2017), કમલાદેવી ફડિયા ઉપન્યાસ પુરસ્કાર (2017) અને કન્હૈયાલાલ સેઠિયા રાજસ્થાની સાહિત્ય પુરસ્કાર (2019) ઉલ્લેખનીય છે.

તેમની પુરસ્કૃત કૃતિ ‘જીવ રી જાત’ મુખ્યત્વે સામાજિક વિષયવસ્તુને યથાર્થ રીતે પ્રસ્તુત કરતો વાર્તાસંગ્રહ છે. પાત્રોની મનોવૈજ્ઞાનિક સજાવટમાં ઊંડા ઊતરીને લેખકે સામાન્ય વસ્તુકથાનકોને એ યાદગાર અનુભવો બની રહે તેવી રીતે પ્રભાવક સંવાદ-વર્ણનોથી રજૂ કર્યાં છે. આ સંગ્રહ તેની નિરાળી ભાષાશૈલી, પાત્રોના મનોવૈજ્ઞાનિક રીતિના જીવંત નિરૂપણ અને કથાગૂંફનના પ્રભાવશાળી કૌશલને કારણે રાજસ્થાનીમાં લખાયેલ ભારતીય વાર્તાસાહિત્યમાં નવતર ભાત પાડે છે.

બળદેવભાઈ કનીજિયા