ઓરિદાત્થુ : જાણીતી મલયાળમ ફિલ્મ. નિર્માણસંસ્થા : સૂર્યકાન્તિ ફિલ્મ મેકર્સ; દિગ્દર્શક-કથા-પટકથા – સંગીત : જી. અરવિન્દન; છબીકલા : શાહજી; ધ્વનિમુદ્રણ : દેવદાસ; સંકલન : બોઝ; કલાનિર્દેશક : પદ્મકુમાર; નિર્માણવર્ષ : 1986.
શું આધુનિક યાંત્રિકીકરણ અંધકારમાંથી પ્રકાશ તરફ દોરી જશે ? જો ખરેખર તે સત્ય હોય તો તેની શી કિંમત ચુકવવી પડશે ? કેરળના આંતરરાષ્ટ્રીય નામના મેળવેલ ફિલ્મસર્જક જી. અરવિંદન્ તેમની આઠમી ફિલ્મમાં આ સમસ્યાને રમૂજમિશ્રિત કારુણ્યનો ઓપ આપીને રજૂ કરે છે, ગ્રામજીવન સદાયે હાસ્ય, દુ:ખ, સમસ્યાઓ, રાજરમતો, જાતીય આવેગો અને નવોદિત નાટ્યકારોથી ધબકતું રહ્યું છે. ફિલ્મસર્જકનું કેરળનું નાનું ગામડું તેનો અપવાદ નથી. 1950ના દાયકાના લગભગ મધ્યભાગમાં ફિલ્મની કથા આવા એક ગામમાં કેન્દ્રિત થાય છે. ચિત્રનું દરેક પાત્ર એક કથા છે. જલદ ભાષણોમાં ડૂબેલો સામ્યવાદી વિચારસરણી ધરાવતો દરજી; વધુ પડતા કામના બોજમાં ડૂબેલો ઓવરસિયર, જેને ગામનાં માણસો એંજિનિયર માને છે; સ્કૂલની આદર્શ શિક્ષિકા; મુગ્ધ વયના આરે ઊભેલા પ્રથમ જાતીય સંવેદનો અનુભવતા યુવાનો; પરસ્ત્રી સાથે સંબંધ ધરાવવા ઉત્સુક ડૉક્ટર; અપરિણીત ગર્ભવતી યુવતી; આવાં ભિન્ન ભિન્ન પાત્રોની એકતાના પ્રતીકરૂપ ગામનો વાર્ષિક ઉત્સવ ત્યાંના મંદિરમાં ઊજવાય છે. આવા વાતાવરણમાં ગામમાં વીજળીનો આરંભ થાય છે. વીજળીનો પ્રવેશ થતાં જ ગામમાં પ્રકાશ આવતાં ગામની શાંતિ હણાઈ જાય છે. ચિત્રનું અંતિમ ર્દશ્ય ખૂબ સૂચક છે. ગામના મંદિરમાં વાર્ષિક ઉત્સવ ઊજવાઈ રહ્યો છે ત્યારે આતશબાજીથી આકાશ છવાઈ ગયું છે. આ આતશબાજી જાણે કે અણુયુદ્ધ થઈ રહ્યું હોય તેવી રીતે તેનું ફિલ્માંકન કરવામાં આવ્યું છે. જી. અરવિન્દનનું બાળપણ આવા જ એક ગામમાં પસાર થયું હતું. તે દસ વર્ષના થયા ત્યાં સુધી તેમણે વીજળીનો પ્રકાશ જોયો ન હતો. તેમના શબ્દોમાં ‘મને તે સમય હજુ પણ યાદ છે. ફાનસ સાથે રાત્રિના સમયે ચાલતાં માણસો હું ભૂલી શકતો નથી. વીજળી આવી અને તે અર્દશ્ય થઈ ગયાં.’ આ ફિલ્મ દિલ્હી, વેનિસ અને લંડનના આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં પ્રદર્શિત થઈ હતી.
પીયૂષ વ્યાસ