ઓરી, જર્મન (german measles, rubella) : થૂંકબિન્દુઓથી ફેલાતો વિષાણુજન્ય (viral) ચેપી રોગ. મોટાં બાળકોમાં, કુમારાવસ્થામાં અને યુવાનોમાં થતો આ રોગ ઓરી કરતાં ઓછો ચેપી છે. ચેપ લાગ્યા પછી 14-21 દિવસે તેનાં લક્ષણો જોવા મળે છે. શરૂઆતમાં નાક ગળવું, ગળું સૂઝવું, આંખ આવવી અને માથાની નીચે બોચીમાં દુખતી લસિકાગ્રંથિની ગાંઠો નીકળવી વગેરે લક્ષણો જોવા મળે છે. કાનની પાછળ અને કપાળ પર સૌપ્રથમ ગુલાબી છાંટ જેવો ચામડીનો સ્ફોટ (maccular rash) થાય છે. સ્ફોટ છાતી અને હાથ-પગમાં પ્રસરે છે. પુખ્ત વયના દર્દીઓમાં શરૂઆત ઉગ્ર સ્વરૂપે થાય છે.

જર્મન ઓરીનો સ્ફોટ

તાવ અને શરીરનો દુખાવો પણ થઈ આવે છે. માંદગી 2થી 4 દિવસ રહે છે. ક્યારેક જ ઘણા નાના સાંધાઓનો શોથ (polyarthritis), મસ્તિષ્કશોથ (encephalitis) તથા ગઠનકોશ-અલ્પતાજન્ય રુધિરછાંટ (thrombo cytopenic purpura) થાય છે. જોકે રોગ સંપૂર્ણપણે મટે છે. બાળકોની માંદગી ટૂંકી અને સામાન્ય હોય છે જ્યારે પુખ્ત વયે તે ટૂંકી પણ તીવ્ર હોય છે. સગર્ભાવસ્થાના પ્રથમ 4 મહિનામાં તેનો ચેપ લાગે તો ગર્ભને નુકસાન થાય છે અને બાળક જન્મજાત વિકૃતિઓ સાથે જન્મે છે. મોતિયો, બહેરાશ, લઘુશીર્ષતા (microcephaly), માનસિક અલ્પવિકસન (mental retardation) અને હૃદયની વિકૃતિઓ જોવા મળે છે. સગર્ભા-પ્રતિરક્ષાશીલતા વગરની (non-immune) સ્ત્રીઓ સિવાય અન્ય કોઈને ખાસ સારવારની જરૂર નથી હોતી. આવી સ્ત્રીઓને માનવીય પ્રતિરક્ષાગ્લોબ્યુલિન અપાય છે. જોકે તેથી ગર્ભને કેટલું રક્ષણ મળતું હશે તે નિશ્ર્ચિત થયેલું નથી. તેથી ગર્ભપાત કરાવવાનું પણ સૂચવાય છે. દરેક છોકરીને તથા સગર્ભા ન હોય એવી પ્રતિરક્ષાશીલતા વગરની દરેક સ્ત્રીને, જો તે 8 અઠવાડિયાં સુધી સગર્ભાવસ્થા ન થવા દેવાની હોય તો પશ્ચિમી દેશોમાં જર્મન ઓરી સામેની રસી આપવાનું સૂચવાય છે.

ભરત જે. પરીખ

અનુ. શિલીન નં. શુક્લ