ઓડેન, ડબ્લ્યૂ. એચ.
January, 2004
ઓડેન, ડબ્લ્યૂ. એચ. (જ. 21 ફેબ્રુઆરી 1907, ઇંગ્લૅન્ડ; અ. 28 સપ્ટેમ્બર 1973, વિયેના) : વીસમી સદીના વિશ્વવિખ્યાત અમેરિકન કવિ. આખું નામ વ્હિસ્ટન હ્યુ ઓડેન. હોલ્ટમાં ગ્રેશામ્સ સ્કૂલમાં ભણી ઑક્સફર્ડની ક્રાઇસ્ટ ચર્ચ કૉલેજમાં પ્રવેશ પામ્યા. યુવાન ડાબેરી-સમાજવાદી લેખકવર્તુળ(Pylon Poets)ના તે અગ્રગણ્ય સભ્ય હતા. આ વર્તુળમાં ટી. એસ. એલિયટ, જેમ્સ જૉઇસ, એઝરા પાઉન્ડ, લુઈ મેકનીસ, સ્ટિફન સ્પેન્ડર અને ક્રિસ્ટોફર ઇશરવૂડ જેવા કલામાં ક્રાંતિ લાવનારા સભ્યો હતા. ઓડેનનાં પ્રારંભિક કાવ્યોમાં અસાધારણ છંદ, શબ્દ અને ઉપમા તથા જાઝ-સંગીતના તાલ છે. તેમના કાવ્યસંગ્રહો ‘પોએમ્સ’ (1930) અને ‘ધ ઓરેટર્સ, એન ઇંગ્લિશ સ્ટડી’(1932)માં સભ્યતા અને સંસ્કૃતિના વિલીનીકરણનો સૂર છે. ઑક્સફર્ડના અભ્યાસ પછી થોડો સમય ઓડેન જર્મનીના બર્લિન શહેરમાં રહ્યા પછી 1929માં ઇંગ્લૅન્ડમાં શિક્ષક બન્યા. તે તેમના મિત્ર અને સહયોગી ઇશરવૂડને મળવા વારંવાર જર્મની જતા. ઇશરવૂડના સહયોગમાં ઓડેને ત્રણ નાટકો લખ્યાં છે : (1) ‘ધ ડૉગ બિનીથ ધ સ્કિન’ (1935), (2) ‘ધ એસેન્ટ ઑવ્ F6’ (1936) અને ‘ઑન ધ ફ્રન્ટિયર’ (1938). તેમના કાવ્યસંગ્રહો ‘લૂક સ્ટ્રેન્જર’ (1936) અને ‘જર્ની ટુ અ વૉર’(1939)માં તેમની યુદ્ધવિરોધી રાજકીય વિચારસરણી પ્રગટ થાય છે. 1936માં મહાન જર્મન લેખક ટોમસ માનની પુત્રી એરિકા માન સાથે લગ્ન કર્યું. 1937માં તેમને ‘કિંગ જ્યૉર્જ ગોલ્ડ મેડલ ફૉર પોએટ્રી’ એનાયત થયો.
1939માં ઓડેન અમેરિકા ગયા અને 1946માં અમેરિકન નાગરિક બન્યા. શરૂઆતમાં સંગીતકાર બેન્જામીન બ્રિટન સાથે ‘પૉલ બનિયન’ (1941) નામનું સંગીતપ્રધાન ઑપેરા લખ્યું. ‘અનધર ટાઇમ’ (1940), ‘ધ ડબલ મૅન’ (1941), ‘ફૉર ધ ટાઇમ બીઇંગ’ (1944) અને 1948માં પુલિત્ઝર-પ્રાઇજ પ્રાપ્ત કરનાર કાવ્યસંગ્રહ ‘ધ એજ ઑવ્ અકઝાયટી’(1947)માં કવિની ર્દષ્ટિનો ક્ષિતિજવિસ્તાર થતાં વિવિધ વિષયોમાં રસ જાગે છે અને નવા નવા છંદ અને કાવ્યસ્વરૂપો પર પ્રભુત્વ દેખાય છે. 1945માં ‘ધ ક્લેક્ટેડ પોએટ્રી ઑવ્ ડબલ્યુ. એચ. ઓડેન’ પ્રગટ થતાં તેમની કવિતા બહોળા વાચકવર્ગમાં વંચાય છે. ‘નોન્સ’ (1951), ‘ધ શીલ્ડ ઑવ્ એકિલિસ’ (1955), ‘હૉમેજ ટુ ક્લીઓ’ (1960), ‘એબાઉટ ધ હાઉસ’ (1965) અને ‘સિટી વિધાઉટ વૉલ્સ’ (1969) કાવ્યસંગ્રહોમાં સરળતાનો આભાસ જન્માવતાં ટૂંકા કાવ્યો છે. ઉપરાંત ‘એપિસ્ટલ ટુ અ ગોડસન’ (1972), ‘એકૅડેમિક ગ્રાફિટીંગ’ (1972) નોંધપાત્ર કાવ્યગ્રંથો છે. 1954માં ઓડેનને કવિતાનું ‘બોલિંગેન પોએટ્રી પારિતોષિક’ અર્પણ થયું. 1956થી 1961 સુધી તે ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં કવિતાના અધ્યાપક રહ્યા હતા. ‘ધી ઍન્ચેફ્ડ ફ્લડ : ધ રૉમેન્ટિક આઇકોનોગ્રાફી ઑવ્ ધ સી’ (1951) ‘ધ ડાયર્સ હૅન્ડ’ (1962) અને ‘ફૉરવર્ડ્ઝ ઍન્ડ આફ્ટરવર્ડ્ઝ’(1973)માં તેમના વિવેચનાત્મક નિબંધો છે. નવી પેઢીના કવિઓ પર તેમણે શિક્ષણ, કવિતાવાચન અને પ્રવચનો દ્વારા મહત્વનો પ્રભાવ પાડ્યો છે. જુવાન કવિઓની ‘યેલ’ ગ્રંથાવલિનું તેમણે સંપાદન કર્યું છે. 1967માં તેમને ‘નૅશનલ મેડલ ફૉર લિટરેચર’ એનાયત થયો હતો. 1972માં તે ઑક્સફર્ડમાં માનાર્હ ફેલો તરીકે પુન: આવ્યા હતા.
ગુજરાતી કવિ નિરંજન ભગતે ઓડેનના કેટલાંક કાવ્યો ગુજરાતીમાં અનૂદિત કર્યા છે.
કૃષ્ણવદન જેટલી