ઓરેગોન : સંયુક્ત અમેરિકાના વાયવ્ય ખૂણે પૅસિફિક સમુદ્રના કિનારે આવેલું રાજ્ય. તે 440 00′ ઉ. અ. અને 1210 00′ પ. રે.ની આજુબાજુ વિસ્તરેલ છે. બીવર રાજ્ય (Beaver state) તરીકે જાણીતા થયેલા આ રાજ્યનું નામ ફ્રેંચ શબ્દ ‘Ouragan’ એટલે ‘પ્રચંડ તોફાન’ પરથી પડ્યું હોય તેવો સંભવ છે. તે પૂર્વથી પશ્ચિમ તરફ 650 કિમી. અને ઉત્તરથી દક્ષિણ 480 કિમી. જેટલું પ્રસરેલું છે. કુલ વિસ્તાર આશરે 2,51,419 ચોરસ કિમી. છે. એમાંથી 2,૩02 ચોકિમી. જળપ્રદેશ છે. તેની પશ્ચિમે પૅસિફિક મહાસાગર, ઉત્તરે વૉશિંગ્ટન, પૂર્વે ઇડાહો અને દક્ષિણે કૅલિફૉર્નિયા તથા નેવાડા રાજ્યો આવેલાં છે. 1859માં ૩૩મા સંલગ્ન રાજ્ય તરીકે તેનો સંયુક્ત અમેરિકામાં પ્રવેશ થયો હતો. સાલમે તેનું પાટનગર છે. રાજ્યની કુલ વસ્તી 43,59,110 (2023) છે. 1970-80ના દાયકામાં વસ્તીમાં આશરે 26 ટકા જેટલો અસાધારણ વધારો નોંધાયો હતો. રાજ્યમાં વસ્તીની ગીચતા દર ચોકિમી. 9 છે. કુલ વસ્તીમાં 95 % ગોરી પ્રજા તથા બાકીના 5 %માં શ્યામરંગી, ભારતીય તથા જાપાનીઝ કુળની છે. પૉર્ટલૅન્ડ, યૂજિન, સાલેમ તથા મેડફોર્ડ તેનાં મુખ્ય નગરો છે; ત્યાં રાજ્યની કુલ વસ્તીના 65 ટકા પ્રજા વસે છે. આ ચારે નગરો રાજ્યની પશ્ચિમ તરફની ખીણોના પ્રદેશમાં આવેલાં છે. પૉર્ટલૅન્ડ નગર કોલંબિયા તથા વિલૅમટ્ટી નદીઓના સંગમ પર આવેલું છે. તે રાજ્યનું મોટામાં મોટું બંદર છે. દરિયામાં ફરી શકે તેવાં મોટાં વહાણો આ બંદરે આવે છે. આ નગરમાં આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પણ છે. તોફાની નદીઓ, સ્થિર સરોવરો, ઝંઝાવાતી સાગરકાંઠો, ઘટાદાર વનરાજિથી ભરપૂર ખીણો તથા હિમાચ્છાદિત પર્વતશિખરો ઓરેગોનની વિશિષ્ટતાઓ છે.

બીટના ઉત્પાદન માટે થતો યંત્રોનો ઉપયોગ

વિશાળ પ્રદેશ તથા ભૌગોલિક વૈવિધ્ય ધરાવતા આ રાજ્યનાં મેદાનો, પઠારપ્રદેશો, પહાડો તથા ખીણોને મુખ્યત્વે બે વિભાગોમાં વહેંચી શકાય છે : (1) મૃત જ્વાળામુખીનાં શિખરો ધરાવતી પર્વતમાળા (Cascade Range) ઉત્તરથી દક્ષિણ તરફ ફેલાયેલી છે. (2) પૅસિફિક સમુદ્રની અડોઅડ પશ્ચિમ તરફનો પ્રદેશ જ્યાં આબોહવા સૌમ્ય, સમશીતોષ્ણ તથા ભેજવાળી છે. આ પ્રદેશમાં વરસાદથી સતત ભીંજાતા પહાડો અને જંગલો હોવાથી અહીંની ખીણો ખૂબ ફળદ્રૂપ છે. પરંતુ પૂર્વ તરફના પ્રદેશમાં વરસાદની અછતને લીધે ત્યાંનાં મેદાનો સૂકાં છે.

રાજ્યનું અર્થતંત્ર મુખ્યત્વે કૃષિ તથા જંગલપેદાશો પર નભે છે. ઘઉં મુખ્ય પાક છે. તેની ખેતી વ્યાપારી ધોરણે થાય છે. તે પછી ફળફળાદિ તથા શાકભાજીનું ઉત્પાદન મહત્વ ધરાવે છે. 20,000 હેક્ટર જમીન પર બટાકાનું વાવેતર થાય છે. ઊંચાણવાળા સૂકા પ્રદેશમાં ઢોરઉછેર, ખાસ કરીને માંસલ ઢોરના ઉછેર (beef cattle-breeding) પર ભાર મુકાય છે. વિલેમેટ્ટી નદીની ખીણમાં ડેરીનો વિકાસ થયો છે. આ રાજ્ય ચેરીના ઉત્પાદનમાં દેશમાં મોખરે છે. પેઅર, સ્ટ્રૉબરી તથા મગફળીની પેદાશમાં રાજ્ય દેશમાં બીજો ક્રમ ધરાવે છે. રાજ્યની કુલ ભૂસંપત્તિમાં 52 ટકા જમીન જાહેર માલિકી હેઠળ છે.

મોટાભાગનું ઉદ્યોગીકરણ જંગલ-પેદાશોને આભારી છે. લાકડાં વહેરવાનાં કારખાનાં, હાર્ડબૉર્ડ, કાગળ તથા કાગળ માટે વપરાતો લાકડાનો માવો બનાવતા એકમો સારી પેઠે વિકસ્યા છે. ઉપરાંત, ખાદ્યચીજો પર પ્રક્રમણ, ઍલ્યુમિનિયમ જેવી હલકી ધાતુની ચીજવસ્તુઓનું ઉત્પાદન કરતા એકમો પણ વિકસ્યા છે. લગભગ બે લાખ જેટલા શ્રમિકો ઔદ્યોગિક ક્ષેત્રમાંથી રોજગારી મેળવે છે.

રાજ્યની કુલ ભૂસંપત્તિના આશરે 50 ટકા, એટલે કે 120 લાખ હેક્ટર જમીન જંગલો હેઠળ છે; એમાંથી 104 લાખ હેક્ટર જંગલો ઉપજાઉ છે. પચાસ લાખ હેક્ટર જેટલાં જંગલો રાષ્ટ્રીય જંગલો જાહેર થયાં છે.

કુદરતી સૌંદર્ય તથા વિસ્તૃત દરિયાકિનારાને લીધે પ્રવાસન વ્યવસાયનો ઠીક ઠીક વિકાસ થયો છે. રાજ્યની આવકમાં વ્યવસાયના ફાળાની રીતે કૃષિ તથા ઉદ્યોગો પછી પ્રવાસનનો ક્રમ આવે છે.

કૉર્વાલિસ ખાતેની ઓરેગોન સ્ટેટ યુનિવર્સિટી તથા યુજીન ખાતેની યુનિવર્સિટી ઑવ્ ઓરેગોન રાજ્યની યુનિવર્સિટીઓમાં મહત્વનું સ્થાન ધરાવે છે.

ઇતિહાસ : સ્પૅનિશ ખારવા વ્યાપારહેતુથી ઉત્તર-પશ્ચિમ તરફના માર્ગની શોધમાં હતા તે દરમિયાન તે ઓરેગોનના સાગરકાંઠા પર આવી પહોંચ્યા હતા. તે અરસામાં આ પ્રદેશમાં વિવિધ આદિમ જાતિઓ અને ટોળીઓ વસતી હતી. 1579માં અંગ્રેજ ચાંચિયા ફ્રાન્સિસ ડ્રેકે રાણી ઇલિઝાબેથ પહેલાની વતી આ પ્રદેશ પર ઇંગ્લૅન્ડનો હક્ક પ્રસ્થાપિત કર્યો હતો. તે પછી લગભગ બે સદીઓ બાદ સ્પૅનિશ તથા અંગ્રેજ સાહસખેડુઓએ ફરી આ પ્રદેશ ઉપર પોતાના હક્ક પ્રસ્થાપિત કર્યા હતા. 1792માં અમેરિકાના કૅપ્ટન રૉબર્ટ ગ્રેએ નૌકાયાન દ્વારા કોલંબિયા નદીના મુખ સુધી પહોંચી પૅસિફિક મહાસાગરના વાયવ્ય પ્રદેશ પર અમેરિકાનો હક્ક પ્રસ્થાપિત કર્યો.

1819માં સ્પેને આ પ્રદેશ પરનો પોતાનો હક્ક અમેરિકાની તરફેણમાં જતો કર્યો; તેને આધારે કૅલિફૉર્નિયા તથા ઓરેગોન રાજ્યો વચ્ચેની હાલની સરહદ નક્કી થઈ હતી. 1846માં બ્રિટન સાથે થયેલી સંધિ દ્વારા રાજ્યની ઉત્તર તરફની સરહદ નક્કી થઈ હતી અને તે જ સમયે ઓરેગોન અમેરિકાનો ભાગ બન્યું હતું.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે