ઓબ્રા બંધ : ઉત્તર પ્રદેશના મિરઝાપુર જિલ્લાના રૉબટર્સગંજ તાલુકાના ઓબ્રા ગામ (250 0′ ઉ. અ. અને 820 05′ પૂ. રે.) નજીક રિહાન્ડ નદી પર આવેલો (રિહાન્ડ બંધનો) સહાયકારી બંધ. આ બંધ માટી/ખડક પૂરણી દ્વારા બનાવવામાં આવેલો છે. રિહાન્ડ બંધમાંથી છોડવામાં આવતા જળમાંથી તેનું જળાશય ભરાય છે. તે રિહાન્ડ બંધથી ૩2 કિમી.ને અંતરે હેઠવાસમાં આવેલો છે. તેના જળપાતમાંથી 99 મૅગાવૉટ (મહત્તમ ક્ષમતા) વીજળી મળે છે. જળાશયના (જળ)-જથ્થાનો મુખ્ય ઉપયોગ ઓબ્રા ખાતેના તાપવિદ્યુત મથકમાં ઠંડક-પ્રસાર માટે થાય છે.

ઇતિહાસ : ઓબ્રા આજુબાજુના વિસ્તારનું ભૂસ્તરીય સર્વેક્ષણ ડૉ. જે. બી. ઑડેન દ્વારા સર્વપ્રથમ 19૩૩માં કરવામાં આવેલું. તેમણે અહીંની વિંધ્ય રચનાના ભૂસ્તરીય નકશા બનાવેલા તેમજ આ ખડકરચનાના ધોવાણથી સોન નદીમાં થતી કણજમાવટનો ખ્યાલ આપેલો. રિહાન્ડ નદીની જળસંપત્તિનો ઉપયોગ કરવાના હેતુથી ઓબ્રા ગામ નજીક બંધનું સ્થળ પસંદ કરવા માટેની તપાસ 1944માં શરૂ થયેલી. 1970ના દસકામાં ઓબ્રા બંધનું કામ પૂર્ણ થયેલું.

ભૂસ્તરીય માહિતી : ઓબ્રા બંધ નિમ્ન વિંધ્ય રચનાના આછા ગેડવાળા કજરાહટ ચૂનાખડક અને શેલ પર બાંધેલો છે, જ્યારે જળાશયનો વિસ્તાર પણ કજરાહટ ચૂનાખડક પર શરૂ થઈ ઉગ્ર ગેડવાળા બીજાવર શ્રેણીના ખડકો ઉપર પથરાયેલો છે. આ બંને રચનાઓ અસંગતિ(unconformity)ના સંપર્કથી જોડાયેલી છે. અહીંના ખડકો સ્તરભંગવાળા હોવા છતાં ભૂકંપની કોઈ વિશિષ્ટ અસરના પુરાવા ઉપલબ્ધ થયા નથી. 19૩4માં થયેલા બિહાર-નેપાળ ભૂકંપનું નિર્ગમનકેન્દ્ર ઓબ્રા બંધસ્થાનથી પૂર્વી-ઈશાન તરફ 400 કિમી.ના અંતરે હતું. ભારતનો આ વિસ્તાર 2 નંબરના ભૂકંપીય વિભાગમાં આવતો હોવાથી કોઈ હોનારતની શક્યતા નથી; તેમ છતાં બંધના નિર્માણ વખતે બંધ અને છલતી માટે તેમજ સમગ્ર માળખા અને જળાશય માટે જરૂરી સલામતીનાં પગલાં લેવાયેલાં છે. ભૂસ્તરીય ર્દષ્ટિએ અહીં શરૂઆતની તપાસ વખતે ત્રણ સ્થાનો બંધ માટે પસંદ કરાયેલાં, આ ત્રણેય સ્થાનો છેવટે પડતાં મુકાયેલાં અને નજીકના હેઠવાસના સ્થાન પર પસંદગી ઊતરેલી, ત્યાં કામ શરૂ કરેલું. ભૂભૌતિક સર્વેક્ષણ કરીને કાંપ આવરણ હેઠળના ભાગનો ભૂસ્તરીય અભ્યાસ કરેલો તથા ભૂગર્ભજળ સર્વેક્ષણ દ્વારા જળચુસ્તતા તપાસી જવામાં આવેલી. બંધના અક્ષસ્થાને નદીતળ નીચે 24 મીટરનો અધિભાર હતો. કાર્બનદ્રવ્યયુક્ત શેલ અને ચૂનાખડકની દાબક્ષમતા અનુક્રમે 415થી 682 કિગ્રા./ચોસેમી. અને 766થી 1,૩99 કિગ્રા./ચોસેમી. મળેલી.

અહીંનો ચૂનાખડક દ્રાવણજન્ય બખોલોવાળો હોવાથી તે માટે ખાઈ બનાવીને તેને અભેદ્ય દ્રવ્યથી પૂરેલી છે. જ્યાં જરૂર હતી ત્યાં ગ્રાઉટિંગ/કૉંક્રીટ પણ કરાયું છે. સાંધા, સ્તરભંગ, ફાટવિભાગોની માવજત પણ કરી છે. બાંધકામ પૂરું થયા પછી કસોટીઓ દ્વારા તે અંગે ખાતરી કરી છે.

ઓબ્રા બંધનાં મુખ્ય લક્ષણો :

બંધની ઊંચાઈ : 2૩ મીટર
સ્રાવ-વિસ્તાર ઓબ્રા ખાતે સ્રાવ-વિસ્તાર-રિહાન્ડ : 1૩,880 ચોકિમી.
બંધ અને ઓબ્રા વચ્ચે : 546 ચોકિમી.
જળપ્રવાહ- : સામાન્ય પૂર : 1૩,880 cumecs
ક્ષમતા : ઘોડાપૂર : 17,000 cumecs
જળાશય : સામાન્ય જળ-સ્તર-સપાટી : 191.72 મીટર R-L
પુરજોશમાં પાવરહાઉસ કાર્યશીલ હોય ત્યારે રહેતી જળસ્તરસપાટી : 19૩.24 મીટર R-L
મહત્તમ જળસપાટી સામાન્ય પૂર વખતે : 194.77 મીટર
ઘોડાપૂર વખતે : 196.44 મીટર
19૩.24 મીટર-સ્તરે જળાશય ભરાયેલું હોય ત્યારે જળપ્રસાર : 18 ચોકિમી.
બંધનો પ્રકાર : નદી વિભાગમાં માટી/ખડકપૂરણી,
જમણી ધાર પરની
છલતી કાક્રીટથી
માટી-ખડક પૂરણીવાળા ભાગની શીર્ષ-લંબાઈ : 467 મીટર
કાક્રીટવાળા ભાગની શીર્ષલંબાઈ : ૩58.76 મીટર
જમણી બાજુના અવરોધની લંબાઈ : 575 મીટર
ડાબી બાજુના અવરોધની લંબાઈ : 605 મીટર
કુલ શીર્ષ-લંબાઈ : 2,000 મીટર (અંદાજે)
પાવરહાઉસ : કદ : 100 મી. ´ 2૩.2 મીટર
એકમોની સંખ્યા : પ્રત્યેક ૩૩ મૅગાવૉટના ૩ એકમ
ઊર્જા-ક્ષમતા : 99 મૅગાવૉટ

ગિરીશભાઈ પંડ્યા