ઓડિંગા (અજુમા) ઓ ગિંગા
January, 2004
ઓડિંગા (અજુમા) ઓ ગિંગા (જ. ઑક્ટોબર 1911-12, કેન્યા; અ. 20 જાન્યુઆરી 1994, નૈરોબી, કેન્યા) : પોતાના દેશમાં ‘ડબલ ઓ’ (OO) નામથી ઓળખાતા કેનિયાના રાષ્ટ્રવાદી નેતા તથા સ્વાતંત્ર્ય ચળવળમાં જોમો કેન્યાટાના વફાદાર સાથી કાર્યકર. તેમનું શિક્ષણ યુગાન્ડાની મેકેરેની યુનિવર્સિટી કૉલેજમાં થયું હતું. શરૂઆતમાં શિક્ષક તરીકે કાર્ય કરેલું. દેશની વિધાન પરિષદમાં આફ્રિકાના ચૂંટાયેલા સભ્યોના સંગઠન(African Elected Members Organization)ના પ્રમુખ (1957). પરિષદમાં કેનિયાની સ્વાધીનતા ચળવળના પ્રમુખ (1959).
બ્રિટિશ સરકારની વિવિધ જાતિઓને રાજકીય પ્રતિનિધિત્વ આપવાની નીતિનો ટૉમ ઍમ્બોયા સાથે પ્રતિકાર કર્યો. 1960માં સ્થપાયેલ કેનિયા આફ્રિકન નૅશનલ યુનિયન(KANU)ના ઉપપ્રમુખ તથા પક્ષની બંધારણ સમિતિના સક્રિય સભ્ય હતા. 1963માં દેશની પ્રતિનિધિ સભા(House of Representatives)ના સભ્ય. તે જ વર્ષે ડિસેમ્બરમાં કેનિયા સ્વતંત્ર થતાં ગૃહપ્રધાન નિમાયા (1963-64) અને તે પછી ઉપરાષ્ટ્રપ્રમુખ તથા ખાતા વગરના પ્રધાન બન્યા. 1965-66માં દેશની ભાવિ નીતિ અંગે ટૉમ ઍમ્બોયા સાથે સૈદ્ધાંતિક વિવાદ જાગ્યો. ઓડિંગાએ અર્થતંત્રના રાષ્ટ્રીયકરણની તથા સંપત્તિની ન્યાયી વહેંચણીની પ્રખર હિમાયત કરી, ત્યારથી તે ડાબેરી રાજકીય વિચારસરણી ધરાવતા જૂથના નેતા ગણાયા. ઉક્ત વિવાદને પરિણામે તેમણે જોમો કેનિયા તથા ‘કાનુ’ પક્ષ સાથેના સંબંધોનો વિચ્છેદ કર્યો અને ‘કેનિયા પીપલ્સ યુનિયન’ (KPU) નામથી નવા ડાબેરી પક્ષની રચના કરી. જોમો કેન્યાટાએ આ પક્ષ પર પ્રતિબંધ મૂક્યો (1966) તથા ઓડિંગાની ધરપકડ કરવામાં આવી. 1971માં તેમને મુક્ત કરવામાં આવ્યા અને તે ‘કાનુ’ પક્ષમાં ફરી દાખલ થયા. 1974માં જોમો કેનિયાએ કોઈ પણ રાજકીય પદ હાંસલ કરવાના ઓડિંગાના પ્રયત્નો પર પ્રતિબંધ મૂક્યો. 1975માં ઓડિંગા, પક્ષની એક જિલ્લા શાખાના પ્રમુખ ચૂંટાયા. 1977માં અલ્પકાળ માટે ફરી તેમને કારાવાસ ભોગવવો પડ્યો. 1979માં તેઓ સ્ટેટ કૉટન બૉર્ડના ચૅરમૅન બન્યા. ચૂંટણી દ્વારા રાજકીય પદ મેળવવાની તેમની ખ્વાહિશ 1981માં ફરીથી બર આવી નહિ. 1982માં ‘કાનુ’ પક્ષમાંથી તેમને દૂર કરવામાં આવ્યા અને નજરકેદ રાખવામાં આવ્યા. 1983માં તેમને મુક્ત કરવામાં આવ્યા.
તેમણે લખેલા ગ્રંથોમાં ‘નોટ યટ ઊહુરુ’ (1967) ધ્યાનપાત્ર છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે