ઓરાઈ : ભારતના ઉત્તરપ્રદેશ રાજ્યના જાલોન જિલ્લાનું મુખ્ય વહીવટી મથક. ભૌગોલિક સ્થાન : 250 59′ ઉ. અ. અને 790 28′ પૂ. રે.. જાલૌન ગામથી ઓરાઈ 18 કિમી. અંતરે છે. તે કાનપુરથી 105 કિમી. નૈર્ઋત્યમાં છે. ઓરાઈ અને કાનપુર રસ્તા તથા રેલમાર્ગ દ્વારા તેમજ હમીરપુર અને ભીંડ સાથે પાકા માર્ગે સાંકળી લેવામાં આવ્યાં છે. ઓરાઈ કૃષિપેદાશોના ખરીદવેચાણનું મોટું કેન્દ્ર છે. જિલ્લા તથા તાલુકા બધાં શાસકીય કાર્યાલયો ત્યાં આવેલાં છે. 1871માં ત્યાં નગરપાલિકાની રચના થઈ ત્યારથી આ ગામના વિકાસનો પ્રારંભ થયો હતો. ત્યાં સરકારી ચિકિત્સાલય, ઉચ્ચતર માધ્યમિક વિદ્યાલય તથા ઉચ્ચશિક્ષણ માટે બે કૉલેજોની સગવડ છે. કુલ વસ્તીના આશરે 40 ટકા લોકો વ્યાપાર તથા ઉદ્યોગ સાથે સંકળાયેલા છે. બાકીના ખેડૂત અને નોકરિયાત વર્ગના છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે