ઓમ્સ્ક પ્રાંત : સ્થાપના 1934. કુલ વિસ્તાર આશરે 1,40,000 ચોરસ કિમી. વસ્તી : આશરે 21,74,000. તેમાં રશિયન, કઝાકસ, યુક્રેનિયન તથા તાતાર પ્રજાનો સમાવેશ થાય છે. તેની મુખ્ય નદી ઇર્ટિશ વ્યાપારી ચીજવસ્તુઓના જળવાહન માટેનું મથક છે. આ પ્રાંત જંગલ તથા ઘાસના વિસ્તીર્ણ મિશ્ર પ્રદેશમાં આવેલો છે. ત્યાં દીર્ઘસમયનો તીવ્ર શિયાળો તથા ઓછા ભેજવાળી આબોહવા હોય છે. ઇસિલકુલ, કલાચિન્સક, ટારા તથા ટાયકાલિન્સ્ક્ તેનાં મુખ્ય નગરો છે. વસંતઋતુમાં પાકતા ઘઉંના ઉત્પાદનમાં રશિયામાં તેનો પ્રથમ ક્રમ છે.
પ્રાંતના ઉત્તર દિશાના વિસ્તારમાં ઢોરઉછેર તથા માખણનું ઉત્પાદન અને દક્ષિણ તરફના પ્રદેશમાં ફળદ્રૂપ જમીનને લીધે સઘન ખેતી પર ભાર મૂકવામાં આવે છે. ખાદ્યપદાર્થો પર પ્રક્રમણ, ધાતુ તથા ઇમારતી લાકડાંની ચીજવસ્તુઓના ઉત્પાદનનાં કારખાનાંઓનો ત્યાં વિકાસ થયો છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે