ઓરિનોકો : દ. અમેરિકામાં આવેલા વેનેઝુએલા દેશમાં વિષુવવૃત્તની નજીકની લગભગ 2,560 કિમી. લાંબી નદી. પાણીના જથ્થાના સ્રાવમાં દુનિયાની બધી નદીઓમાં તેનો ક્રમ આઠમો છે. એક અંદાજ મુજબ તે દર સેકન્ડે સરેરાશ 16,980 ઘનમીટર પાણી આટલાન્ટિક મહાસાગરમાં ઠાલવે છે. વેનેઝુએલાના દક્ષિણ ભાગમાં આવેલા ગિયાનાના ઉચ્ચ પ્રદેશમાંથી નીકળીને શરૂઆતમાં તેનું વહેણ ઉત્તર તરફ અને ત્યારપછી પૂર્વ તરફ વળાંક લઈને આગળ વધે છે. તેના પ્રવાહમાં એન્ડિઝ ગિરિમાળા ઉપરાંત ગિયાનાના ઉચ્ચ પ્રદેશમાંથી ઉદભવતી લગભગ 400 નદીઓનાં પાણી ભળે છે અને તેનું કદ વિશાળ બને છે. વળી, તેણે આટલાન્ટિક કિનારે વિશાળ મુખત્રિકોણપ્રદેશ રચ્યો છે. સામાન્ય સંજોગોમાં આ નદી મંદ ગતિથી વહે છે, પણ વર્ષાઋતુમાં ભારે પૂર આવતાં તેનો વેગ ઘણો વધી જાય છે.
ઓરિનોકોના પૂર્વ તરફ ઢળતા કાંપનિર્મિત મેદાનને ‘ઓરિનોકોનું બેસિન’ કહે છે; જે લગભગ ૩,00,000 ચોકિમી. ક્ષેત્રને આવરી લે છે. અહીં લાક્ષણિક એવી વિષુવવૃત્તીય ગરમ અને ભેજવાળી આબોહવા પ્રવર્તતી હોવાથી ઊંચું સવાના ઘાસ ઊગી નીકળે છે. આ વિશાળ ‘સવાના ઘાસભૂમિ’ ‘લાનોસ’ તરીકે ઓળખાય છે; ત્યાં પશુપાલનપ્રવૃત્તિ અગ્રસ્થાને છે. આ નદી જળમાર્ગ તરીકે ઘણી ઉપયોગી છે અને તેમાં તેના મુખથી તે આંતરિક ભાગ તરફ જતાં લગભગ 800 કિમી. સુધી દરિયાઈ સ્ટીમરો અવરજવર કરી શકે છે.
બીજલ પરમાર