ઓરાન (Oran) : ઉત્તર આફ્રિકાના અલ્જિરિયા પ્રજાસત્તાકનું બીજા ક્રમનું અગત્યનું બંદર તથા ઓરાન પ્રાંતનું પાટનગર. ભૌગોલિક સ્થાન : ૩50 4૩’ ઉ. અ. અને 00 4૩’ પ. રે. અલ્જિરિયા બંદરની પશ્ચિમે ૩60 કિમી. અંતરે ભૂમધ્ય સાગર પર તે આવેલું છે. ઘણા પ્રાચીન સમયમાં ત્યાં વસવાટ થયેલો હોવા છતાં, દસમી સદીમાં સ્પેનથી આવેલા અન્દાલ્યૂશિયન મૂર્સ લોકોએ તેનો વ્યાપારી મથક તરીકે વિકાસ કર્યો હતો. 1962માં અલ્જિરિયાને સ્વતંત્રતા મળી તે પહેલાંના આશરે દસ શતક દરમિયાન આ નગર પર અવારનવાર સ્પૅનિશ, ઑટોમન તથા ફ્રેન્ચ શાસકોનું આધિપત્ય પ્રસ્થાપિત થયું હતું. 18૩1માં ફ્રેન્ચોએ તેના પર કબજો કર્યા પછી નૌકાદળના મુખ્ય મથક તરીકે તેનો ઉપયોગ થયો હતો. બીજા વિશ્વયુદ્ધના ગાળામાં 1942માં મિત્ર રાષ્ટ્ર વતી અમેરિકાના લશ્કરે તેના પર કબજો કર્યો અને ઉત્તર આફ્રિકાની લશ્કરી કારવાઈની શરૂઆત ત્યાંથી થઈ હતી. બીજા વિશ્વયુદ્ધની સમાપ્તિ પછી અલ્જિરિયાની સ્વાધીનતા ચળવળ દરમિયાન આ નગરે ફ્રેન્ચ સામ્રાજ્યવાદ તથા સંસ્થાનવાદને પરાસ્ત કરવામાં મહત્વનો ફાળો આપ્યો હતો. નવા બંદરના વિકાસ સાથે ઓરાનનું વ્યાપારી મહત્વ ઘણું વધ્યું છે. વસ્તી : 14.7 લાખ (2019).
આબોહવા : તાપમાન જાન્યુઆરીમાં 120 સે. અને જુલાઈમાં 240 સે., સરેરાશ વાર્ષિક વરસાદ ૩76 મિમી. રહે છે.
રેલમાર્ગ દ્વારા આ નગરને પૂર્વમાં અલ્જિયર્સ, પશ્ર્ચિમમાં ફેઝ તથા આશરે 475 કિમી. અંદર બેચાર સાથે સાંકળી લેવામાં આવેલું છે. ઓરાન તથા મોરૉક્કો વચ્ચે પણ રેલમાર્ગ છે. નગરની નજીક આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પણ છે.
નગરમાં ખાદ્યપ્રક્રમણ, ધાતુકામ તથા ધાતુ ઢાળવાનાં કારખાનાં છે તથા નિકાસ થતી વસ્તુઓમાં ખાસ તો ખાદ્ય પદાર્થો, ખેતીની પેદાશો, શાકભાજી, દારૂ, સિગારેટ, ફળફળાદિ અને કાચું લોખંડ છે.
નગરના પ્રાચીન ઇતિહાસ પર પ્રકાશ પાડે તેવાં કેટલાંક સ્થળો પર્યટકો માટે આકર્ષણ ઊભું કરે તેવાં છે. એમાં સ્પૅનિશ શાસકોએ બનાવેલો કિલ્લો, મસ્જિદ, રોમન કૅથલિક દેવળ, પ્રાચીન વસ્તુઓનું સંગ્રહાલય અને ફ્રેન્ચોએ બનાવેલું બંદર ઉલ્લેખનીય છે. નવું ઓરાન શહેર તથા યુનિવર્સિટીનું મથક આધુનિક જમાનાના વિકાસનાં દ્યોતક છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે